દક્ષિણ આફ્રિકાને સદાને સારુ છોડીને ગાંધીજી 1914ના જુલાઈમાં હિંદ ભણી રવાના થયા; વાટમાં એમને ઇંગ્લંડમાં રોકાવાનું હતું. પણ ફિનિક્સ આશ્રમના કેટલાક સાથીઓ અને વિદ્યાર્થીઓને એમણે સીધા હિંદ રવાના કરેલા. 1915ના આરંભમાં પોતે હિંદ પહોંચ્યા પછી ગાંધીજી એ ફિનિક્સ મંડળીને જ્યાં ઉતારો મળેલો તે શાંતિનિકેતન ગયા. ત્યાં વિધિવિધાનપૂર્વક એમનું ભાવભરેલું સ્વાગત થયું. તેનાથી તૃપ્ત થઈને ગાંધીજી બોલી ઊઠેલા કે, કયા ભારત માટે હું પ્રાણ અર્પવા કટિબદ્ધ થયો છું, એની ખબર ન હતી. આજે તેનું અપ્રતિમ ઐશ્વર્ય ઉપલબ્ધ કરી શક્યો છું.
પછી ગાંધીજીના આગ્રહથી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં હાજર રહેવા રવીન્દ્રનાથ 1920માં અમદાવાદ આવ્યા, ત્યારે એમનો ઉતારો અંબાલાલ સારાભાઈને ઘેર શાહીબાગમાં હતો. કવિવરની સાથે આવેલા તેમના સાથી ક્ષિતિમોહન સેનને તે યજમાન-ઘરે એક અભિજાત બ્રાહ્મણનો પરિચય થયો – કરુણાશંકર ભટ્ટનો, જે 1915થી 1927 સુધી અંબાલાલભાઈની ખાનગી ઘરશાળામાં શિક્ષક હતા.
એ અરસામાં ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધમાં આવેલા કરુણાશંકરભાઈ પછીથી શાહીબાગથી સાબરમતી ઓળંગીને વહેલી સવારે સત્યાગ્રહ આશ્રમમાં જતા અને ગાંધીજી સાથે ઘંટી ફેરવતાં ફેરવતાં શિક્ષણની ચર્ચા કરતા. દરમ્યાન અસહકારનું આંદોલન વેગ પકડતું જતું હતું. એવા કાળમાં માત્ર એક કુટુંબના શિક્ષક તરીકે કામ કરતા રહેવાનું એમને સાલતું હતું. એટલે ગાંધીજીની સલાહથી તેમણે કોસિન્દ્રા ગામમાં એક આશ્રમ સ્થાપ્યો. 1927માં નોકરી છોડી પોતે એ આશ્રમમાં રહેવા ગયા. આશ્રમનો ઉદ્દેશ હતો પછાત પાલ પ્રદેશના ખેડૂતોના છોકરાઓ સંસ્કારલક્ષી ખેતી કરે તે. આજુબાજુનાં ગામોના ખેડૂતોના ફાળા ઉપર આશ્રમ ચાલતો.
અગાઉ વડોદરા રાજ્યની પ્રાથમિક શાળાના એક ઉત્તમ શિક્ષક તરીકે કરુણાશંકરભાઈને મહારાજા સયાજીરાવ જાણતા હતા. તેમણે કહેવડાવ્યું કે કરુણાશંકર આ„થક મુશ્કેલીઓ ન વેઠે. પણ આ મદદનો એ બ્રાહ્મણે આદરપૂર્વક અસ્વીકાર કર્યો અને જવાબ વાળ્યો કે જ્યારે ખેડૂતો ફાળો નહિ આપી શકે ત્યારે આશ્રમ બંધ કરી દઈશું, પણ સરકારી મદદ નથી લેવી.
રવીન્દ્રનાથે શાંતિનિકેતનમાં જે વિરલ વિભૂતિઓ એકત્રા કરેલી, તે પૈકીના ક્ષિતિબાબુ અધ્યાપક, પરિવ્રાજક, સંત અને મરમી હતા. સાહિત્ય પરિષદ વખતે અમદાવાદમાં એમની અને કરુણાશંકરભાઈ વચ્ચે પ્રેમનો જે નાતો બંધાયેલો, તે આજીવન અખંડ રહેવાનો હતો. કોસિન્દ્રામાં આશ્રમ સ્થાપવા ઉપરાંત ત્યાં જ્ઞાનયજ્ઞો યોજીને કરુણાશંકરભાઈ સમાજને સંસ્કારની લહાણી પણ કરાવતા. એ જ્ઞાનયજ્ઞ કરાવનાર પુરોહિત હતા ક્ષિતિબાબુ. 1926માં એમણે કોસિન્દ્રા અને કાશીપુરા ગામોમાં 14 વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રોતાવર્ગમાં મુખ્યત્વે આશ્રમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત આજુબાજુનાં ગામના લોકો રહેતા.
ફરી 1928માં કોસિન્દ્રા આવીને ક્ષિતિબાબુએ વ્યાખ્યાનો આપેલાં. આ બે પ્રસંગનાં વ્યાખ્યાનો ઉપરાંત અન્ય વ્યાખ્યાનો, લેખો, પત્રો વગેરેનો સમાવેશ કરતો 750 પાનાંનો ગ્રંથ ‘સાધનાત્રાયી’ પ્રગટ થયેલો છે. તેના સંપાદકો પૈકીના ઉમાશંકર જોશી આ બધાં લખાણો ગ્રંથસ્થ કરતી વખતે એક એક વાંચતા જતા ને કહેતા જતા : “નગદ સોનું, નગદ સોનું.” પછી વળી કહે : “સોનું ઓછું પડે છે – અમૃત, અમૃત.” અને છેલ્લે એ કહેતા ગયા : “અમૃતકુંભ !”
[‘સાધનાત્રાયી’ પુસ્તક]