૫ ધનસુખરામ ઓચ્છવરામને

(૧)

પરમ સ્નેહી ભાઈ ધનસુખરામ ઓચ્છવરામને -મુ0 વડોદરું

મુંબઈથી લા. નર્મદાશંકરના નમસ્કાર. તમારો પ્રેમપત્ર વાંચી ઘણો પ્રસંન થયો છું. તમે દયારામભાઈની છબી મોકલી તેને સારું તમારો મારા ઉપર મોટો ઉપકાર થયો છે. જે જે ચોપડીઓ તમે મંગાવી છે તે વિષે જાણવું કે તે ચોપડિયો ઘણાં વર્ષ ઉપર છપાઈ છે-હાલ મળતી નથી- જોવામાં પણ આવતી નથી. માટે જે નથી તે કંઈ મોકલાઈ શકાતી નથી તો પણ ખંતથી ખોળમાં રહી જેમ જેમ મળતી જશે તેમ તેમ મોકલાવતો જઈશ. અહીંના કાએચ વગેરે લોકો જેઓએ દયારામભાઈને સારી પેઠે જોયલા ને તેમની પાસ રહેલા તેઓ કહે છે કે એ છબી દયારામભાઈની નથી, એ તો રણછોડના જેવી લાગે છે-ચેહરામાં. મેં પણ એ છબીમાં જોતાં વારને રણછોડભાઈની છાયા જોઈ. તમારી રણછોડભાઈ વગેરેની ખાતરી છે કે એ જ છબી દયારામભાઈની છે. હશે ઉભય પક્ષને લીધે તમારી મોકલેલી છબી દયારામભાઈની જ છે એમ મારાથી કહેવાઈ શકાતું નથી. અહીંના મિત્રોએ રણછોડભાઈને જોયલા તેઓએ તો જોતા વારને કહ્યું કે આ તો રણછોડની તસવીર છે.

હવે મારી ઇચ્છા એવી છે કે રતન સોનારણની પાસે જે છબી છે ને જેને તમે ખોટી ને ખરાબ કહો છો તે જ છબી, જેવી તમે જોઈ હોય તેવી જ મને તાકીદે મોકલી દો તો સારું.

અહીંના લોકોનાં વર્ણન પ્રમાણે સવિતાનારાયણે સોનારણ પાસે જોયલી તસવીર મળતી આવે છે, માટે જેમ એક સુંદર છબી મોકલવાની આપે તસદી લીધી તેમ પેલી બીજી તસબીર જેવી તમે જોઈ હોય તેવી કૃપા કરી તાકીદે મોકલવી. તમે અત્રે પધારવાના છો એ સાંભળી હું ઘણો ખુશી થયો છું કે તમ સરખા સ્વન્યાતી ગુણિજન સાથે મૈત્રિ બંધાય. તમે અત્રે આવશો ત્યારે હું મારા પેલા મિત્રો પાસે તેડી જઈશ અને પછી તમારી મરજી હોય તો તેઓના વર્ણન પ્રમાણે બીજી તસવીર લેજો. મારો વિચાર એમ કે ત્રણ તસવીર ઉપરથી એક નવી તસવીર ઉપજાવવી કે જેને સહુ લોકો કબુલ કરે. તમને ચોપડી મોકલતાં વાર લાગવાથી તમે મારે વિષે કંઈ જુદો જ વિચાર લાવી સોનાવરણીવાળી તસવીર મોકલાવતાં વિચારમાં પડશો એમ હું ધારતો નથી. આટલો ઉપકાર કર્યો છે તેમાં પેલી તસવીર તાકીદે મોકલીને ઉમેરો કરશો એવી આશા છે.

તમને વડોદરે સરનામું કરવું તે શી રીતે તે લખી મોકલજો ને મારું તમે આ રીતે કરજો. નર્મદાશંકર લાલશંકરને મુંબઈ મધ્યે કુંભાર ટુકડામાં લુહાણાની વાડીની પાસે નંબર ૯૧ વાળા ઘરમાં પહોંચે. કામકાજ લખવાં.

લા. તમારો દર્શનાભિલાષી.

(૨)

તા. ૧૮ એપરેલ ૧૮૬૫.

ભાઈ ધનસુખરામજી – મું. વડોદરું.

આ પત્રનો ઉત્તર આવેથી છબી તાબડતોબ મોકલાવી દઈશ. તામસ, અધીરાઈ અને અકળાપણું દર્શાવતો છટાથી વાંકામાં લખેલો આપનો પત્ર વાંચી મને સારી પેઠે હસવું આવ્યું છે. મને તમારી છટાથી લખતાં આવડે છે ખરું પણ તમે મારા ઉપર ઉપકાર કીધોછ. (છબીના બદલામાં અધીરાઈથી ચોપડીયો માંગોછ એટલે ઉપકાર કહેવો તો ન જોઈયે,) તેથી હું તમારી છટાથી લખવું દુરુસ્ત ધારતો નથી. તમારી મેહેનતના બદલામાં મેં રૂપીઆ આપવાનું કહેવડાવ્યું હતું પણ તેની તમે ના પાડી હતી. માત્ર મૈત્રિની નિશાનીમાં તમે મહેનત લીધી એમ હું જાણતો હતો. પરંતુ જ્યારે તમે ચોપડીના બદલામાં છબી આપો છો ત્યારે તે મૈત્રિની નિશાની ન કહેવાય. તમે મારે વિષે ખોટો વિચાર લઈ જાઓ છો એ જોઈ હું ઘણો દલગીર થાઉં છું. મેં તમને ચોપડીઓ મોકલવાની ના નથી કહી. ખાંતથી ખોળ કરી મોકલતો જઈશ, એમ લખવા છતાં તમને ખોટું લાગ્યું તો હવે ભાઈ સાહેબજીને વિનંતિ કરુંછ કે મારાં માણસોથી તમારું દીલ દુખાયું તો કોઈ પણ રીતે તેના બદલામાં મને હજી વધારે શિક્ષા કરી ક્ષમા કરો તેમ છોઋ કહો તો તનથી માફ માગું એટલે નાક લીસોટી તાણી જાઉં, કહો તો મનથી માફ માગું એટલે તમારી સાથે કામ પાડયાથી જે પશ્ચાત્તાપ મને તમારા કાગળથી થયો છે તેને વધારે દહાડા ચલાવ્યાં કરું. અને કહો તો ધનથી માફ માગું, એટલે મારા ગજા પ્રમાણે તુળસી પત્ર અર્પી સાહેબને રીઝવું. ‘છબી મોકલજો કે દરસણથી આપનું સ્મરણ રેહે’ એમ તમે લખો છો તેમ હું પણ તમને લખુંછ કે હું તમારી ખુબીના કાગળો જોઈ જોઈ તમારા ક્રોધરૂપી વિછુ સાપના ડંસથી આકળવિકળ થઈ જઈ પશ્ચાત્તાપ કર્યા કરી તમારું સ્મરણ રાખ્યાં કરીશ. હું મારા માણસોનો પક્ષ નથી કરતો. કર્યો હોત અને મારા મનમાં કપટ હોત તો હું તમારી સાથે કાગળથી પ્રસંગ કરી ચોપડી મોકલવાની વાત લખત નહીં. હવે ગઈ ગુજરી વાતનું લંબાણ કરવું ન જોઈયે, તો પણ કોઈ બીજા સદ્ગૃહસ્થો તમારા હમારા કાગળો વાંચે તેઓને ઉભય પક્ષ સમજાવવામાં આવે માટે લખું છું કે તમને જે વેળા ડભોઈ જવાનું કહ્યું તે વેળા તમે એવું નહોતું કહ્યું કે ચોપડી મંગાવી આપો તો જ હું તમારી સાથે આવું. એમ ન કહ્યું એ તમારી મોટી ભલાઈ અને મૈત્રિ. છબી પાડયા પછી આગ્રહ ધર્યો કે મંગાવી આપો તો જ લઈ જાઓ ને હું કેવો માણસ છઉં એ વિષે સારી પઠે ચોકસી કરી નાચારીથી છબી આપી અને પછી પાછા હમણાં મારા કાગળથી નારાજી થઈ જઈ છબી પાછી મંગાવી લો છો એ પણ તમારી ભલાઈ અને મૈત્રિ. તમને સોનાવરણવાળી તસવીર પસંદ ન પડેથી અને તેવી તસવીર મુંબઈ સરખા શહેરમાં તમારી યશસ્વી કલમને બટ્ટો લાગશે એમ સમજી તમે તે તસવીર રદ કરી. તમને યશ મળે તેવી બીજી ઉતારી. મેં મારા માણસને સોનાવરણવાળી જ ઉતારવાનું કહ્યું હતું. પણ તેઓએ તમે અપ્રસન્ન ન થાઓ માટે અને તમારા કહેવા પર ભરોસો રાખીને તમે જે કીધું તે કરવા દીધું. રંગદાર અને ખુશમિજાજની તસવીર કરતાં મને સાદી અને ઉદાસી તસવીર વધારે ગમે છે ને ગમે તેવી તે તસવીર નઠારી હતી તો પણ મને તેની ઇચ્છા હતી. તે ઉપરાંત તમે રણછોડની સંમતીથી નવી બનાવી મોકલી એ તમારો મોટો ઉપકાર. ને એ ઉપકાર જાણનાર તમારા દિલમાં અપકારી જણાયો એ જોઈ મને કૌતુક સરખું ભાસે છે. જેવી ધીરજ તમે ડભોઈ જતાં પહેલાં રાખી હતી તેવી તમે પછવાડેથી રાખી શક્યા નહીં, એવે પ્રસંગે મારાં માણસો જેઓ એમ સમજેલાં કે નર્મદાશંકર આખા મુંબઈની ચોપડીઓ વિષે જાણે છે તે ગમે તેમ કરીને ખોળ કહાડી વેહેલી મોડી મોકલાવશે જ. એવા વિચારથી તેઓએ તમને નક્કી મોકલાવીશું એમ કહ્યું. તમે પાછળથી અધીરા થયા અને હું તમારો હિતેચ્છુ તે તમે મારે વિષે વગર પ્રસંગે ખોટા વિચાર કીધા એને વિષે તમે તમારા દિલને એકાંતમાં જ સમજાવજો. મારાં માણસો રે હું તરતની તરત ચોપડી ન મોકલી શક્યો તેટલા ઉપરથી તેઓને વિષે ને મારે વિષે ખોટા વિચાર કરો છો એમાં અમને તો અમારો દોષ કંઈ જણાતો નથી. કારણકે ચોપડીઓ મોકલવાની ના નથી કહી. ‘ચાનક રાખી ખોળ કરી મોકલતો જઈશ’ એમ લખ્યા છતાં તમે આકળા પડી જાઓ છો અને મૈત્રિના અંકુરને ક્રોધમાં ચાંપી નાંખો છો. કોઈ એક માણસે બીજાને કહ્યું કે હું તમને અગિયાર વાગે મળીશ ને પછી કેટલીક અડચણને લીધે તેનાથી બાર વાગે મળાય અને જેને સારૂ પેહેલો માણસ વિવેકમાં રહી બીજાની પાસે માફ માગે અથવા પેહેલો માણસ અધોકથી મરી ગયેથી, બીજાને ન મળી શકે ને તેથી તે બીજો કોપાયમાન થાય તો તેમાં ને બીજા માણસનું ભલામણપણું ને સાચી મૈત્રિ (ઋ) અને પ્હેલા માણસનું ખોટાપણું અનો ખોટી મૈત્રિ ખરી(ઋ). છબી મોકલવાને કંઈ જ વાર નથી પણ તમારા જેવો હું આકળો ગણાઉ માટે આ પત્રનો ઉત્તર આવતાં સુધી વાર લગાડું છઉં. આ પત્રના ઉત્તરની સાથે નીચલા પ્રશ્નનો ઉત્તર પણ લખી મોકલશો. લોકો કહે છે કે દૂર પડેલા ને ન દીઠેલા એવા પરદેશીની સુજનતાથી પરીક્ષા કરવામાં વડોદરાનાં બૈરાં તહાંના પુરુષો કરતાં વધારે ચતુર છે એ વાત ખરી છેઋ મનમાં મેલ રાખ્યા ન કરતાં તડ ને ભડ કહી દેવું એ મોટી નીતિ છે. સોનાવરણવાળી પેનસીલની જ છાયાવાળી છબી મોકલવાને મેં તમને લખ્યું હતું તે વિષે આપ ક્રોધમાં કંઈ જ લખતા નથી. એ જે તમારી કાગળ લખવાની ચાતુરી તે શિખવામાં હવેથી હું તમને ગુરુ ગણીશ. હું જ લખું છ કે હવે તમે તે મોકલવાની ખટપટમાં પડશો જ નહી. તમારો મેરૂ જેટલો ઉપકાર હું અળસિયાંથી કેમ ઝીલાય! આ ઉભરો ગમે તેવો પણ શુદ્ધ અંત: કરણનો છે; માટે ક્ષમા ધારણ કરી પાછો પ્રીતિનો ઉમળકો લાવશો. એ જ વિનંતી.

નર્મદાશંકર લાલશંકર.

(૩)

તા. ૧૯ એપરેલ ૧૮૬૫

ભાઈ ધનસુખરામ-મુ. વડોદરું.

તમને કાગળ બીડયા પછી જે માણસોને મેં તમારી ચોપડીઓની ખોળ કરવાને કહ્યું હતું તેમાંના એક જણે આવીને કહ્યું કે ‘જે પારસીએ તે ચોપડીએ મરેઠી ઉપરથી ગુજરાતીમાં કરી છપાવેલી તે તો તમારો ફલાણો સ્નેહી છે. તેણે તમને સલામ કહેવડાવી છે ને કહ્યું છે કે એ સાતમાંની હોડ વિદ્યાવાળીની એક જ પ્રત તેની પાસે છે ને બીજી તો નથી. એ બધી ૨૨ રૂપીએ વેચાતી હતી. તમને ઘણી જ જરૂર છે તો હું જેમ બનશે તેમ તમને પેદા કરી આપીશ.’ ભાઈ સાહેબ! હવે જોતા જાઓ. જેણે છપાવી છે તેનીજ પાસે નથી તો એકદમ કેમ મળી આવેઋ એ તો ખુણાઓમાંથી ખોળવાની છે-દુકાનોમાંથી ખરીદ કરવાની નથી. પણ ધીરજથી સહુ મળી આવે છે.

એ જ શખસ થોડે દહાડે મને તે ચોપડીઓ પેદા કરી આપશે જ; એ સ્હેજ જાણવા સારૂ લખ્યું છે-વારુ તમારે નિમિત્તે મારું તો કામ થશે. કેમ કે મ્હારે ઘેર જેટલાં ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ છે તેટલો આખા ગુજરાતમાં કોઈ ઠેકાણે નથી. એ સાત ચોપડીઓની જાણ તમારાથી જ થઈ, તે હવે મારા સંગ્રહમાં રહેશે. મારા અસંખ્યાત ઓળખીતામાં મારે વિષે વગર કારણ ખોટો વિચાર આણનાર એક આપની જ અધીરાઈ હોય.

નર્મદાશંકરના નમસ્કાર.

(૪)

ભાઈ ધનસુખરામજી – મુકામ-વડોદરું.

મુંબઈથી લા. નર્મદાશંકરના નમસ્કાર. તમારો વદ ૧૧ નો લખેલો આજ વૈશાખ સુદ ૩ જે આવ્યો તે વાંચ્યો છે. સેવક માગી લેછ ને હવે બીજા પંદર દહાડાની છબી મોકલવાની મહેલત આપશો કે વારૂ એટલામાં જો ચોપડીઓ મળી જાય તો મોકલાવી દઉં. તમે એમ ન જાણશો કે છબી મોકલવાની આનાકાની કરે છે-મારી પાસ રહી કે તમારી પાસ રહી તો શું? તમારું ઘર તે પણ હાટકેશ્વરનું જ છે. ને મારી ઇચ્છા દયારામનાં દર્શન કરવાની હતી તે તમે પૂર્ણ કીધી. તમારી અધીરાઈથી હું તમ ગુણીજન પાસ આવતો અટકી પડયો છઉં માટે જ મારે લાંબો કાગળ લખવો પડયો હતો, પણ નીતિ છે કે એક જો જોરથી બોલે તો બીજાએ પણ બોલવું કે જેથી બંને ધીમા પડી જાય ને તેમ થવાને વખત આવે છે. મને એટલી તો ચટપટી છે કે કહારે ચોપડીઓ મળે ને હું વડોદરે આવું-તમને નમસ્કાર કરું-ને તમારાં ચરણ આગળ ચોપડીઓ ને તસવીર ધરું.

એ પંદર દહાડામાં જો કોઈ ઓળખીતું માણસ અહીંથી વડોદરે જતું જણાશે ને તે તમને ઠાવકી રીતે પોહોંચે તેવું હશે તો છબી તો હું તેની સાથે જ મોકલી દઈશ. ધનસુખરામભાઈ! છબી ધીરવા સરખો પણ હું નહીંઋ મારી ઇચ્છા ગઈ ગુજરી વિસરી વિસરાવી પરસ્પર પ્રેમ બાંધવાની છે. પછી તો આપની મરજી.

લી. દર્શનાભિલાષી નર્મદાશંકરના નમસ્કાર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.