૧૭ અંબાશંકરને

સુરત આમલીરાન તા. ૨ જી અક્ટોબર ૧૮૬૯

રસિક શ્રી ભાઈ અંબાશંકર,

મથનથી ઉત્પન્ન તે રસ ઘણું કરીને વધારે સારો ને સાચો ને સ્વાદિષ્ટ હોય જ-તેમ અનાયાસે-સહજ ઉત્પન્ન થયેલો રસ, સમય સામગ્રી અને દર્શાવનારની નિપુણતા એ ત્રણ વિના સારો ને સાચો સ્વાદિષ્ટ નિકળવો એ ઘણું કરીને દુર્લભ છે, અર્થાત્ આપના રસ ભર્યા પત્રોનો તેવો જ ઉત્તર થવો કઠિણ છે.

આપ મારી સાથે પ્રીતિ બાંધવાની ઉત્સુકતા રાખો છો એ જોઈ હું ઉપકાર માનું છું; અને એ ઉત્સાહ આપે જે વર્ણનશૈલીથી ચિતર્યો છે તે જોઈ તથા ભાઈ ગણપતરામની વાણીથી જે કંઈક સાંભળ્યું છે તે સંભારી આપની જે સુઘડમૂર્તિ મારી આંખે પડે છે. તેનાં દર્શનથી હું આનંદ પામું છઊં. એ આનંદથી મને આપને વિષે મોહ થાય છે ને મોહને અનુકૂળ ઉદ્દીપનો મળશે એટલે તે નિપજરૂપી ટળી પ્રેમરૂપ થશે ને એ પ્રેમ અનેક પ્રકારના પ્રસંગથી ઘાડો થશે ને પછી સત્ય આસ્થા-ભાવયુક્ત વૃત્તિથી તર્કમાં રમતાં તે (પ્રેમ) નીચે ઠરેલા મળની ઉપર તરતો ને સ્વચ્છ પ્રકાશમાન રસરૂપ દેખાશે ને પછી પાછો પ્રસંગાનુભવથી તે રસ સ્થિર થશે ને એથી થતા આનંદમાં રમતાં રમતાં તે રસમાં કોઈ વાર એ સૂક્ષ્મ બિંદુ નજરે પડશે ને એને જોતાં ત્રિપુટી લુપ્ત થશે તારે રેહે શું? તો કે કેવળ રસ આનંદ-ક્યાં શ્રૃંગારનો વિભાવ ને ક્યાં બ્રહ્મનો ભાવ! રે બંને તે જ છે. બીજથી વૃક્ષ ને વૃક્ષથી બીજ. સાકારમાં નિરાકાર ને નિરાકારમાં સાકાર – એક જ, એક જ, એક જ! આનંદ આનંદ આનંદ ! -શેમાં? શું?; પ્રણવમાં, પ્રણવ જ, ઉત્પત્તિ-લીલા, વ્યવસ્થા લીલા ને સંહારલીલા-પ્રેમ, પ્રેમશૌર્ય ને શૌર્ય અર્થાત્ પ્રેમને શૌર્ય-ઈચ્છા ને આકર્ષણ-એ તો પ્રેમનાં તત્વ છે અર્થાત્ પ્રેમ જ સહજ સ્વભાવ ને સંયોગ, એ ઉપર સંધું આધાર રાખે છે, તો પણ દુર્લભ અલૌકિક એવાં રસચૈતન્યનો અંશી સંસ્કાર હોય તો જ દૈવી સ્ત્રીયોનાં દર્શન થાય ને રસસુધાસિંધુના બુંદનું પાન થાય ને રંગ ચડે, પછી એ ‘પાન કથા ને ચુનાનો હોય’ કે ‘કેસરનો હોય’! રસશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગળીનો કસંુબાનો કે મજીઠનો હોય – પણ તેવો હું સંસ્કારી નથી જ – થવાને ઉત્સુક છું ખરો.

અવકાશ મળેથી મૈત્રિ વિષે કંઈ લખશો. આપને જે મારાં પુસ્તકો મળ્યાં છે તે મારી તરફથી નથી પણ શાસ્ત્રીની તરફથી છે એમ જણાશે.

દર્શનાભિલાષી નર્મદાશંકરના જયબ્રહ્મ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.