તા. ૧૪મી

ડા0 ઘણા વિચાર કીધાથી મારે માટે જોખમ રહે છે. આ તો ઇષ્ટને સોંપું છું કે તે જેવી બુદ્ધિ સુઝાડે તે ખરી. મેં જાણ્યું છે કે ભાગ્ય જ કઠિણ છે, પણ ઇષ્ટનું સ્મરણ તેને સરલ કરે છે.

ન0 તારો ઇષ્ટ કોણ છે?

ડા0 માનીએ તો બધા દેવને ને આપણા બ્રાહ્મણને તો શિવ ને માતા બે જ તો.

ન0 નાભિથી કોનું સ્મરણ કરવે પ્રીતિ ઉઠે છે?

ડા0 સંકટમાં માતા ને મહાદેવ, બૈરાને જોઈએ તો મા, પણ મને તો બાપ ઉપર વિશેષ દોડ ખરી.

[મોટી કાકી કહે છે કે મને વર્ષ દહાડો લગી કાઢી મુકી હતી. નાની કાકી કહે મને કાઢી મુકી હતી. મારી માને મારા બાપે કાઢી મૂકી હતી. માટે મોટી કાકીએ કહ્યું તું ગભરાઈશ મા. આપણે બૈરાંને તો એમ જ હોય.]

ન0 તમે કીઆં વ્રત કરો છો?

ડા0 પક્ષપ્રદોષ ને શિવરાત્રિ અને શ્રાવણમાં સોમવાર.

ન0 તારૂં નિત્ય કર્મ શું?

ડા0 શિવ કવચનો પાઠ એક નિષ્કામ, ને એક સકામ-ભયાદિ ટાળવાને અવશ્યે રક્ષણાર્થે, કોઈ પ્રાપ્તિની અર્થે નહિ, એ બીજો પાઠ ત્રણેક વર્ષ થયા કરૂં છું.

ન0 તે પ્રસંગ કિયો?

ડા0 મનસી છે, હું કહેવાને લાજું છું. નહીં કહું. અને ‘યા માતા મધુકૈટભ’ એ શ્લોકથી શકિતને નમન કરૂં છું નિત્યે અને એક વાર સરસ્વતીનો પાઠ બૃહસ્પતિનો કરેલો.

ન0 આચારાદિક પાળવા વિષે કેમ? અળગાં સંબંધી કેમ?

ડા0 ધર્મનો બાધ નથી સમજતી, વૈદકશાસ્ત્ર પ્રમાણે કૃશ થવાને અને વ્યવહારમાં મલિનતા અને ફૂવડતા ન વધે, તેનો અટકાવ કરવાને એ પાળવું. દૂર રહેવું, પણ વખતે અડકાય તો તેની ચિંતા પણ ન કરવી.

ન0 દેવપૂજન ને શ્રાદ્ધાદિક એમાં કંઈ પુણ્ય કર્મ સમજે છે?

ડા0 એ વિષયમાં મારો હજી બરોબર નિશ્ચય નથી, માટે કહી શકતી નથી; તો પણ દેવપૂજન ને શ્રાદ્ધાદિક કરવાથી દોષ છે એમ હું સમજતી નથી.

ન0 અમારા સંબંધમાં તમારૂં શું કર્તવ્ય છે તે કહો.

ડા0 તમારી ઈચ્છા પ્રમાણે મારે ચાલવું એ મારી ફરજ છે. તમારી આજ્ઞા પ્રમાણે ચાલવું એ મારી ફરજ છે. કેટલીક રીતની ઘટતી છૂટ આપવી એ તમારી ફરજ છે.

ન0 મારી ફરજ વિષે તુને મેં પુછ્યું નહોતું. તે મારે સમજવાનું છે, પણ તમારા હૃદયમાંથી નિકળ્યું છે તો હું પુંછું છું કે, હું મારી ફરજ ભુલું તો તું તારી ફરજ અદા કરવામાં ગાફેલ થાય કે કેમ?

ડા0 કદી તમે તમારી ફરજ ભુલો તો પણ મારી તો ફરજ છે કે તમારી અનુકૂળતા પ્રમાણે બની શકે તેટલું ચાલવું.

ન0 બની શકે એટલે શું?

ડા0 મારો ધર્મ તો આ જ કે તમારી આજ્ઞા પ્રમાણે ચાલવું, પણ વેળાએ પ્રકૃતિવશાત્ મારી ફરજમાં ભૂલ થાય ત્યારે લાચાર ને એને માટે દલગીર થવાનું.

ન0 અર્થ, સ્નેહ ને ધર્મ એ ત્રણમાં તારી લાગણી કોઈ તરફ વિશેષ?

ડા0 અર્થ તો ગૌણ જ. સ્નેહની નીતિ કે મારો કે ઉગારો, અને ધર્મમાં તો પ્રવડો કે ન પ્રવડો પણ ધર્મ જ, માટે એ બંને સરખાં છે, તો કેટલીક છૂટ સ્નેહમાં વિશેષ છે.

ન0 ધર્મ વિનાના સ્નેહમાં છૂટ હોય. પણ સ્નેહનો ધર્મ કે મારો કે ઉગારો, એમ સમજી વર્તવુ અને પ્રવડે ન પ્રવડે વર્તવું, એ બેમાં છૂટ સંબંધી શું આવ્યું?

ડા0 શુદ્ધ ધર્મમાં આધીનતા છે ને સ્નેહના ધર્મમાં પણ આધીનતા છે એ ખરૂં; પણ સ્નેહ વિષયમાં મનનું કારણ છે ને ધર્મ વિષયમાં બંધન કારણ છે.

ડા0 શુદ્ધ ધર્મમાં મનને મારવાનું છે. પછી અર્થ, સ્નેહ કે શુદ્ધ ધર્મ વિષયમાં. સ્નેહના મારો ઉગારો એ ધર્મબુદ્ધિનું મૂળ કારણ ઉત્તમ સ્નેહબુદ્ધિ છે અને પ્રવડો ન પ્રવડો એ ધર્મબુદ્ધિનું મૂળ કારણ કર્તવ્યબુદ્ધિ ઉપર જ પ્રેમબુદ્ધિ એ છે. સ્વભાવે સ્નેહબુદ્ધિ ને સ્વભાવે ધર્મબુદ્ધિ જુદીજુદી, પણ મારો ઉગારો એ ધર્મબુદ્ધિ સ્નેહે થયા પછી, કે પ્રવડે કે ન પ્રવડે એ ધર્મબુદ્ધિ મૂળ સ્વભાવે કે બીજે કોઈ કારણ થયા પછી જે કાર્યરૂપ ધર્મબુદ્ધિ તેમાં ફેર નથી.

ડા0 ‘આપની હાર, તું પુત્ર વસુદેવના, યદ્યપિ તુજને લાજ થોડી’ એ નરસહીં મહેતાએ કહ્યું છે તેમ સ્નેહની નીતિએ કહી શકાય. ધર્મની નીતિએ નહિ.

ન0 નરસહીંએ સ્નેહભાવે છુટ લેઈ કહ્યું અને એણે એમ ન કહ્યું હોય ને ધર્મભાવે જ કહ્યું હોય કે તારી ઇચ્છામાં આવે તેમ કર હું અધીન છું, તો બેમાં ઉત્તમ કીયું?

ડા0 હું તો એમ સમજું છું કે સ્નેહની નીતિમાં સમાનતાનો ભાવ કાંઈક ખરો ને ધર્મમાં તેમ નહિ. ઉત્તમ મધ્યમ તો જેણે જેમ માન્યું તે.

ન0 નરસહીંની એ કહેવાની શૈલી સ્નેહબુદ્ધિની છૂટવાળી, પણ એ બુદ્ધિનો ધર્મ તો આ કે, આપ કે ન આપ, હું તો તારા જ ઉપર બેઠો છું, લાજ જશે તો તારી, મારી નહિ. એને અર્પણબુદ્ધિ તે ધર્મ છે એમાં અને શુદ્ધ ધર્મે અર્પણબુદ્ધિ તેમાં તો કંઈ જ ફેર નથી.

ડા0 સ્નેહની નીતિમાં હઠ પણ હોય.

ન0 હઠ પણ હોય તે અધીનતામાં હોય કે આટલું તમારે કરવું જોઈએ. એમ પણ હોય, ને કરો વા ન કરો જેમ આપની ઇચ્છા, એમ પણ હોય. ત્રાગું કરવું એ દીનતા દાખવવી એ બેમાં ઉત્તમ શું?

ડા0 સ્નેહ ત્યાં છૂટ છે, એમ હું સમજું છું.

ન0 પણ ત્યારે સ્નેહ ઉત્તમ કીયો? એક જણ મિત્રની પાસેથી પોતાનું ધાર્યું ન થયે કે તેના દોષ જોઈ તેને છોડે, એક જણ મિત્રથી દુ:ખી થાય પણ તેને ન છોડે, એવા સ્નેહના પ્રસંગમાં ઉત્તમ કીઓ?

ડા0 ઉત્તમ નીતિ તો આ કે મનમાં સમજવું પણ છોડવો નહીં એ જ ઉત્તમ.

ન0 જે પોતાનો અર્થ ન જાળવતાં બીજાનું સારૂં કરે, જે પોતાનો અર્થ રાખી બીજાનું સારૂં કરે અને પોતાનો જ અર્થ જાળવે એમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ શું?

ડા0 અનુકુળ પ્રમાણે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ, જો કે વ્યવહારનીતિ મધ્યમ ને ઉત્તમ માટે છે.

ન0 એક જણ શુદ્ધધમભાવે ત્યાગ કરે ને બીજો પ્રાણે પણ ધર્મબુદ્ધિ છે એમ ત્યાગ કરે, તેમાં ઉત્તમ શું?

ડા0 શુદ્ધભાવે તે જ ઉત્તમ છે.

ન0 અર્થ, સ્નેહ, કે ધર્મ એ ત્રણેમાં એક જ સામાન્ય નીતિ આવે છે કે, જે વિશેષ પોતાના ભોગ આપે તે ઉત્તમ, એ તમે માનો છો કે નહીં?

ડા0 હા, એમ જ.

ન0 તારી વિલાસબુદ્ધિયે તારી ધર્મબુદ્ધિને ડાબી નાખી તુને તારા કર્તવ્યમાં ભુલાવી છે કે નહિ?

ડા0 છેક મારી વિલાસબુદ્ધિએ મને નથી ભાવ. તેમાં પણ દયા ને ધર્મબુદ્ધિનો રાહ તો; હા કેટલીક રીતે ભ્રષ્ટ છું. તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કીધું છે.

ન0 મારી આજ્ઞા ઓળંગી એ તારા ધર્મમાં ચુકી તો તેં એ ખોટું કીધંુ. સ્નેહની સમાન નીતિયે કે તારા ધર્મ પ્રમાણે જોતાં પાપ કીધું?

ડા0 સ્નેહની સમાન નીતિયે નેં તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કીધું છે. તમારૂં નુકસાન થાય એ બુદ્ધિએ કીધું હોય તો પાપ કહેવાય. તેમ કંઈ મેં કીધું નથી, મારે તમને પત જ ન કરવા એ બુદ્ધિ નહોતી. તમે હાડ નહિ જ જાઓ એમ સમજીને કીધું છે.

ન0 ‘મને નુકશાન’ એ વાત છોડી દઈ આજ્ઞાનું ઉલ્લંઘન કીધું એમાં વસ્તુત: પાપ છે એમ તો હું સમજતી નથી જ ત્યારે.

ડા0 કપટ ખેલતના જેવું નહિ ત્યાં પાપ નહિ, મેં કંઈ છુપાવ્યું નથી એટલે પાપ નથી.

ન0 આજ્ઞા ઓળંગતા પહેલાં તેમ કરવાને મને જણાવ્યું નોતું પાપ ખરૂ કે નહિ? તેં તારી મેળે મને કહ્યું નથી કે આજ્ઞા ઓળંગી એ પાપ ખરૂં કે નહિ? મારા પુછવાથી તેં લાચાર થઈ જણાવ્યું એ પાપ ખરૂં કે નહિ?

ડા0 પહેલા પ્રશ્નનો જવાબ કે તમે તે સમે હાજર નોતા; બીજા પ્રશ્નનો જવાબ કે પ્રસંગ વના શી રીતે કહું; ત્રીજાનો જવાબ કે તમારૂં ભય હતું માટે.

ન0 સમાનતાની નીતિએ આજ્ઞા ઓળંગી અને પછી વળી ભય શેનું? સ્નેહની સમાનતામાં ભય શો થાય? અને ભય હતું તો તેમાં સત્ય ને શુદ્ધતાને ભય શા માટે? માટે જ મલીનતા.

ડા0 તમે છોડેલી વસ્તુ મેં રાખેલી તેથી તમને ક્રોધ થાય એનું ભય.

ન0 પતિના સંબંધમાં સ્ત્રીએ સમાનતાનો ધર્મ રાખવો કે તેની આધીનતાનો?

ડા0 પસંદ તો સમાનતા પણ ધર્મની રીતે જોતાં અધીનતાની નીતિએ જ કબૂલ કરૂં છું.

ન0 એ રીતે તેં પાપ કીધું કે નહિ.

ડા0 હા.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.