તા. ૨૦જાનેવારી સોમવાર

ન0 તા. ૯ મીએ મેં જે છેલ્લે કહ્યું હતું તે ઉપર તું વિચાર કરતી જણાતી નથી-કેવળ નંઘરોળપણું તારૂં જોવામાં આવે છે-કંઈ સાંભરે છે મેં શું કહ્યું હતું તે?

ડા0 મહિનો દહાડો તું કેવી – તે દેખાડ એમ કહ્યું હતું.

ન0 ના મેં એમ નથી કહ્યું-ફરીથી સંભળાવીશ.

સવાલ- તું તારા દોષ કે ન દોષ વિષે શું ખાતરી આપે છે?

જવાબ- મારો સ્વભાવ ને નીતિથી તમે ઘણા વર્ષના અનુભવથી જાણો જ છો ને ખાતરી કરવાની.

સવાલ- હવે શું ખાતરી આપે છે?

જવાબ- જે કહો તે.

[ફરીથી વાંચી સંભળાવ્યો તા. ૯ મીનો ઠરાવ]

૧૯૩૯ પોષ વદ ૩ શુક્ર તા. ૨૬ જાનેવારી ૧૮૮૩

હું મારા ઇષ્ટદેવના સાંબના શપથ લેઈ કહું છું હવે પછી તમો મારા ધણી મારી વર્તણુકથી અપ્રસન્ન થાઓ તેવું આચરણ કરવાની બુદ્ધિ નહિ કરૂં- કરૂં તો મારૂં પુણ્ય જે કંઈ આજન્મનું તે મિથ્યા થાઓ.

૧. મનસા વાચા કર્મણા પતિવ્રત પાળીશ. પરપુરુષ પ્રતિ સ્નેહબુદ્ધિ નહિ કરૂં.

૨. પતિની આજ્ઞાને વ્રતની પેઠે પાળીશ.

૩. ઘરની વાત જીવ જતે કોઈ પરાયા જનને કે બેનપણીને નહિ કહું.

૪. ઘરમાં સવિતાગૌરી કે સુભદ્રા સાથે બેનભાવે જ વર્તીશ.

૫. તમારા આપ્યા વિના કોઈપણ સમયે જો હું ભાંગ કે બીજી કેફનો ઉપયોગ કરૂં તો કાકવિષ્ટા ખાઉં.

આગળથી ન વાંચતા દેવતા આગળ જ વાંચવાને કહ્યું.

એ પ્રમાણે કરવાને મેં કહ્યું; તેણે ઢીલે મને તેમ કરવાને કબૂલ કીધું; પણ તેટલે કેટલીક વાત નિકળી કે જે ઉપરથી ઉપરની પ્રતિજ્ઞા અમણાં કરવાની નહિ એમ જણાવ્યું ને વાત બંધ રાખી. સુભદ્રા સાથે મળીને નહિ વર્તે તેવી વાત, ભાંગ વગેરે ઉપરથી દિલ નહિ ખસેડે તેવી વાત, સ્ત્રીઓ નિર્લજ્જપણે વર્તનારી પણ સંસારમાં હોય છે, હાય, પાપ પણ થાય છે, પુણ્યપણ થાય તેવી વાત. પુરુષના હક જેટલા જ સ્ત્રીના છે તેવી વાત. હજી તેને પોતાના કર્મોનો – પશ્ચાત્તાપ નથી, હવેને માટે કાળજી નથી; ને વવી પોતાનું દુ:ખ રડયાં કરે છે.

તા. ૩૧ મીએ સવારે સુભદ્રાએ મને જાણ કરી કે રામશંકરે એક ભુરૂં પડીકું ડા0ની આગળ ફેંક્યું ને તે તેણે હાથમાં સંતાડી કહીં મુક્યું છે. ઉપરથી મેં ડા0ને પૂછ્યું ત્યારે કહે કે મને જાયફળ આપ્યું. પડીકું આપ્યું નથી. પછી મેં તે પડીકું કેસરનું ખોળી કાઢયું ને પૂછ્યું કે આ શું છે? ત્યારે કહે કે કેસર મગાવ્યું હતું તે આપી ગયા છે. તે પડીકું કેસરનું ન જણાયાથી મેં પુછ્યું શું હડતાલ મગાવી છે? ત્યારે કહે ના. પછી સુભદ્રાએ ચાખ્યું ત્યારે કહે કંઈ તુરાસ જેવું છે. પછી મેં તેમાંથી થોડુંક કાઢી જુદું પડીકું કરી ગણપતરામ વૈદ્યને ત્યાં તપાસને માટે મોકલવાનું કીધું, પણ વળી તે વિચાર માંડી વાળ્યો. રાતે દશે વાગે રામુભાઈ આવ્યા તેને પુછતાં તેણે કહ્યું કે વૈદ્યને ત્યાંથી કેસરની મેળવણીવાળું પડીકું છે. મેં ચાખ્યું તો ઝેરકચુરા જેવું કડવું લાગ્યું ને રામુભાઈને ચખાડયું ત્યારે કહે અફીણ છે. ને પછી મેં રામુભાઈને ઠપકો દીધો. મને ઓટકાર આવવા લાગ્યા ને આફીસમાં વાયુસ્રાવ થવા લાગ્યો. મેં નક્કી જાણ્યું કે અફીણ જ છે. પછી ઉપર ઉપરથી ડા0ને ઠપકો દેઈ વાત માંડી વાળી. કોઈક દહાડો ડા0એ અફીણ ખાધેલું નહિ. તે જો તેણે ખાધું હોત તો હેરાન થાત. મુદતના દિવસે પાસે આવે છે. તે તો – છે જાણી અને દેવ આગળ વંચાવવું એ બળાત્કાર જોવું થશે એમ વળી વિચાર કરી તેને તા. ૧ લીએ વંચાવ્યું. ત્યારે તે કહે કે હા હું બધી વાતે તેમ કરીશ પણ નિશાની વાતને માટે માફ કરો – એથી મારી દલગીરી જાય છે. એ તો મારે છોડવું મુશ્કેલ છે. હું તમારે શરણ છું. એટલો આગ્રહ છોડો–મેં કહ્યું તારી દયા જાણીને લખ્યું છે કે હું આપું ત્યારે લેવું બાકી તે પણ ન લખત. મારે તારી પાસે તેનો ત્યાગ કરાવવો છે. તેણે તે માન્યું ને પછી વાત પડતી રહી.

તા.૨0મીએ ડા0ની તબીયેત જાયફળ છાનાં ખાધેથી બગડેલી. તે તેણે કબૂલ કીધું છે. તે વાત મેં ઇંદિરાનંદને કરી ત્યારે તે કહે કે એને પૈસા શું કરવા આપો છો. ત્યારે મેં કહ્યું કે હું મારી યુક્તિએ ઠીક જ ચાલું છું.

તા. ૭ મી માર્ચ, મોટી શિવરાત્રીએ રાત્રે દેવપૂજન કરતાં મોટો કંકાસ કીધો હતો. પણ પછી પશ્ચાત્તાપ કરી મારી પાસે ક્ષમા માગી હતી.

તા. ૧૭મી માર્ચે, ફાગણ શુદ ૯ એ વળી પ્રતિજ્ઞાપત્રક મેં લખી તે સહી કરવાને કહ્યું. તેણે કહ્યું એમાં થોડોક ફેરફાર કરવો જોઈએ-મેં કહ્યું જેમ તને લાગે તેમ કર. પછી તેણે પોતાને હાથે લખી આપ્યું. તે પ્રતિજ્ઞાપત્રક જુદું આ ચોપડીમાં આ પાનાની પાછલી બાજુએ વળગાડેલું છે.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.