પૂર્તિ-૨

(અ)

(ડા0 એ લેવાની પ્રતિજ્ઞાનો ખરડો)

સંવત ૧૯૩૯ ના ફાગણ શુદ ૯ વા. શનિ

હું મારા ઇષ્ટદેવ સાંબની સમક્ષ સત્ય કહું છું-

સૂરતમાં ચારેક વર્ષમાં મારાથી મારો સ્વધર્મ સચવાયો નથી-મારા પતિના સંબંધમાં, ઘરની નીતિના સંબંધમાં ઘણુંક અઘટિત કીધું છે કે જેને માટે હું સાંબ પાસે ને મારા પતિ પાસે ક્ષમા માગું છું. અને હવેને માટે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરું છું.

૧. મારા પતિ મારાથી અપ્રસન્ન થાય તેવું આચરણ કરવાની બુદ્ધિ નહિ કરૂં. કરૂં તો મારૂં પુણ્ય જે કંઈ આ જન્મનું છે તે મિથ્યા થાઓ. મનસા વાચા કર્મણા પતિવ્રત પાળીશ.

૨. પતિની આજ્ઞાને વ્રતની પેઠે પાળીશ.

૩. ઘરની વાત જીવજતે પરાયા જનને કે બેનપણીને નહિ કહું.

૪. ઘરમાં સવિતાગૌરી તથા સુભદ્રા સાથે મોટીનાની બેનને ભાવે જ વર્તીશ.

૫. પતિના આપ્યા વિના કોઈપણ સમયે હું માદક પદાર્થનો ઉપયોગ નહિ કરૂં.

અને મારા પતિનો પ્રણામ કરી પ્રાર્થના કરૂં છું કે મારો અનુગ્રહ કરો.

આ કાગળ ઉપર સહી કરવી ઠીક ન લાગી તેથી બીજો કાગળ લખી આપ્યો છે એ જ મતલબનો પણ ટુંકામાં સુઘડ રીતે. તેથી આ કાગળ રદ કીધો છે. પણ તે બંને કાગળ સાથે રહેશે. (ન.)

(બ)

(ડા0એ લીધેલી પ્રતિજ્ઞા, મૂળપ્રત તેના જ હસ્તાક્ષરમાં છે. સં.)

હું મારા ઇષ્ટદેવની સમક્ષ સત્ય કહું છું કે મારાથી મારા સ્વામિની કેટલીએક આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે કેટલાએક કારણથી તેમ થયું છે તોપણ તે મારા ધર્મથી ઉલટંુ છે એમ જાણી હવેથી હું મારા ઇષ્ટ ને પતિ પાસે ક્ષમા માગું છઉં અને હવેને માટેએ એવી પ્રતિજ્ઞા કરૂં છું કે મારા પતિ અપ્રસન્ન થાય તેવું આચરણ કરવાની બુદ્ધિ નહિ કરૂં અને કરૂં તો મારા સત્યને દુષણ લાગો. મનસા, વાચા, કર્મણા પતિવ્રત પાળીશ. પતિની આજ્ઞાને એક વ્રત માનીશ. ઘરની ગુહ્ય વાત કોઈને કહીશ નહીં. ટુંકામાં આજ્ઞા પ્રમાણે ચાલીશ એટલે બધું આવી ગયું અને મારા પતિને પ્રણામ કરી પ્રાર્થના કરૂં છઉં કે જેવી હતી તેવી પાછી મને તમારી પ્રીતિમાં લો.

લા.આ.ડા.

સંવત ૧૯૩૯ના ફાગણ સુદ ૯ શનિ.

ચૈત્ર મહિનાના ત્રણ વારનો નિયમ રાખવાનો કરેલું પણ ફાગણની હોળીને માટે તેની આતુરતા જોઈ કેટલીક ગોઠવણ રાખી હતી. જે એમ બારસે તેની સાથે પ્રસંગ પાડયો, વળી તેરસે, તેમ કરી પછી તેની વૃત્તિ જાવાને મેં સેજ વાત કરવા માંડી તેટલે તો રીસમાં બારણે ગઈ ને પાછી આવી માથા કુટી કકલાણ કીધું ને મેં પણ ઠોકી. ‘ખાઈશ નહિ, ખાવા દઈશ નહિ, ઇચ્છામાં આવશે ત્યારે તમને પટાવી લૈશ’ વગેરે બોલી. અર્થાત્ તેણે પોતે કરેલી પ્રતિજ્ઞા પાળવી નથી. મને દગો દીધો ને મારો નિયમભંગ કરાવ્યો. તે દિવસથી મેં પણ તેની સાથે કોઈ ઝાઝી વાત કરવી બંધ રાખી છે.

તા. ૧૨ મી એપ્રિલે ઇંદુ સાથે ૧|| કલાક વાત કીધેલી તે તેણે મને જણાવેલું નહિ. તેરમીએ પીહેર કાગળ લખ્યો પીહેર, તે તા. ૧૪ મીએ સવારે વાત ચરચાઈ ત્યારે જણાવી. વળી પડોસના છોકરા પાસે, ભાણા પાસે જાયફળ તથા કેસર મંગાવેલા ને તેણે સૌનાં દેખતાં આપેલાં તેથી રખેને બીજું કોઈ મને કહે તેની ધાસ્તીમાં મને કહ્યું કે એક દહોડીઆનું જાયફળ કેસર મગાવ્યાં છે. (મગાવ્યા હતા બે દહોડીઆનાં)-એ બાબતની ચર્ચા થતાં મેં કહ્યું કે મને પૂછ્યા વિના, વંચાવ્યા વિના કાગળ સુરત મોકલ્યો ને મારી આજ્ઞા નહિ. તેં પ્રતિજ્ઞા કરી છતે, જાયફળ મગાવ્યું એ ઘણું ખોટું કીધું. અવણાં મારે વધારે બોલવું નથી. જે પડોસણો સાથે બોલવાની મને કરેલી તેઓની સાથે વાતો કરે ને ઘરની, પોતાના દુ:ખની વાત જણાવે.

‘તમે તો હવે મને ઘરમાંથી કાઢવાના છો. સુભદ્રા સાથે માલવામાં હરકત ન પડે, તેમ તેને જ ઝંખી રહ્યા છો.’-એવું એવું બબડયાં કરે છે ને કંકાસ કરવાને પાછા ધુંધવાય છે.

તા. ૧૫ મી-રામનવમી. આજે સવારે કહ્યું કે તમે તો એને અથડાયા કરો છો ને એમ કહી પોતે મને અથડાઈ બતાડયું.

તા. ૧૬ મી અપરેલ ૧૮૮૩, ચૈત્ર શુદ ૯-૧0 ડા0ને બોલાવી કહ્યું:

– મેં તમ લોક સાથે રાત્રિયે વર્તવાને ચૈત્રથી તે દીવાળી સુધીનો જે નિયમ રાખવાનું ઠરાવ્યું હતું તે મેં રાખવા માંડયો છે. અમણાં સ0ના નિમિતના દહાડા છે. પરમ દહાડેથી તારા નિમિતના આવશે તો હવે સ્પષ્ટ કહી દે. તારે તે નિયમમાં આવવું છે કે ના? મારી ઇચ્છાને અધીન થવું છે કે નહિ?

ડા0 (૧) અખંડિત સુખ મારૂં ગયું ને હવે છિન્નભિન્ન મળ્યું તેથી શું વિશેષ છે?

(૨) સુ0 ને સંતતિ થાય તે નિમિત્તની સેવા મારે કરવી પડે એ મને કંટાળો છે.

(૩) ઘરમાં સગવડ નથી ને તમે તેની સાથે સયન કરો તે મારા જાણવામાં છતે ને પાસે ને પાસે છતે તે મારાથી સહન થાય જ નહિ.

અર્થાત્ દીવાળી સુધી તો હું તમને આધીન રહેવાને ઈચ્છતી નથી. સુ0નું તેમ મારૂં રૂખજો અને સુ0ના દિવસોમાં મને બહાર મોકલજો.૮

ભાગ્યવશાત એકની ત્રણ થઈ તો હવે ત્રણને માટે જે ઉચિત ધર્મ તેણે વર્તવું જોઈએ-અને એ સ્થિતિ તમારા કલ્યાણને માટે છે. લાગણી દાખવાને, ભોગેચ્છા ઓછી કરવાને અને સ્વધર્મે રહેતાં ઉત્તમ જ્ઞાન સમજવાને.

મર્યાદા કેમ રાખવી એ હું જાણું છું ને આ ઘર મર્યાદાએ તેવી સગવડનું છે. માત્ર મનમાં રહેલા ઈર્ષાના વહેમથી દુ:ખ થાય પણ તેને બદલે તું જો પોતે નિયમધર્મના પાલણમાં હોય તો દુ:ખ ન થાય. ધર્મના પાલણમાં લાગણીઓને હોમી દેવી એ જ રૂડી બુદ્ધિ સમજવી.

ડા0 અવણાં તો મારી વૃત્તિ તમે કહો છો તેવી થતી નથી. થશે ત્યારે રહીશ.

ન0 સુ0ના દિવસમાં તને દુ:ખ થાય તો તે સહન કરવું પડશે. પણ તેમાં જો કંઈ ઉગ્રપણું કે સ0થી જોવામાં આવશે તો પછી દીવાળી પછી પણ નિયમ બદલવા ઘટિત જણાશે તોપણ તારી સાથે સંબંધ કોઈ દહાડો નહિ કરૂં.

સુ0 ને પૂછ્યું કે આગળે તેં કહ્યું કે ડા0 જો નિયમમાં ન આવે તો હું પણ દીવાળી સુધી નિયમમાં આવવાને ઇચ્છતી નથી. એને જ તારે વળગી રહેવું છે કે મારી ઈચ્છાને આધીન થઈ રહેવું છે?

ઉત્તર : હું કંઈ જાણું નહિ.

ઉપલું સગળું જોતાં બંનેની અડથી ચૈત્રથી નિયમ રાખવાનું માંડી વાળ્યું છે.

તા. ૧૬ થી સમજાવવાનું પ્રકરણ ચલાવેલું તે ૧૮મીની રાતે ૧0 વાગે પૂરૂં થયું ને પછી હું ચંપકપુષ્પની સુવાસમાં નિરાંતે ઉંઘ્યો.

ચૈત્ર સુદ ૧૫, તા. ૨૨ મી અપરેલ.

સવારેથી તે બપોર સુધી કંકાસ કીધો.

ડા0 ૧, અનેક રીતે હું દુ:ખી છું તેમાં ભાંગ પીવાની નહિ એ મને મોટું દુ:ખ છે. એ જો મળતી થાય તો હું મારે ચૂપ થઈને બેસી રઉં ને મારૂં દુ:ખ મને જણાય નહિ. (થોડીવાર ચૂપ રહેવાય પણ બીજે દહાડે તેની માઠી અસર થાય જ. તમોગુણ વધારવો નીશાનો અવગુણ છે. માટે તેની છૂટ હું નથી આપતો, ને તે કર્તા તેમાં પણ અમુક દિવસે કે હું આપું ત્યારે એવો કોઈ નિયમ તો કરે નહિ. મારી ખરાબી ભાંગથી થઈ છે એ મારા મનમાંથી જતું નથી માટે હું નિયમ વિના નહિ આપું. ન0)

૨. રાતે મેં હવે આટલો નિશ્ચય કીધો છે કે કલહ ન કરવો, શાંતિ જ રાખવી. તમે તમારે જેમ ઇચ્છો તેમ કરો. (બહુ સારો નિશ્ચય છે. ન0)

૩. દિવસ મુકરરની બાબતમાં તમે ગમે તેમ કરો પણ તે જાણે તલપે બળે ને મારે તેમ કરવું એ મને ઠીક લાગતું નથી ને હું જાણું બળું ને તે તેમ કરે એ પણ ઠીક નથી માટે એ વાત છોડી દેવી.

ન0 મેં કહી દીધું કે જ્યાં સુધી તું કોઈ પણ નિયમને નહિ વળગે-તું તારૂં મોટમ રાખતાં નહિ જાણે – તું તારો સ્વધર્મ નહિ જાણે-તું ઘરની દાઝ નહિ જાણે ત્યાં સુધી હવે મારાથી તુંને કોઈ રીતે મુખ્યપદે થપાશે જ નહિ. હું અન્યાયી દુ:ખદ પક્ષપાતી કાનવાળો એવાં માઠા વિચાર તારા મનમાં પેસી ગયા છે તે નિકળશે નહિ ત્યાં સુધી મારાથી તને પસંદ પડતું કંઈ પણ બની શકશે નહિ.

સુ0 ના સંબંધમાં આટલા દોષ અવશ્ય વિશેષ બહાર પડેલા જોવામાં આવ્યા. અતિઅધીરતા, અતિ આકળાપણું, અતિ બબડવું, ક્યારે પેટમાંનું ઓઠે આણી દેઉં, વળી છુપી રીતે જોવા સાંભળવાની ટેવ અને મારે વિશે પણ હલકો વિચાર કે હું તેની ખુશામત કરૂં છં.

જ્યારે કોઈ રીતે ડા0 સમજી જાય તેવો વખત આવે ત્યારે સુ0 આડી પડે ને પોતે પોતાના નિયમ બહાર કાઢે જેથી વળી કાર્ય થતું દૂર જાય.

તા. ૨૬ મીએ પાછલે પહોરે ચારેક વાગે મેં ડા0 પાસે ભાંગ કરાવી પીધી પણ તેને પીવાનું કહ્યું નહિ. એ ઉપરથી તેનું બોલવું થતું કે તમે મને દુ:ખ દો છો ને તે આટલા માટે જ મેં કહ્યું કે આજે હું શાંત છું ને ઇષ્ટની સમક્ષ કહું છું કે તુને કોઈ રીતે દુ:ખ દેવું એ મારા મનમાં નથી. તું દુ:ખ પામે છે તે તારે જ દોષે.

તા. ૨૮ મીએ સાંજે ડા0એ પાછો બબડાટ ચલાવી કહ્યું કે તમે મને સુરત નથી તેડી જતા તે તારા દુશ્મનને હસાવવા છે, તમે મારૂં સર્વસ્વ પીખી નાખશો, તમને મારૂં રહ્યુંસહ્યું અડકવાનો હક નથી.

મેં કહ્યું, શું છાના કોઈના કાગળ છે?

ડા0 ના, મારી પાસે તો કંઈ તેવું નથી પણ ડાયરી વગેરે કંઈ હોય તે તમે જુઓ.

મેં કહ્યું, એમ જ્યારે મારો વિશ્વાસ નથી ત્યારે તારો મને કેમ હોય? વારૂં તું ઘરની વ્યવસ્થા તારી ઇચ્છા પ્રમાણે કેવી રીતે કરવા ઇછે છે તે લખી આપજે.

ડા0 ના, હું તો કંઈ નથી લખવાની.

બેત્રણ દહાડા ધુંધવાટ ચાલેલો તેનું કારણ સુ0ના કહેવાથી કે તે સાંભળતો હતો, – – – – આવતો વગેરે.

તા. ૨૯ મીએ ચૈત્ર વદ રવિએ રાત્રે પાછું તોફાન-કહી દો મારો નિકાલ કેમ કરો છો તે; મેં કહ્યું, તેવા જ વિચારમાં છું.

પછી બબડાટ ચલાવી પડોશીને જણાવ્યું.

મેં કહ્યું, તુંને મારો વિશ્વાસ નથી, મને તારો વિશ્વાસ નથી. હવે તારે મારે એકાંતમાં શી વાત કરવાની છે? એ તો નક્કી જ કે વિશ્વાસ ઉઠી ગયો છે.

પછી દુર્ગાના ઉપર ઉલટી-મને જ્ઞાન સમજાવા આવ્યો. પોતાની વાત તો વિસરી ગયો વગેરે.

તમે તો મને હલકી પાડો છો ને પડાવો છો. મને ઘેલી કરી કાઢી, ઈછીત ભોગ ભોગવ્યા છે. ના ના, જ્યાં સુધી મારૂં કલેજું ફટક્યું નથી, તેટલા લગીમાં મારૂં નક્કી કરી દો.

મેં કહ્યું, તું મારું સમજી શકતી નથી. તારી તરફથી કોઈ હીમાયતી આવશે તેની સાથે વાત કરીશ.

ત્યારે કહે કે મારા હીમાયતી સાથે તો તમારે તુટેલી છે.

મેં કહ્યું, ત્યારે ધીરજ રાખ. વિચારીને નિકાલ કરીશું. હવે જે કરવું છે તે છેલ્લું જ.

તા. ૧૯ મી મે, ૧૮૮૩ વૈશાખ શુદ ૧૩

આગલી રાત ને પાછલી રાતની વાત કહી તે ન પાલવી. નિયમમાં હોય તે સારૂં એમ કહ્યું.

ડા0 એક બળે ને એક રમે એમાં હું રાજી નથી એમ કહ્યું. તમારી તબિયેત બગડે છે એથી દાઝું છું કહ્યું ઈ0.

ન0 વાત તો ખરી, પણ હવે કરવું કેમ? સ્થિતિ તો આવી છે.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.