નર્મદનું મૃત્યુ અને તેની તારીખ

કર કંપત, કલમ ન ચાલત, દૃગ આછાદીતોત;

કિસી ધ લિખું પંડિત કવિ નર્મદ દુઃખદ મૌત।

‘હાથ ધ્રૂજે છે, કલમ ચાલતી નથી! બહુ માઠા સમાચાર છે!’ – એમ નવલરામે તેમના સંપાદન નીચે રાજકોટથી પ્રકાશિત થતા ‘ગુજરાત શાળાપત્ર’માં (માર્ચ ૧૮૮૬) નોંધ લીધી હતી..

કવિની માંદગીની વિગતો આપતાં તેઓ નોંધે છે કે,

‘વર્ષ દોઢ વર્ષથી કવિનું શરીર કથળ્યું હતું અને છેલ્લા છ માસથી તો પથારીમાંથી પોતાની મેળે ઉઠાતું પણ નહિ તો પણ કહે છે કે છેવટની ઘડી સુધી, એટલે દેહ છોડયો તેની પહેલાં એક કલાક સુધી પણ – હોશીયારીથી બરાબર વાતચિત કરતા હતા, અને તેમાં એમની બુદ્ધિનું ગાંભીર્ય પૂર્વવત્ એવું માલુમ પડતું કે અજાણ્યાને તો કવિ માંદા છે એ વાતની પણ ખબર પડતી નહી.’

કવિની સારવારમાં આ નોંધ અનુસાર ત્રણ ડૉક્ટરો હતા – ડૉ. ભાલચંદ્ર, ડૉ. એરચશા અને ડૉ. સિરવૈ.

રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર એક વર્ષ પહેલાંથી ફેબુ. ૧૮૮૫થી નર્મદથી પ્રકૃતિ શિથિલ થવા લાગી હતી. આનું કારણ તેઓ અંતર્ગત – માનસિક હોવાનું કહે છે. ટેક છોડી નોકરી સ્વીકારવી પડી તેનો માનસિક આઘાત ઘણો તીવ્ર હતો. ઉપરાંત શેઠ ગો. તે. બોર્ડિગ સ્કૂલની યોજના તૈયાર કરવામાં પણ મોડી રાતના ઉજાગરા થતા તેનો શ્રમ પણ ખરો. શરૂઆતમાં અન્ન પર અરુચિ, શરીર નિર્ગત થવા માંડયું, ચક્કર આવતાં, બેએક વાર પડી પણ ગયા હતા. એપ્રિલ ૧૮૮૫માં તો સાંધાઓ ગંઠાઈ જતાં ઋભા પણ ન થવાય તેવી સ્થિતિ થઈ, પરંતુ પોતે તૈયાર કરેલી યોજના પ્રમાણે બોર્ડિંગ શાળા શરૂ થઈ તેના આનંદમાં કવિએ શારીરિક દુ:ખ અવગણ્યું. એમ દશ મહિના ખેંચ્યું.

કવિ શિવરાત્રિનો ઉપવાસ કરતા નહિ. ફેબુ. ૧૮૮૬ ની મહાશિવરાત્રીનો ઉપવાસ તેમણે કર્યો. મૃગચર્મ પર બેસી, ડાહીગૌરી, નર્મદાગૌરી, જયશંકર અને રાજારામને ઉપદેશ આપ્યો. હવે આ દેહ બેચાર દિવસ જ રહેવાનો છે એમ કહી, ડાહીગૌરીની ક્ષમાયાચના કરી, સુભદ્રાને ડાહીગૌરીની આમન્યા રાખવા, રાજુને નવા પ્રવાહમાં ઘસડાઈ ન જતાં સ્વધર્મનિષ્ઠ રહેવા ઉપદેશી સચ્ચિદાનંદ – સ્મરણ કર્યું. આનું હૂબહૂ વર્ણન રાજારામે, પોતાના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં આપ્યું છે.

*

નર્મદનું મૃત્યુ નવલરામની નોંધ અનુસાર તા. ૨૫-૨-૧૮૮૬ ના રોજ, અને રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર તા. ૨૬-૨-૧૮૮૬ ના રોજ થયું. વિશ્વનાથ ભટ્ટ રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ લેખને આધારે, કવિએ ડાહીગૌરી, નર્મદા અને રાજારામને અંતિમ ઉદ્બોધન શિવરાત્રિના રોજ કર્યું એમ છે ત્યાં સુધી તો બરાબર છે. તે પછી તેઓ એમ કહે છે કે આ ઉદ્બોધન પછી, કવિએ જીવનલીલા સંકેલી લીધી. તો એનો અર્થ તો એ સ્પષ્ટ છે કે જીવનલીલા સંકેલવાનો દિવસ પણ આ શિવરાત્રીનો જ. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો એ પણ નોંધ્યું છે કે કવિ આ ઘટના પછી એક અઠવાડિયું જીવ્યા હતા. સો વર્ષના પંચાંગ પ્રમાણે આ શિવરાત્રિએ તો તા. ૧૭-૨-’૮૬ હતી! આમ ‘વીર નર્મદ’માં તો કવિને એક અઠવાડિયું વહેલા દિવંગત થવું પડયું છે.

આ સંદર્ભમાં તા.૨૫ અને ૨૬ મીનો વિરોધ પણ વિચારી લઈએ. નવલરામે કવિના મૃત્યુની નોંધ ‘શાળાપત્ર’ના માર્ચ ૧૮૮૬ના અંકમાં લીધી તેમાં તા. ૨૫મી આપી છે. ૧૮૮૭ના અંતમાં તેમણે સમગ્ર ‘નર્મકવિતા’ના આરંભમાં મૂકવા ‘કવિજીવન’ લખ્યું તેમાં પણ તેમણે આ જ તારીખ આપી છે. આ તારીખ આમ જાહેર થઈ ગઈ હતી છતાં, ૧૯૧૫માં રાજારામ શાસ્ત્રીએ લખેલા અને સાહિત્ય પરિષદનાં સુરત અધિવેશનમાં વાંચેલા નિબંધ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ માં તા.૨૬મી (બપોર) આપી છે. તેઓ નવલરામે આપેલી તારીખ સ્વીકારતા નથી. એમાં કોઈ રહસ્ય તો છે જ. નર્મદનું મૃત્યુ મુંબઈ ખાતે થયું હતું. નવલરામ તે સમયે રાજકોટ હતા. રાજારામ કવિની સારવારમાં હતા. જયશંકર સાથે તેમણે પણ કવિને કાંધ આપી હતી. તેઓ ઇતિહાસના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમની માહિતી સ્વમાહિતી, Firsthand છે; નવલરામની અન્ય પાસેથી મળેલી second or third hand છે. મિત્રને મિત્રની મૃત્યુતિથિનું વિસ્મરણ થાય, પુત્રને પિતાની પુણ્યતિથિનું વિસ્મરણ ન થાય. રાજારામ કવિના પુત્રવત્ આશ્રિત હતા.

એથી નવલરામની અપેક્ષાએ રાજારામ શાસ્ત્રીની નોંધ વિશેષ શ્રદ્ધેય ગણાય. તદનુસાર કવિના મૃત્યુની તારીખ ૨૫ ફેબ્રુઆરી નહિ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ નિશ્ચિત થાય.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.