સંવત ૧૯૩૭ : સન ૧૮૮૧

માગશર સુદ પાંચમ-અમુક સંખ્યા જપે અમુક સિદ્ધિ, એ વિષે વાત ચાલતાં શ્વાસની ગણના ઉપર ઉતર્યા. દહાડો રાત મળીને ૨૧,૬00 શાસ્ત્રમાં ગણ્યા છે. એટલે ૧ મિનિટે ૧૫). કપૂરચંદમાં સ્વરોદયમાં-

એક મુહૂર્ત પા દીનર, સ્વરમેં શ્વાસ વિચાર;

સૈનિક અધિક અસ સાતસો, ચાલત તીન હજાર.

બે ઘડી-૪૮ મિનિટમાં ૩૭૭૩ ને સો વર્ષનું પ્રમાણ તો તેમાં ૪,0૭,૪૮,૪0,000 એટલા એટલે ૧ મિનિટમાં ૭૮.૬0૪૧ આવે છે. એ જોતાં ને છાતીના ધબકારાનું પ્રમાણ અંગ્રેજી રીતે ૭૨ છે તો જૈન સ્વરોદયની ગણના છાતીના ધબકારાની હશે, શ્વાસોચ્છવાસની નહિ. શરીરમાં નાડી કેટલી, હાડકાં કેટલાં વિગેરે શિવગીતામાં જોવામાં આવ્યું, તો તેને અંગ્રેજી ગણતરી મેળવવી જોઈએ.

માગસર શુદ ૧0-નાથુશંકરે કહ્યું કે, ભાસ્કરાચાર્યે શિવદત્ત ગુરૂનું સ્તોત્ર કીધું છે ને લલિતાભાષ્ય કીધું છે.

પોષ શુદ ૫-

ય:સંધ્યાકાલત: પ્રાપ્ત: ત્યજેત્કર્મ ચતુષ્ટયમ્ |

આહારં મૈથુનં નિદ્રાં સ્વાધ્યાયં ચ ચતુર્થકમ્ ||

પોષ શુદ ૧૨-મહાકાલાય નમ:, મહાકાલ્યૈ નમ:, ઉત્તરાયણસંક્રમણયોગિન્યૈ નમ:, એમ ત્રણ અર્થ આપ્યા. ચંડીપાઠમાંથી સ્તુતિનાં કવચ વાંચ્યાં, સંક્રમણશકિતની પ્રાર્થના કીધી, જપ ઇચ્છ્યો, પોતાના સંબંધીજનનો ને દેશી જન સમસ્તનો. દેવી ગીતાનો પાઠ કીધો-પ્રારબ્ધ થયા કરે છે, માટે કશીએ ચિંતા ન કરતાં ઇષ્ટ દેવીને જ કર્મ સમર્પણ કરવાં. યથેચ્છ વરત, અધીર થઈ સ્વધર્મ ભ્રષ્ટ થઈ અશુભ કર્મ ન કર, પણ ધૈર્ય ધરી, સ્વધર્મે રહી સદુદ્યોગ કર્યા કર. નિવૃત્તિપ્રવૃત્તિ તો બ્રહ્મજ્ઞાન વિષયમાં ખરૂં જ્ઞાન; બુદ્ધિયે કેવળ નિ:સંદેહ નથી, તો પણ શિષ્ટના શબ્દ પ્રમાણે આજ્ઞાએ પૂર્ણ વિશ્વાસ રાખું છું, ને વિચાર કરૂં છું. માયાના અદ્ભુત કાર્ય વિષે પ્રત્યક્ષ પ્રતીતિ નથી પણ ભક્તિ વધે છે-ઇષ્ટ દેવતા ભણી. આ તો તારી પ્રતીતિ જ છે કે સુખદુ:ખ અનિત્ય છે. મારા સંસાર ભણી જોઉં છું તો હું બહુ દુ:ખી છું, ?ણસિંધુમાં નિમગ્ન છું, નિત્ય જ સાંકડમાં છું. ભાવીનો તો શો વિચાર! મારે માટે કેટલા જીવ દુ:ખી? સ્ત્રીઓનો વિયોગ, તેઓનાં સ્વાચરણ, તેઓની સ્થિતિ, શરીર મન વ્યવહાર પરત્વે કોઈની ઇચ્છાનો લેશ પાર પડે નહિ, કેવી જાળ! પણ નિત્યાનિત્યને વિચારે તે દુ:ખ પણ સહન કરવું જોઈએ, એ ન્યાયે જાળની સ્પૃહા રાખતો નથી. જ્ઞાનધર્મના વિચારમાં નિમગ્ન રહું છું ને બીજાને માટે તઓનું ભાગ્ય સમજુ છું. પ્રયત્ન કરતાં પણ ન ફવાય તેવો કાળ આવે છે જ. રાજા થવાનું કે મોટા વિદ્વાન થવાનું કોડ નહોતું, પણ સામાન્ય પક્ષનું માન, કુટુંબમાં અનુકૂલ સ્ત્રીનું સુખ, અને સાધારણ ઉંચી સ્થિતિને જેટલું જોઈએ તેટલું દ્રવ્ય ઇચ્છતો. દુ:ખની નિવૃત્તિને અર્થે કીધેલું ભોગવવું જ એ ખરી તથા ડાહી સમજ, અને ઇષ્ટ દેવતા ઉપર આસ્થા એ જ આગળ જતા, આ જન્મે કે બીજે જન્મે ખરૂં સુખ ને શુદ્ધ જ્ઞાનને અર્થે રૂડી બુદ્ધિ આપશે. ઓમ્ નમ: સરસ્વત્યૈ નમ: વ્રત ભૂખ્યા રહી કરવું. એથી ચિત્ત સ્થિર રહે છે વ્રતદેવ ઉપર. દેહકષ્ટને લેખવવું નહિ. સિદ્ધિવિષય સાધ્ય થાય તો ચૈતન્ય વિષે સારી પ્રતીતિ થાય. એક માળા ગાયત્રી જપે, ઓમ્ શ્રી સાંબશિવાય નમ:, એ મંત્રે ૧૧ માળા ને ૧ માળા ઓમ્ શ્રી મહાસરસ્વત્યૈ નમ: એ મંત્રે, માળા જપતાં બીજા વિચાર ઓછા હતા. વૈખરીએ ઈષ્ટની કલ્પેલી મૂર્તિ અદર્શ થઈ જતી, માનસિક જપ વેળાએ કોનો જપ કરૂં છું, તે વિસ્મરણ થતું. રૂપમૂર્તિ કે ગુણમૂર્તિ કે તત્ત્વનું ધ્યાન કરવું, એ વિષે નિશ્ચય કરવાનો છે. મારૂં વલણ તત્ત્વ તથા ગુણમૂર્તિ ભણી છે. આજનો દિવસ નિરર્થક નથી ગયો.

પણ આ પ્રમાણે નોંધ શા માટે રાખવી? શું વિશેષ છે? એક રીતે કંઈ પ્રયોજન નથી. બીજી રીતે સયુક્તિક છે, કે સાર શિક્ષણીય થશે, અમુક સંકલ્પને દૃઢ કરશે. ત્રીજી રીતે બીજાને બોધ મળશે, નોંધને માટે અવશ્ય કાળજી ન રાખવી.

પોષ શુદ-૧૫-મામાદેવીનાં દર્શન કરી આવ્યો. ભગવદ્ગીતા તથા દેવી ભાગવતમાંથી ત્રણ ગુણ વિષે વાંચ્યું. બીજ શકિત કીલક એના દાખલા આ પ્રમાણે : –

૧. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે.

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ.

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:

૨ ઓમ્ તત્ સત્-

ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોન: પ્રચોદયાત્.

શ્રુતિ સ્મૃતિના સિદ્ધાંત ઉપર વિશ્વાસ બેઠો છે, પણ હજી મોક્ષની ઇચ્છા નથી. દૈવી ચમત્કારનો અનુભવ થાઓ એવો લોભ છે. પૂર્વે મલિન સત્વ ને રજો તમો દેખાયા પ્રકૃતિમાં હાલ સત્વની વૃદ્ધિ છે. રજો તમોમાં ઘટાડો છે. ચિત્ત પ્રસન્ન છે પણ(?) ઉપાધિથી સમય સમયની તાણમાં અધીર થઈ જવાય છે. પણ વળી સત્ત્વ, નીતિ, અભિમાનરહિતપણું દાખવી ભક્તિને દૃઢ કરે છે. કોઈ કોઈ વાર અન્યાયી અપવિત્ર દુષ્ટને દંડ થયેલો જોવાની ઇચ્છા થાય છે, જે વેળાએ શાપ પણ દેવાઈ જાય છે, પણ જ્ઞાન તો સૂચવે છે કે ક્ષમા રાખ, તું જ નિમિત્ત છે તો તારૂં ભાગ્ય કે તેવાના સંબંધમાં આવ્યો. કરશે તે ભોગવશે ઇત્યાદિ.

પોષ શુદ ૧૪-દેવી પાસે નિત્ય જાચવું એ મૂર્ખાઈ છે. તે સંધુ જાણે છે જ. નિષ્કામ ભક્તિ કરવી એ જ સિદ્ધાંત; પછી સમયે કામ્ય નૈમિત્તિક ભલે થાઓ. દેવી! તારો પ્રભાવ દાખવ-કંઈ લખાતું નથી-નમન કરૂં છું માતા! મહાલક્ષ્મીનાં દર્શન કીધાં. તળાવે બેસી સ્તોત્ર ભણ્યાં ને પછી પાછો ફર્યો. હું કુદરતી શકિતને માનતો, પણ અમણાં જ્ઞાન કરતાં પ્રવૃત્તિ નિવૃત્તિનો આધાર જગતની નિર્ગુણસગુણ શકિત દેવીને માનું છું-તારો કરી થાપ, સુબુદ્ધિ આપ, નીતિવંત સંબંધીજનના સહવાસસુખમાં જોઈએ તેટલી લક્ષ્મી આપ. તું પૂર્ણ જયશ્રીવાળી છે. દેવી! પૂર્વકાળમાં મહાપુરૂષ જે દુ:ખ પામતા, તેને ભાવી કહેવાને ઋષિઓ આવતા. મારી અકળામણમાં તું પરોક્ષે સહાય કરે છે એમ હું માનું છું, પણ હવે કેમ? અંબે! દિગ્મૂઢ છું.

પોષ વદ-૧૪-જપ કરતાં ભીતરમાં વિચાર આવે છે. એ ન આવે તો સારૂં, પૂર્વના પાપથી અખંડ જપ થતો નથી. પ્રપંચની ઉપાધિ, દુર્જનનો સંબંધ, એના ઉપદ્રવમાં ધીરજ રાખતાં શીખું છું. રાગદ્વેષને ઓછાં કરવાં, શાંતિ સમાધાનીમાં પણ રાખવાં, ઇષ્ટ દેવી ઉપર આસ્થા વધારતાં શીખું છું.

પોષ વદ 0)) કાળચક્ર બદલાયે દેશમાં પરધર્મ કે સ્વધર્મ પ્રધાન થશે? સંસાર મિથ્યા છે એ જ્ઞાન બહુ સતેજ નહિ થાય એટલે પારકું ભળશે. શરીરથી જૂદો છે આત્મા, જીવની ગતિ-મરણ પછી, એ ઉપર આસ્થા થશે ખરી. શુદ્ધ કાળની સંધિમાં છૈયે, દયાનંદ શ્રાદ્ધ નથી માનતો તેટલો તે જૈન મતનો છે. દેવાદિ યોનિ નથી માનતો એટલે બૌદ્ધજૈન પણ નથી, એકેશ્વરને માનતો પદાર્થવાદી બૌદ્ધ છે. સ્વધર્મે જ જય થશે, પરધર્મે નષ્ટ.

મહા વદ ૧૩-સુરતમાં-અશ્વિનિકુમાર જઈ આવી પ્રદોષ સમયે સાંબસ્મરણ કીધું. રાતે અગિયાર વાગ્યા પછી પ્રલયરૂપ જગતમાં પ્રથમ જે તેજોમય જ્ઞાનપ્રકાશ પ્રકટયો તેનો જપ કીધો. ઓમ્ તેજલિઙ્ગાય નમ:, ઓમ્ મહાકાલાય નમ:, ઓમ્ શ્રી સાંબશિવાય નમ:, એકેક માળા.

ફાગણ સુદ૭-બ્રહ્મકવચ ભણી મંત્રેલું પાણી બે આચમની સ0ને આપી; તેણે કહ્યું-ડાક્ટરના ઘરનું છે? ના, જે કુદરતી શકિતને માનો છો, તેને આરાધી આ પાણી આપું છું. તેણે પીધું. પછી ત્યાંથી આવી સ્તુતિઓ મેં વાંચી હતી.

ફાગણ શુદ ૧૨-મુકુંદરાયના વિવેક સિંધુમાંથી કેટલુંક વાંચ્યું.

ફાગણ શુદ ૧૩-ધર્મકર્મમાં સ0ના વિચાર શા માટે આવે છે? તેને સંમોહ થયો છે એમ તું કેટલાક કારણથી કહે છે. પણ એમ જાણવું. એ તારો મોહ કેમ નહિ? હવે તારો તેનાપર સ્નેહ નથી, તેથી તારો અર્થ નથી. પતિતના સહવાસમાં રહેવું ઠીક નહિ, એમ તું જાણે છે. પીહેરની ઉફમાં જાય, જ્ઞાતમાં જાય, તેમાં તું રાજી છે એટલું છતે તેને સ્વધર્મશીલ થવાનો બોધ આપે છે. એ તારો પ્રકૃતિ પરીક્ષા કરવાનો અભિમાન મોહ નથી? પિશાણચી હોય કે દેવી હોય, એ શંકા. તેણે હાટકેશ્વરના ઓચ્છવને દહાડે કે વૈશાખ શુદ ૩ જે બંગડી પહેરવી છે. એક વ્યવસ્થા થાય. નહિ તો મોહમાં શું કરવા રીબાવું? જપાદિ કર્મ કીધું, પછી વળી હે દેવી! હવે તારો પરતો દેખાડ, કાંતો સ0નો સંબંધ કરાવ કે છોડવ કાં તો ?ણમાંથી છોડવ કે છેક નઠારી સ્થિતિમાં આણ,. પણ વહેલી થા. હું પાપી છું, નિર્બળ છું, પવિત્ર કર સબલમ્.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.