૭ ગોપાળજી વિ. સુરજીને

(૧)

સુરત, આમલીરાન, તા. ૨ સપ્ટેમ્બર ૧૮૬૮.

પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,

આજ સવારે મેં કાગળ બિડાવ્યો ને દશ વાગે તમારો તા. ૨૭ આગષ્ટનો આવ્યો-એના ઉત્તરમાં નીચે પ્રમાણે –

હુંડી રૂ. ૨૯૨)ની મોકલી છે તે પહોંચી છે ને રૂપીયા મળેથી ટીકીટ ચ્હોડી રસીદ મોકલીશ-ચોપડીઓ વેચવાની વિગત તથા તમારી પાસે રહેલી સીલક ચોપડીઓ વિષે લખ્યું તે જાણ્યું ને ચોપડી ૧0 મંગાવી છે તે તમારા લખ્યા પ્રમાણે ભાવનગર મોકલીશ.

‘ત્રણ પ્રકારની મદદમાંથી ગમે તે પ્રકારની મદદ કરે તો આપ એમની તે તે જાતની મદદને માટે નામના વાસ્તે શું કરવા ધારો છો?’ એ વાક્ય વાંચી મને હસવું આવ્યું છે. પણ તમે જે પુખ્ત વિચારથી લખ્યું છે તે મારા સમજવામાં છે પણ મારા સરખાએ કોશ સરખા પુસ્તકને માટે મદદના બદલામાં આમ કરીશ એમ આગ્રહથી કહેવું એ મને તો ગમતું નથી ને મદદ કરનાર વિષે તો વિચાર જ શો બાંધવો? તો પણ દુનિયાંદારી જોતાં ને તમે વચમાં છો માટે લખુ છઉં કે,-

છપાયલા કોશ નિમિત્તના ખર્ચમાં એક ગૃહસ્થે રૂ. ૬૫0 ની, એકે ૨00) ની ને બીજા માત્ર દશ બાર શ્રીમંત ગૃહસ્થોએ ઘરાક દાખલ ઘણી પ્રત લઈ નજદીક તેરસેંની રકમની મદદ કરી છે. અને જો હવે એઓ શેહેરની પડતીને લીધે છપાવવામાં કોશને આગળના જેટલી મદદ નહીં કરી શકે તોપણ થોડીક પણ કરશે જ, માટે એનાં નામ પ્રસ્તાવનામાં ઉપકાર સાથે લખવાનો છઉં. માટે બીજી રીતની મદદને માટે જેમ ઉપલાઓના તેમ નવા મદદગારનું નામ પણ પ્રસ્તાવનામાં દાખલ થશે. પણ એ મદદ લેવી હું ચહાતો નથી પણ તમે કહેશો તો લઈશ. ત્રીજી રીતની મદદ લેવી એ માનભરેલું છે પણ તેને માટે મારી પાસે પુરતાં પુસ્તક નથી. આગલા અંકોમાં ઘણી ઘટ જ છે. માત્ર સો જ નકલ આખા પુસ્તકની મારી પાસે રહે તેમ છે. હજાર આગળથી ને હજાર ચોપડી તૈયાર થયેથી બક્ષીસ જ આપે તો મારી ઇચ્છા એવી ખરી કે તેને કોશ અર્પણ કરવો.

ઘણે વરસે ઘણે શ્રમે થયેલું પુસ્તક પરીક્ષા વનાનાના જનને અર્પણ કરવું એ મારી ને ગ્રંથની શોભા નહીં. માટે મારો વિચાર એ કોશ ગુજરાતી લોકોને જ અર્પણ કરવાનો હતો. તો પણ તેમ કરાવવાની ઈશ્વરની મરજી નહીં! વળી એક મારા ગુજરાતી શ્રીમંત સ્નેહીને ને તેને નહીં તો પછી એક મોટા વિદ્વાન પારસી મિત્ર જેણે મને ૨00 ઘરાક પોતાની જાત મેહેનતે કરી આપેલાં તેને અર્પણ કરવાનો હતો, તો પણ જલદીથી કોશ પ્રગટ થવાથી આપણા લોકને ઘણો લાભ છે (કે બીજા ઉભા થાય) એમ જાણી જે કોઈ આ વખતમાં રૂપીઆ બે હજારની મદદ કરે તેને અર્પણ ઘટતું કરવાનું સમયે વિચારવા ધારૂં છઉં. એથી કોશની મદદમાં બે હજારની જાજ રકમ આપનારનું નામ પણ ગુજરાતી ભાષાની સાથે કાયમ રહેશે.

યુનિયન પ્રેસવાળાને નર્મકવિતાના મોટા પુસ્તકની છપાઈ હજુ પુરતી પહોંચી નથી ને છતાં હું કોશનું મોટું કામ જે તે જ પ્રેસમાં સારૂં ને સસ્તું થઈ શકે તેવું છે તે આપું એ મને ઠીક લાગતું નથી. બાકી તે તો તૈયાર છે, માટે મારા દિલમાં એવું છે કે હજાર રૂ. જો કોઈના આવે તો તને આપું કે તે પણ ઉતાવળું છાપી આપે; માટે કોઈ પણ રીતે એટલી રકમ હાલ જોઈયે છૈયે. જો કાઠિયાવાડમાં એવો કોઈ નહીં મળે તો મારો વિચાર મિ. કર્ટીસને મળવાનો છે ને એને આમ કહેવું છે કે મારી મોટી કવિતાની સો એક પ્રત સ્કુલ લાઈબ્રેરીને માટે રાખવી તથા થોડીક નકલ કોશની પુરા થયે લેવી કરવી ને તેના બદલામાં કોશ અર્પણ કરીશ-પણ જહાં, સુધી હિંદુ મળે ત્હાં સુધી અંગ્રેજને અર્પણ ન થાય તેવું ઇચ્છું છું-માટે લખવાનું કે તાકીદથી તમારી તરફથી હા નાનો જવાબ આવેથી તે ઉદ્યમ કરૂં ને અહીં ન ફાવું તો મુંબઈ જઈ ત્હાં તજવીજ કરૂં. હું તમારો જવાબ ફરી વળતાં સુધી અહીં રહીશ, કે મારે મુંબઈથી જલદી પાછું આવવું ન પડે.

તમે કોશની કિંમત માંગો છો તે મારાથી હાલ કેમ કેહેવાય? મેં તો ૨ હજાર લખ્યા છે પણ અગર નવા શબ્દો મળ્યા તો પુરવણી કરી ગ્રંથ વધારવો પડે. પાછો પુઠાનો વિચાર-મને તો લાગે છે કે બે નહીં પણ અઢીનું કામ થશે-વળી પાછલા અંકોની ઘટ છે તેથી કિંમત હું નક્કી કરી શકતો નથી.

થોડોક ગ્રંથ છપાયાથી અજમાયસ થઈ શકે માટે તમે જે સ્કુલ લાઈબ્રેરી માટે ધારો છો તે યત્ન પછી કરવાનો છે.

શ્રીમંત લોકને બૂજ હોય નહીં. નામને માટે મદદ કરે. ને તે વળી ચાપાચીપથી એ સો ગજબ! પરાકાષ્ટાની મહેનતના બદલામાં હું કંઈ જ નથી ઇચ્છતો. માત્ર ગ્રંથ છપાવી પ્રગટ કરવાને ઈચ્છું છું. તે છતાં કોઈ ગુજરાતી ખરો ઉદાર નથી મળતો! પણ તેઓનો દોષ શો? હજી સમજ આવતી જાય છે, ને હું પણ જોઉંછ કે વારૂ કોઈ છે? કોઈ નહીં મળે તોપણ મારી અડચણો તો પ્રસ્તાવનામાં જાહેર થશે.

તમે ગદ્યપદ્યના ‘સિલેક્શન’ વિષે સૂચના કરો છો તે બહુ સારી છે ને એમ જ થવું જોઈયે.મારો વિચાર છે જ. પણ હાલમાં પદ્યમાંથી કરવાનો નથી, કેમ કે હજુ છપાઈ નીકળી નથી ને નીકળી ગયેથી તેનું સિલેકશન કરીશ, ને ગદ્યને માટે તમે જેટલું સિલેકશન લખી મોકલશો ને છપાઈ જેટલું ઝટ ઉપડે તેટલી તજવીજ કરી આપશો તો તાબડતોબ તે ચોપડી છપાવી દઈશ. આ કાગળની મતલબ સમજી લઈ ફાડી નાખવો દુરસ્ત છે એમ હું સમજું છઉં.

ખરેખર હું દલગીર છઉં. મારે તમારે એકાંત થઈ નથી, એટલે તમને મારા સ્વભાવાદિ વિષે ઘણું જાણ્યામાં નથી. હશે? દલગીર છઉં કે મારે માટે તમે આટલો શ્રમ લો છો. છેલ્લું લખવાનું કે જો મદદ કરનાર ઘણી ચાપાચીપ કરે તો બેહેતર છે કે તમારે એ ઉદ્યોગ છોડવો. હું શ્રીમંત નથી પણ સુઘડતા ને પ્રશસ્ત મન તે શું તે સારી પેઠે સમજું છઉં, માટે મને હલકો સંકોચ રૂચવાનો નહીં. ને તમારે એમ ન સમજવું કે વચમાં પડયો છઉં ને કામ ન થાય તો ખોટું, અગર કદાપિ હમણાં જોગ નહીં આવે તો પછી પણ આવશે. તમારો ઉપકાર મારા ઉપર થશે, પણ મારે માટે તમારા ઉપર કોઈ પાડ ચડાવે તે મારાથી નહીં બરદાસ થાય. માટે ટેકમાં રહી કામ ચલાવવું. બહુ લંબાણ થયું છે માટે હવે બસ.

લી. તમારો શુભેચ્છુ નર્મદાશંકર.

(૨)

સુરત, આમલીરાન

તા. ૨૮ જાનેવારી ૧૮૬૯

રાજેશ્રી ભાઈ ગોપાળજી વિ. સુરજી દેસાઈ

તમારો તા. ૮ મીનો પત્ર, છગનલાલભાઈને તમને ૧૮૬૮ માં લખેલો તે સાથે તે મેં મુંબઈથી આવી વાંચ્યો છે.

છગનલાલભાઈએ તમને લખેલું તે વિષે મેં કંઈ જ વાંધો લીધો નથી ને લેતો પણ નથી ને એ મેં તમને વારે વારે કહ્યું છે હતું ને હજી પણ કહું છઉં-એ કાગળો અને ગણપતરામનો સાક્ષીપત્ર મોકલવાનો શ્રમ મિથ્યા લેવાયો છે.

તકરાર એટલી જ હતી તે હજી છે કે, તમે મને એક્કો કાગળમાં એવું નથી લખ્યું કે ‘છગનલાલભાઈ ઓણ નહીં તો પોર પણ મદદ કરશે.’ મારે ત્યાં કાગળોની બરોબર ફૈલ નહીં તેનો લાભ લઈ અને છ0 ભાઈએ તમને લખેલું માટે તમે મને પણ લખેલું એવી જે તમારી ભ્રાંતિ તેનો લાભ લઈ તમે તમારૂં બોલવું ખરૂં કરવા મથો છો પણ જુઓ–

તમારો લખેલો જે કાગળ મેં તમને રૂબરૂ વંચાવ્યો હતો તે પોર કરશે એવું નથીજ એ તમે જાણો છો-એ કાગળનો જવાબ જે મેં લખ્યો હતો તે પણ તમને વંચાવ્યો હતો.

૧. છ0 ભાઈએ તમને લખેલું કે આવતી સાલ બને તેવો સંભવ છે એ-ઉપરથી દૂરની વાતથી અમે મારા લાંબા કાગળના બેદરકારીના લખાણથી (તમારે એ ઉદ્યોગ છોડવો એવું પણ લખ્યું હતું), ‘પોર મદદ કરશે’ એવું તમે ન જ લખો એવો પણ સંભવ નક્કી જેવો કલ્પી શકાય છે ને તમે નથી લખ્યું એવું મને પક્કું સંભરે છે. ૨. છ0 ભાઈએ તમને લખેલું તે ઉપરથી તમે મને લખ્યું હશે એવો પણ સંભવ કલ્પી શકાય, પણ ૧ લા સંભવ આગળ ૨જો સંભવ ઝાંખો પડે છે-તમને ભ્રાંતિ રૂપ કાં ન પડયું હોય? ૩. છ0 ભાઈના કાગળ મોકલવાનો પરિશ્રમ લીધો તેના કરતાં તમે જે કાગળમાં મને તે લખ્યું હતું તે કાગળની નકલ મોકલી હત તો તે આપણી તકરારમાં દાખલ થાત. ૪. રાખવા જેવા કાગળની જ માત્ર હું ફૈલ રાખું છઉં ને બાકીના ફાડી નાંખું છઉં. કોશ સંબંધી સર્વ કાગળ પત્ર હું પ્રસ્તાવનામાં લખવાને માટે ખંતથી સાચવી રાખું છઉં-એ સાચવેલા કાગળમાં તમારો તે નહીં એ ઉપરથી પણ જણાય છે કે તમે મને તે લખ્યું નથી.

‘આપના એક કાગળથી’ એમ લખો છો પણ મેં કોશ સંબંધી પ્રથમ કાગળ છ0 ભાઈને લખ્યો જ નથી, કેમકે છ0ભાઈ મને કોશ બાબત સહાયતા આપવાના છે એવું મારા સ્વપ્નમાં પણ નહીં હતું.

વળી તમે લખો છો કે ‘ખુશી બતાવેલી તે મતલબના કાગળો ઉપરથી આપને લખેલું પણ તે કાગળો આપને ત્યાં જડતા નથી તેથી તેની નકલ આ લગત મોકલી છે.’ એ વાક્ય મને તો ઘણું જ ગુંચવણવાળું લાગે છે-જો હું એમ સમજું કે છ0 ભાઈના કાગળો ઉપરથી તમે મને લખેલું ને એ તમારા મારાપર આવેલા કાગળો જડતા નથી તેથી તેની એટલે તમારા મને મોકલેલા કાગળની નકલ આ લગત મોકલી છે તો હું અજબ પામું છું કે આ લગત તો છ0 ભાઈના તમારા ઉપર આવેલા કાગળોની નકલ તમે મને બીડી છે તે શું ભુલથી બીડાઈ છે? શું હું એવું સમજું કે છ0 ભાઈએ તમને મોકલેલા તેની નકલ તમે પૂર્વે મોકલી હતી ને તે શું મને ન જડી માટે તે આ લગત મોકલાવી છે!*… વાત! એ નકલો હું પેહેલ વહેલીજ જોઉં છું.

આપણું સહજ હાસ્યવિનોદનું ભાષણ હતું તે છતાં ‘નહીં તો આપના એક કાગળથી તરત એ કામ બનવું ઘણું મુશ્કેલ હતું.’ એ વાક્ય અને ‘ખરેખરી મહેનત અમારી જ છે.’ એ હૈયાની ખરી લાગણીથી નીકળેલું વાક્ય છેકીને ‘મેં આપને રૂબરૂ કહ્યા પ્રમાણે જ છે’ એ વાક્ય લખેલું છે. એ બે વાક્યોની સ્પષ્ટ જણાય છે કે તમારા મનમાં એવું આવ્યું છે કે તમે જે શ્રમ લીધો છે તેને માટે મેં તમારો પુરેપુરો ઉપકાર માની તમારી પુરેપુરી તારીફ કીધી નથી એટલે જસ લેવાની જે તમારી આતુરતા તેને મેં તમારી ઇચ્છા પ્રમાણેના શબ્દોથી ઝીલી નથી. હું દલગીર છઉં-પછવાડેથી તમે લખો છો કે ‘અમારે તમારી પાસેથી એ વિશે કંઈ માન કે ઈનામ લેવું નથી પણ અમે અમારી ફરજ અદા કરી છે.’ માટે સંતોષ જ છે એ તમારૂં બોલવું પાછલાં વાક્યોથી જોતાં માત્ર બહારના વિવેકનું છે એમ કેમ ન કહેવાય?

‘આપની સ્મૃતિ કરતાં મારી સ્મૃતિ કેટલી ઉતરતી છે એ વિષે જયાદે લખવા ચાહતો નથી’ એમ તમે લખો છો તો ભલે લખો -જે તકરારને આપણી તકરાર સાથે થોડો જ સંબંધ તે તકરાર વચમાં આણી તમે પોતાની સ્મૃતિને જ્યારે માન આપો એ તમારી વાદરીતિને અને નર્મદાશંકરની સ્મૃતિનાં કરતાં તમારી વિશેષ છે એવી (સહેજ બાબત ઉપરથી) જ્યાં ત્યાં આટલી બધી ચર્ચા કરો એ તમારી સ્વભાવ રીતિને જસ છે એમ મારે મિત્ર છો માટે કહેવું પડે છે.

મેં તમારા શ્રમનો ઉપકાર હર પ્રસંગે ભાષણ ને લખાણથી વાળ્યો છે ને એમાં તમને કંઈ ઓછું પડયું હોય તો દરગુજર કરવી ને મારી સ્મૃતિને માટે તો હજીએ કહું છું કે તે ભુલતી નથી ને તેમ કરતાં મારી સ્મૃતિ ભુલી છે એમ કહેવાથી આપ રાજી થવાને ઇચ્છતા હો તો પ્રેમ ત્યાં નેમ નહીં એ બુદ્ધિથી કહું છઉં કે હા મારી જ સ્મૃતિ ભુલાડી.

લી. નર્મદાશંકરના યથાયોગ્ય.

તા.ક. -સ્મૃતિની વાત ઉપરથી તમે વાંકું કેમ લઈ ગયા એના અંદેશામાં હતો એવામાં બે ત્રણ મિત્રોના સકારણ કહેવાથી મને જણાયું કે તમે વ્હેમી છો ને તેથી તમારા ધુંધવતા મનમાં ધુમાડાએ તમને આડા ઉડવાનું સુઝાડેલું. પરસ્પર બે મિત્રોને વિરોધ એવાં મિત્રજુગલ મારે ઘણાં છે ને વળી હું સહુનો મિત્ર છઉં એવો જે મારો મૈત્રિપ્રકાર તે તમે સહવાસ વના ક્યાંથી જાણો? તમારે… વિષે ખતરો આણવાનો આધાર શો છે? હું બહુ જ દલગીર છઉં કે તમે પોતે વ્હેમી થઈ મને કાચા કાનનો સમજો છો-પણ ઠગાઓ છો રાજેશ્રી! રે કેટલો વ્હેમ કે ઠામ ઠામ વાત ચરચો ને મને વિનાકારણે હલકો પાડો! તમે તો એમ પણ ચલાવશો કે મેં કવિના ઉપર ઉપકાર કર્યા છે ને કવિ મને આમ કરે છે પણ એની હું કંઈ સ્પૃહા રાખતો નથી-મારૂં અંત: કરણ શુદ્ધ છે. જેટલો તમારો ઉપકાર મારા પર છે તેટલો છે જ પણ શું તમે એમ ઇચ્છો છો કે મારી ખરી લાગણી બહાર ન કહાડતાં મ… સ્વચ્છંદ વિચારને આધીન જ રહેવું ને તમારા જસગુણની ડાંડીજ પીટયાં કરવી? જ્યાં સુધી તમે મને મિત્ર ગણો છો ને હું તમને ગણું છઉં ત્યાં સુધી હું મારી ખરી વાત (તમને કડવી લાગે તો પણ) જણાવ્યા વિના નહિ રહું-મૈત્રી નીતિ સમજવા ને મૈત્રિધૈર્ય વિવેકથી નિભાવવું એ દુર્લભ પુરૂષાર્થ છે.

નર્મદાશંકર

(૩)

સુરત, આમલીરાન તા. ૯ મી ઓગષ્ટ ૧૮૬૯.

સ્નેહી શ્રી ભાઈ ગોપાળજી,

આપની તરફથી ઘણા દિવસ થયાં પત્ર નથી માટે શંકા સરખુ કંઈ મનમાં આવે છે કે શું છેક જ મારૂં વિસ્મરણ થયું હશે? કામનું રોકાણ તો ઘણું જ હશે તથાપિ તમારી સુજનતાએ મારાં હૈયામાં તમારે વિષે જે વિચાર બંધાવ્યો છે તે જો કે જે નાના તરૂ જેવો છે ને જેને વધેલો વૃક્ષરૂપ જોવાની હું આશા રાખું છું. તે તરૂને તમારી તરફથી ખાતર પાણી વગેરેથી માવજતની બેદરકારી દીસે તારે તે કેમ વધે? મહીને મહીને પણ ચાર લીટી જોવામાં આવતી હોય તો વારૂ તેના વાયુની લ્હેરથી તરૂ હિમાઈ તો ન જાય!

તમે મને સાંભરો છો ને જણાવવાને માટે જ આ પત્રિકા છે.

લી. નર્મદાશંકરના આશિષ.

(૪)

મિત્રને પત્ર

તા. ૧0 સપ્ટેંબર ૧૮૬૯

પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,

તમારા તા. ૧૬ આગષ્ટના પત્રમાંથી સ્નેહવાણીના રસપાનથી હું પરમ સંતોષ પામ્યો છઊં. એમાં તો કંઈ જ શક નથી કે બીજા જીલ્લાના કરતાં તમને વિશેષ કામ છે ને તે વળી યશસ્વી રીતે થોડાથી જ બને તેવું, ઊંચી સ્થિતિના લોક સાથે ઊંચી સ્થિતિના માણસથી જ મનમાનતો પ્રસંગ રાખી શકાય. હું બહુ પ્રસન્ન છઉં કે જ્યાં તમારે હોવું જોઈએ ત્યાં જ તમે છો. કાઠિયાવાડમાં થતા સુધારાને તેજવાળી ગતિમાં મુકવાનો પ્રથમ શ્રમ તમારો જ છે એમ હું માનું છઊં. ઈશ્વર શ્રમનો બદલો આપો.

નવલરામને ને દિનશાને આપના લખ્યા પ્રમાણે કહ્યું છે. ન. ગ. અંક ૩ જાની નકલ હાલ મારી પાસે નથી. કૃષ્ણાકુમારીની ૧00) મોકલાવી છે તે પોહોંચેથી ઉત્તર લખવો.

લી. તમારો નર્મદાશંકર.

(૫)

સુરત, આમલીરાન, તા. ૧૬ નવેમ્બર ૧૮૬૯

પરમ સ્નેહી ભાઈ ગોપાળજી,

તમારો તારીખ ૩જીનો પત્ર આવ્યો તે વેળા હું સુરતમાં નહીં. તેમ પછી દીવાળીના દહાડા ને મિત્રોની ભેટ, તેમ વળી કેટલુંક ઘર સંબંધી જરૂરનું કામ, એ કારણોથી ઉત્તર મોડો લખાય છે. તમે પત્ર લખવો આરંભ્યો એથી હું ઉપકાર માનું છઉં અને ‘સાધનની કોતાઈ વિગેરે કારણસર ફુવડપણું જણાય તો તેને સારૂ દરગુજર થશે.’ એ રીતનો વિવેક બતાવ્યો તેને સારૂ મારે પણ વિવેકમાં દલગીરી બતાવ્વી જોઈએ.

જો કે પૂર્વ ગુજરાતીયો કવિતા વાંચવાનો ને વિશેષ સાંભળવાનો શોખ રાખતા, તો પણ તેઓએ કાવ્યશાસ્ત્ર સંબંધી જરાએ જાણે નહોતી. જેઓ કવિમાં ખપવાની ને શાસ્ત્ર જાણવાની ઇચ્છા રાખતા તેઓ હિંદીમાં કવિતા કરતા ને સુંદર શ્રૃંગાર, રસિકપ્રિયા, કવિતાપ્રિય આદિ ગ્રંથો વાંચતા-અર્થાત્ હાલના જેટલી પણ લોકમાં કવિતા સંબંધી ચર્ચા નહોતી. જ્યારે આપણા કવિયો હિંદી કવિયોની પેઠે રાગ છોડી છંદ નિયમે તથા અર્થજ્ઞાને ફક્કડ રીતે વાંચતા થશે, તારે હું જાણું છઉં કે હિંદી કવિતાના શોખીલાઓ આપણી કવિતાને તુચ્છ ન ગણતા પોતાનાથી કંઈક જ ઓછી ગણશે-ને એમ થાય તેને માટે આપણે કવિતા બોલવાની છટા અભ્યાસથી આણવી જોઈયે ને હિંદી કવિયો સાથે અર્થરસાલંકાર સંબંધી ચર્ચા કરી આપણી કવિતામાં પણ રેહેલી ખુબી તેઓને દેખાડવી જોઈયે.

કૃષ્ણાકુમારીનો પ્રસંગ મેં ટૉડ ઉપરથી યથાર્થ લખ્યો છે ને તમારો કાગળ આવ્યા પછી ફરીથી જોઈ નક્કી કર્યું છે. વિલસનની હિંદુસ્તાનની તવારીખમાં પણ તેમજ છે. જેની ભીમસિંગ સાથે સગાઈ થયેલી તેની સાથે માનસિંગથી પરણાય નહીં એમ તેઓ કે છે તે તેમ હોય, પણ મેં તો અંગ્રેજી ગ્રંથો પ્રમાણે જ લખેલું છે. મારવાડના વિજેસિંગને સાત દિકરા; તેમાં એક ભોમસિંગ ને એક શેરસિંગ હતા. ભોમસિંગનો ભીમસિંગ ને શિરસિંગે એક વેશ્યાથી થયેલા છોકરાને પોતાનો કરી રાખેલો તે માનસિંગ. સવૈસિંગે માનને એમ કહ્યું હતું કે કૃષ્ણાની સગાઈ ભીમસિંગ સાથે નહીં પણ મારવાડી ગાદી સાથે થઈ હતી ને તમે નહીં પરણો ને તે જો બીજાને પરણશે તો મારવાડની ગાદીને લાંછન લાગશે. અમીરખાને ઉદેપુરના ભીમસિંગને કહ્યું હતું કે કાં તો તે માનને પરણે અથવા રજવાડાની સુલેહને સારૂ મરે, એવાં વાક્યો સ્પષ્ટ છે.

કોશનું નક્કી થયું છે – ભાવનગરમાં છપાશે ને કુલ ખર્ચ મારા એસ્ટિમેટ પ્રમાણે રૂ. ૪000 ને દેશાઈ છગનલાલની તરફથી થશે-એઓના મનમાં એ કામ ઉપાડી સેવાનું સહજ કેમ આવ્યું તે તમે સારી પેઠે જાણતા હશો – હું ધારું છઉં કે તમે પણ કંઈ વાત કહાડી હસે ને એમ હોય તો મારે તમારો પણ ઉપકાર માનવો ઘટિત છે.

કથાકોશ હવે મહિના એકમાં છપાઈ રહેશે. જો બની શકે તો પાંચશે રૂપીઆ જાનેવારી આખર સુધીમાં મોકલવા કે છાપનારની રકમ હજારેકની થશે, તેને પેટે ભરવા.

મેં સાંભળ્યું છે કે તમારો એક ગ્રંથ છપાઈ રહ્યો છે.

તમારા પત્રથી મને કેટલીક વાતની નવી નવી જાણ થશે માટે અવકાશે લખતા રહેશો.

લા. તમારો સ્નેહી, નર્મદાશંકર.

(૬)

સુરત-આમલીરાન તા. ૧૭ નવેંબર ૧૮૬૯

પરમસ્નેહી ભાઈ ગોપાળજી,

તમારો કાગળ આવેલો તેના ઉત્તરમાં મેં એક લખેલો ને કૃષ્ણાકુમારીની પ્રતો પણ મોકલેલી પણ એની પોંચ સંબંધી તમારી તરફથી હજી કંઈ જણાયું નથી. તમે ગયે વર્ષે તમે કોશને માટે શ્રમથી તજવીજ કરી હતી પણ તે સમે ઈશ્વરની ઇચ્છા નહીં હોય. હાલ તમને જણાવવાની મારી ફરજ છે કે ભાવનગરના દેશાઈ છગનલાલે સારો આશ્રય આપવાનું માથે લીધું છે-કોશ ભાવનગર છપાશે. તમારા પત્રનાં દર્શન થયાને ત્રણ માસ થયાં હશે માટે વળી અવકાશે લખશો.

તમારો સ્નેહી નર્મદાશંકર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.