૨૬ કવિની જૂનાં ગુજરાતી કાવ્યો છપાવાની યોજના

‘ગુજરાતી ભાષાવિદ્યાના અભિમાનીઓને વિજ્ઞપ્તિ કરવામાં આવેછ કે હમે નીચે સહી કરનારાઓ, જુનાગઢના નરસંઈમેહેતા આદિથી તે ચાણોદના (ડભોઈના કેહેવાતા) દયારામ કવિ લગીના સઘળા કવિઓનાં જેટલાં મળી આવે તેટલાં સંપૂર્ણ કાવ્ય (તુટક તુટક નહી, આખાનાં આખાં) અનુક્રમે છાપી પ્રગટ કરવાનો વિચાર કર્યો છે. પણ એ મહાભારત કામ (આગળથી જુના ગ્રંથો સામદામાદિક ઉપાયે મેળવવાનું, પછી શુદ્ધ કરી લખાવવાનું અને પછી તજવીજથી છપાવવાનું વગેરેનું,) એક માણસની મેહેનતથી અને એક માણસના પૈસાથી ઉઠી શકે તેવું નથી, માટે મરી ગએલી ભાષાવિદ્યાને સજીવન કરી અમર રાખવાના અભિમાની સદ્ગૃહસ્થોએ રૂ. ૨૫000)નૂ રકમ ભરી આપવી.

એ કામની અગતવિષે બોલતાં પહેલાં કુળના પોતાની ન્યાતમાં પોતાની જાતનાં પોતાના ગામનાં પોતાના દેશનાં અને પોતાની ભાષાનાં અભિમાનવિષે સારી પેઠે બોલવું જોઈએ, પરંતુ તે કંઈ આ ઠેકાણે બોલાતું નથી. તો પણ જેઓને આ કાગળ દેખાડવાનો વિચાર રાખ્યો છે તે સદ્ગૃહસ્થોને પોતાની ભાષાવિદ્યાની વૃદ્ધિ જોવાનું અભિમાન છે જ, એમ સમજી આ ટીપ તેઓની આગળ રજુ કરી છે.

નર્મદે ઝવેરીલાલ યાજ્ઞિક સાથે નરસિંહ મેહતાથી માંડી દયારામ સુધીના કવિઓનાં કાવ્યોનું સંપૂર્ણ સંશોધન સંકલન કરવાની યોજના વિચારી તેના ભંડોળ માટે ઉપરની અપીલ બહાર પાડી હતી. સં.

દરેક ગ્રંથ, ઉપર લખેલા રૂપિયા બક્ષીસ આપનારા ગૃહસ્થોને અર્પણ કરવામાં આવશે અને ઈશ્વરકૃપાથી એ કામ પાંચ વરસમાં પુરૂં કરી નાખવામાં આવશે.

તા. ૧ લી માર્ચ સને ૧૮૬૫.

ઝવેરીલાલ ઉમયાશંકર

નર્મદાશંકર લાલશંકર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.