વિરામ ૬

કવિપદની તૈયારી – ૧૮૫૪-૧૮૫૬

૧. હું જાનેવારમાં મુંબઈ ગયો ને ત્યાં મારા બાપે ગોઠવણ કરી મેલી હતી તે પ્રમાણે ૧0 મી જાનેવારીથી તે ૧0 મી જુનસીધી ૧૧ થી તે ૪ વાગા લગી જીવરાજ બાલુવાળાના દ્વારકાદાસ નામના છોકરાને રૂ. ૨૫ ને પગારે અંગ્રેજી શિખવવા જતો. એ છોકરાની સ્થિતિ ભણવા ઉપર ન્હોતી. પાંચ કલ્લાકમાં દસેક વાર અભ્યાસમાંથી ઉઠીને ફરી આવતો. એને સ્મરણશકિત સારી ન્હોતી તેમ એનો ઉદ્યોગ પણ સારો ન્હોતો. ભણનાર યોગ્ય નહીં તેથી નકામો પગાર લયાં કરવો એ ઠીક નહીં તેથી અને મ્હારો વખત નકામો જતો તેથી મેં તેને છોડી દીધો.

૨. સ્હવારથી તે ૯ વાગ્યા સુધી હું એક દક્ષણી શાસ્તરી પાસે સિદ્ધાંત કૌમુદી શિખતો જે મેં કેટલેએક મહિને અપત્યાધિકાર સુધી ચલાવી બંધ રાખી.

૩. સુરતથી મુંબઈ ગયા પછી એકાદ મહિનો સુરતમાં ખાધેલા પાકની ગરમીથી (મુંબઈમાં કેફ કરવો તદ્દન મુકી દીધો હતો.) અને સ્ત્રીવનાનો હતો તેથી હું શરીરે હેરાન રહ્યો હતો.

૪. એ પાંચ મહિનામાં મારી હાલત આ પ્રમાણે હતી – એક પાસ વિદ્યા, અધિકારથી પ્રસિદ્ધિ ક્યારે પામીશ એનો વિચાર જોશમાં ચાલતો – કાયદા શિખી વકીલની પરીક્ષા આપવી ધારતો; ભભકો કરવાને મામલતદાર થવું ધારતો (મુનસફ નહીં); સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, ઉરદુ, હિંદવી, મરેઠી વગેરે ઘણીએક ભાષાઓ શીખી સર વિલીયમ જોન્સની પઠે લેંગવિસ્ટ થવું ધારતો; કાલેજમાં જવું ધારતો, અને અંગ્રેજોને શિખવી ગુજારો કરી સ્વતંત્ર રહી વિદ્યાનંદમાં મગ્ન રેહેવું ધારતો. ઉર્દૂ મેં શિખવા માંડયું હતું-તાલીમનામાંની બે કિતાબો અને એક બીજી બેતની ચોપડી હું શિખ્યો હતો અને મોડી અક્ષરની અરજીઓ વાંચતાં પણ-પણ એ બધું હું હાલમાં ભુલી ગયો છઊં. અલબત ઘણા એક ઉરદુ શબ્દો જે મારા જાણ્યામાં છે તે એ શિખવા ઉપરથી અને પારસી ગુજરાતી બોલીમાં છપાયલા કેટલાક ફારસી તરજુમા વાંચેલા તે ઉપરથી. બીજી પાસથી સુરતમાં મેં રાખેલી કેટલીક વર્તણુકો જેને હું મુંબઈ ગયા પછી અનીતિ સમજતો તેનો પશ્ચાત્તાપ કરતો (શિખવવા જતો ત્હાં અને રાતે), હું મારા બાપને કોઈનું નામ દઈ મારી વાત કહી તેમાં પાપ થયું કે નહીં, પાપથી કેમ મુક્ત થવાય એવા એવા સવાલો કરતો. તે મને કહેતા કે દુનિયાની રીત જોતાં પાપ ખરૂં પણ પશ્ચાત્તાપ એ પાપથી મુક્ત થવાનું સાધન છે વગેરે વગેરે; મુંબઈ ગયાથી સુરતમાંનાં વ્હાલાંનો વિયોગ થયેથી એ દુ:ખ પણ થતુ અને સંસારમાં રહ્યાથી, પૈસા કમાવવાથી, નામ મેળવવાથી પણ શું એવા એવા વેરાગના વિચારો પણ જોશમાં થયાં કરતા હતા. રે એ મારા ગભરાટમાં મેં ત્રણ ચાર વખથ મારા બાપને કહેલું કે તમારી સ્ત્રી મરી ગઈછ, મારી સ્ત્રી મરી ગઈછ માટે હવે આપણે માયામાં શું કરવા રહેવું જોઈએ. માટે ચલો કોઈ ગામડામાં જઈને કોઈ સરોવર અથવા નદીને કાંઠે રહીએ ને થોડાક ઉદ્યોગથી આપણો નિર્વાહ કરી સંતોષથી વિદ્યાભ્યાસ કર્યા કરી આનંદમાં રહીયે. એ મારી હાલત જોઈને મારા બાપને દીલમાં કેટલું દુ:ખ થવું જોઈએ. હું એકનો એક લાડકો તેથી તે મને કંઈ જ ધમકાવીને કહે નહીં. શું કહે બચારાઋ પોતે રસિક છતે નિર્ધન ને સ્ત્રીવિયોગી તેમાં મારી પ્રવૃત્તિ વેરાગી. પણ ધન્ય છે તેને કે પોતે પોતાનાં દુ:ખનો જોશ મનમાં સમાવી મને શાસ્ત્રનાં ને દુનિયાદારીનાં દૃષ્ટાંતો આપી માહારા મનનું સમાધાન કર્યા કરતા. ઓ બાપ તારી મને બહુ ખૂટ છે! એ મારી હાલત વિષે પૂરી સાક્ષી એક મારી ન્યાતના ઘરડા પ્રદ્યુમનજી હિરાચંદજી આપી શકશે.

૫. એ ઘુમરાયલી હાલતમાં જનરલ આસેમ્બલી ઇન્સ્ટીટયુશનનાં મકાનમાં નેટીવ બુક ગ્લબ નામની લાઈબ્રેરીમાં હું એક દાહાડો બેઠો હતો, ત્હાં એક ગુજરાતી પાઘડીવાળા ગોરા છોકરાને ચોપડીઓ લેમુક કરતો દીઠો; થોડી વાર પછી કોણ જાણે શાથી (સાંભરતું નથી) હમે એક એકથી અજાણ્યા છતે વાતચિત કરવા મંડી પડયા. એ શખસ કાલેજમાં જતા મારી ન્યાતના ઝવેરીલાલ ઉમીયાશંકર હતા, જેણે મને કાલેજમાં દાખલ થવાની ભલામણ કરી તે વિષે ઘણું ઉત્તેજન આપ્યું હતું. મારા બાપે પણ મને એ જ સલાહ આપી ને પછી હું તા. ૧૩ મી જુને રૂ. ૬0) આપીને પેઈંગ સ્ટુડંટમાં નામ દાખલ કરાવી ગ્લેર સ્કાલરના ગ્લાસમાં બેઠો. બે મહિના પછી મારી વહુનું વરસી સારવાને મારે સુરત આવવું પડયું. અહીં વળી ૧૯૧0 ના ભાદરવા વદ પાંચમે મારા કાકાનું મરણ થયું. એ રીતે બે મહિના પાછા સુરતમાં કહાડવા પડયા. પછી પાછા મુંબઈ જઈ રાત્ર દિવસ અભ્યાસ કરી મેં ડિસેમ્બરમાં પરીક્ષા આપી એ સોએ સાઠ આની મેળવી હું ઉવેસ્ટસ્કાલર થયો – મને મહિને ૧૫ રૂપિયા મળતા થયા.

૬. એ વખત હિસાબ શિખવનાર દાદાભાઈ નવરોદજી પ્રોફેસર હતા. બીજા કોણ કોણ પ્રોફેસરો હતા અને બીજો શો શો અભ્યાસ ચાલતો તે મને સાંભરતું નથી. મારી સાથે પરીક્ષા આપનારા છોકરાઓએ દાદાભાઈ કને તકરાર લીધી હતી કે નર્મદાશંકરની હાજરી હમારા જેવી બરોબર નથી માટે કેટલીએક આની ઓછી કરવી જોઈએ – દાદાભાઈયે જવાબ દીધો હતો કે તમે તમારા લખવામાં સ્પેલીંગમાં ઘણી ચુક રી છે ને એણે કીધી નથી. હું મગરૂબ થયો હતો કે સુરતમાં ત્રણ વરસ અંગ્રેજી એક પણ ચોપડી ન વાંચ્યા છતાં સ્પેલીંગમાં મેં કંઈ ચુક ન કરી!

૭. ૧૮૫૫માં પણ મનનો ગભરાટ ઓછો ન્હોતો-ધુંધવાતો ને ધુંધવાતો રહેતો. હું ગપ્પા માર્યાં કરતો. વિલાત જવાના તડાકા મારતો, બીજા લેસન કરતા ત્યારે હું મારા પોતાના જ વિચાર કર્યા કરતો, પ્રોફેસરોનાં લેકચર પણ મન દઈ સાંભળતો નહીં. મારા સાથી મોરલીધર ગીરધર જે હાલ કચ્છના દરબારમાં છે તે, ઝવેરીલાલ ઉમિયાશંકર જે હાલ વેપારી છે તે અને ત્રિભોવનદાસ દુવારકાંદાસ જે હાલ કમરૂદ્દીન તૈયબજી વકીલને ત્યાં છે તે મારું બોલવું ચાલવું જોઈને મને લાલાજી કહીને બોલાવતા. હું લેસન બેસન કંઈ કરતો નહીં પણ જ્યારે હાર્કનેસના ગ્લાસમાં ફાલ્કનરનાં શિપરેકની કવિતા અને વર્ડઝવર્થની કવિતા ચાલતી ત્યારે હું એકચિત્તે સાંભળતો ખરો – ખરે એ કવિતામાંનાં સૃષ્ટિસૌંદર્યનાં વર્ણનની અસર મને બહુ જ થતી; શિપરેખમાંના ખલાસીઓની આખર સુધીની બહાદુરી હજી મને સાંભરેછ. વળી મને સાંભરેછ કે મેં આગસ્ટમાં સોએક લાઈન અંગ્રેજીમાં પરચુરણ પરચુરણ બાબતની જોડીને મી. રીડને બતાવી હતી પણ એણે તે જોઈને મને હસી કહાડયો હતો.

૮. હું મારી ચળિત વૃત્તિને ઠેકાણે આણવાને બહુ મથતો પણ કંઈ મારૂં ફાવતું નહીં. સપટેમ્બરની શરૂઆતમાં ધીરા ભગતના બે ત્રણ પદ મારાં વાંચવામાં આવ્યાં તે ઉપરથી હું દહાડોરાત તેની લવારી કરતો. એ પદોના વિચાર મારી વેરાગ વૃત્તિને મળતા હતા. ચોથે કે પાંચમે દહાડે મારાં મનમાં સહજ આવ્યું કે હું પણ એ ઢાળનું કંઈ બનાવું – પછી મેં ‘પરબ્રહ્મ જગકર્તારે સ્મરોની ભાઈ હરઘડી’ એ પદ બનાવ્યું ને બીજે દાહાડે ‘જીવ તૂં મુરખ સમજેરે કહું છું ઘેલા ફરી ફરી’ એ બનાવ્યું – પછી વિચાર કર્યો કે આવી રીતે હું જાતે બનાવવાની ટેવ રાખું તો મારી વૃત્તિ ઠરી ઠામ થાય ખરી – કોઈ પણ રીતે વૃત્તિ સ્થિર થાય છે એ મારો ઉદ્દેશ હતો – માટે પદો બનાવવાની ખરટપટમાં રેહેવું અને ઉભરો બ્હાર નીકળે તેથી ખુશ રેહેવું એ વાત મેં નક્કી કરી. વળી વિચાર્યું કે ભણવું, કમાવવું, માન મેળવવું, બૈરી કરવી એ સહું આનંદને માટે છે ને મને જારે પદો બનાવવાથી આનંદ થાય છે તારે હું તો એ જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રેહેશે– એ રીતે હું મારે બેસતે ૨૩મે વરસે પદો બનાવવા લાગ્યો. પેહેલુંપદ કી દાહાડે કીધું તે મને યાદ નથી, પણ તે દાહાડામાં મારી વરસગાંઠ આવી હતી તે ઉપરથી મેં તે વરસગાંઠના દાહાડાને જ કવિતામાં પ્રારંભનું માન આપી તે દાહાડાથી જ મેં મારા કવિતાના વરસોની ત્રણત્રી રાખી છે – સંવત ૧૯૧૧ ના ભાદરવા સુદ ૧0-સને ૧૮૫૫ ના સપટેમ્બરની ૨૧મી.

૯. પછી નિત સવારે હું પ્રાર્થનાનું અથવા શિક્ષાનું અક્કેકું પદ કરતો ને ૧૧ વાગે કાલેજમાં જતો.

૧0. ડિસેમ્બરમાં પરીક્ષા થઈ તેમાં સોએ આઠ આની આવવી જોઈએ તે ઉપલી વૃત્તિને લીધે અભ્યાસ બરોબર ન થયાથી ન આવી – ૫0 આની આવી તેથી હું સેંકડ નાર્મલ સ્કાલર ન થયો.-ફ્રી સેંકડ નાર્મલ સ્કાલર થયો.

૧૧. સને ૧૮૫૪નાં ચોમાસામાં મેં મારૂં નામ બુદ્ધિવર્ધક સભામાં દાખલ કરાવ્યું હતું, અને સને ૧૮૫૫માં મંડળી મળવાથી થતાં લાભ વિષે ભાષણ કર્યું હતું ને વ્યભિચાર તથા રંડીબાજી ન કરવા વિષે નિબંધ વાંચ્યો હતો; તેમ, ઇતિહાસ વાંચવાના ફાયદા અને કેફ કરવાના ગેરફાયદા વિષે કવિતા વાંચી હતી – એ બે કવિતામાંની પહેલી ખોવાઈ ગઈ છે. એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી પણ સામળદાસના દોહરા ચોપાઈ છપ્પા વાંચેલા તે ઢાળ પ્રમાણે અને કવિ દલપતરા તથા મનમોહનદાસની છપાયલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઈને કરી હતી. એ વખત મુંબઈમાં કવિતા શબ્દ નહોતો ને દલપતરામ કવિનું નામ પણ થોડાક જણ જાણતા હશે. બુદ્ધિવર્ધક સભાવાળાઓને મારા રાગડા પસંદ પડવા લાગ્ય ને મને ઉત્તેજન મળવા લાગ્યું – ઉજડ ગામમાં એરંડો પ્રધાન તેવી રીતે.

૧૨. મને વિચાર થયો કે બુદ્ધિવર્ધકવાળા કવિતાની ખરી ખોટી બનાવટ સમજતા નથી ને હું તો ઝોકાયવો જ જાઉંછ; પણ એ સારૂં નહીં – કવિતા બનાવવાની રીત તાકીદથી શિખવી જ જોઈએ – રે દોહોરા ચોપાઈના પણ નિયમ જાણતો નથી. એ ગભરાટમાં ૧૮૫૫ના અકટોબરનાં બુદ્ધિપ્રકાશથી માલમ પડયું કે કવિતા બનાવવાના શાસ્ત્રને પિંગળ શાસ્ત્ર કહે છે; પછી મેં એ સંબંધી સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકોની શોધ કરવા માંડયો, પણ મુંબઈમાં મને કોઈ પુસ્તક મળ્યું નહીં.

૧૩. મેં કવિ દલપતરામને કાગળ લખવાનું ધાર્યું, પણ પાછું વિચાર્યું કે રખેને એ મને હસી કહાડે અથવા રખેને એ મને દિલના ખુલાસાથી જવાબ લખે નહીં. સને ૧૮૫૧માં દલપતરામે મનમોહનદાસનાં ભાષણ વખતે જે ચાલ ચલાવી હતી તે વળી મને યાદ આવી, મેં દલતપરામને કાગળ લખવો મોકુફ રાખ્યો.

૧૪. સને ૧૮૫૬ના જાનોવરીમાં તુળજારામ નામના ભારગવ જે મુંબઈમાં રહેતા હતા ને જેની સાથે મારે ઓળખાણ હતું તેને મેં પિંગળનાં પુસ્તક વિષે કહ્યું. એણે મને કાળીદાસનો ‘શ્રુતબોધ’ આપ્યો. પણ પછી શિખવનાર ન મળે. ખોળ કહાડતાં કહાડતાં એક દાદાદેવ નામનો નાશકકર શાસ્ત્રી મળ્યો. તે ઘણો બેતમાવાળો હતો, તેને ત્યાં હું કાલેજમાંથી વખત કાહાડીને જતો. પછી ૧૮ દાહાડામાં હું તે ‘શ્રુતબોધ’ શિખી રહ્યો-શિખતો જતો ને ગુજરાતીમાં બનાવતો જતો. એ પુસ્તકથી હું કેટલાંએક અક્ષરવૃત્તો કરતાં શિખ્યો પણ દોહોરા ચોપાઈના નિયમ કંઈ જાણું નહીં, કેમકે એ વૃત્તો સંસ્કૃતમાં નહીં.

૧૫. મનમોહનદાસે બોધવચનનાં વાક્યોને કવિતામાં મુકી છોકરીઓને માટે ચોપડીઓ કહાડી હતી. તે ઉપરથી હું જાણતો કે એ ભાઈની પાસે કંઈ હિંદુસ્તાની પિંગળ હશે ખરૂં. પછી મેં એને એક કાગળ લખ્યો તે આ હતો: –

‘મિત્રશિરોમણિ કવ્યોપનામક ભાઈ મનમોહનદાસ વિ. રણછોડદાસજી પ્રતિ મુંબઈથી લા. સ્નેહાભિલાષી નર્મદાશંકર વિ. લાલશંકરના આશીરવાદ. વિશેષ આની સાથે મોકલેલું પત્રક (વ્યભિચાર નિષેધક નિબંધમાંની કવિતા) અવલોકન કરી લખાણમાં માત્રા તથા અક્ષર સંબંધી ભુલો સુધી છંદ છંદના નામ પણ મથાળે લખી તે પત્રક નાટપેડ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટયૂશન એ ઠેકાણે પાછું રવાને કરવં – એમ થયેથી મોટો ઉપકાર થશે.’

‘હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઊં. પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઇચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારૂં છઊં, વાસ્તે તમે મારો કર ગ્રહી પિંગળ ક્ષેત્રની જાતરા કરાવશો એમ આશા રાખું છઉં.’

‘તમારી પાસે જે મોકલ્યું છે તે તથા બીજું કેટલુંએક મેં કીધેલું છે તે, ઉટાંગ બાંધી કંઈ તમારું ને કંઈ દલપતરામનું જોઈ જોઈને ગોઠવેલું છે.’

‘અંગ્રેજીમાં કહે છે poets are born તે પ્રમાણે કવિતા કરવામાં વિચારશકિતનું સામર્થ્ય જોઈએ; ફ્કત પિંગળની રીત જાણવી મારા ધાર્યામાં બસ નથી – તેમ વિચાર ને તર્ક હોય એટલે બસ એમ પણ નથી; તેને પ્રબંધરૂપી ભાષાનાં વસ્ત્રો પહેરાવવાં અવશ્ય છે – વસ્ત્ર વગર અલંકાર શોભે નહીં.’

‘વણ લુણે રસોઈ જેમ, લાગે ન કંઈ સ્વાદ,’

‘કીરતન રાગમાં સુણતાં, છાંડે નાસ્તિક નાદ.’

‘(એ પણ સુધારજો)’

‘હવે મારી વિચારશકિત અને તર્કશકિત વધારે કેળવાઈ શકે તેવી છે પણ રીતિ વનાં અઘરૂં લાગે છે. શંકાને લીધે ઘણો કાળ જાય છે અને તેને સારૂં પિંગળ સંબંધી પ્રાકૃત ગ્રંથો ભણી લેવાની જરૂર છે.’

‘તેમ, ગુરૂ વના જ્ઞાન પ્રાપ્ત થતું નથી; ને એ છંદમાં અસલથી સુરતના કેટલાએક કણબીઓની પેઠે કવિતા વગેરેનો મેં અભ્યાસ કર્યો નથી, તેમ આવડશે કે નહીં એની ગભરામણ થાય છે. વળી એ વિષય શિખવવાને મારા પરિચયમાં કોઈ જ નથી, વાસ્તે કૃપા કરીને શિક્ષકપણું સ્વીકારી હું શિષ્યની હોંસ પૂરી પાડનાર આપ સમર્થ છો. સજ્જને કાળક્ષેપ સારૂ ક્ષમા કરવી.’

‘ભાઈ મોહનલાલને તથા વડિલ રણછોડદાસજીને મારા યથાયોગ્ય કહેવા.’

‘મારે માસ એપ્રિલમાં લગન સારૂ સુરત આવવું છે તે સમયે તમારા દર્શન કરવાની તથા કેટલીએક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળશાસ્ત્ર પ્રવેશક ક્રિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું. સુજ્ઞને બહુ શું લખિયેઋ મુજપાસથી કામ લેવાને આચકો ન ખાવો – એ જ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૮૫૬.’ (એ કાગળનો જવાબ આવ્યો નહોતો… જારે મને ગએ વરસે મારી હકીકત લખવાનો વિચાર થયો તારે મેં મનમોહનદાસને ભરમમાં કહ્યું કે તમારી પાસે મારો કાગળ હોય તો તે આપો – પછી કેટલેક મહિને તેઓએ મને કાગળ આપ્યો તે ઉપર દાખલ કર્યો છે.)

૧૬. મનમોહનદાસનો જવાબ ન આવેથી મેં માત્રાકવિતા લખવી બંધ રાખી હતી. અક્ષરકવિતા અને પદો થોડાં થોડાં બનાવતો.

૧૭. સને ૧૮૫૬ના અપ્રેલમાં હું સુરત આવ્યો ને મેમાં સંવત ૧૯૧૨ના વૈશાખ સુદ ૧૨ એ પંડયા ત્રિપુરાનંદની છોકરી ડાહીગવરી સાથે પરણ્યો ને પછી મુંબઈ ગયો.

મારી સ્ત્રી મુઆ પછી મારે ફરી લગન કરવાનો વિચાર નહોતો. પણ મારા બાપે એક સાથે મારો વિવાહ કર્યો હતો – પણ એ વિવાહ કેટલાંએક મારા સગાંને ગમતો નહીં ને જ્હાં ત્હાં ને જ્હારે ત્યારે ન્યાતમાં પણ એ વાત ચરચાતી-મને તે ગમતું નહીં. પછી એક દહાડો જોસ્સામાં મેં મારે સાસરે કહેવડાવ્યું કે જન્માક્ષર પાછા આપો. તેઓએ જવાબ આપ્યો કે તે તો બાળી નાખ્યાછ – એ રીતે મેં વિવાહ ફોક કર્યો. નાગરી ન્યાતમાં એવું કામ થોડા જ જણ કરે છે, કેમકે કન્યાના તોટા. હવે બાપને કેટલું દુ:ખ તેનું કરેલું તેને પૂછ્યા વના મેં રદ કીધું! ખરેખર મારી તબિયત તો મારાજ બાપ સાંખે! પછી હું ગભરાયો કે મારા બાપ બહુ દુ:ખી થશે – તેની ઉમેદ સહુ મારા સંસાર ઉપર હતી તે મેં તોડી નાખી – પછી મારે માટે બીજે ઠેકાણે તજવીજ થવા લાગી ને સંવત ૧૯૧૧ ના કારતગ સુદ ૩ જીએ મારો ફરીથી વિવાહ થયો – ને ઉપર કહ્યા પ્રમાણે ૧૯૧૨ ના વૈશાખમાં મારાં લગન થયાં. લગનમાં મેં ઘોડે બેસવાની ઘણી ના કહી હતી પણ મારા બાપના આગ્રહથી મારે બેસવું પડયું હતું; પણ સાજવનાના કાળા ઘોડા પર બેઠો હતો. તેમ, કર દાખલ તડને નોતરે જમાડવાને બદલે આખી ન્યાતને પરચુરણ નોતરાંથી જમાડવાની મેં ઘણી હઠ કરી હતી, પણ તેમાં પણ મારૂં ફાવ્યું ન્હોતું.

૧૮. લગન કરી મુંબઈ ગયા પછી કાલેજમાં મારૂં દીલ લાગ્યું નહીં : – કવિતા કરવાનો વધી ગયેલો જોસ્સો, ગુજરાતી સંસ્કૃત ને અંગ્રેજીમાં ગ્રંથકાર થઈ માન પામવાનો મ્હોટો લાભ, મોટા થયા એટલે બાપને ભારે ન પડવું એ વિચાર તથા ઘરમાં પણ નાણાંની ભીડ.

તેથી થતો ગભરાટ, ફર્સ્ટ નાર્મલ સ્કાલરશિપ ત્રણ જ જણને મળે એવું હતું તેથી ને મારી આ વૃત્તિથી મને તેની આશા નહીં ને આગળ પણ કાલેજ તો છોડવી પડવાની જ એ વિચાર, મારી હાલત પૈસાની વાતે સ્વતંત્ર કેમ થાય અને મુઆ પછી મુક્તિ કેમ થાય એ વિચાર – એ સઘળાંથી મેં કૉલેજ છોડવી ધારી – વળી મારી ચલિત વૃત્તિથી કાળ નકામો જાય છે, બાપ રોજરોજ રોજગારે વળગવાનું કહે છે ને કહે છે કે એક ઉદ્યોગ પકડી બાકીના વખતમાં કવિતા સંસ્કૃત ગમે તે ભણજે, પિંગળ તો મુંબઈમાં મળતું નથી માટે ગુજરાત જઈ લઈ આવવું – એ સહુ વાતને લીધે મેં કાલેજ છોડવાનું નક્કી કીધું – સને ૧૮૫૬ની ૨૮મી જુને મેં રાજીનામું આપ્યું – એમ લખીને કે મારે કંઈ ખાનગી નોકરીએ વળગવું પડે છે. માટે (એ બ્હાનું હતું) તે પછી તા. ૧૯મી આગસ્ટે મેં હારકનેસનું સરટીફીકટ લઈને કાલેજ છોડી.

કThis is to certify that Narmadashankar Lalashankar was admitted into the English School of the Elphinstone Institution in January ૧૮૪૫; that he continued to attend regularly till April ૧૮૫0, when he obtained a Clare Scholarship; that he left the college shortly afterwards and returned as a Paying student in June ૧૮૫૪; that in December following he obtained a West Scholarship and regularly attended the second year class in which he made a creditable appearance, having obtained ૫0 percent marks at the Scholarship Examination; that he possesses fair abilitiess and would in my opinion have taken a pretty high place if he had continued to prosecute his studies. His conduct so far as it has come under my observation has been uniformly good.

Bombay, Elp’n Ins’n

૧૯th Aug. ૧૮૫૬

(Signed) JOHN HARKNESS, LL.D.

Principal

૧૯. કાલેજમાં હતો ત્યારે કચ્છના રહાનો હારકનેસ પર કાગળ આવ્યો હતો કે, ‘તમારે તાંથી કોઈને હમારે તાહાં અંગ્રેજી સ્કુલમાં સો રૂપીઆના પગારનો માસ્તર મોકલવો.’ એ પરથી હારકનેસે મારૂં ને મુરલીધરનું નામ તથા હમારી ન્યાત તથા હમારા ગુણ લખી મોકલ્યાં હતાં. – તેમાં નિશાળ શિખવવાનાં અનુભવની વાતમાં મુરલીધર કરતાં મારી વધારે સીફારસ કરી હતી પણ રાહે મુરલીધર જે ન્યાતે કણબી તેને પસંદ કર્યો હતો – એ વખત કચ્છના દરબારમાં રાહને નાગરો ન રાખવા એવું હતું. (મેં કચ્છ જવાની ઈચ્છા દેખાડી હતી તે એટલા સારૂ કે તાંહાં કવિતા સંબંધી હિંદુસ્તાની ગ્રંથો છે તે જાણવામાં આવે ને કોઈ દાહાડો રાહને કવિતાનો શોખ લાગેથી મારૂં કામ વધી જાય ને પછી સ્વતંત્ર રીતે કવિતા થયાં કરે.)

૨0. સને ૧૮૫૬ ના માર્ચથી વચલા બે ત્રણ મહિના સિવાય તે ડિસંબર આખર સુધી હું બુદ્ધિવર્ધકગ્રંથના અધિપતિનું કામ કરતો –ને એ વખતના પાછલા ભાગમાં કાલેજ છોડયા પછી મેં ગુજરાતી ડિપુટી શિરસ્તેદારની જગાને સારૂ સદર અદાલતના રજિસ્ટર મિ. કોક્સનને અરજી કરી હતી પણ કંઈ વળ્યું ન્હોતું.

૨૧. કાલેજ છોડયા પછી ઘેર બેઠા – એક પાસથી કવિતા કરવાનું રાખ્યું ને બીજી પાસથી વૃત્તરત્નાકર અને રઘુવંશ શિખવાનું દેવશંકર શુગ્લ પાસે રાખ્યું તેમાં વૃત્તરત્નાકર પુસ્તક પૂરૂં શિખ્યો ને રઘુવંશનો બીજો ને ત્રીજો એમ બે સર્ગ શિખ્યો.

૨૨. તા. ૧૫મી આગસ્ટે રાસ્તગોફતારમાં ગોસાંઈજી મહારાજોની ઉત્પત્તિ, તેઓનો ઇતિહાસ આદિ લઈ બાબતો ઉપર ૧00) રૂપિયાના ઇનામના નિબંધની જાહેર ખબર છપાઈ હતી તે ઉપરથી મેં તે લખવા ધાર્યો ને એને માટે વૈજનાથ શાસ્ત્રી જે મુંબઈમાં મોટા મંદિરના જીવણલાલજી મહારાજના આશ્રિત છે ને જે મારા સ્નેહી છે તેને મેં કહ્યું કે મહારાજો સંબંધી કેટલાંએક મને પુસ્તકો આપો – તેણે જવાબ દીધો કે મારાથી તો મંદિરમાંથી અપાય નહીં પણ તમે સુરત જશો તો ત્યાંથી મળશે. એ ઉપરથી મેં મારા બાપને કહ્યું કે મારે સાહિત્ય મેળવવાને સુરત જવું પડશે – મનમાં એવું કે કદાપિ એ ગ્રંથો ન મળ્યા તો ચંતા નહીં પણ હિંદુસ્તાની પિંગળનાં પુસ્તકોની શોધ તો થશે. પછી હું નવંબરમાં સુરત આવ્યો. અહીં કંઈ વલ્લભ માર્ગના ઘણાં પુસ્તકો મને મળ્યાં નહીં, માટે તે ઉદ્યોગ મેં નરમ પાડયો.

૨૩. પછી અહીં (સુરતમાં) મેં મારા દોસ્તદાર ૧૮૫૧ની વખતના ‘જ્ઞાનસાગર’ના છાપનારા જદુરામને પકડયો ને કહ્યું કે કોઈ પણ ઠેકાણેથી પિંગળનું પુસ્તક અપાવ – પછી હમે ઘણે ઠેકાણે ફર્યા તેમાં એક વખત હમે એક ગોરધન નામના કડિયાને ત્હાં ગયા. એ કડિયો છોનાં કામ ઉપર ચિતરવામાં અને પથ્થર કોતરવામાં ઘણો હોશિયાર છે. અક્ષર ઘણા સરસ લખે છે. તેમ એણે હિંદસ્તાની ભાષાના વેદાંતના ગ્રંથો બહુ વાંચ્યા છે. એહાલમાં મારૂં નવું ઘર બંધાય છે ત્હાં મિસ્તરીપણું કરે છે – આજકાલ એના જેવો કિસબી કડિયો સુરતમાં નથી. ત્હાં મેં કેટલાંએક મારાં બનાવેલાં પદો ગાયાં ને તે કડિયો ખુશ થયો ને બોલ્યો કે મારા ગુરુ લાલદાસ મોટા ક્વેસર હતા, તેનાં પુસ્તકો સઘળાં મારી પાસ છે તેમાં જોઈશું – તમે કાલે આવજો. પછી હું બીજે દહાડે તેની પાસે ગયો ને ત્હાં પટારો ઉઘડયો. તેમાંથી છંદ રત્નાવળી નામનું પુસ્તક નિકળ્યું. તેણે મને કહ્યું કે હું ઘેર તો નહીં આપું પણ અહીં આવી લખી લો. પછી હું રોજ સવારે કલમ ખડિયો કાગળ લઈને તેને ઘરે જતો ને પિંગળ લખતો. તે કડિયા પાસે લાલદાસનાં કરેલા ચાળીસેક રંગેલાં ને સારા અક્ષરથી લખેલાં ચિત્રકાવ્ય હતાં તે મને તેણે દેખાડયાં ને વાંચી બતાવ્યાં – મારૂં મન તે ઉતારી લેવાનું થયું.

મેં ગોરધનદાસ જેને સહુ ભગતજી કેહેતા તેને કહ્યું કે, અહીં તમારે ઘેર તો જ્ઞાનની વાતો ચાલે છે એટલે મારાથી લખાતું નથી. તમે મને થોડાં પાના રત્નાવળીનાં ને ચારપાંચ ચિત્રકાવ્ય ઘેર લઈ જવા દો તો બીજે દહાડે પાછાં આપીને બીજાં લઈ જઈશ. તે વાત તેનાં મનમાં ઉતરી ને પછી હું રોજ ચારપાંચ ચિત્રકાવ્ય લઊં ને રસ્તામાં ચિતારાની દુકાને નકલ ચિતરવાને આપું. ઘેર જઈ જમું ને પાછલે પોહોરે ચિતારા પાસથી લઈ આવું. રાતે તેમાં અક્ષર લખું ને વળી રત્નાવળી લખું. એ રીતે મેં સઘળાં ચિત્રકાવ્ય ચિતરાવી લખી રાખ્યાં ને રત્નાવળી પણ લખી લીધી. એ પિંગળનાં પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી. એ પુસ્તકથી મને દોહરા ચોપાઈ વગેરે માત્રા વૃંત્તોનાં નિયમ જણાયા.

૨૪. ડીસેમ્બરની ૧૫ મી પછી હું મુંબઈ ગયો તો ત્હાં રીજમીટના એક સાહેબને શિખવવાનું હતું, પણ તેણે કહ્યું કે વિનાયક વાસુદેવનું સરટીફીકેટ હોય તો હું તારી પાસ શિખું. હું વિનાયકરાવ પાસે ગયો ને મેં કહ્યું કે, મારી પરીક્ષા લઈ મને સરટીફીકેટ આપો. વિનાયકરાવ બોલ્યા કે ‘નર્મદાશંકર મારી મશ્કરી શું કરોછ’! પછી તેણે ઓફીશિયત રીતમુજબ સરટીફીકેટ આપ્યું.

Bombay ૨૨nd December ૧૮૫૬

Certified that Narmadashankar Lalashankar is qualified to teach Guzerathee.

(Signed) VENAYEK WASUDEV

Oriental Trans. to Government.

મેં પેલા અંગ્રેજને થોડા દાહાડા શિખવ્યું ને પછી તેને કંઈ કામ આવ્યું તેથી કામ બંધ રહ્યુ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.