તા. ૫મી

ન0 પીહેરમાં કેમ વખત ગુજારતી?

ડા0 સાડે છએ ઉઠતી, ચાહ પીતી, પાનસોપારી ખાતી, બધાનાં ચાહ પીધેલા પ્યાલા વીછળતી, ચોટલો વાળવો, બધાં નાહી રહ્યા પછી નાતી. સાબુ વાપરતી. મના તો બહુએ કરતાં પણ મેં કહ્યું કે હું છેલ્લી નાહીશ પણ સાબુ તો હું વાપરતી આવી છું ને વાપરીશ. નાહીને મારૂં લુગડું હું ધોતી. (એક મહિનો થયો હશે-બાકી બે મહિના તો મોટી કાકીએ ધોયા. પછી મેં ના જ કહી), ફર્યા હર્યા કરીએ, પાઠ કરીએ પછી જમવા બોલે ત્યારે અબોટીઉ પહેરી જમવા બેસીએ દશ વાગે (ઉની ઉની રોટલી કરી મુકતાં), કોઈવાર વાસણ એકઠાં કરી ખાળે નાખતી ને કોઈક વાર અબોટ કરતી ન પછી બપોરે કંઈ કરતી નહિ. અમથી પડતી પણ ઉંઘ આવતી નહિ. રાતે પણ ઉંઘ આવતી નથી. રાતે સાત વાગતે કશુલીમાં પાણી સગડીમાં મૂકી ચાહ કરી પીતી હું એકલી જ ને પછી વાળું કરતી. કોઈવાર ભાખરી કરી લેતી. પછી ગીરજાલખમીને ઓટલે બૈરાં ફલીઆમાં બેસતાં ત્યાં જ બેસતી. મોલ્લામાં લલ્લુને ઘેર કે ગીરજાલખમીને ઘર એ બે ઠેકાણે જ જતી. નવ વાગે આવી ખાઈ લેતી, માળે જતી, પથારી કરતી, વિચાર કરતી ને બારેક વાગે ઉંઘતી.

ન0 તાપી નાવા જતી કે?

ડા0 વારપર્વણીએ જતી, પડોસણો જતી હોય ને બોલાવે ત્યારે જતી; એકલી નોતી જતી.

ન0 દેવદર્શન કરવા નિકળતી?

ડા0 બિલકુલ નહિ.

ન0 સગાંવહાલાંને મળવા જતી?

ડા0 મોલ્લામાં ને મોલ્લામાં લલ્લુને ઘેર જતી. ચોપડીઓ વાંચ્યા કરતી. ઘરમાં તો વઢે ચોપડીઓ વાંચુ તો, એક પાનું ઘરમાં તો વંચાય નહિ.

ન0 મામાને ઘેર, રવિભદ્રને ઘેર, રૂકમણીકાકીને ઘેર જતી?

ડા0 આવવાને દહાડે ગઈ હતી, બીજે કોઈ દહાડે નહિ.

ન0 રૂકમણીકાકીને ઘેર કેટલીવાર ગઈ હતી?

ડા0 એકો દહાડો નહિ; તે એક દહાડો પીહેર આવી હતી.

ન0 તેણે શું વાત કીધી?

ડા0 હું તો સાંભળ્યાં કરતી. કોઈ આવતું તો મોટી કાકી તેની સાથે વાતો કરતી ને હું સાંભળ્યાં કરતી, વચમાં બોલવા જેવું આવતું ત્યાં બોલતી બાકી તે જ વાતો કરે.

ન0 મોટી કાકી શું શું બોલતી?

ડા0 કવિએ છોકરીને કાઢી મૂકી, કુંચી આપવાને કહેલું ન પછી ન આપી…… …… ગમતો નથી.

પેલી ચાર વર્ષ થયા મુંબઈમાં રહેછ તેથી, છોકરીની આડખીલ થાય છે. સ્વતંત્ર રહ્યા છે તેથી, એના ઉપર વાલની વીંટી છે નહિ, છોકરી કંઈ સમજી નહિ, એને ધણીને સમજાવતાં આવડયું નહિ. મુંબઈમાં જૈશ નહિ, જાનનું જોખમ છે.

ન0 તું શું વચમાં ટાપસી કરતી?

ડા0 આવાં ભણેલાં થઈને ઘર કેમ છોડયું. એમ બૈરાં કહેતાં ત્યારે હું કેહેતી કે આપણે શું જાણીએ કે કુંચી આપી જૈશું કહીને પછીથી દગો કરશે, ને ફરી કાગળપત્રથી પણ ખુલાસો નહિ કરે. થોડા દહાડા તો હું તમારા પક્ષમાં બોલતી પણ જ્યારે તમારા કાગળમાં ખુલાસો નહિ ને પક્ષમાં બોલતી ત્યારે કાકી ચીડાતી તેથી વખતે વખતે હું પણ ઉભરામાં બોલતી કે આવું કરશે એ મારા સપનામાં નોતું વગેરે.

ન0 ઘર છોડયું તે વેળાની હકીકત સંભળાવ.

ડા0 ચાહ પીઈ રહી હતી તેટલે મહેતાજીએ આવી કહ્યું કે તમારા કાકી તમને બોલાવે છે તે એકવાર ત્યાં જઈ આવો, ત્યારે મેં કહ્યું કે કાલની હું ભુખી છું તે જમીને જઈશ. ત્યારે તે કહે નાજો ધોજો પછી પણ એક વાર જઈ આવો; પછી હું ગઈ. હું જઈ બેઠી એટલે કાકીએ કાગળ આપ્યો ને કહ્યું કે ગભરાઈશ મા. અમે છૈયે કેની? હું વાંચતી હતી તેટલે મહેતાજી આવી પહોંચ્યા. મેં કહ્યું કે આજનું આજ આમ જ આમ કરવાનો હુકમ કરેલો છે? ને આમ કરવાનું શું કારણ તે હું સમજતી નથી. ત્યારે તેણે કહ્યું કે હવે તમારાથી ઘરમાં નહિ અવાય, તમારે જોઈતો સામાન કહો કે હું તે અહીં લઈ આવું. મેં કહ્યું એમ નહિ બને, મારે ઘેર આવવું પડશે ને મારે જોઈતો સામાન હું જ મારે હાથ લઈ આવીશ. એટલામાં વળી મહેતાજીએ કહ્યું કે એવો મને હુકમ છે કે મારા કહેવા પ્રમાણે ડા. ન કરે તો મને તરત તાર મુકજો ને હું આવી આમલીરાનના મહોલ્લામાં એને ફજેત ફજેત કરીશ. ત્યારે મેં કહ્યું કે તેમ તાર મુકાવો. હું તો કંઈ માનવાની નથી. કાકીએ કહ્યું કે આમલીરાનના મોલ્લામાં ફજેતી કરે તે સારૂં નહિ, તે કરતાં તું અમણા એનું કહ્યું માનીને અહીં રહે ને પછી થઈ રહેશે. પછી મેં કહ્યું કે ફજેતી કરશે તો કરશે. મારે તો અહીં તેડાવા છે. હું તો નથી માનતી. મને મારો ધણી જેમ કહેશે તે કરીશ. મહેતાજીના કહેવાને હું વજન નહિ આપું. પછી કાકીએ સમજાવીને મહેતાજીને કહ્યું કે એને જોઈતો સામાન લેઈ આવવા દો. ત્યારે મહેતાજીએ ડોળા કાઢીને કહ્યું કે ઘરમાં નહિ અવાય, અમને કહો અમે સામાન આણી આપીએ. મેં કહ્યું હું જ આવું છું. પછી હું ગઈ. મહેતાજી મારી પછવાડે આવ્યા. ઘરમાં જઈ નાહી, પછી પાઠપૂજા કીધાં, કપડાં બાંધ્યા, એ વખતમાં મહેતાજી મારી ચોકી રાખ્યાં કરતા. હેઠળ જાઉં તો હેઠળ ને ઉપર જાઉં તો ઉપર આવતા. સામા ઘરને બારણે તાળું દેઈ આવ્યા કે હું ત્યાં જાઉ નહિં. અગિયાર બાર વાગાને હું ત્યાં ગઈ નહિ એટલે કાકીએ ગભરાઈને ઝીણુને જોવા મોકલ્યો કે કેમ હજી આવી નહિ, તેડી લાવ. પછી હું ઝીણું સાથે ગઈ ને ગાંસડી આપી મહેતાજીને કહ્યું કે રાતે પહોંચાડજો.

ન0 પેહેલી પીહેર ગઈ ત્યારે કેટલા વાગેલા?

ડા0 સાતેક વાગ્યા હશે.

ન0 મારો કાગળ વાંચતાં તારા મનમાં શું આવ્યું?

ડા0 ચાહ પીતી હતી ને મહેતાજી આવ્યા ત્યારે મેં પૂછ્યું કે કેમ તમે મુંબઈથી આવ્યા કે ગયા જ નથી, ત્યારે તેણે કહ્યું કે હું મુંબઈથી આવ્યો છું. રાતે સ્ટેશન પર પડી રહેલો; મેં કહ્યું એમ કેમ કીધું ત્યારે કહ્યું કે અમને તેમ કરવાનો હુકમ હતો વગેરે એટલે કાગળ વાંચીને મને ઘણું દુ:ખ ન થયું ઉલટો ક્રોધ ભરાયો. એ ધણીને મારો ખપ નથી તો જોતા જાઓ હું એ મારૂં મોં ન દેખે તેવું જ કરીશ વગેરે બોલી હતી.

ન0 ઘર બદલ્યાના પ્રસંગ પહેલાં મહેતાજીએ મારી તરફ શી શી ગેરવર્તણુક કરેલી?

ડા0 જેવામાં સુ0 સુરત હતી તેવામાં મહેતાજી સવારના સાતથી તે રાતના દશ સુધી ફેર્યાં કરતાં જ્યાં હું બેસુ ત્યાં. મેં કહ્યું કે મારી પછવાડે પછવાડે કેમ ફરો છો. ચોકીફેરાને માટે તમને કવીએ મોકલ્યા છે? મહેતાજી કહે હું અનુષ્ઠાન કરૂં છું. તેથી ફરૂં છું. અમે બેઠા હઈએ ત્યાં કેમ ફરો છો? ત્યારે કહે એકલા હોઈએ તો બેશુદ્ધિ થવાય ને પડી જવાય એવું છે પ્રયોગમાં માટે જ્યાં માણસ હોય ત્યાં ફરવું કે મારી સંભાળ લેવાય. ઉપર જાઉં તો ઉપર ને હેઠળ જાઉં તો હેઠળ આવી ફરે ને સુ0ને પૂછે, કે મુંબઈમાં પણ હું તેમ કરતો ને કવિ તથા સુ0 અકળાતાં.

સાંજે હું પીહેરથી જમી આવતી હતી, રતનભદ્રની વહુને તેને ત્યાં મુકી ચકલે આવી તો મોદીના બારણા આગળ લોક હતા. કીકુના ઘર આગળ તોફાન હતું. તેના બાપભાઈઓ હતા. તુળજાગૌરીને મેં પૂછ્યું કે આ શું છે? ત્યારે કહે અમણાં ઘરમાં જાઓ નહિ તો સાક્ષીમાં જવું પડશે. હું પણ ઘરમાં જાઉં છું. પછી હું ઘરમાં ગઈ, બારણાં દીધાં. બીજે દહાડે રામશંકરે મને કહ્યું કે હું જઈને પુછી આવ્યો કે ડા0નું નામ કેમ આવ્યું ત્યારે કહે કે અમે એવાની જીભ કાપી નાખીએ એમ બોલતાં. (રામશંકરે કહેલું કે ભાયલો એમ બોલેલો કે ડા0ને ઘરમાંથી નિકળતાં દીઠી તેથી અમે પાછા ફર્યા બાકી તો અમે કોઈ બીજી બૈરી જાણી સીપાઈ પાસે પકડાવવાના વિચારમાં હતા.) જેવામાં રામશંકરે ઉપલી વાત કરી તે વખતે મહેતાજીએ ઠપકો આપ્યો કે તમારે એ ધેડ કીકુ સાથે બોલવું નહિ, લોકમાં સઘળે હો હો થઈ રહી છે. તમારે મોડે કોણ કહે. મેં કહ્યું તમારો દ્વેષભાવ જણાય છે માટે તમારે બોલવું નહિ ને હું તમારી વાત સાંભળીશ નહિ. કંઈ જ વજન નહિ આપું. રામશંકર જે વાત કરે છે તેમાં તમે શું કરવા બોલો છો?

એક દહાડો રાતે મારી તબીએત બગડેલી ને બારીએ સુતી હતી. ઉજમને કહ્યું કે તમે ઉપર આવો તો બારણાં દેતાં આવજો. બારેક વાગે ઝાડે ફરવા જવા હેઠળ ગઈ ને બારણાં ઉજમે બરાબર દીધાં છે કે નહિ તે જોયાં તો બરાબર દીધેલાં નહિ, બોલ્ટ બરાબર આવેલી નહિ. પછી મેં ઠીક દીધાં, એટલે સામી બારીએથી મહેતાજીએ બૂમ પાડી બોલ્યા કે એ કોણે બારણાં ઉઘાડયાં? કવિ આવ્યા કે શું? મેં કહ્યું કે બારીએથી પુછવાની જરૂર નથી, અહીં આવીને જોઈ જાઓ. પછી બીજે દહાડે મારે ને તેને તકરાર થઈ, ને મેં કહ્યું કે તમે મારી આબરૂ ઉપર હુમલો કરો છો એ ઠીક નહિ, બારીએથી પૂછ્યું શા માટે? શત્રુનું કામ કેમ કીધું, મારો ઘરસંસાર બગાડવા બેઠા છો. તમે ઓ હીચડાઓ કરી કરી ને શું કરવાના છો? હું તમારાથી કંઈ બીતી નથી. ત્યારે મ્હેતાજીએ કહ્યું કે અમે કરીશું તે કોઈ નહિ કરે. એ વેળા ભયંકર ડોળા તેણે કાઢયા હતા. કહ્યું કે કવિને હું કાગળ લખીશ. ત્યારે મેં કહ્યું કે જાઓ લખજો, જે થાય તે કરજો.

ન0 તારે ઘેર કોણ કોણ આવ્યા હતા તને મળવાને, દિલાસો દેવાને, સલાહ આપવાને?

ડા0 મોલાનાં બૈરાં અધિક મહિનામાં તાપી નવા જતાં મળવા આવતાં. તેઓનું બોલવું આ શું થયું? કવિએ આમ કેમ કીધું, બૈરી કરતાં માણસ વધ્યું. ભણેલા થઈને કેમ ચૂક્યા. અમને પૂછવું હતે. અમે સલાહ આપત. મે મહિનામાં મામાની બે મોટી છોકરી આવેલી. તેઓએ તજવીજથી પૂછ્યું કે બારણું બંધ છે તેથી મુંબઈમાં ગઈ કે શું? છેલ્લીવારે કહ્યું કે લોકમાં વાત થાય છે તે સાંભળી મામાને ઘણી ફીકર થાય છે માટે તું આવજે. પછી જેઠ ઉતરતે મામી ખડકીને નાકેથી વાત કરી ચાલી જતી. શું છે? કોઈને તેં પૂછ્યું ઓ નહિ. હું સાચી સલાહ આપત. ઘર કેમ છોડયું? અમારી પાસેથી તારી માસીએ તુને બે જનસ અપાવી હતી તે પણ તેં સાચવી નહિ ને સઘળું જ આપી બેઠી. કાળાની બૈરીએ (અધિક શ્રાવણમાં એક જ વાર આવી હતી) કહ્યું માટીડાનો વિશ્વાસ નહિ. કવિ તો બહુ સમજુ છે. આપણે સૌ એની સલાહ લઈએ ને એણે આ શું કીધું. અમારા ઘરમાં ટંટો થાય તો એની સલાહ લેતા. અમણાં કવિ લેવાઈ ગયા છે. ઓળખાતા નથી. કાગળપત્ર લખે છે કે નહિ. [તમે મને ચિઠ્ઠી લખો ત્યારે મેં મળીને ખુલાસો કરવાનું ધાર્યું હતું. એણે કહ્યું કે ચિઠ્ઠીનો જવાબ ન આવ્યો ત્યારે મને લાગ્યું કે વાત ખરી હશે, કેમ કે તમે જવાબથી ખુલાસો કીધો નહિ. મેં કહ્યું કે કાળાએ કહ્યું તમો તે ઉપર વજન રાખીને તમે મને ચિઠ્ઠી લખી એ તમે એ બધું સાચું માન્યું જ કેમ? ચિઠ્ઠી લખતાં તો સંદેહ હતો પણ જવાબ ન આવ્યો ત્યારે મને ખરૂં લાગ્યું.] ગીરજાલખમી કહેતી હતી કે ગુણગ્રાહી તો નહિ. રૂકમણીકાકી-મેં તો લોકોમાં સાંભળ્યું, મને ફીકર થાય છે. તું રાંકડી છો, તારી પાસે કંઈ છે, એ છોકરી ભોળી છે. બંદોબસ્ત કર્યા વિના મોકલશો નહિ. વગેરે. મોતીભાઈના કાગળમાં સવિતાગૌરીએ લખેલું તે તેણે કહ્યું (જુલાઈમાં) ડાહીગૌરીની ખબર સાંભળી અમે ઘણી દલગીર થયાં. કેવી રીતે ક્યાં રહે છે તે લખજો. એને મળીને પૂછજો.

પુરુષમાં-(૧) રાજારામ વાણીઓ એક વાર આવેલો: કવિએ ખોટું કીધું, હું કવિને લખીશ; (૨) સન્યાસી (એકવાર) કાકાને કહ્યું, બાઈ બહુ સારી. સ્વામીનું વચન કોઈ દહાડો ઉથાપ્યું નથી. પણ આ બધું શું થયું? તું કંઈ ગભરાતી નહિ. મારી બેન જેવી છે. (૩) જદુરામ (૪) ગણપતિશંકર: કવિએ સમજુ થઈને તુને આ શું કીધું. માણસોથી કાન ભંભેરાયા એમ લાગે છે, કામકાજ હોય તો કહેજે. (દશબાર દહાડે ફેરો ખાઈ જતા) (૫) નરભેરામ (જેઠ વદ આશાડ સુદમાં):- ઝીણુભાઈ લલિતાશંકરને બોલાવોની, મારે કંઈ કામ છે એમ કહી ઘરમાં આવ્યો ને બેઠો; હું મારે નાહી લુગડા ધોઈ ઘણીવારે ગઈ ત્યારે બોલ્યો કે બેન જરા પાનસોપારી ખવડાવોની – મેં એની પાસે વાટુવો મુક્યો. પછી વાત કાઢી. ‘કેમ કંઈ જણાયું? એક દહાડો મેં ને નવલરામે અહીં આવવાનો વિચાર કીધો પણ નવલરામે કહ્યું કે ‘ડા0નું દલગીરી ભરેલું મોડું જોવું મને ગમતું નથી. કવિ આવશે ત્યારે મળીને હું વાત કરીશ ને બે બોલ કહીશ.’ મને નરભેરામે કહ્યું કે તમે ફીકર કરશો માં. એક જણનો દાખલો આપી કહ્યું કે સરેસથી (સરસતી-સરસ્વતી? સં.) આમ પકડાઈ હતી. તો પણ તેને ખરચ મળતો હતો. (એક જ વાર આવ્યો હતો, આગળથી મને પોતાને ઘેર બોલાવવાની તજવીજ કીધેલી. પંડયાજીને કહેલું કે મારી કમળા માદી છે તેને જોવાને બાઈ ડા.ને એની કાકી સાથે મોકલજો, એટલે હું, નવલરામ, મધુવચરામ ડા0નો સો નિશ્ચય છે તે જાણી લેઈ વિચાર કરીશું આગળ કેમ કરવું તેનો.) (મોટી કાકીએ મને કહેલું ચાલ આવવું છે ત્યારે મેં ના કહી કે મારે કોઈને ત્યાં જવું નથી ને એ વાત કરવી નથી. પછી એ આવ્યો હતો.) નરભેરામનું મન આવું કે તમારી પાસે કંઈ છે નહિ માટે ઝાઝી બાથ ભીડવી નહિ. (નથી તેની પંચાત છે બાકી તો કંઈ હરકત નોતી.) (૬) કાળાભાઈ (પહેલો આવ્યો તે જુનની ૧૬ મી આષાઢ શુદ ૧-૨ ને પછી આઠે દશે આવતો. સૌ મળીને પાંચસાત વાર આવ્યો હતો.)

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.