અકટોબર

કેફ વિના તને કંઈ ગમે નહિ. પછી તેણે તા. ૧ લી અકટોબરે સુ0 પાસે રૂ0|નું કેસર મગાવ્યું કે જે વાત એણે મને સાંજે કહી. પછી જરા જરા કેસર ચાવ્યા કરે. તા ૨૫મી એ સુ0 અળગી બેઠી તેથી ડા0ને નોમે બ્રાહ્મણ જમવાના તે રાંધવું પડયું. તે તેણે રાંધ્યું પણ કહ્યાં કરે કે નિશો લીધો હોય તો કામ સેલથી સારૂં થાય. એ ઉપરથી પાછું તા. ૬ એ દશેમને માટે બ્રાહ્મણને માટે રસોઈ કરવાની તેથી અને તેણે મારી આજીજી કરી તેથી મેં તેને દોડીઆનો પાક મગાવી આપ્યો. તે ખાઈને તે પસંનપણે સૌને જમાડીને જમી. (સવારે કેસર તો ખાધું જ હતું) તેણે કહેલું કે આ પાક સારો નથી. કેસરી જોઈએ. તેને માટે મેં તેને દોડીઉ આપેલંુ તે તેણે બક્કાને આપી મંગાવેલો, અર્થાત્ એક પડીકું વધારાનું તેની પાસે રહેલું. બીજાં ચાર પડીકાં મેં છાના મગાવી રાખેલાં કે કોઈ કોઈ વખત તેને આપવાં.

તા. ૭ મી અકટબર અગિયારશે હું સંધ્યા કરતો હતો તે વેળા તેનું બોલવું–મારૂં કોઈ માણસ નહિ કે મારૂં કોઈ છાનું ચિંધ્યું કામ કરે, મને ફસાવી અહીં તેડીને, દુ:ખ દેવું હતું તો અહીં શું કરવા તેડી, મને પાછી કાં નથી મોકલી દેતા વગેરે કેટલુંક ફાટુંફાટું બોલી. મેં તે સાંભળ્યાં કીધું હતું.

હવે તા. ૮ મીની વાત. સુ0 નળે નાહી આવી તે ઉપરથી તે બહુ બબડી હતી ને સુવાવડના મેણાં માર્યા હતાં, હું પણ હવે ટાડે પાણીએ નાહી આવીશ. અર્થાત્ ઉઠી ત્યારથી ધુંધવાતી હતી, બપોરે મેં શિખામણ દીધી કે કોઈ પુરુષ સાથે ખાવાનો તંબાકું સારો છે એવી વાત કરવી નહિ. સૌ દેખતાં મારી સાથે તકીએ બેસે છે તેમ ન કરવું વગેરે. ઉપરથી બબડાટ બહુ કીધો હતો-એટલી એટલી મર્યાદા કે દહાડે? વગેરે? તેટલે ઇંદિરાનંદ આવ્યા. તેના ઉપર તો ગુસ્સે એટલે બોલી જ નહિ, તે પણ બોલ્યા નહિ. પછી મેં કહ્યું ભાઈબેન કેમ બોલતાં નથી વગેરે કહી બોલતાં કીધાં. મેં કહ્યું ઇંદિરાનંદને કે અમણા વક્તવ્ય બહુ વધ્યું છે. સ્ત્રીના હક વિષે યથેચ્છ બોલે છે એટલું જ . પછી ભાઈબેનને વાત કરતાં રાખી હું બે વાગે બહાર ગયો. બારથી આવ્યા પછી તે ઘરમાં એકલી દેવતા આગળ સુઈને રડતી હતી. મેં કહ્યું મહાદેવને શરણે સુતી છે તે તેના મનનું સમાધાન કરશે. પછી તે ઉઠીને આવી ને જોરમાં બોલી-મારી આબરૂ લો છો, મારા પછવાડે ચોકીપેરા રાખો છો, સુ0 ને નોંધ રાખવાનું કહો છો. મેં એટલો બધો શો ગુનોહ કીધો છે કે જુલમ ગુજારો છો વગેરે. પછી મેં બહાર જતી વખત કહેલું કે રાતે તારો ધુંધવાટ સાંભળીશ.

રાતે મદ્રાસ કલ્લાક ૧0 વાગે.

સુ0એ કહ્યું, ડા0 સાદડી પર સુએ છે, માટે હું પણ સાદડી પર સુઉં. મેં ના કહી. ડા0 ગમે તેમ કરે તારે તેમ ન કરવું. પછી હું દેવી ભાગવત લેઈ પથારીમાં જઈ સુતો એટલે એકદમ મારી પાસે જોરમાં આવી બોલી-છોકરો ને સુભદ્રા મને કોઈ દહાડો મેણાં મારે માટે તમે એઓની આગળ મારી વાત શું કરવા કરો છો? તમે ધાર્યું છે શું? પડપડોશી સૌની આગળ મને ફજેત કરો છો. તમે મને સાસુ નણંદની પેઠે મેણાં માર્યા કરો છો તે મારાથી નહિ સહન થાય. રોજરોજ સંતાપ થયા કરે તે મારાથી નહિ સહન થાય. મારો જીવ તો આનંદી છે. મને મારે સુરત મોકલી દો વગેરે. મે જવાબ દીધો કે ફજેતી તું તારે હાથે કરે છે. લોકને રડતાં મોડાં બતાવે છે, જે કોઈ મળવા આવે છે તેની આગળ ન કરવાની વાત કરે છે, છોકરાની આગળ ન કરવાની વાત તો તું કરે છે. સહન તો કરવું જ પડશે. તારા કાકાનો કાગળ આવે તો હું તુને મોકલી દઈશ. ત્યારે કહે હું તો આનંદી છું. જરા કેસર ખાઈને જીવ પ્રસન્ન રાખું છું. કેસરનું નામ સાંભળી કેસરથી ખરાબી થઈ છે જાણી મેં સુ0 ને કહ્યું કે કેસરની દાબડી અને પાકનાં પડીકાં આણ. તે આવ્યાં. કેસરને ફેંકી દેવાનું કહ્યું તે વેળા બોલી કે કીમતી વસ્તુ ફેંકી કેમ દેવાય, નહિ ફેંકી દેવા દેઉં. પછી મેં કેસર દીવામાં નાખી દીધું એટલે જોરથી કપાળ કુટયું ત્રણચાર વાર ને પાકનાં પડીકાં છૂટાં હતાં તે સંતાડવાને ગાંડ ઘસડતી મારા ઉપર ઘસી આવીને વળગી. મેં તેને હડસેલો મારી વેરાયેલા પાકની કણીકાઓ સાંભરી સાંભરીને ફેંકી દીધી તેમ તેણે બીજી વગર કપાળ કુટયુ ને અતીસેં બબડી-ડોકું કાપી નાખો, રીબાવો છો કેમ વગેરે, હાય ધણી વગેરે. ભયંકર રૂપે કપાળ કુટતી જોઈ બે તમાચા માર્યા ને ચોટલો પકડી સુવાડી દીધી. પણ તે બોલતી અટકે નહિ. વળી જોરથી કપાટ કુટવા માંડયું. મેં તેને વાંસામાં મારી. તોપણ ન રહે. સુ0 ગભરાઈ, છોકરો જાગી ઉઠયોને રડવા લાગ્યો. સુ0 પડોશીને તેડવા ગઈ. મેં પાણીના લોટા તેના ઉપર રેડયા. તે ઓરડીમાં ભરાઈ. છોકરો રડતો તેની કોટે વળગ્યો. હરિલાલ ને તેના ઘરનાં આવ્યા ને પછે શાંતિ થઈ. (દશબાર વાર તેણે જોરથી કપાળ કુટયું ને મેં ચારેક તમાચા, એક વાર વાંસામાં માર્યાં હતું ને ચોટલો પકડી તળાઈ પર સુવાડી દીધી હતી.)

રાતે પછી ધીમો બબડાટ કે મારૂં દાંતનું ઓસડ લેઈ લીધું છે તેથી તેણે મારા દાંત પડી જશે ને તેમાં તે રાજી છે. એ તો વખતે ખૂન પણ કરે. જડ ઉપર આટલંુ કરે છે તો ચૈતન ઉપર કેમ ન કરે? મારા બાપે મારા ઉપર આંગળી નથી અરકાડી. મને પેટમાં તો માર્યું નહિ. ગાલે ને વાંસામાં માર્યું. તમાચા મારી દાંત પાડવાની તજવીજ કીધી. ડોસી કરવાને વગેરે. એનો મને શો ભરોસો વગેરે. (આ હકીકત ડા0ના સમક્ષ ને તેના લખાવેલા કેટલાક બોલો સહિત બીજે દહાડે સવારે લખી કાઢ્યું છે.)

તા. ૧0 મી દાંતનું ઓસડ માગવા ઉપરથી પાછું દેવામાં આવ્યું. કાલે કાગળ ૧ સૂરત મોકલ્યો પણ મને કહ્યું નથી સુ0ના કહેવાથી જાણવામાં આવ્યું છે.

તા. ૧૨ મી ઘર આગળ જ ત્રણ બ્રાહ્મણ જમાડયા. ડા0 પાસે ભોજન સંકલ્પનું પાણી મુકાવીને, દક્ષણા તેણે જ આપી હતી. પાછલે વારે વાકલેશ્વર ગયલાં ત્યાં ડા0એ નાહી ૧૧ આવર્તન શિવકવચ ભણ્યાં ને મહાદેવના દર્શન કીધાં. નાથુશંકરે પણ શિવકવચના ૧૧ આવર્તન રૂપી રૂદ્રી કરી હતી ને પછી ઘેર આવ્યા પછી ડા0એ તેને રૂ0| દક્ષણા આપી હતી.

ખરચ 0||| ગાડી ભાડું, 0| નાથુશંકરને, 0) = પરચુરણ

રાતે ઇંદિરાનંદ ને ડા0 નું પરસ્પર ભાષણ. વાત વધતાં ભુંડું કહ્યું.

તા. ૧૫ મીએ અળગી બેઠી ને તા. ૧૮મીએ સવારે નાહિ, કોટ કીડીઆસેર તો નહિ જ ઘાલું; રુદ્રાક્ષની માળા ઘાલીશ. આટલા વર્ષ આવી કોટ રહી તો વળી હવે પણ રહેશે.

તા. ૨૨ મી આશો સુદ ૧0-૧૧ રવિવારે ધોળાં કીડીઆં વચમાં કાળાં એવી સેર પોતે બનાવી કોટમાં ઘાલી ને પછી રાતે મહાલક્ષ્મી દર્શન કરવા આવી, મેં દેવી સંકલ્પ પ્રમાણે માંગવાનું કહ્યું:

‘ભાંગ વગેરે ઉપરથી આસક્તિ જાઓ.

અનીતિની દુર્વાસનાઓ જાઓ

ઘર રૂડી સ્થિતિમાં આવે તેવું કરો.’-

એ વેળા પૂજારી ધ્યાન દેઈને સાંભળતો હતો. હું ખસ્યા પછી પૂજારીએ એને પૂછ્યું કે શું કહ્યું? ત્યારે એણે કહ્યું કે માતા સુમતિ આપે એવું માગવાનું કહ્યું.

તા. ૧૯ મી સપટેંબરે પ્રાયશ્ચિત્ત કરવાનું કહેલું તે તા ૨૨ મી અકટેબરે પૂરૂં થયું. એક પ્રયોગ સમાપ્ત થયો.

તા. ૨૩ મી રાત

ડા0 ત્યારે હવે સુરત તો મને નહિ જ મોકલો? મોકલો તો દુશ્મન રાજી થતાં બંધ પડે.

ન0 જેટલો કાળ દુશ્મનને રાજી થવાનું હશે તેટલો કાળ તે થશે. જડ ઘરની આસક્તિ ટાળી તારા મારા સંબંધ રૂપી ઘરની કાળજી રાખવામાં ઠરીઠામ બુદ્ધિએ તારે હવે અહીં રહેવું છે. સૂરત પણ જઈશું, અમણા નહિ.

ડા0 મારૂં ચિત્ત તો અહીં ઠરતું નથી.

ન0 એમ જ હશે તો તું તારા રક્ષણને માટે કોઈ શોધી કાઢ કે સૂરત મોકલું. પણ ઘરમાં તો નહિ.

ડા0 તમે તમારૂં કોઈ ખાતરીનું માણસ રાખો મારી ચોકી પહેરાં સંભાળ રાખવાને.

ન0 તે વિશે તો હું સારીપેઠે જાણું છું કે તારી પોતાની સુમતિ થયા વિના મારી તરફથી કીધેલું રક્ષણ નિરર્થક છે.

એણે કાકાનો કાગળ મને વંચાવ્યો નથી. એ આખો દહાડો ધુંધવાયા કરે છે ને એને અહીં ગોઠતું નથી જ.

તા. ૨૪મી કહ્યું કે અમણા સુરતના ગોલાઘાંચી તરફનો વિરોધ મટયા પછી તારા સંબંધી વિશેષ વાત કરવામાં આવશે.

તા. ૨૩ મીએ રાતે મારા સૂતા પછી બોલતી હતી કે અહીં તો કંઈ માને તેમ નથી માટે મારે મારો રસ્તો સોધવો જોઈએ. દીવાળી પછી કાંઈ કરવું જ.

તા. ૭ મી જાનેવારી ૧૮૮૩, ૧૯૩૯ના માગસર વદ શિવરાત્રિ રાત્રે ૧0 વાગે.

વાત કરતાં એકદમ ઉસેકરાઈ જઈ બોલી કે, હાય રે ઘર, હાય રે ઘર, બળ્યું ઘર, સુરત શહેરમાં ઘણી આગ લાગે છે તે કોઈ દહાડો બળી જવાનું છે. એ રહેવાનાં તો નથી જ. ગીરધરલાલ કહેતા તેમ બૈરાં રખડવાનાં છે, તેવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ને તમે રખડાવ્યા ને મારી ફજેતી કીધી. ચારે દહાડે વેચાઈ જવાનું છે છતાં ભોગવવા નથી દેતા. આ આઠ મહિના થયા, ચાર પીહેરમાં કઢાવ્યા, ચાર અહીં થયા પણ હજી મને રીબાવ્યાં કરો છો. મારી નાખવી એ સારૂં પણ રીબાવવું એ બહુ નિર્દયપણું છે. તમે મારા ધણી શાના. હોય તો દાઝ ન આવે? ને જાણે કે પીહેરમાં કેમ પરવડશે. તમને મારી કંઈ જ દાઝ નહીં વગેરે.

નવેંબર ડિસેંબર એ બે મહિનામાં બબડાટ કોઈકોઈ વાર કીધેલો પણ તે ઘણો ઉગ્ર નહિ. થોડા દહાડા પ્રકૃતિ ચીડાયલી રહેતી જોવામાં આવી પણ પછી શાંતિમાં હતી. જ્યારે ત્રણ દોડીઆની વસ્તુ નવી પાસે છાની મંગાવેલી તેની ખુલ્લી પડી ગઈ ને ચરચાઈ અને છોટા પાસે ભુકી મગાવે છે એવો શક બતાવવામાં આવ્યાં કરતો, ત્યાર પછી તેણે જાયફળ ખાવા માંડેલા ને તેથી બંધકોશ રહેતો ને પ્રકૃતિ બગડતી. હાલમાં શું કરે છે તે જાણવામાં નથી ને હું તે વિષે બેદરકાર છું. રતનો સુરત જઈ આવેલો તેની સાથે વાત કરવામાં ઉલટ લેતી ને તેને કહ્યું કે ગયા તે અમને જણાવ્યું નહિ. વગેરે. ઘણુંખરૂં સુભદ્રા ઉપર ચડભડાટ કર્યા કરતી ને પોતાની સ્થિતિને શાપ દેતી. નહીં છોકરૂં કે તેને ઊંફ. નાગરી નાતમાં હોય તેવું મારે થવું છે. મા નહિ બાપ નહિ ને ધણીનું આટલું દુ:ખ. હોય, દોષ કીધા હોય, પણ તેના ઉપર આટલો જુલમ, ઓ પ્રભુ શાં મેં પાપ કીધાં.

હવે તે નરમ પડી છે. તેને પોતાની સસ્પેડે(?) હાલતનું દુ:ખ સારી પેઠે થયું છે. ને તેનાં બળતાં મારી સાથે તો નહિ પણ સુભદ્રાની ઉપર વાત કરી કાઢે છે. હજી દુર્વાસના ગઈ નથી, પણ બહાર પડતી બહુ ઓછી છે તેમ તેની ભોળી પ્રકૃતિ જોતાં જીવતાં લગી રહેશે એમ લાગતું તો નથી, તેમ તે વાસના ઉપર મારા બોધથી તેને અંતરનો ધિક્કાર આવે તેમ પણ થનાર નથી, તો પણ પ્રભુના કરવાથી તે મારી તરફથી આદર તેને થવાથી તે ઠેકાણે આવી પણ જાય, પણ નક્કી કહી શકાતું નથી.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.