(આ નોંધ નવેમ્બર/ડિસેમ્બર ૧૮૬૬ની છે – સંપાદક)
અવકાશ તરંગ–૩ જી નવેંબર
નવલરામ-કવિની કવિતા વાંચવાથી મનમાં જે ચિત્ર પડે છે તેનું વર્ણન કરો.
વિજ્યાશંકર-સફેદ ઘેરી ચાંદની પણ જરાક જ ફીકી હોય, એવું આસમાન દેખાતું હોય, તાડનાં ઝાડ ઉંચાં આવી રહ્યાં હોય, એની પાછળ ઝાડના ચાર પાંચ જથા હોય, સરોવર ખળી રહ્યું હોય, મોટાં કુમુદ ખીલ્યાં હોય એવા રંગમાં પ્રૌઢ રીતોવાળો કોઈ પુરૂષ બેઠો હોય ને વચમાં વચમાં ઉશ્કેરાતો ને પાછો નિરાશ થતો એવી સ્થિતિમાં હોય તેવું.
નવલ-ઉપરનું તો ખરૂં જ-વિશેષ કે ગુલાબ કે મોગરાના છોડવામાં બેઠેલો, પણ નજર મોટાં ઝાડ વડપીપળા તરફ કરતો હોય.
મધુવછરામ-એક મેદાન હોય, થોડા થોડા લીલા ચારાથી ભરપૂર હોય ને આસપાસ ઘટાદાર પણ વચમાં થોડાં ઉંચાં એવા ઝાડ આવી છાયી રહ્યાં હોય,આકાશ સ્વચ્છ પણ પૂર્વ તરફ સૂરજ અસ્તથી જેવો સિંધુરીઓ થાય છે એવું, મેદાનમાં વચ્ચે નદી વહેતી ને પછી નદીથી આઘું થોડે એક પેલાં ઝાડ તરફ જોઈને વિચારમાં રમતો.
નર્મદા-વિશાળ ખેતર, તેમાં વચમાં વચમાં પીળા રંગના મેરાબના ધોરાવાળી વાડીઓ-કિત્તા હોય જેમાં ફૂલ સફેદ કે સિંધુરિયાં ને પીળાં બ્હેંકબહેંક થઈ રહ્યાં હોય, એક ઝાપટું આવેથી જમીન ધોવાઈ ગઈ હોય ને મેદિની કંઈક ફીકી પણ સ્વચ્છ હોય તેવા દેખાવમાં કોઈ પુરૂષ પ્રૌઢ રીતે ઉંડા વિચારમાં મગ્ન હોય પણ એકાએક પાસેના ઘાસનો ભડકો થયેલી ઉશ્કેરાયલો પણ પછી પ્રેમમાં ગળેલો હોય તેવો.
નવલરામ–હવે કવિતા પરથી પ્રેમાનંદનું સ્વરૂપ ને ગુણનું વર્ણન કરો.
મછુવછરામ-ઉંચો, જાડો નહિ, તેમ પાતળો નહિ, શાણો પ્રૌઢ દેખાવનો (Commanding), આંખ ચંચળ નહિ, ઘણી જ લાગણીવાળો, એકને જ વળગી રહેલો, ઘઉંવર્ણો.
વિજયાશંકર–મહેતાજી જેવો લાંબો પાતળો પણ ભરાવ; ઠાવકો પ્રૌઢયુક્ત આંખ વિશાળ, (નરભેરામ પ્રાણશંકર જેવો) ગંભીર પણ અંદરથી દરદવાળા, કાને નિમાળા, નાક જરાક લાંબું, છાતીએ નિમાળા, પ્રૌઢ દશા બતાવતા, ઠાવકી મશ્કરી કરનારો.
નવલરામ-ઉંચો ભરેલા શરીરનો, દૃષ્ટિ સ્થિર, વિવેકી, બટકબોલો નહિ, પણ ચાહે તાહારે ભાષામાં સઘળા રસ આણી શકે, એક પર પ્રેમ રાખનારો, શુદ્ધ મનનો, બેવફાનું દુ:ખ ન જોયલું, આંખ લહેરમાં, ઘણો નિશો કરનાર નહિ.
નર્મદા-દૃષ્ટિ ઘણી ચંચળ નહિ એટલે તેની લાગણીઓ તેની આંખ ઉપરથી જણાય. તેની લાગણી બાર પડતી નહિ પણ સરખી એટલે માંહેની માંહે સઘળે ઠેકાણે કુદી રહેલી; કંઈક સખી ભાવ ખરો; પ્રેમમાં ગગળે તે વેળાએ રડે તેવો ખરો (મણિનંદ પંડયા જેવો), પાકી ઉંમરે એકધ્યાયી પણ જુવાનીમાં પ્યાર કરેલો; ઉંચો, કદાવર, ઘઉંવર્ણો, ઘણો નિસો કરનારો નહિ,–એણે પ્રીતિનું સુખ જ જોયલું.
હવે સામળ વિષે.
એ જાડો. ઉંચો અમદાવાદી રોંચા સરખો, આંખ ચપળ, શઠ, મુંછાળો, જે આવે તે ખપે તેવો, લોકમાં મળીને રહેનારો.
નવલ-મીચેલ આંખ, આનંદી સ્વભાવ, નાટકી, દડીદાર, ઘણો પોંચેલો, જાડી રસિકતાવાળો, ઘણો અનુભવી, બીજાને ભોળવી નાંખે તેવો, પોતાનું મહત્ત્વ બતાવતાં સારૂં આવડે, પ્રેમબાજી કરેલી, બેવફાઈ ઘણી અનુભવેલી, પણ હસવામાં કાઢી નાંખેલી.
વિજયાશંકર-પુખ્ત દેવાવ, લાંબો પોળો, ધોતીઉં દૂટી નીચે પેરે તેવો, પેટ જરા આગળ પડતું, છાતીએ નિમાળા, મૂછ મોટી, દાંત સફેદ, વધારે શ્યામતાવાળો, આંખ ચપળ વિશાળ ઘુરકાવતી, અવાજ જાડો તડાકા લે તેવો, શઠ લુચ્ચો ગરબડીયો.
નર્મદા-લપન્નછપન્નીઓ, ગેટકી, અંગે કાળાશ જરા વધારે, નિમાળા છાતીએ, નિશો કરનારો, વિષયી, પ્રેમમાં સમજનારો ખરો પણ જાતે ઈશકી ખરો. ભોગી નહિ, ચપળ, પ્રેમાનંદ કરતાં વધારે બાર પડતી લાગણીનો, અભિમાની, ઠુમસા હાથ લાંબા લાંબા કરીને કવિતા વાંચવાવાળો, એને દુ:ખ નહિ.
હવે દયારામ.
આંખ ચંચળ, લાગણી બતાવનારી, મારકણી; લાગણી ચેરાપરથી મોહ પમાડે; સખીભાવ ખરો; પ્રૌઢપણામાં રહ્યો છતે હાસ્ય કરનારો, ને તેમાં મોટાઈ માનનારો; શઠતા ખરી, પણ વળી ગગળી પણ જાય.
નવલ–આંખ ચંચળ, તેમાં ઉપજેલા અનુભાવને વિવેકે ડબાવતો; લાગણી બેવફાઈથી શઠતાને પામેલી, ધર્મનો જુસ્સો ખરો.
કે0–શુદ્ધ મન નહિ, પ્રેમી ખરો ને શઠ પણ ખરો; કબીલામાં રાખવાં લાયક નહિ, આત્મસ્તુતિ ઘણી ગમે; આખો દાડા વિચારમાં, દોસ્તીમાં સાચો.
વિજયાશંકર–અંશી, વિવેકી, જુસ્સાવાળો, મર્દ બહાદુર, સચ્ચાઈવાળો, ઘણાં વિષયનો અનુભવી, પોતાને વિષે આનંદી, કોઈ ગમે તે કહો, દર્દી, મસ્તપણઆને લીગે ગરબડિયો, નિસાસા મુકનારો, કોઈ કદર કરનારૂં નહિ તેથી માનની દરકાર રાખનારો.
મધુવછરામ–દર્દી પણ કંઈક શઠ બનેલો, જોસ્સાવાળો, પોતાને વિષે બહુ બોલનારો, લોકને તદબીરથી રીઝવતો, સૃષ્ટિસૌંદર્યમાં મસ્ત; કોઈનો તુંકારો ન સાંભળે તેવો.
નવલ–મનની ઘણી સ્થિતિ જણાય છે. ઉગતી જુવાનીમાં લાગણી ઘણી બારીક ને ઉંચી; માનનો અત્યંત ભુખ્યો; શુદ્ધ પ્રેમમાં મસ્ત; સ્વભાવમાં રંગીલો, નિર્લોભી, માનને અર્થે ચારે ભેદ વાપરનારો, અનુભવી, પાંચ વરસનું એક વરસમાં જાણતો, પ્રીતિમાં પોતે શુદ્ધ છતાં ઘણી બેવફાઈમાં રીબાવાથી લાગણીઓ નરમ પડેલી. જ્ઞાન તરફ વધારે જવા માંડેલું. શઠતાને મન પોંચેલું પણ વચમાં વચમાં મૂળનો જોસ્સો બાર પડતો. એ શઠતાનો દોષ પ્રકૃતિ ઉપર મુકામ કરતાં માઠા અનુભવ ઉપર વધારે આવે, તે માઠાં પરિણામ વાંચનારને દયા ઉપજાવે છે. સ્વતંત્ર મનનો ગરબડીઓ નહીં ને વિવેકી, ગરબડ પણ વિચારની સાથે જ નિકળેલી, શૂર ખરો.
નર્મદા-શુદ્ધ ને ઉંચો પ્રેમી— પ્રથમ પ્રેમમાં મસ્ત પણ પછી શઠ થયલો એમ તો નહીં, દુ:ખથી વિવેકી થયલો અથવા બેદરકાર થયલો. તેની પ્રીતિમાં કપળછઠ તો નહીં જ, સ્થિતિ ઘણી બદલાઈ, ઘણું અનુભવેલું તેથી દુનિયાનો ઢોંગ સમજી બેદરકારી રાખતો, પ્રથમ માનનો ભૂખ્યો, પાછળ નહિ; કદર ન થયેલી તેથી અકળાયલો, કુદરતના નિયમો તે જ્ઞાનીની સમજે નીતિમાન, પણ દુનિયાની રીતે અનીતિમાન; પ્રસંગ ઘણા માથે પડેલા તેથી ગરબડિયો, પણ જે વેળા જે કામ કરે તે સેજ વિચારવાળુંજ કરે ને સ્વતંત્ર રીતે, લોક સારૂં માઠું કહે તેની દરકાર નહિ. કુલીન ને શૂરો, મનમાં ગુંચવાડો નહિ, સ્વચ્છ સમજનો; બારથી ફક્કડ પણ મહીંથી દુ:ખી, પણ તેનું સમાધાન પોતાનીજ મેળે કરતો. લાગણીવાળો-પ્રથમ મસ્ત, પછવાડેથી વિવેકી ને થંડો દેખાતો. લુચ્ચાઈનો ધિકારનારો, મમતી ખરો.
તા. ૨૨ ડિસેમ્બર ‘હોમર’ના ૧00 ગુણ લેતાં.
અવકાશતરંગ પ્રેમાનંદ નર્મદાશંકર દયારામ સામળ
નવલરામ ૬0 ૬0 ૩૫ ૨0
વિજયાશંકર ૬0 ૬૫ ૪0 ૩0
મધુવછરામ ૭૫ ૬0 ૫0 ૨0
પછી મને પૂછ્યું ત્યારે
નર્મદાશંકર ૬0 ૭0 ૪0 ૩0
રાતે-
પ્રેમાનંદની ભાષા– વિષય સાંસારિક હોવાથી ને વિચાર સાધારણ હોવાથી, એટલે ઝાઝા ઉંચા નથી તેથી ને દેશીમાં હોવાથી સરળ છે.
મારી ભાષા–લીધેલા વિષયમાં નવી જ હોવાથી વિચાર ઘણા ઉંચા, ને ભારે હોવાથી અક્ષર કે માત્રામેળ છંદમાં હોવાથી સરળ નથી.
તેની ભાષા એક સરખી સર્વત્ર છે.
મારી ભાષા તેવી નથી, બહુ ભાષાના શબ્દો છે. મારા અર્થરસને સંસ્કૃત શબ્દ કરતાં ફારસી શબ્દ બરોબર દેખાડે તો હું ફારસી લખું જ. ભાષા ઘડાય છે. હજી મારા ગદ્યની ભાષા સૌ જ વખાણે છે ને તેના જેવી બીજી કોઈની નહિ એમ કહે છે. મારી કવિતાભાષા માપના બંધનથી, ગુજરાતીમાં પુરતા શબ્દ ન હોવાથી, સુધારાના અણછેડાયલા વિષયને માટે પહેલી જ વાપરવામાં આવતી છે તેથી ગદ્ય જેવી સુંદર નથી. વાંક કવિનો નથી પણ ભાષાનો છે, લોક કવિતા વખાણે છે પણ તેની ભાષાને નહિ, એ ખરૂં છે, પણ કેટલાક સમજે છે કે મારા વિચાર સુંદર ભાષામાં દેખડાવાની મારામાં શકિત નથી ને કેટલાક સમજે છે કે મારી ભાષા સુંદર નથી; પણ એ બોલવું ખરૂં ક્યારે કે જો મારી ગદ્યભાષા સારી ન હોય તો. બન્નેમાં મારી જ ભાષા છે.
સ્વભાવોક્તિ ને બાહ્ય વર્ણન રસભરી વાણીમાં, વળી ભણેલા કે અનુભવીજન સમજે તેવાં વર્ણન, ચિત્ર, સ્થિતિ સ્વભાવ કે જે લોકભાષામાં સારી રીતે મુકાયજ નહિ તે – એ સૌંદર્ય મારી કવિતામાં છે.
રીતભાતનાં ને સ્વભાવનાં વર્ણન ને સ્થિતિનાં ચિત્ર અતિશયોક્તિને રંગેલાં ને લોકભાષામાં મુકાયલાં, એ સૌંદર્ય પ્રેમાનંદની કવિતામાં છે.
મારી કવિતા સ્પષ્ટસૂચક છે અને તેની સ્પષ્ટજ છે.
તેની કવિતા હસતી જ છે, ને મારી હસતી, રડતી, ડાહી, છટેલી, શૂરી, જ્ઞાની છે.