તા. ૨૦મી

આવી છે ત્યારથી પૃથક શયા તો છે જ ને આજથી ભાષણ બંધ ને સાથે જમવું બંધ અને તેના હાથની રસોઈ જમવી બંધ-જ્યાં સુધી તે પોતાના તમોગુણનું વિકલપણું મૂકે નહિ ત્યાં સુધી.

ચાલતું પ્રકરણ બંધ થયું ને વળી શું કરવું તેના વિચાર જ્યારે થશે ત્યારે.

તા. ૨૩ મી સવાર-તા. ૨૧ મીએ રાતે કાલેવાલા. વળી ૨૨ મીએ સવારે કે આજે તમારી વર્ષગાંઠ છે માટે બોલો.

પછી ભાષણ કરવું રાખ્યું.

૧. દરરોજ સાંજે એક કકડો આપવાને કહ્યું છે તેમ લે છે. લજવાતી નથી.

૨. તા. ૨૨ મીએ ૧|| વાગે અળગી બેઠી.

તા. ૨૪ મીએ ત્રણ વાગે જાણવામાં આવ્યું કે ચોપડીઓનું પોટલું લાવી છે પણ તે દેખાડવાનું રહી ગયેલું. તે જોયું તેમાં આટલાં-

૧. ભારતવર્ષ પ્રકાશ

૨. કવિચરિત્ર

૩. હિંદુસ્થાની ગીતા

૪. ગુજરાતમિત્ર લોકમિત્રના અંકો

૫. શણની દોરી

તા. ૨૫મી સવારે એ ચોથા દહાડાનું નાહી દાબડામાંનો પાક ગટરમાં ફેંકી દીધો. ભાંગના કકડાની નીચે પાંદડા તળે વળી બીજો લાલપાક હતો તેને પણ ફેંકી દીધો, કહીને આવી રીતે દગો? ભાંગની કોથળી ગટરમાં ખાલી કીધી છે. આત્મારામના નામવાળી કોથળી પણ ફેંકી દીધી.

એ વેળા તમોગુણ એટલો કે કપાટ કુટયું – ‘મોંધી કિમતની વસ્તુ, નાણું ખરચેલું તે ફેંકી દીધી. કોઈ માદરબખત બ્રાહ્મણને આપી હત તો સારૂં-આ તે શું કીધું? એમ કહ્યું. એમ કહી બબડી-હું હવે પ્રાયશ્ચિત્ત લેનારી જ નથી. બૈરી વીફરે તો શું નહિ કરે, હવે હું જુદો જ રસ્તો લેઈશ.’ મેં કહ્યું તે તું વહેલો લે. તેને માટે હું તૈયારી કરાવું છું. બે કાગળ લઈ કારભાર કીધો તો શું? વગેરે.

પછી બારીએ બેસી રડી. ‘ચોપડો ફાડી નાંખીશ,’ કહી પાછું વળગવા આવી. ‘હું તમારા ભોપાળાં બહાર કહાડીશ, આવી જાઓ જાહેરે-સૌને દેખાડવાને જ મને આટલું દુ:ખ દો છો. તમારા માથાંની સ0 મળી છે ને હું તેને મળી જઈશ ને પછી બતાવીશું.’

(એ સઘળો સમય મેં દયા ખાઈ સાંભળ્યા કીધું. તમોગુણ મને ઉપજ્યો નહોતો.)

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.