૧: ડાહીગૌરી સંબંધી

(સપ્ટેમ્બર ૧૮૮૨થી ઓક્ટોબર ૧૮૮૪)

આ વાતચીતમાં વપરાયેલાં સંક્ષેપ નામો

ડા0 = ડાહીગૌરી (નર્મદની પત્ની), ન0 = નર્મદ, સુ0=સુભદ્રાગૌરી, સ0= સવિતાગૌરી

સંવત ૧૯૩૮ દ્વિ. શ્રાવણ વદ ૭-૮ વા. સોમ (તા. ૪થી સપ્ટેમ્બર ૧૮૮૨)

નવ વાગે ડા0 આવી. (ઉગ્રપણે) : મને સ્ટેશન ઉપર કોઈક તેડવા પણ ન મોકલ્યું?

ન0: ધીરી પડ, ઇંદિરાનંદ આવ્યા હતા.

ડા0 તમારી તરફથી તો કોઈ જ નહિ કે? રામશંકરને કેમ ન મોકલ્યા?

ન0 અમણા અમારી પાસે કોઈ માણસ નથી. રામશંકર રિસાયા છે. અહીં આવતા નથી.

ડા0 કાલે હું મામાને મળવાને ગયલી તે વેળા તુળજાગૌરીએ કહ્યું કે સ0ના ઓરડાવાળી ઘડીમાં ઉઘડે છે ને ઘડીમાં બંધ થાય છે ને મેં પણ તેમ જોયું. એ શું હશે?

ન0 કોઈ ભૂતબૂત હશે બીજું શું?

આવતી વેળા રૂપીઆ કોના લીધા હતા?

ડા0 રવિભદ્ર પાસે રૂ.૮) લીધા છે ગઈકાલે જ, ને તેમાંથી રૂ. ૪) ઉજમને મારો જીવ લેતી હતી તેને આપ્યા છે.

ન0 બીજા કોઈનું કંઈ દેવું છે? ત્રણ મહિના પીહેર રહી તેટલમાં મુદતમાં.

ડા0 ના.

ન0 હું મુંબઈ આવ્યો ત્યાર પછી ને તું પીહરે ગઈ તેની પહેલાં કોઈનું કંઈ દેવું કીધું છે?

ડા0 માત્ર બે જનસ પાનડી તથા ફૂલ માંઈની પેટીમાં મુકી રૂ. ૧0) લીધા છે.

ન0 એ વાત કોણ જાણે છે?

ડા0 આવતી વેળા મોતીભાઈને તથા એની વહુને કહેતી આવી છું કે માંઈને જરૂર પડે તો તે રૂ. ૧0 આપી જનસ લઈ લેવા. તેમ રવિભદ્રને પણ કહ્યું છે.

ન0 બીજી કાંઈ જનસ કોઈને ત્યાં છે?

ડા0 સુનાના લવેંગીઆં ને રૂપાના ફૂલ કીકુ પાસે છે ને તે તેણે વેચ્યાં કે નહિ તે હું જાણતી નથી. એ ઉપરાંત બીજા કોઈનું કંઈ નથી.

ન0 પીહેર ગયા પછી કેટલા રૂપિયા પરચુરણ ખરચ્યા?

ડા0 પોણો રૂપીઓ મારી પાસે હતો; મોતીના છ દાણા રામશંકર હસ્તક વેચાવ્યા તેના રૂ. ૨|| આવ્યા ને રૂ. ૧0 તમે મોકલાવ્યા તે એટલું.

ન0 પરચુરણખરચ કીધો કે કાંઈ ચોળીખંડ વગેરે લેવાયાં?

ડા0 ના તે કંઈ લીધું નથી.

ન0 લાલાજી કોના આણ્યા છે? પીહેરના છે?

ડા0 પીહેરથી આણ્યા છે, ગંગીના છે, ઇચ્છા ભટાણીએ મારી પાસે માગેલા તેથી મેં તેને માટે આણ્યા હતા.

ન0 હું મુંબઈ આવ્યા પછી કેટલી મુદતે?

ડા0 થોડાક દહાડા પછી; પીહેર ભંડારિયામાં હતા ત્યાંથી આણી મેં ભંડારીઆમાં મૂક્યા.

ન0 પીહેર જતાં પહેલાં કેટલાક દિવસ ઉપર પૂજવા માડેલા?

ડા0 બેએક મહિના થયલા, ઇંદુ ને વહુ આવશે તેની પાસે કહેવડાવીશ કે એ લાલજી ત્યાં હતા.

ન0 એ વિષે મ્હારે વધારે જાણવું નથી. પણ આટલું હવે કે ભટાણીને મસે લેઈ આવી તો તેને ન આપતાં તેં કેમ પૂજવાને રાખ્યા? મેં જાણ્યું કે ઉજમના કે કોઈના હશે ને તેણે તને પૂજવા આપેલા.

ડા0 ભટાણી પીહેર રહેતાં તેનો યજમાન જાતરે ગયો હતો; પછી વળી કમળને રાખવાની ઇચ્છા થયલી પણ તેને ઘરનાએ ના કહી તેથી તેણે ન લીધેલા અને પછી રાખી મૂકવા કરતાં પૂજામાં લેવા એ સારૂં છે એમ વિચારી તેમ કીધું.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.