૧૪ મણિનંદ શાસ્ત્રીને

મુંબઈ તા. ૨૬ મી નવેમ્બર ૧૮૬૮

સજ્જનવર પરમ સંબંધી મણિનંદ શાસ્ત્રી યોગ્ય-

તમારો પત્ર તા. ૨૨ મીનો આજે ૧0 વાગે આવ્યો તે વાંચી વિશેષ સમાચાર જાણ્યા છે. તમારો આવ્યો તેની પ્રથમ મણિભદ્ર ઉપર આવેલો તેથી મેં વર્તમાન જાણ્યા હતા. સાહસના ફળ વિષે હમણાં મારે બોલવું એ મિથ્યા છે. મારે પોતાનો તો આટલી હાનિ થઈ જ ચુકી કે જે ચુંથાડાનું મને ભય હતું તેમાં હું સપડાયો છઉં-હશે. જમનારામાંથી કોઈ ઉઠી ન ગયું એટલું ભાગ્ય! સામાવાળાને ન લેખવતાં હવે ઉપરાઉપરી જમવા તેડયાં કરે એવો જો કામ ઉઠાવનારાનો આગ્રહ હોય ત્યારે તો સાહસનો પ્રારંભ ઠીક થયો કહેવાય. હું નથી ધારતો કે હવે કોઈ જંબા જ તેડતું હોય ને એ જ વાત આગ્રહ ધરાવનારાઓના પાછાં પગલાં ભરવાનું ચિન્હ છે. સઘળા લાયક છે એટલે મારે કંઈ એ કામમાં હાથ ઘાલવાની જરૂર નથી.

ઈંદુપ્રકાશનો અંક ખોળી, મેળવી મોકલી દઈશ.

નર્મદાશંકરના પ્રણામ અંગીકાર કરવા.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.