૮ ગણપતરામ વેણીલાલ ઓઝાને

(૧)

સુરત, તા. ૧૮ જુન સને ૧૮૬૮

પ્રિય ભાઈ ગણપતરામ,

જ્યારે હું મુંબઈ હતો ત્યારે તમારું પત્ર આવેલું તેથી ઉત્તરને વિલંબ થાય છે.

તમે શ્રમ લઈ લેવાડી શબ્દ મોકલ્યા ને બીજા શબ્દને માટે પત્રમાં તથા ચોપડીના કવર ઉપર જે સૂચના લખી છે – તેને માટે હું તમારો મોટો ઉપકાર માનું છું. બીજા મિત્રોથી મને ઘણાક શબ્દો મળ્યા છે પણ તે ખરા તો ક્યારે કહેવાય કે જ્યારે તમ સરખા વતનીઓના મોકલેલા શબ્દો જોડે મળે તારે. માટે જેવો શ્રમ લીધો છે તેવો નવરાસે લ્યાં કરશો, એવી આશા રાખું છઉં.

‘સૌરાષ્ટ્રદર્પણ’માં નર્મકોશ વિષે છે તે મેં વાંચ્યું છે. જ્યાં સુધી પ્રસ્તાવના સહિત ગ્રન્થ પુરો થયો નથી ત્યાં સુધીમાં લોક ગમે તેમ લખવામાં પોતાનું શહાણપણ સમજો પણ એના ઉત્તર લખવાને મને હાલ અવકાશ નથી.

તમારી મોકલેલી ચોપડીના એનવેલપની અંદર મારા ઉપરના કાગળની સાથે એક બીજો કાગળ ગોઘાનો હતો જે આની સાથે પાછો મોકલ્યો છે.

તમારો શુભેચ્છુ નર્મદાશંકર લાલશંકર

(૨)

સુરત-આમલીરાન, તા. ૭ જુલાઈ ૧૮૬૮

પ્રિય ભાઈ ગણપતરામ,

તમારો ૨૫ મી જુનનો પત્ર આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા છે. નર્મવ્યાકરણની નકલ ૩૨ બે બિંદડીમાં મોકલી છે તે પ્હોંચી હશે. નર્મકોશ છપાવવાની સહાયતા સંબંધી ચરચા ચાલે છે તેથી ખેદ પામું છઉં. આજ દિન સુધીમાં મારા કોઈ ગ્રંથ વિષે ચરચા થઈ નથી. દહોડ બે હજારના કામ સારૂ મારી તરફથી ચરચા ચાલવી શરૂ થાય નહીં ને થઈ નથી. સરકાર ને લોકની તરફથી મદદ ન મળવા વિષે મિત્રોમાં વાત કરતાં દાખલામાં નર્મકોશ વિશે બોલાયલું ને પછી મિત્રોએ બ્હાર ચરચેલું છે. ને એ ઉપરથી જારે બેકદર લોકમાં ગમે તેમ ચરચા ચાલે તારે મારા સરખાનું મન કેમ ન દુખાય? વળી મારી ખાતરી છે કે ગમે તેટલી ને તેવી ચરચા ચાલવા છતાં પણ એ જુજ રકમની પણ મદદ મળવી કઠણ છે. ભાઈ! એ કોશ વ્હેલો મોડો છપાશે જ ને પ્રસ્તાવનામાં લખવાનું થશે કે તે આટલો ચરચાયો છતાં પણ ગુજરાતીઓમાં કોઈ સદ્ગૃહસ્થ ન મળ્યો? પણ એ વિચાર ફેરવવાનો પ્રસંગ ઈશ્વર મને આપો, એવું મારૂં મારા ગુજરાતીઓ સંબંધી અભિમાન છે.

મારા ગ્રંથ પ્રસિદ્ધ કરવા સંબંધી મારી રીતથી તમે દૂર પડયા એટલે પૂરા વાકેફ નહીં હો. ગ્રન્થ છપાયો કે પ્રથમ તો તેની સવાસો નકલ મિત્રોમાં ભેટ જાય છે, પછી તે ગમે તેટલી મોટી કિમ્મતની હોય. વળી જે ગરીબ શોખીલા ને વિદ્યાર્થિ છે તેને પણ આપું છઉં. તે ઘણીક વેચાય છે. કેટલાક મિત્રો મારી બક્ષીસની રીતથી અને શ્રીમંતને શરમમાં ન નાંખવાની રીતથી અપ્રસન્ન છે ને તેઓ મને બહુ સમજાવે છે પણ હું દલગીર છઉં કે મારાથી મારી ટેવ મુકાતી નથી. તેમ ધન્ય છે કેટલાક મિત્રોને કે તેઓ મૈત્રિને અર્થે ને વિદ્યાપ્રસારને અર્થે મારા કામને બનતી સહાય કરે છે ને એને સારૂં હું તેમનો ઉપકાર માનું છઉં.

‘ડાંડિયા’ ના વિષય સંબંધી ‘જેમાં વિચારીને વાંચશો તો જાણવામાં આવશે.’ પણ દલગીર છઉં કે જુનાગઢ ભાવનગર ઉત્તર ગુજરાતનાં બૈરાંઓનાં ભાષણ સાંભળવાનો મારે હજી પ્રસંગ આવ્યો નથી.

શુભેચ્છક નર્મદાશંકરના આશીર્વાદ.

(૩)

સુરત-આમલીરાન, તા. ૨૧ આગષ્ટ ૧૮૧૮

પ્રિય ભાઈ ગણપતરામ,

તને મનોરંજક વિષે મત માગ્યું તો હું ટુંકામાં લખું છું-પ્રથમ મેં છેલ્લો અંગ્રેજી આર્ટિકલ વાંચ્યો ને તેથી બહુ પ્રસન્ન થયો છઊં. ઈબારતની છબ ‘ડાંડિયા’ના કેટલાક આર્ટિકલના જેવી ને વિષય સરસ છે. Better to die Leonidas એ પારેગ્રાફથી મને એમ લાગ્યું કે એવો એક્કેકો વિષય ગુજરાતીમાં આવ્યાં કરે તો સ્વદેશપ્રીતિના લખાણોમાં સારો ઉમેરો થાય. પ્રસ્તાવના ને ટુંકામાં લખેલી ઠાવકી અંગ્રેજી કવિતા પણ સારી છે. (ફ્રીમેશન) રાજ્યસ્વપ્ન તથા નાટક વિષયમાં જેટલું લખાયલું છે તેટલા ઉપરથી ચોપાનિયાનું ભાવી સ્વરૂપ સુંદર કલ્પી શકાય છે. બીજા વિષયો સાધારણ પક્ષના સારા છે. ભાષા, પ્રૌઢી તરફના વલણથી લખતાં વિચાર થાય ને વાર લાગે તેટલી ઓછી એવી સરળતાવાળી ને વાદે સારી છે.

હિંદુસ્તાની દાખલ કરવા વિષે જે વિચાર રાખ્યો છે તે મન બહુ ગમ્યો છે. પણ મારું મત નવી ઉરદુ કરવાનું નથી હિંદી કાયમ રાખવાનું છે. હિંદુસ્તાનની ન્યાશનલ ભાષા એક જ હોવી જોઈયે એવો મારો ઘણા વરસનો વિચાર છે ને એ સંબંધી મેં કહીં લખ્યું પણ છે. આપણી નાશનલ ભાષા સંસ્કૃત હતી પણ હવે જેમાં વિશેષ સંસ્કૃત ને થોડા ઉરદુ ફારસી શબ્દો આવે તેવી આગરા, કાશી વગેરેમાં હિંદુઓ જે ભાષા બોલે છે તે હિંદી હોવી જોઈયે; અગર તેવો કોઈ લખનાર અહીં ન મળે તો તેણીપાસથી કોઈને બોલાવવો જોઈએ ને આપણે તે શિખવાનો અભ્યાસ રાખવો જોઈયે. ગુજરાતી ઇડિયમવાળી, મુસલમાની ઇડિયમવાળી અને સંસ્કૃત ફારસી હિંદી ઉરદુ શબ્દો મનસ્વી મિશ્રણવાળી નવી ભાષા કરી, છતી શુદ્ધ હિન્દીને અથવા શુદ્ધ ઉરદુને ભ્રષ્ટ કરવી એ મને તો સારૂં નથી લાગતું. કહેશો કે શુદ્ધ હિંદીમાં મુસલમાનને ગમ નહીં પડે, પણ એટલું તો ખરૂં છે કે તેઓ સમજી તો શકશે જ ને અગર તેઓને અનુકૂળ ન પડી તો પણ શું? હિંદુસ્તાનમાં હિંદુની સંખ્યા મુસલમાન કરતાં બાર ગણી વધારે છે, માટે આપણે આપણી નાશનલ ભાષા હિંદી જ રાખવી કે જે આજકાલ ફક્ત ઉત્તર હિંદુસ્તાનમાં જ ચાર કરોડ હિંદુઓમાં બોલાય છે. બંગાળીઓ પોતાની બંગાળીની સાથે હિંદી પણ જાણે છે, તારે ગુજરાતીઓએ કેમ ન જાણવી? ઉપર જે ચાર કરોડની સંખ્યા લીધી છે તેમાં બંગાળીઓ નથી. ઓગણીશ કરોડની વસ્તીમાં માત્ર ત્રણ કરોડ ઉરદુ બોલનાર છે. ભ્રષ્ટ ઉરદુમાં લખેલો નાટકવિષય ભાષા સુદ્ધાં નિરસ છે; તેમ મિશ્ર કાવ્યબંધ ચાતુરીના ક્લિષ્ટ કવિતા ચોપાનિયામાં ન આવવી જોઈએ.

સૂચના દાખલ એક વાત જણાવું છઉં કે આજકાલ ગ્રંથ લખવામાં વિષયના વિધિનિષેધની ઘણી અસર થાય તેવું હોય-ગ્રંથમાંથી અસર કરવાની શકિત ઘટી જઈને તે મોળો પડતો હોય તો તે પ્રસંગે નિષેધવાદ ભભકમાં ન બતાવવો. મારે કેટલીક વખત મારા લખાણમાં દેશકાલ જોઈ લોકના ઉપર અસર કરવાને ઉદ્દેશને જ છટાથી દરસાવવો પડે છે – જેમ છેલ્લા અંગ્રેજી આર્ટિકલમાં છે તેમ, હેલેનિઝમમાં કેટલુંક ઘણું સ્તુત્ય છે પણ ખબડદાર લખનારા એને વળી ખરેખરૂં હેલેનઝમને જ અચ્છું બ્હાર પાડયું છે.

મોટી ખુશાલી છે કે દેશી રાજ્યમાં રાજ્યમાં રાજ્યાશ્રયથી એ ચોપાનિયું નિકળ્યું છે. એમાં દેશપ્રીતિના વિષયો, દેશાભિમાની પુખ્ત વિદ્વાનોના વિચાર ને જોસ્સાથી લખાશે એવી આશા રાખું છઉં.

અધિપતિઓએ તમારી પાસે મને યથાયોગ્ય લખાવ્યા છે તેમ તેઓને મારા પહોંચાડજો. હવે તો લોકને ‘વિજ્ઞાન વિલાસ’ ને ‘મનોરંજક’ એ બેની સરસાસરસી જોવાની મઝા છે.

નર્મદાશંકરના આશીર્વાદ.

(૪)

સુરત, તા. ૨ જી અકટોબર સને ૧૮૬૯

સ્નેહી શ્રી ભાઈ ગણપતરામ,

મારી તે વળી કૃપા શી? કૃપા તો તમારી હોવી. તમારા પત્રો મારાં કાગળિયામાં સંતાઈ રહેલા તેને શોધતાં વાર લાગી હતી. મિત્ર રતિલાલના કહેવાથી મેં જાણ્યું કે દોસ્ત મુરાદઅલ્લીએ મને પત્ર લખ્યો હતો. એ પત્ર ગેરવલ્લે પડેલો અથવા મારા ઘરના માણસોથી ડાબે હાથે મુકાયલો એમ મને લાગે છે. એ ભાઈએ તમારા પત્રમાં જે પ્રેમ ઉભરાતી લીટી લખી છે તેને માટે હું તેમનો ઉપકાર માનું છું. શું લખું? કોઈ પણ રીતે આપણે ફાવી શકતા નથી; સાતમે આકાશથી સાતમે પાતાળ ધમ પડી રીબાઈયે છૈયે-ઉપરથી માર છે એટલે ઉભાં પણ થવાતું નથી તો પછી શું? લાખોમાંથી થોડાંએક મારા ખાતાં ખાતાં પણ જુદે જુદે ઠેકણે મથીમથીને ઉભાં થવું – પ્રત્યેકે ઉભા થઈ પોતપોતાની પાસેના બીજાઓને સહાય થઈ ટટાર કરવા – પછી સાધન સાહિત્યસામગ્રી પ્રાપ્ત કરવાના રણમાં મથવું. – મથતાં જો તે પ્રાપ્ત થયાં તો વળી પછી સમોવડિઆએ સ્પર્ધા – તજી ઐક્ય રાખવું – વળી પાછું મોટું યુદ્ધ કરવું ને તેમાં બહુ બહુ અપજસ જોવા-પછી અંતે આમ કે તેમ – વ્હેમોને હાંકી મેલવા એ ત્વરાથી તો ન જ બનવાનું ને મૃતક પુરુષત્વને સજીવન કરવાનું બની શકે તેમ છે. તો પણ જ્યાં ઉભાં થવાતું નથી ત્યાં બીજું શું ઇચ્છવું? જેમ તેમ ઉભાં થયલા એવામાંથી કોઈ બેસી ગયા છે-જાય છે ને કોઈ સૂઈ ગયા ને – જાય છે. મારો વિચાર તો આ કે મથતા રેહેવું. પછી સમય કરે તે ખરું-મથતાં થાકી જવાય તો થાક ઉતારવો પણ ઉતર્યો કે પાછાં ગતિમંત થવું. આ વિચારને તમે કેટલા પ્રતિકૂળ છો તે લખશો?

‘લખી શકો’ – ‘તેમ ન પણ લખાય’ ને એ વાક્ય મેં તમારે જ માટે લખ્યું હતું – ને સ્પષ્ટ કરવાને તો હમણાં હું ઇચ્છતો નથી. મૈત્રિ વિષે તમે તમારા અનુભવ તથા તર્ક ઉપર વિચાર કરતાં શું નક્કી કરવું છે? ઉત્તમ મૈત્રિ તે કઈ? એ વિષે લખી જણાવશો.

આ કાગળની પેહેલી કલમમાં હમણાંની સ્થિતિ જણાવી છે એટલે તમે જાણશો કે હાલમાં મારી તરફના ઓળખીતામાંથી કોઈ ‘શેર’ રાખે તેવું નથી જ. તમે લખો છો તે પ્રમાણે છેક ‘પરતંત્ર’ થવું પડે.

તમે ‘સમશેરનો’ ઉતારો મોકલ્યો તે ઉપરથી મારા કોષ વિષે તમારી દાઝ છે, એમ મેં જાણ્યું છે. એ વિષય મારી જાણ પ્રમાણે આ છે –પ્રથમ ગુજરાતી અંગ્રેજી કોશ કરવો ને પછી બીજા તૈયાર કવા એવો ડા. બ્યુલરનો વિચાર તે તેઓએ જણાવ્યો ને હાલ તેઓ પચાસ હજારની ગોઠવણ કરવાના વિચારમાં છે. ડા. બ્યૂલરે મારી સાથે વાત કરી છે ને મેં તેમને મારા શબ્દ આપવાની ના કહી છે. ડા. ને મળ્યો તેની પહેલાં મેં મિ. પીલને મદદને સારૂ અરજી કરી હતી ને તેના જવાબમાં આવ્યું છે કે કોશ છપાયા પછી વિચાર-પણ મારા શ્રમની તેમને કદર છે એવું તેણે લેટરમાં બતાવ્યું છે. એકાએક ડા. બ્યૂલરનો વિચાર નિકળવો એ અને જાણો જ છો કે મહિપતરામની વર્તણુંક મારી તરફ કેવી છે તે એ બે કારણથી મિ. પીલે ઇચ્છા પ્રમાણે ઉત્તર વાળ્યો નથી.

આ વર્ષમાં ગોપાળજીભાઈ સાથે મારે થોડોક વધારે પ્રસંગ પડયો છે ને હમે સારી સારી વાતો કરી છે. એઓ ભાવનગર હોય તો મારૂં આ સંભારણું તેમને જણાવશો. મારા પાડોશી કવિને તમારા લખ્યા પ્રમાણે કહ્યું છે.

ગુજરાતી ગીતિ કરી છે તે જો યથાર્થ હોય તો ઉપયોગમાં લેવી. મારૂં નામ સંક્ષેપમાં પણ લખવું અવશ્ય તો નથી.

ગ્રીક સકળ જનમાંહી, જેના સરખો નહીં જ કો સાચો;

ન્યાયે વર્તે તેવો, તેને શિક્ષા મરણ તણી દો છો.

વારૂ ભાઈ, ગુજરાતી ભાષાના પ્રાચીન ગ્રંથો અથવા એમાંનાં પાનાંનો સંગ્રહ તમારી તરફ મારા જોવામાં આવે ખરો? સૈકા સૈકામાં ભાષામાં કેટલો અંતર પડયો છે તે જાણવાનું છે? નરસહીં મેતાની પૂર્વે કોણ કવિ થઈ ગયા છે? આપણા કવિઓએ દેશી-ઢાળમાં પદબંધ બાંધ્યા છે તે શા ઉપરથી. પદ-ગરબી દેશીની ચાલ કોણે ક્યારે ને શા ઉપરથી કહાડી તે જાણવું જોઈએ.

બહુ લખાણ થઈ ગયું માટે હવે બસ-

નર્મદાશંકરના આશીર્વાદ.

(૫)

સુરત-આમલીરાન તા. ૧૬ નવેંબર ૧૮૬૯

સ્નેહી ભાઈ ગણપતરામ,

તા. ૨૫ મી ઓક્ટોબરનો પોતો છે.

તમે જાણતાં જ હશો જ તો પણ મારે જણાવવું ઘટિત છે કે કોશ ભાવનગરમાં છપાશે ને આશ્રય મળશે.

હું ગણદેવી જઈ ભાઈ રતીલાલ તથા મીયાંને મળ્યો છઉં ને મેં એઓ સાથે સારી વાતો કરી છે. મનોરંજક રત્ન હવે ઉતાવળથી પાછું નજરે પડશે.

‘તંગીમાં મદદ કરે તે ખરો દોસ્ત.’ તો પણ તેવું ઘણીવાર કેટલાએક પ્રસંગ પુર:સર કરવાનું ખુશીથી કે નાખુશીથી-સ્વસત્તાથી કે પરસત્તાથી માંડી વાળવું પડે છે, એ વાક્યમાં માણસ જો દોસ્ત જ છે તો તેને મદદ કરવાનું ખુશીથી અને સ્વસત્તામાં છતાં માંડી વાળવું એમાં તો મૈત્રિને દૂષણ આવે. એ શબ્દોમાં તમે જો કોઈ ભેદ રાખ્યો હોય તો વળી જુદો વિચાર થાય.

અએ પોતાના સંકટમાં પોતાના બીજા બધા મિત્રોની સલાહ લીધી પણ એક બની ન લીધી-એથી બ કંઈક નારાજી થયો, તોપણ તે અના ભુંડામાં નહીં, ને એમ છતાં બીજા મિત્રોએ અના કાન ભંભેર્યા કે બ જ તને આડો આવે છે. ગભરાયલા અએ તે વાત ખરી માની અધમ જુક્તિથી પણ સ્વાર્થ સાધવાને ખાનગીમાં નિદ્યાં કર્યો ને જાહેરમાં ધિકાર્યો. બ તારે કેવળ નિસ્પૃહ રહેલો ને વિસ્મિત થયલો કે અ આ શું ઘેલું કરે છે? અએ જે જે કીધું તે તે સહુ બએ સાંખ્યું. અ બંધ રહે જ નહીં તારે પછી બનો ધર્મ હતો કે વા પર ગયલા અને જોસ્સો કોઈ પણ રીતે નરમ પાડવો ને તેમ તેણે કીધું. હજી પણ બને અની દયા છે, પણ ડોળઘાલુ અ પુરુષમાં જારે વીર્યનીચત્વ, સ્વાર્થાધત્વ, સંગતિ-દુર્જનત્વ દેખાયા ત્યારે બએ એકવાર તેને શાસ્ત્ર બતાવ્યું, પણ ભલો છે બ કે જેટલું કહેવું જોઈયે તેટલું પણ તે પ્રસંગની પૂર્વ નીશાનીમાં કહેતો નથી, પણ ફક્ત બેદરકાર જ રેહ છે ને અ શું ફુવડતા કર્યો જાય છે તે વિચારવંત જાણે છે ને શું કરશે તે જાણશે-અફસોસ. વળી તમારે જાણવું કે અ ને બ પ્રથમથી જ મારા મિત્ર નોતા! માત્ર એક ક્ષેત્રમાં સાથે કામ કરનારા હોવાથી લોકમાં તેઓ મિત્ર છે એમ માનતા હશે.

તમે મારા કાગળો રઝળતા નહીં રાખતા હો ને ક્વચિત જ કોઈને વંચાવતા હશો એમ હું જાણું છઉં.

લી. નર્મદાશંકર.

(૬)

સુરત તા. ૨0 એપરેલ ૧૮૭0,

તા. ૨૨ મી ફેબરવારી તથા ૧૬ મી માર્ચના એમ બે પત્ર તમારા આવ્યા છે. શબ્દકોશ સંબંધી તમારી કાળજી જોઈ ખરેખર હું બહુ પ્રસન્ન રહું છઉં. માર્જિન શીરસ્તાથી વધારે રાખવી અગત્યની છે ને તમે સૂચના કરો છો તેમ ફારમો છપાતા થશે તો તેમાં પણ મારે વાંધો લેવા જેવું કંઈ નથી. એ કામ પ્રંિટરનું છે. મેં યુનિયન પ્રેસના માલિકને પેહેલો ફારમ બતાવ્યો ને માર્જિન વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે છે તેટલી માર્જિન બસ છે. એ ફારમોને કવર પેપર સાથે સ્ટીચ કરવા હોય તો ન ચાલે, પણ બાંધવામાં તો કંઈ હરકત નહીં પડે.

અક્ષરજોડણી વિષે-(૨) હ રાખવા વિષે તમારો પણ મારા જેવો જ વિચાર છે. છપાયેલા ભાગોમાં મેં તેમ જોડયો છે. પણ કેટલાક અક્ષર સાથે હ મનમાનતી રીતે જોડાઈ શકતો નથી ને ગુજરાત તરફના કેટલાક શબ્દને તો હ જોડતા જ નથી ને એને માટે તો વિદ્વાનોના જુદા જુદા મત છે, માટે મારૂં કામ સહેલું કરવાને હ સૂચક ચિહ્ન રાખ્યું છે તે અને કેટલાક વિદ્વાન સંમત છે-હાલમાં તો એ ચિહ્ન રાખવું-બીજી આવૃત્તિ વેળા પાછો વિચાર કરીશું. નાગરી લિપિમાં લખાયલા હિંદી પુસ્તકમાં જેમ અક્ષરની નીચે ચિહ્ન હોય છે તેમ (૨) કેર્ઠી, ગેર્ળ એ ઉચ્ચાર સંસ્કૃતમાં નથી જ. પ્રાકૃત ભાષાનાં વ્યાકરણોમાં છે કે નહીં તે હું જાણતો નથી. અહીંના નાગર બ્રાહ્મણોમાં એ ઉચ્ચાર થતો નથી, (મ્હેતાજી દુર્ગારામ આદિ અમદાવાદીયો ને ગૃહસ્થો તે ઉચ્ચાર કરે છે ખરા) દિનમણિશંકર શાસ્ત્રી સાથે મારે એ ઉચ્ચાર વિષે વાત થતી હતી ને તેઓએ એ ઉચ્ચારને ધિક્કારાર્યો છે. ગામડાના લોકે ને તેના સંબંધમાં આવેલા ઉંચ વર્ગના લોકે તે ઉચ્ચાર ગ્રહણ કર્યો છે. મેં જનમ ધરી એ ઉચ્ચાર કીધો નથી એટલે હું તે શબ્દોને જુદે ઉચ્ચારે દરસાવી શકતો નથી. પ્રસ્તાવનામાં અથવા કોશની સમાપ્તિ પછી તેવા શબ્દોની ટીપ તમ સરખા પાસે તૈયાર કરાવી આપીશ ખરો.

હું આશા રાખું છઉં કે જેમ છપાતા કોશની નિઘેદારી રાખતા આવો છો તેમ આખર સુધી રાખશો. પ્રુફ ચોરાયાં-ગેરવલ્લે પડયાં તેને લીધે ઢીલ થઈ એ થોકકારક વાત બની છે.

ઠાકોર સાહેબ ગત થયા એ માઠું થયું છે, પણ હવે વારસને રાજ્યાભિષેક ક્યારે થશે ને શી શી નવી ગોઠવણ થાય છે ને થવાનો સંભવ છે તે વિષે અનુકૂળ હોય તો સવિસ્તર લખશો.

તમારો શુભેચ્છક, નર્મદાશંકર.

(૭)

તા. ૨0 ફેબરવારી ૧૮૭0, સવારે સાત વાગતે.

પ્રિય મિત્ર ભાઈ ગણપતરામ,

તમારો તા. ૧૬ મીનો પત્ર પોંહચ્યો છે, તેમ ભાઈ રણછોડલાલનો તા. ૧૪ મીનો પણ આવ્યો છે. તમારા બંનેના સ્નેહ જોઈ હું જરા સંકોચાયોં છઉં કે મારો તમને દેખડાવવાનો પ્રસંગ આવતો નથી. સ્નેહની આતુરતાને કિયો માણસ નથી ઝીલતો? અણસમજુ અવિવેકે ઝીલે છે ને સમજુ વિવેકથી ઝીલે છે. વિવેકથી ઝીલવામાં તેટલી તેજી નથી હોતી તો પણ એ ઝીલવામાં રસ ઘાડો ને સ્થાયી છે એમ હું સમજું છઉં. અરે ટૂંકમાં ઉત્તર લખવો ધારીને બેઠો હતો તે લાંબા લખાણનો પાયો નંખાયો! દિલગીર છઉં કે ચણવાનો અવકાશ નથી! ભાઈયો માફ કરજો ઘણી તજવીજ છતાં પણ મારાથી પાવાગઢ નિમિત્ત તમારો સમાગમ થઈ શકશે નહીં-ઇચ્છા પરિપૂર્ણ છે, તમારૂં સ્નેહાળ ઉત્તેજન છે પણ શેઠ ઉપાધિ આડો નડે છે–ગુજરાતી પૂર્વ દિશાની અધિષ્ઠાતા દેવીનાં સ્થાનકની શોભા જોતાં મને સંભારજો ને પછી તમે સહુ પ્રાર્થના કરજો કે મા હવે બહુ થયું રંક દેશીઓ સામું જો ને……….. ઉરમાં અભિમાન પ્રેરે ને જય અપાવ-ભાઈયો મારી ગેરહાજરીથી દિલગીર ન થતાં આનંદથી રહેજો.

મંડળને યથાયોગ્ય.

નર્મદાશંકરની સઈ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.