૪. તત્વશોધક સભાની હકીકત

(તા. ૭મી જુલાઈ ૧૮૬0 થી તે ૭ મી જુલાઈ ૧૮૬૪ સુધીની.)

દેશી ભાઈયો,

બુદ્ધિવર્ધક સભાના કાયદામાં એમ હતું કે ચાલતા રાજ્યની નિંદાસંબંધી અને કોઈના પણ ધર્મસંબંધી ભાષણ કરવા નહીં. પણ સને ૧૮૬0 ની શરૂઆતામાં મેં એવી દરખાસ્ત કીધી કે, ‘હિંદુઓની કોઈ પણ વાતમાં ધરમ ભેળાયલો નથી એવી વાત કોઈ જ નથી – બધે જ ધરમ પેસી ગયો છે; – માટે ધરમસંબંધી ભાષણ ન કરવાં એ તો મોટી ખોડ ગણાય; તેમ સંસારી વિષયો વિષે ઘણાંએક ભાષણો અપાઈ ચુક્યાં છે માટે ભાષણના વિષયો વધારવાને સારુપણ ધરમસંબંધી ભાષણો થવાં જોઈએ; વળી જહાં સુધી ધરમસંબંધી ભાષણો નથી તાંહાંસુધી ધરમ એટલે શું એ વાતનું અને ધરમ તથા ધરમમાં ખપતી રુઢી એ બેને એક બીજા સાથે ખરેખરો કંઈ જ સંબંધ નથી એ વાતનું અને ધરમને નામે વ્હેમોએ કેટલું પોતાનું લાકડું પેસાડયું છે એ વાતનું ચોખ્ખું ભાન લોકને કોઈ કાળે થવાનું નહીં; અને વળી જે ખરેખરો સુધારો કરવાનો છે તે ધરમ સંબંધી ભાષણોથી જ થશે માટે ધરમસંબંધી ભાષણો થવાની જરૂર છે અને સભાએ તે બાબત સહુને છુટ આપવી જોઈએ.’ એ ઉપર ઘણી ઘણી તકરારો ચાલી ને આખરે છુટ૧ ન આપવાનો ઠરાવ થયો – મેં સભામાં જવું બંધ કીધું અને નવી સભા ઉભી કરવાનો વિચાર કીધો.

એ વિચારને અમલમાં લાવવાને મેં મારા મિત્રોને નીચે પ્રમાણે ચિઠ્ઠી લખી.

તા. ૭ મી જુલાઈ ૧૮૬0

‘વહાલા મિત્રો,

એક જરુરનું નવું કામ ઉભું કરવામાં તમારા વિચાર લેવાના છે, માટે કૃપા કરીને આજ રાતે સાડે સાત વાગતે મારા મકાનમાં (રામવાડીની સામે) જરૂર આવવું.’

– નર્મદાશંકર લાલશંકર.

એ ?પરથી કેટલાક મિત્રો મારે ઘેર આવી મળ્યા, અને મંડળી બેઠા પછી મેં તેઓને બોલાવ્યાનું કારણ નીચે પ્રમાણે કહી સંભળાવ્યું : –

૧. ‘દેશી ભાઈયોમાં વિદ્યાજ્ઞાનનો પ્રસાર કરવાને બુદ્ધિવર્ધક, જ્ઞાનપ્રસારક આદિ લઈ સભાઓ છે; પરંતુ વ્હેમરુપી અગાસુર બકાસુરના મ્હોડાંમાં અજ્ઞાન અને ભોળા થઈ ગયલા દેશીઓ પડેલા છે તેઓને તેમાંતી જીવાત કહાડી ઠેકાણઆંસર આણનાર કોઈ ધર્મસભારુપી કૃષ્ણ (આકર્ષણ કરનારી) શકિત જોવામાં આવતી નથી માટે એ શકિતને શોધવી – એક ધર્મસભા ઉભી કરવી – ને તેનો ઉદ્દેશ એવો હોવો કે ધર્મરૂપી ગોળીમાં આજકાલ ઘરઘરનું જમાવેલું વાસી દહીં એકઠું થયલંુ છે તેને વિવેકબુદ્ધિરુપી રવૈએ એકસંપી ઉદ્યોગરૂપી નેત્રું બાંધી ખૂબ વલોવવું અને શુદ્ધ માખણ કાહાડવું. – અથવા ધર્મનીતિસંબંધી પ્રકરણમાં જે કંઈ સાર હોય તે યથાશકિત શોધવો. – અને તેથી લોકોને જાણિતા કરવા. – આપણા લોકો સેહેજ વાતમાં પણ ધર્મ આણી મુકે છે; ધર્મે તે શું, નીતિ તો શું, એ બેનો અંતર ને સંબંધ કેટલો તે સહુ શોધવું. –વ્હેમરુપી તોફાની વાદળી હિંદુનાં મનરૂપી આકાશમાં ચ્હડી આવેથી શુદ્ધ તત્વરૂપી જે સૂર્ય ઢંકાઈ ગયો છે તેનાં દર્શન કરવાનો અને લોકને કરાવવાનો યત્ન કરવો – સારાંશ કે, એક ધર્મસભા૨ સ્થાપવી.’

૨. ‘એ સભાને લાગતો સારો પુસ્તકસંગ્રહ કરવો. આ દેશી પુસ્તકોના સંગ્રહની, મુંબઈમાં કેટલી જરૂર છે તમે સહુ જાણોજ છો.’

૩. ‘એ સભાની મારફતે પ્રગટ થતું એક ન્યુસપેપર અથવા ચોપાનિયું કાઢવું કે જેણે કરીને સભાના વિચારથી ને સભાની મેહેનતથી લોકો જાણીતા થાય ને રુડાં ફળ ચાખે. વળી લોકોપયોગી નાહાનાં મોટાં પુસ્તકો પણ છાપી પ્રગટ કરવાં.’

એ દરખાસ્તો સાંભળ્યા પછી સભાસદો પોતપોતાનાં વિચાર આપવા લાગ્યા, તેમાં આખરે એવું ઠર્યું કે, એ કામ મહાભારત છે એમાં મોટાં દ્રવ્યની, મોટી વિદ્યાની, મોટા સંપની ને મોટી મેહેનતની જરૂર છે. આપણે ઉપર કહેલી બધી વાતે હાલ સભાને જોઈએ તેવી સ્થિતિમાં લાવવાને શકિતમાન નથી તો પણ પ્રથમથકીજ કોઈ પણ કામ જોઈયે તેવી ઊંચી સ્થિતિમાં આવતું નથી; –

પ્રારંભ સર્વદા સર્વત્ર નાહાનો જ હોય. – સભા તો ઉભી કરવી. ૨. પુસ્તકસંગ્રહની જરૂર છે તે પણ કરવો પણ એ પુસ્તકસંગ્રહમાં ઘણું કરીને ધર્મનીતિસંબંધી પુસ્તકોનો સંગ્રહ રાખવાને નાણું ખરચવું. ૩જી દરખાસ્તમાં ન્યુસપેપર, ચોપાનિયાંસંબંધી જે વાત છે તે હાલ મુકી દેવી. પણ ધર્મસંબંધી લોકોપયોગી નાનાં મોટાં પુસ્તકો બને તેટલાં છાંપી પ્રગટ કરવાં.,–એ પ્રમાણે ઠર્યું.

સભાનું નામ સર્વાનુમતે તત્વશોધકસભા રાખવામાં આવ્યું અને સભાના કારભારીયો મુક્કરર થયા. અને પછી સભાસદો પોતપોતાના લવાજમ તથા બક્ષીશ ભરીને સાડે નવ વાગતે સભા વિસર્જન કરી ઉઠયા.

સભાએ પોતાની સ્થાપના થયા પછી ઘણાક સારા સારા વિચારો કર્યા છે પણ તેમાંનું કાંઈ પણ હજી લગી બાહાર પાડવાનું દુરસ્ત ધાર્યું નથી. તોપણ બ્રાહ્મધર્મ સંસ્કૃતમાં ને બ્રાહ્મધર્મ ગુજરાતીમાં એ નામનાં બે પુસ્તકો બાહાર પાડયાં છે તે વિષે થોડુંક લખું છે : –

કલકત્તામાં રામમોહનરાય નામના એક વિદ્વાને સને ૧૮૨૮ ના વરસમાં બ્રહ્મસમાજ નામની ધર્મસભા સ્થાપી, તેનો ઉદ્દેશ એવો કે એક નિરાકાર ઈશ્વરના ગુણાનુવાદ ગાવા, નીતીથી રહેવું, જાતિભેદ ન રાખવો અને દેશીયોનું ધર્મ રાજ્યસંબંધી ઐક્ય કરવું – એ ઉદ્દેશ પાર પાડવાનેમાટે સમાજે ઘણાં પુસ્તકો છપાવ્યાં અને એક મંદિર સ્થાપ્યું. એ મંદિરમાં દર બુધવારે હજીપણ વેદવેદાંતને અનુસરીને સાજસાથે પ્રાર્થના કરવામાં આવે છે અને ધર્મનીતિસંબંધી ભાષણો પણ કરવામાં આવે છે. (બ્રહ્મસમાજ સંબંધી થોડીક હકીકત રામમોહનરાયના જન્મચરિત્ર ઉપરથી માલમ પડશે પણ તે સમાજનો પૂરેપૂરો ઇતિહાસ આ ઈલાકાના લોકને આપવાસારુ તત્વશોધક સભાનો વિચાર છે તે જોગવાઈ મળેથી પાર પડશે એટલે આણીપાસના દેશી ભાઈયોને વધારે જાણ થશે એવી આશા છે.)

બ્રહ્મસમાજે વેદ વેદાંતનું મંથન કરી બ્રહ્મધર્મ નામનું પુસ્તક સંસ્કૃત ભાષામાં પણ બંગાલી લીપીમાં છાપી પ્રગટ કર્યાં ને પછી એના અંગ્રેજી હિંદુસ્તાની અને બંગાલી ભાષામાં ભાષાંતરો કરી બોહોળા લોકોમાં પોતાના વિચાર ફેલાવ્યા. એ પુસ્તકની અંગ્રેજી નકલ અને બંગાલી લીપીમાં છપાયલી સંસ્કૃત નકલ સન ૧૮૬0માં એક મારા પરમપ્રિય મિત્ર જેને એવી વાતોનો શોધ કરવાનો ઘણો શોખ હતો અને છે અને જેણે રામમોહનરાયનું ગુજરાતી જન્મચરિત્ર રચ્યું છે તેને તાંહાં મેં જોઈ – બંગાલી લીપીવાળું મને કંઈ જ કામ લાગ્યું નહીં પણ અંગ્રેજી નકલ વાંચતાં માહારો આત્મા સારી પેઠે ઠર્યો. અને તે પછી તે ગ્રંથનું ભાષાંતર કરી લોકના આત્મા ઠારવાનો મેં વિચાર કીધો. પણ પાછંુ આમ વિચાર્યું કે ધર્મસંબંધી વિષયમાં અંગ્રેજી ઉપરથી કરેલાં ગુજરાતી ભાષાંતરમાં ઘણી કસર રહી જવાની માટે સંસ્કૃત ઉપરથી જ ભાષાંતર થાય તો સારું. પણ આ ઈલાકામાં બંગાલી લીપી જાણનારા કોઈ જ નહીં તેથી બંગાલી લીપીમાં છપાયલી સંસ્કૃત ગ્રંથની નકલ નિરુપયોગી પડી રહી.

બનાવ એવો બન્યો કે એક જુવાન બંગાલી જાતનો બ્રાહ્મણ જે સાધુનો વેશ લેઈ મુંબઈમાં ફરતો હતો તેની સાથે મારે ને એક મારા સુરતના પડોસી સ્નેહીને પ્રથમ તો સહજ જુદી જુદી રીતે પણ પછી એકઠો સમાગમ થયો. મારે પ્રથમ આ રીતે.

એ સમે પુનર્વિવાહ વિષે મારાં પુસ્તકો ઉપરથી ગુજરાતી ભાઈયોમાં ઘણી ચરચા ચાલી રહી હતી તેથી તે બંગાલી જુવાન મારું નામ જાણતો હતો – એક વખત અત્ર વચલા ભોઇવાડાની સામે તપખીરવાળાની દુકાન આગળ હું બે મિત્રો સાથે પુનર્વિવાહસંબંધી વાતો કરતો હતો એટલે એકાએક તે સાધુવેષ જુવાન મને અંગ્રેજીમાં કેહેવા લાગ્યો કે Are you the author of Vaidhaviachitra? Are your Naramdashakar?’ વૈધવ્યચિત્રના કર્તા તમે છો અને તમે નર્મદાશંકર? હું તો સાધુવેષ જુવાનને અંગ્રેજી બોલતાં જોઈને ઘણો વિસ્મય પામ્યો ને પછી તેની સાથે દુર જઈને થોડીક વાત કરી – પછી હું ને ઉપર કહેલો મારો પડોસી સ્નેહી જેણે સ્ત્રીયોને ઉપયોગી પડે તેવા કેટલાક વૈદક સંબંધી ગ્રંથો રચ્યા છે તે અને પેલો બંગાલી જુવાન રોજ સાથે મળતા. એ બંગાલી જુવાન ૨૫-૨૭ વરસનો હશે પણ તેને ચોખ્ખું બંગાલી, વાત કરે ને વાંચી સમજે તેટલું સંસ્કૃત તથા અંગ્રેજી આવડતું. રાગ સારીપઠે સમજતો, શાસ્ત્રીય રીતે ગાતો અને મૃદંગ પણ સારી રીતે વગાડતો. અર્થાત્ ઘણો બુદ્ધિમાન હતો – એણે પોતાનો ઉતારો નાનાશંકરશેઠની વાડીની ધરમશાળામાં બીજા સાધુઓ સાથે કર્યો હતો. પુરો સુધારાવાળો હોવાથી બીજા સાધુઓ સાથે બનતું નહીં તોપણ દેવની આરતી કરતી વખત સારું ગાતો ને વગાડતો તેથી સહુ એનાપર ખુશ હતા. એ વાણીઆ મુલતાની વગેરેને ત્યાંહાં જમતો હતો ને આખા મુંબઈમાં રખડ રખડ કરીને શેહેરની ચરચા જોતો. એની સાથે વાતચીત કરતાં મને માલમ પડયું કે એ કોઈ ઘરકંકાસથી અકળાઈને ઘરબાર છોડી મુસાફરી કર્યાં કરે છે. એને મેં પુછ્યું કે તમારે શાસારુ કલકત્તા છોડવું પડયું તારે પેહેલી વખત તો કહ્યું કે મને એવી ઇચ્છા થઈ કે ઉપાસના તપશ્ચર્યા વગેરેથી ફળ થાય છે કે નહીં એનો શોધ કરવો ને પછી મેં ઘણાક પુરુષચરણો કીધીં પણ કંઈ સાર દીઠો નહીં – પણ ઘણો પ્રસંગ પડયા પછી મેં કહ્યું કે હવે તમે ગુજરાતમાં મારી સાથે ફરવા આવો તારે એકાએક આંખમાં ઝળઝળીયાં આણી બોલ્યો કે હવે તો કલકત્તે જઈ કુટુંબને મળવાનો વિચાર છે માટે હવે હું ઉજ્જન તરફ થઈને કલકત્તે જઈશ. એ ઉપરથી મેં ધાર્યું કે એ ઘરનો દુ:ખી છે અને દુ:ખના જોશમાં બાહાર પડી ગયલો છે. એ જુવાન વિશે આટલંુ લખવાની મતલબ એટલી જ કે બંગાલાના જુવાનો નાહાનપણમાં કેટલો અભ્યાસ કરે છે, મુસાફરી કરવાને કેહેવા બાહાર પડે છે અને કેવા નિર્ભયપણે પોતાના વિચાર લોકોને જણાવે છે. મેં પુછ્યું કે સાધુનો વેષ કેમ ધારણ કર્યો? તારે કેહે કે ‘ખરે બ્રાહ્મણને રૂપે રહીને મુસાફરી કરતાં ખાવાપીવાસંબંધી ઘણી જાતની હરકતો છે ને સાધુને તો સહુ પ્રસાદી આપે જ; વળી પાસે દ્રવ્ય નહીં.’ એ બાવાને હું એક દાહાડો આપણા કવિ દયારામનું કાવ્ય સંભળાવાને અત્ર આવેલા તેના શિષ્ય રણછોડને તાંહાં લઈ ગયો હતો. તાંહાં દયારામની હિંદુસ્તાની ને બ્રીજ ભાષાની કવિતા સાંભળીને તે બોલ્યો કે ‘એ કંઈ હિંદુસ્તાની ને બ્રીજ ભાષા ન કહેવાય ને રણછોડનું ગાણું સારું નથી.’ ગુજરાતી વિષે તો એની સમજવાની શકિત નોહોતી. એ બાવાનો કોઈ સગો કલકત્તાની હિંદુકાલેજમાં અધિકાર ધરાવતો હતો.

હમે એ જુવાનની વિનંતી કીધી કે બ્રાહ્મધર્મ જે બંગાવી લીપીમાં છે તે તમે અમારી આગળ વાંચો એટલે હમે દેવનગરી લીપીમાં લખી લઈયે. તેણે હા કહી ને પછી હમે એક શાસ્ત્રી તેને સોંપ્યો જેણે બ્રાહ્મધર્મ પુસ્તક બંગાલી લીપીમાંથી દેવનગરી લીપીમાં ક્તારી લીધું ને પછી પેલા રામમોહનરાયનાં જન્મચરિત્રનો કર્તા જે હમારા મિત્ર તેને ખરચે ને સંસ્કૃત પુસ્તક છપાવીને વિદ્વાનોને મફત આપ્યાં કે તેઓના જાણ્યામાં આવે. એ સંસ્કૃત પુસ્તક વિષે સર્વ શાસ્ત્રીઓનો સારો વિચાર છે ને કેહે છે કે જેણે કર્યું છે તેણે ઉપનિષદાદિક ગ્રંથોનો સારો શોધ કરીને રચ્યું છે. સુરતના નામાંકિત શાસ્ત્રી દિનમણિશંકરે કહ્યું કે, ‘એ ગ્રંથ સારો છે પણ જે જે ગ્રંથોમાંથી લીધું છે તેનાં નામ નથી લખ્યાં એટલી કસર છે અને એ કસર ગ્રંથ રચનારાએ પોતાની મતલબને માટે જાણી જોઈને રાખી છે.’ એ પ્રમાણે સને ૧૮૬૧ ના વરસમાં સંસ્કૃતભાષાવાળો બ્રાહ્મધર્મ દેવનગરી લીપીમાં પ્રથમ આ ઈલાકાના વિદ્વાન મંડળોમાં પ્રર્તાવવામાં આવ્યો.

પણ એ સંસ્કૃત પુસ્તક એટલે ઘણા લોકનાં વાંચવામાં ન આવ્યું, માટે એનું ભાષાંતર કરવાની જરૂર રહી અને તે કરાવવાને સારુ આજ કાલ ગુજરાતમાં જેના સરખા એક બેજ બીજા હશે એવા વેદશાસ્ત્રસંપન્ન યજ્ઞેશ્વર શાસ્ત્રીને મેં વિનંતી કીધી ને કહ્યું કે તમારાથી ગુજરાતી ભાષાંતર યથાર્થ થશે માટે તમેજ કરો ને શ્રમનો બદલો હમે સારી રીતે વાળીશું. તેઓએ હા કહી અને થોડુંક કર્યું પણ હશે. પણ પછી તેઓને વખત ન મળવાથી તેઓએ મને ના કહી ને હું નિરાસ થયો. પછી એક બીજા શાસ્ત્રી પાસે મરેઠીમાં કરાવ્યું પણ તેણે યથાપ્રત ન કરતાં પોતાની તરફનું ઘણુંક વધાર્યું તે ઉપરથી તે રદ જેવું થયું. એ ભાષાંતર એક મારા દક્ષણી મિત્રને ઘેર પડેલું છે. પછી વિચાર કીધો કે પુને જઈને કોઈ શાસ્ત્રી પાસે મરાઠીમાં કરાવું અને પછી તે ઉપરથી હું ગુજરાતી કરી લોકોને આપું, પણ કામ ધંધો છોડી પુને જવું મારાથી ન બન્યું. એટલામાં, ઇશ્વરની કૃપાથી આ વરસના માર્ચ મહિનામાં બ્રહ્મસમાજ સભાના સેકરેટરી બાબુ કેશબચંદરનું એક પોતાના મિત્ર સાથે ઉપદેશને જ માટે અત્ર આવવું થયું. તેઓ બ્રાહ્મધર્મ પ્રસાર કરવાને કેટલો પરિશ્રમ કરે છે તે વિશે મુંબઈના ન્યુસપેપરોમાં સારી પેઠે લખાયેલું છે. હું બાબુ કેશબચંદરને મળ્યો. ને તાંહાંની સુધારાવાળાની સ્થિતિ સંબંધી પુછપાછ કરીને આખરે મેં કહ્યું કે તમારા જેવી અત્ર પણ એક મંડળી છે અને હમે તમારો બ્રાહ્મધર્મ છપાવ્યો છે પણ તે ઉપરથી પ્રાકૃત કરનાર કોઈ મળતું નથી માટે તમારી પાસ જો હિંદુસ્તાની ભાષા ને દેવનગરી લીપી એમાં જો બ્રાહ્મધર્મ હોય તો તે આપો કે તે ઉપરથી હું ગુજરાતી કરીને લોકોમાં ફેલાવું, તેઓએ હા કહી અને મને એક પ્રત આપી. એ પ્રત આવી એટલે મેં તરત તરજુમો કરવા માંડયો ને થોડોક કીધો એટલામાં બીજું જરૂરનું કામ આવી પડયું. પછી મેં હિંદુસ્તાની ભાષા જાણનાર કવિ હિરાચંદ કાનજી પાસે તેનો તરજુમો કરાવ્યો. – જેની હાલ ૫00 નકલો છપાવી પ્રસિદ્ધ કરી છે.

હવે બંગાલાની બ્રહ્મસમાજ સભાના ઇતિહાસનું પુસ્તક અને પ્રાર્થના પુસ્તક એ બે છપાવવાનો તત્વશોધક સભાનો વિચાર છે તે અનુકુળ પડેથી વહેલું મોડું છપાવવામાં આવશે.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.