વિરામ ૫

રાંદેરમાં શિક્ષક – (૧૮૫૧-૧૮૫૪)

૧. હું સને ૧૮૫૧ ની ૧૯મી ફેબરવારીએ સુરત આવ્યો-મઝામાં પડયો. બીજે કે ચોથે દાહાડે હું સુરતની ઇસ્કુલના વડા ગ્રેહામને મળવા ગયો. ત્હાં મેં પૂછ્યું કે તારા ઉપર મારા સંબંધી વિનાયકરાવ જગન્નાથના કાગળો આવેલા છેઋ તારે તે બોલ્યો કે હા પણ બોર્ડનો એવો ઠરાવ છે કે સુરતની જ ઇસ્કોલમાંનાને મોટા પગર કરી આપવા. તે વખત એવું હતું કે ત્રણ ત્રણ ચચ્ચાર રૂપિયાના માનીટરોને કહાડી નાખી મોટા પગારના છ જ માનીટરો રાખવાનો બોર્ડનો હુકમ આવ્યો હતો – હું નાઉમેદ થઈ ગયો. મેં ગ્રેહામને કહ્યું કે હું પણ તારો જ શિખવેલો છઉં માટે તારે મને પણ તારી પાસે રાખવો જોઈયે. તે બોલ્યો કે આવ્યાં કરજે-પાછી નોકરીની મતલબે મેં એક બે મહિના ઇસ્કુલમાં ફર્સ્ટ ગ્લાસમાં નામ દાખલ કરાવી રાખ્યું હતું પણ હું કંઈ બરોબર જતો નહીં ને પછવાડેથી મેં જવું મુકી દીધું હતું.

૨. બાપ મુંબઈ, રોજગાર નહીં, એકલો પડી ગયો તેથી પાછું મન દલગીરીમાં ફટકેલ થઈ ગયું ને તેમાં મારી મા સંબંધી પાછા ખ્યાલો થવા માંડયાં. એવામાં એક કુળવંતી ડાહી સ્ત્રીનો સહવાસ થયો અને એથી મારૂં સમાધાન થયું.

૩. મેં મારી ગંમતને સારૂ એક મંડળી ઉભી કરવી ધારી ને પછી વાત મેં મારા સગા દોલતરામને કહી. એણે મંડળીની સાથે એક છાપખાનું કહાડવાનું કહ્યું અને પછી હમે ભાગીદારો કરી ‘સ્વદેશહિતેચ્છુ’ એ નામની મંડળી ઉભી કરી. એક પાસથી છાપખાનાંમાં ‘જ્ઞાનસાગર’ નામનું ન્યુસપેપર અઠવાડિયે એક વાર નિકળવા માંડયું ને બીજી પાસથી ભાષણો થવા માંડયાં. જ્ઞાનસાગર કહાડવાની દોલતરામની મતલબ દુર્ગારામ મહેતાજીની કેટલીક નરસી ચાલ જાહેરમાં આણવાની હતી પણે તે મારા જાણ્યામાં પછવાડેથી આવી. પ્હેલું ભાષણ મેં મંડળી મળવાથી થતા લાભ વિષે લખીને તા. ૪થી જુલાઈયે કર્યું હતું. એ જ્ઞાનસાગર આસરે ૧ વરસ ચાલ્યું. પછી તે મંડળી ભાંગી ગઈને સઘળું અસ્ત વ્યસ્ત થઈ ગયું.

૪. એ વરસમાં મારી સ્ત્રીને ત્રણ મહિનાનું અધુરે ગયું હતું.

૫. રાંદેરની સરકારી ગુજરાતી નિશાળના મહેતાજીથી બરાબર કામ ન્હોતું ચાલતું માટે તેને રજા આપી ગ્રેહામે સને ૧૮૫૨ની ૧ લી મેથી રૂ ૧૫ ને પગારે મને ત્હાં જવાનું કહ્યું તે મેં બેઠાથી બેગાર ભલો એમ જાણી કબુલ કીધું.

૬. હું સ્હવારે ચાર વાગતે ઉઠીને હોડીમાં બેસી સામે પાર જતો. હું સુકાન ફેરવતો ને હોડીવાળો સ્હડની તજવીજ રાખતો – આહા ચોમાસાની રેલમાં હોડીમાં બેસી એરીયાં ખાવાની કેવી મઝોઋ ત્યાંહાં જો આગલા દહાડાના ઠરાવથી ઘોડો આવ્યો હોય તો તે ઉપરથી બેસી અહીં તહીં કલ્લાક બેએકલગી દોડાદોડી કરીને ને નહિ તો ચાલતો ચાલતો રાંદેર જતો. સાડે સાત આઠે રાંદેર પહોંચતો. પછી મલાઈ મંગાવી ખાઈને થાક્યો પાક્યો સુઈ જતો. ત્રણચાર મોટી ઉંમરના શ્રીમંતના છોકરાઓ જે પ્હેલા વર્ગનાં મારા નિશાળિયા હતા તેમનો મારા પર ઘણો ચાહ હતો. તેઓ નિશાળનું કામ ચલાવતા – અક્કેક મ્હોલ્લાના છોકરાઓને તેડી લાવનાર અક્કેકો છોકરો મુક્યો હતો તેથી સ્હવારના છ વાગામાં નિશાળ ભરાતી ને પ્હેલા વર્ગના તમામ છોકરાઓ બિજા બધા વર્ગમાં માનીટર જતા ને સારી પેઠે શિખવતા. હું નવ વાગતે ઉઠી એક્કેક વર્ગમાં ૫-૧0-૧૫ મીનીટ ગાળતો ને પછી ૧0 વાગે બિજા બધા છોકરાઓને રજા આપી પ્હેલા વર્ગનાને શિખવવા બેસતો તે સાડા અગિયાર લગી. પછી તાપીએ ન્હાવા જતો-ત્હાં ત્રણ કલાક પાણીમાં તોફાન કરતો – પછી બે વાગે ઘેર આવી ત્રણ વાગે જમતો. નિશાળ તો બે વાગેથી જારી થયલી જ હોય – માનીટરો શિખવતા જ હોય. હું જમીને પાછો અક્કેક વર્ગમાં બેસતો ને ૪|| વાગતે નિશાળને રજા આપી પ્હેલા વર્ગને ૧ કલાક શિખવતો ને પછી કાંતો ઉભી હોડીયે અથવા કાંઠે કાંઠે સૃષ્ટિસૌંદર્ય જોતો જોતો ૭ વાગતે ઘેર આવી જમીને સૂઈ જતો. એવી રીતે ૮0 છોકરાને હું એકલો ભણાવતો. એક ભાઈચંદ કરીને શ્રાવકનો છોકરો હતો તેને મેં ભૂમિતિના સિદ્ધાંતમાં ઘણો જ ખબરદાર કર્યો હતો. કલ્યાણદાસ ને વજુભાઈ પારેખના છોકરાઓ પણ વાંચવે સારા હતા. વખતે વખતે હું ચાર પાંચ દાહાડા રાંદેરની આસપાસના ગામડાની સહેલ કરી આવતો; આઠ નવ મહીને પરીક્ષાના દાહડા ઉપર હું રાંદેર રહી રાતે છોકરાઓને શિખવતો – એવું બન્યું કે ગ્રેહામ આગળથી વરદી આપ્યા વનાં સવારે રાંદેર આવ્યો ને હું તો સુતો હતો. છોકરાઓએ પાથરણાં પાથરી ઠીકઠાક કરી મ્હેલ્યાં એટલામાં ગ્રેહામ નિશાળ ઉપર ચ્હડી આવી ખુરસી પર બેઠો – હું નિશાળને લગતા એક ઓરડામાં રહેતો ત્યાંથી બ્હાર આવી ઉભો. ગ્રેહામે મને પૂછ્યું કે, આ શી સુસ્તીઋ તને જવાબ આપ્યો કે, રાતે ઉજાગરા કરીયેછ; ને વરદી વના કેમ તૈયારી કરી શકાયઋ પછી તેણે પરીક્ષા લીધી ને છોકરાઓના જવાબથી ખુશ થઈ તાંહાં આવેલા લોકને કહ્યું કે, માસ્તર ઘણા સારા છે માટે ફરી ફરીને આવો શિખવવાનો વખત નહીં આવે તેથી છોકરાઓને ભણવા મોકલવા. પછી સાહેબ સિધાવ્યા.

૭. રાંદેર જવા આવવાની ખટપટથી હું ઘણો ગભરાયો હતો તેથી મેં સુરતમાં નોકરી લેવી ધારી. એવું બન્યું કે દુર્ગારામ મેહેતાજીને ગ્રેહામ સાથે ન બનવાથી સાહેબે તેને રાજકોટ મોકલ્યા – ને તેની ખાલી પડેલી જગો પર નાનપરાંની નિશાળના ત્રિપુરાશંકરને મુકીને તેની જગો મને આપી, સને ૧૮૫૩ના માર્ચમાં. અહીંના છોકરાઓ સઘળા ત્રિપુરાશંકરને ત્હાં ગયલા. મારે નવેસરથી નિશાળ જમાવવી પ્રાપ્ત થઈ – તોપણ પછી મારૂં નામ સાંભળી કતાર ગામના છોકરાઓએ અને મને ચ્હાનારા રાંદેરના છોકરાઓએ છેક નાનપરે આવવા માંડયું. અહીં મને નિશાળના કામમાં કંટાળો લાગવા માંડયો – ભણનાર નહીં, ભણાવવાનું નહીં ને વળી શ્હેરમાં મ્હેતાજીની આબરૂ થોડી તે મને બહુ જ લાગવા માંડ્યું. એ દુખથી મેં વડોદરાના રેસીડેંટ ફૂલ જેમ્સને નોકરી સારૂ અરજી કરી પણ જવાબ પાછો વળ્યો નહીં.

૮. સંવત ૧૯0૮ ના જેઠમાં મારી વહુને અઘરણી આવ્યું ને શ્રાવણમાં સને ૧૮૫૨ના જુલાઈ કે આગસ્ટમાં છોકરી અવતરી જે ૧૫ દહાડાની થઈને મરી ગઈ, વળી ૧૯0૯માં મારી વહુને દાહાડા રહ્યા પણ આઠ મહિનાનું મુએલું છોકરૂ આવ્યું તેના ઝેરથી તે આસો સુદ ત્રીજે ૧૮૫૩ની પથી (મીઋ) અકટોબરે ૧૬-૧૭ વરસની ઉંમરે મરી ગઈ.

એક વખત મારે ઘેરથી તે બેજીવવાળી પીહર જતી હતી ને તેણે રસ્તામાં એક કાળો સાપ દીઠો હતો ને તેથી તે ઘણી અભેક ખાઈ ગઈ હતી. હું જાણુંછ કે તી દાહાડેથી જ તાવ લાગુ પડયો ને અંતે ગઈ! મુવેલું છોકરૂં હું જ સવારે દાટવા ગયો હતો પણ રે ખાડામાં મુકતા તે કુમળું ને ગોરૂં નાળવાળું મારા જોવામાં આવ્યું હતું તે ચિત્ર હજી મને સાંભરેછ-રે તેના ઉપર માટી નાખતાં મારો જીવ ચાલ્યો નોહોતો. છોકરાંને દાટીને આવ્યો કે વહુની તૈયારી થઈ ને પાછલે પોહોર ત્રણ વાગતે વળી પાછો ત્રણ ગાઉ અશ્વનીકુમાર તેને બાળવાને ગયો. સુવાવડીને બાળતાં પહેલાં ઘણો વિધિ કરવો પડે છે – ખાડો કરી સુવાડેછ-ઉપર મંત્ર ભણેછ-પાણીયો રેડેછ વગેરે. – અરે તે વખતનું મારી વહુનું ચિત્ર-ચોટલો છુટો-કપાળે પીયળ-ગોરૂં શરીર-આંખ મીચાયલી મારી આંખ આગળથી ખસતું નથી – આહા તે વેળા ઓટને લીધે કાંઠા ઉપરના કેટલાં જીવડયા બળ્યાં છ! એ વહુની પીહેરથી નાનીગવરી ને મારે ઘેરથી ગુલાબ વહુ નામ હતું – તે ઠીંગણા ઘાટની ને ઘણી ગોરી હતી – મોટા સૈયડ આવવાથી મ્હોડાંપર આછા થોભા પડયા હતાં પણ દૂરથી આવતાં જોઈ હોય તો ગોરૂં ઘણું જ તકતકતું દેખાતું – એ ભણેલી નોતી તેમ ઘરકામમાં કુશળ નોતી પણ ભોળી સાચી આજ્ઞાંકિત ને મારા ઉપર ઘણી જ પ્રીત રાખનારી હતી. મારી ન્યાતમાં એવું કહેવાતું કે હું તેને બહુ દુખ દેતો. પણ તે દુખ આ રીતનું હતું-કે હું ઘરમાં રાતે ૯-૧0 વાગતે આવતો ને પેલીને ઘરમાં એકલું રહેવું પડતું – એનાં ઘરનાં બૈરાં એને મારે વિષે આડું સમજાવતાં તેથી તે મનમાં જરાક બળતી પણ મને કાંઈ જ જણાવતી નહીં-તેમ એ શ્રીમંતની છોકરીથી મારા ઘરમાં ભાંજફોડ બહુ થતી તોપણ મેં કોઈ દાહાડો એને ધમકાવી સરખી નથી -અલબત્ત મને તેનું અતિભોળાપણું પસંદ નોતું ને ચતુર નહીં તેથી મારા પ્રેમનો જોસ્સો નરમ હતો. મને મારા સસરા સાથે બનતું નહીં-હું સુધારામાં તે તેને ગમતું નહીં. મંડળી મળવાથી થતા લાભના નિબંધમાં મેં શાસ્ત્રીઓની ધુળ કહાડી હતી તે ઉપરથી તે ઘણાં નારાજ હતા. એક વખત ચાર લોક દેખતાં સુધારાની વાત નિકળી હતી તેમાં તે બોલ્યા હતા કે ‘એ જ ડાઘ પડયો તે કધી જવાનો નહીં’ મેં કહ્યું કે ‘તમારામાં હમારા દોષ કહાડવાની શકિત નહીં ત્યારે હમારો શો વાંક’- ‘તમે હમારી-સાથે વાત ન કરો ને પછવાડે બબડયાં કરો એ સારી વાત નહીં.’ હમારે સસરા જમાઈને ગમે તેમ હતું તોપણ તે સુરતની નાગરી નાતનું ભૂષણ હતું ને સદર અદાલતમાં ૩00ને પગારે શાસ્ત્રી રૂપે મોટા પ્રતિષ્ઠિત મનાતા હતા. મારી સાસુનો મારા ઉપર બહુ પ્રેમ હતો પણ ઘરમાં ચલણ મારી સાળીઓનું હતું તેથી અને એઓ મારી વહુને મારે વિષે કંઈ આડું સમજાવતી હતી તેથી તેઓને વિષે મારો પણ ઘણો જ હલકો વિચાર હતો. મારી મા તો એ બૈરાં ઉપર વિવાહ મળ્યો ત્યારથઈ જ નારાજ હતી.

૯. વહુ મરી ગયા પછી ઘરમાં હું એકલો પડયો – વસ્તી ગઈ. નિશાળમાં છોકરાઓની મોટી સંખ્યા કાયમ રાખવાની ફિકર બહુ થવા માંડી, ઊંચી પાયરીની જગાને સારૂં મેં ફાંફાં માર્યાં પણ ન મળી તેથીહું ઘણો નાઉમેદ થઈ ગયો. દુનિયાંદારીથી પણ ધરાઈ ગાયના સબબથી હું કંટાળ્યો હતો. એ સઘળાંની સાથે વિદ્વાન દાખલ કોઈ રીતની પ્રસિદ્ધિ મેળવું એ જે મ્હારો અંગ્રેજી શિખતો ત્યારનો જોસ્સો તે પાછો તાજો ઉઠીને ‘ચલચલ મુંબઈ’ એમ ઉસકેર્યા કરતો. – સુરત મને કડવા ધાવા લાગ્યું. મેં કાલેજના પ્રિનસિપાલ હારકનેસને અંગ્રેજીમાં કાગળ લખ્યો કે, વિદ્યાના ઝાડના ફળનો સવાદ મેં ચાખ્યોછ તેનો ગળકો હજી રહી ગયો છે માટે મને નિશાળમાં બે કલ્લાક ગુજરાતી શિખવવાની નોકરી આપવી ને બાકીના વખતમાં હું મારો અંગ્રેજી અભ્યાસ કરૂં. જવાબ કંઈ પાછો વળ્યો નહીંને હું તો બહુ અકળાયો – પછી મુંબઈ જાવના જોસ્સાથી એટલો તો ઊંચકાયલો થયો કે સન ૧૮૫૩ની ૨૯મી અકટોબરે મેં ગ્રેહામને રાજીનામું મોકલ્યું કે ‘કેટલીએક ઘર અડચણને લીધે હાલની મેહેતાજીગીરીની નોકરી તરત છોડી દઈ મારે મુંબાઈ જવું છે વાસતે આ નોટીસ આપી ઉમેદવાર છઊં કે આજથી શિરસ્તા મુજબ મુદ્દત પુરી થતે સાહેબે રજા આપવી.’ એના જવાબમાં આવ્યું કે ‘ત્રણ મહિનાની મુદત માગી ફરીથી રપોટ કરો.’ મેં પાછું લખ્યું કે મારીથી થોભાશે નહીં માટે તાકીદથી રજા આપવી તે ઉપરથી ખેડેથી તા. ૨૭ મી ડિસેમ્બરનો હુકમ આવ્યો કે ‘તમે જે તમારી વાત લખી તે ઉપરથી તમારૂં રાજીનામું કબુલ રાખ્યું છે ને તમે રાંદેરની નિશાળના મેહેતાજીને તમામ ચાર્જ આપજો.’ પછી મેં સને ૧૮૫૪ની ૨ જી જાનેવારીએ નિશાળનો ચાર્જ રાંદેરની નિશાળના મેહેતાજી મારા સ્હાડુ કેશવરામને સોંપી આપીને બીજે દહાડે આગબોટ પર ચડી બેઠો.

૧0. તા. ૧૯મી ફેબ્રુઆરી ૧૮૫૧ અને તા. ૨જી જાનેવારી ૧૮૫૪ એ બેના દરમિયાનમાં મેં કોઈ અંગ્રેજી કે ગુજરાતી ચોપડી વાંચી ન્હોતી; ને એક હાર્કનેસને કાગળ લખ્યો હતો તે સિવાય બીજું કંઈ અંગ્રેજીમાં લખ્યું પણ ન્હોતું. ગુજરાતીમાં પણ ત્રણેક ભાષણ લખેલાં, બીજું કંઈ નહીં. ‘જ્ઞાનસાગર’માં મેં કંઈ જ લખ્યું નથી; તે દોલતરામ લખતા. હું ભાંગ પીતો, પાક ખાતો. (બીજી જાતની કંઈ પણ કેફ કરતો નહીં.) અને બૈરાંઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસો મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો, સુધારાના અને તેને અમલમાં આણવાના વિચાર પછી ખાનગી કે જાહેર તે વખત બિલકુલ ન્હોતા. જાતિભેદ, પુનર્વિવાહ, મૂર્તિપૂજા, અભક્ષ્યાભક્ષ્ય વગેરેનાં સુધારા સંબંધી વિચારોનું મને સપનું પણ નહીં હતું. ઉદ્યોગ કરવો, સંપ રાખવો, ભાષણ કરવા, નિબંધો વાંચવા, ગ્રંથો લખવા અને દેશનું ભલું કરવું એટલું જ હું સુધારા સંબંધી જાણતો.

એ વખતમાં ‘જ્ઞાનસાગર’ના છાપનાર જદુરામ સાથે દોસ્તી બંધઈ હતી. એ કોઈ દાહાડો વાતમાં દોહોરા, ચોપાઈની માત્રા સંબંધી બોલતો, તે હું બેદરકારીથી સાંભળતો. એની સાથે હું ભાદરવા મહિનામાં સાંગી જોવા જતો ને ત્યાં કવિતો મારે કાને પડતાં પણ તે ઉપર મારો લક્ષ નહીં. દોસ્તદારની સાથે ફરવું એ જ કારણ ત્હાં જવાનું.

એ વખતમાં દલપતરામ કવિ સુરતમાં હતા ને આઘેથી હું એને ઓળખતો કે આ દલપતરામ કવિ છે – નહીં જેવાં કંઈક આશ્ચર્યથી તેની તરફ હું જોતો ખરો પણ કોઈ દાહાડો તેની પાસ ગયો નથી – તેનાં ઓળખાણની કંઈ મરજી થયલી જ નહીં. તેઓ કિલ્લા આગળ ‘પરેજગાર મંડળી’ (એ મંડળીની તરફથી પરહેજગાર પત્ર નિકળતું તે ઘણુંખરૂં ભાઈ મહિપતરામ રૂપરામના હાથથી લખાતું.)માં કેફ ન કરવા સંબંધી ગરબી લાવણીઓ વાંચતા પણ હું કોઈ દાહાડો તે સાંભળવા ગયો નથી. એણે જ્યારે ૧૯0૭માં લાઈબ્રેરીમાં હુન્નરખાનું ભાષણ વાંચ્યું હતું ત્યારે હું ત્યાં ગયો હતો, એ ભાષણે મેં દુર ઉભાં રહી કંઈ કંઈ સાંભળેલું ખરૂં, પણ તે સાંભળીને તરત ઘેર આવેલો – દલપતરામને જોવાને ઋભો રહલો નહીં. હું મારી જુવાનીની લ્હેરમાં જ મસ્ત હતો તેથી બીજીતીજી વાત ઉપર મારી નજર થોડી જ ઠરતી.

એ વખતમાંના બે પ્રસંગ દલપતરામ સંબંધી મારા મિત્રોએ મને પછવાડેથી કહેલા તે આ છે. દુર્ગારામ મેહેતાજીયે સુરતની અદાલતના રઘુનાથ શાસ્ત્રી દાંતે આગળ દલપતરામની શીઘ્રશકિતની પ્રશંસા કરેલી તે ઉપરથી એક દિવસ તે શાસ્ત્રીયે એક ચરણ કહ્યું કે, ‘સુરતમાં સુરત કર સુરત કામિની સાથે’ ને પછી તે દુર્ગારામે કાગળ પર લખ્યું પછી દલપતરામે તુરત લખાવ્યું કે ‘પદ પૂર્વાર્ધ લખ્યું છે દુર્ગારામે હાથે.’ શાસ્ત્રી મનમાં સમજ્યા કે જુક્તિવાળા છે પણ શીઘ્ર કવિ નથી. બીજો પ્રસંગ-દુર્ગારામ મેહેતાજીના ઘરની પાસે મહાદેવનું દેહેરૂં છે ત્હાં પૂજા થતી હતી-તાપીશંકર ગંધ્રપે દલપતરામને નાયિકા ભેદ સંબંધી પૂછ્યું હતું પણ તેનો તેને મનમાનતો જવાબ મળ્યો નહોતો. મને સાંભરેછ કે એક વખત દુર્ગારામ મેહેતાજીએ મને કહ્યું છે કે દલપતરામ રાગને ઓળખી શકતા નથી. એક વખત ચૌદશની પુજામાં સહુ તેને હસતા હતા. દલપતરામ રાગને ઓળખી શકતા નથી તે વાત ખરી છે-જારે મેં અમદાવાદ ભાષણ કર્યું હતું ત્યારે જે રાગમાં મેં પદો ન ગાયેલાં તે રાગનાં તેઓએ નામ દીધાં હતાં – જેથી કેટલાક સમજુકો મનમાં હસતા હતા. એ વાત તે વખત હાજુર અને રાગમાં સમજતાઓને જાણીતી હશે જ.

એ જ વરસમાં મનમોહનદાસ રણછોડદાસે પણ કવિતામાં એક ભાષણ કર્યું હતું ત્યાં વળી હું કંઈ ફરતો ફરતો જઈ ચ્હડયો હતો. ભાષણને અંતે વાંચનારને પ્રમુખ માન આપવા જતો હતો એટલામાં દલપતરામ કવિએ વચમાં ભોજા ભગતના ચાબખા ગાઈને લોકનું મન પોતાની તરફ ખેંચી લીધું હતું. પછી મનમોહનદાસને કંઈ શિરસ્તા પ્રમાણેનું સભાની તરફથી માન બાન મળ્યું ન્હોતું. એ વાત મને પેહેલેથી સાંભરેછને રસપ્રવેશમાં એક દોહોરો પણ લખ્યોછ –

શિશુ કવિ ઉગતો જોઈને, તરૂણે ટપલી દીધ;

મનમાં બળિ બહુ ક્રોધથી, કવિતા ખોટી કીધ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.