૨૩ જાહેર વિજ્ઞપ્તિપત્રો, ચર્ચાપત્રો

૧. વિજ્ઞપ્તિ એ (હેંડબિલના આકારમાં) જાહાં જાંહાં નાગરી ન્યાત છે તાંહાં તાંહાં મોકલવામાં આવી હતી. પછી તે તરત જ તા0 ૧૫ મી જાનેવારી ૧૮૬0 ના સત્યપ્રકાશમાં અધિપતીની તરફથી છાપવામાં આવી હતી.

સર્વ નાગરી ન્યાતના ગૃહસ્થ તથા ભિક્ષુક બ્રાહ્મણને વિજ્ઞપ્તિ કરીયે છીયે કે તા. ૬ ના સમશેર બાહાદુર પત્રમાં ભાઈ મહીપતરામ રૂપરામ વિલાત જાય છે, એ બાબતમાં એક કલમ એવી મતલબની છે કે, ‘એને નાગરી ન્યાતે રજા આપી છે એ ?પરથી અહીંના કેટલાએક વાંઢા અને વછીયાત ભિક્ષુકોએ કુલ નાગરી ન્યાત અને શુદ્ધ નાગર તો હમેજ છૈયે એવું અભિમાન ધરાવી એક દસ્તાવેજ ?ભો કીધો છે તેની મતલબ એટલી જ છે કે દેશાવરોના નાગર ભાએડાઓએ રજા આપી છે એ હમને માલમ નથી અને હમે નીચે સહી કરનારે આપી નથી.’ એ લેખ હમને દેખાડવામાં આવ્યો ત્યારે હમે નીચે લખેલાં કારણો બતાવીને કહ્યું કે એ લેખ ઉપર હમે સહી કરી આપવાને ઇચ્છતા નથી.

૧. જે માણસે રજા માગી નથી તેને વિષે રજા આપી નથી એમ જણાવવાનું કંઈ જ પ્રયોજન નથી. ન્યાતે રજા આપી એવું જે સમશેરમાં છપાયું છે તે ભાઈ મહીપતરામે અથવા હમારામાંના કોઈએ છપાવ્યું નથી.

૨. હિંદુસ્તાનની કુલ નાગરી ન્યાતમાં માત્ર મુંબઈના જ વાંઢાવછીઆત નાગરો છે અને બીજા નથી એમ નથી.

૩. અહીંના લોકોનાં વડીલ સગાં વાહાલાં અને નાતીલા દેશાવરોમાં છે અને તેઓના શુભાશુભ કારજો પણ ત્યાંહાં જ થાય છે, કદાપી દસ્તાવેજો બનાવવાના હોય તો તેઓ બનાવે.

૪. અહીં જુદા જુદા ગામના લોકો છે – એ લોકો પોતપોતાના ગામના નાતીલા અને વડીલોની ઉપરાંત થઈને શી રીતે આગળથી પોતાના વિચાર જણાવી શકે?

૫. ભાઈ મહીપતરામ ગુજરાતમાંથી આવ્યા તે ત્યાંહાંના નાગર ભાએડાઓને જાણ કરતા આવ્યા છે.

૬. ભાઈ મહીપતરામ સુરતના છે – સુરતની ન્યાત પ્રથમ શું કરે છે તે જોઈને પછી બીજાઓએ વિચાર કરવો.

૭. ભાઈ મહીપતરામ હજી વીલાત ગયા નથી; – જવાનો વિચાર કરે છે. જે વિચાર કરવાના હોય તે તેઓ જઈને પાછા આવે તારે કરવા.

૮. સમશેરમાં ફરીથી લખાવવું કે ન્યાતે રજા આપ્યાની વાત ખોટી છે પણ તેમ ન કરી હાલની પઠે આટલી ગરબડ કરવાની કંઈ જરૂર નથી.

૯. અહીંની ન્યાતના ચાર મતીઆઓએ કેટલાકને ફોસલાવી ફસાવીને અને કેટલાકને પુછ્યાવનાજ કામ કીધું તે જ્ઞાતે કામ કીધું એમ કેહેવાય નહીં.

૧0. ભાઈ મહીપતરામ રૂપરામ સુરતના નાગર ગૃહસ્થ છે. તેને વિષે અહીંના ભિક્ષુકોએ બંદોબસ્ત કરવાની જરૂર નહીં.

હમારા જવાબથી નાખુશ થયાથી એ હમે હમારા અહીંના કેટલાએક વગર સમાજના ન્યાતીલાઓના વિચારને મળતા ન આવ્યા તેથી અને માત્ર તેથી જ હવે તેઓ હમારાથી જુદા પડવાની જુક્તિઓ શોધે છે, એ અઘટિત છે. એમ કરવાને એમનો અધિકાર નથી એવી રીત તો નાગરી ન્યાતમાં નથી જ. નીચ વર્ણોમાં છે. એ એઓનો દસ્તાવેજ થોડા દિવસમાં ગુજરાતમાં જઈ પોહોંચશે એવું સંભળાય છે માટે સર્વ મંડળીએ ઘટતો નિષ્પક્ષપાત વિચાર કરવો.

એ પ્રકરણ સંબંધી જે અઘટિત ચાલ અહીંના કેટલાએક દોહોડડાહ્યાઓએ ચલાવી છે, તે સઘળું પછવાડેથી જણાવીશું.

હમારી અલ્પબુદ્ધિ પ્રમાણે હમે વાસ્તવિક કહિયે છૈયે કે એ વાત વધી ગયાથી નાગરી ન્યાત ચંુથાઈ જશે. જુદાં જુદાં તડો પડશે, ઢાંકી વાત ઉઘાડી થશે, કજીઆ કંકાસ ઘર ઘાલસે અને જેમ તેમ કરી લોકો ઠેકાણે આવતા જાય છે તે નઠારી વૃત્તિમાં પડશે અને ઉદ્ધત ટંટાના ?પજાવનારાઓની બેવકુફી બાહાર પડયાથી તેઓ મોટી મુસીબતમાં આવી પડશે. માટે આવો ઘોળ ઘાલવાની કશી જરૂર નથી.

લા. તમારા આજ્ઞાંકિત

દવે લાલશંકર પુરુષોત્તમ-સુરતના.

પંડયા માણેકરામ કૃષ્ણારામ-સુરતના.

જાની ઝવેરીલાલ ઉમીયાશંકર-નડિયાદના.

દવે નર્મદાશંકર લાલશંકર – સુરતના.

ત્રવાડી કેશવરામ ધીરજરામ-સુરતના.

પંડયા પરભુરામ નવલરામ-સુરતના.

શુગ્લ વિજયાશંકર ભીમાનંદ-સુરતના.

(૨)

ચરચાપત્ર તા. ૩ સપટેમ્બર ૧૮૬0 ના સત્યપ્રકાશમાં છપાવ્યું હતું.

સત્યપ્રકાશના અધિપતિ જોગ,

આ નીચેના કાગળનો જવાબ મને હજી લગી મળ્યો નથી. એ ઉપરથી મહારાજની સંસ્કૃત વિદ્વત્તા વિશે લોકોએ સમજી લેવું. બીજું એ મહારાજને ગુજરાતી લખતાં વાંચતા પણ સારું આવડતું નથી અને એટલાસારું ગુજરાતીમાં વાદ કરવાને તેઓ બીહીતા હશે.

‘જદુનાથજી મહારાજને માલમ થાય જે, તા. ૨૧ મી આગસ્ટે જે સભા થઈ તેહેમાં, શાસ્ત્ર ઈશ્વરકૃત છે કે નહીં, એ વિશે વાત નિકળી હતી. શાસ્ત્ર ઈશ્વરકૃત છે એ વાત જો હમે કબુલ કરીએ તો જ તમે પુનર્વિવાહ વિશે વાદ કરો પણ સદ્બુદ્ધિબળે તો કરો જ નહીં, એ પ્રમાણે તમે વિચાર જણાવ્યા. હું તે જ વેળા તે જ વાત ચલાવત પણ ત્રણ વાગ્યાથી તે પોણા આઠ વાગતાંસુધી બેઠેલા એટલે એ વાત મુલતવી રાખી. માહારા વિચારમાં એમજ હતું કે પ્રથમ એ વાત નક્કી કરીને પછી પુનર્વિવાહ વિષે વાત ચલાવવી, પરંતુ સત્યપ્રકાશના અધિપતિ, શાસ્ત્ર ઈશ્વરકૃત છે કે નહીં એ તકરાર આડી છે, એમ સમજીને પુનર્વિવાહસંબંધી તકરાર કરવાને તઈઆર થયા તેથી શાસ્ત્ર ઈશ્વરકૃત છે કે નહીં એ બાબત અને તમારા મારગસંબંધી મારે જે જે વાદ તમારી સાથે કરવાના છે તે બાબત બોલવું હાલ મુલતબી રાખી છઊં.’

‘તમે વારેવાર ઘણા લોકોને મોહોડે કોહો છો કે નર્મદાશંકરને સંસ્કૃત આવડતું નથી; અને એવા અજ્ઞાનીની સાથે શું વાદ કરવો. જે વાત અધુરી જાણ્યા છતાં પુરી જાણું છઊં એમ જણાવી મૂરખમાં પંડિત કેહેવડાવું એ વિવેક મને તો આવડતો નથી. તમને આવડતો હશે. એટલા ઉપરથી મેં કહ્યું કે હું સંસ્કૃત જાણતો નથી. કદાપિ સંસ્કૃત ભાષામાં ભાષણ ન કરાયું તો શું તે ઉપરથી એમ જાણવું કે સંસ્કૃત વિષયજ જાણ્યામાં નથી? સભામાં જે જે મેં જવાબો આપ્યા છે તે શાસ્ત્રયુક્ત નથી એમ કોણ કહેશે? જે જે જવાબો મેં આપ્યા હતા તે તે તમારા આશ્રિત શાસ્ત્રી વગેરે સહુ માન્ય કરતા હતા. એ ઉપરથી શાસ્ત્ર વિશે શું મારું અજ્ઞાન તમને ભાસ્યું કે તમે એમ બોલો છો. હું તો કહું છું કે મને સંસ્કૃત બોલવાનો માહાવરો નથી પણ એ ઉપરથી તમે તમારા આશ્રિત શાસ્ત્રીઓની અને સાથે બેસનારા મહારાજોની ઊંફે ફાવીજવાનું કરો છો તે બાબત હું પુછું છું કે –

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.