૧૦ નાનાભાઈ રૂસ્તમજી રાણીનાને

(૧)

સુરત આમલીરાન તા. ૧૨ મી અકટોબર ૧૮૬૯

પ્રિય ભાઈ

તારો પત્ર આવ્યો છે, એમ ન જાણીશ કે હું બેદરકાર છઉં. હું પણ હમેશની કાળજીથી વખતે વખતે તાવથી સપડાઉં છઉં. હજી ચોપડી ખાતાના રૂ. ૨૮0) કાઠિયાવાડથી આવ્યા નથી-બ્યૂલર પાસે તાકીદ કરાવ્યા છતાં બિજા રૂ. ૫00 ત્યાંથી મારી બીજી ચોપડીઓના આવનાર છે. એક પાસથી ઘર ખરચના સવાસો જોઈયે ને વેચવાની નાની ચોપડીઓ મળે નહીં. તને ભરવાની મોટી કાળજી તેમ અહીંનાને ભરવાની પણ. વળી અહીં કરજ વધારવાની જરૂરિયાત. હવે હું કેમ ન ગભરાઉં? ઉઠુંછ ત્યારથી તે સુતા સુધીમાં ઓછામાં ઓછી ૧0 વાર દોઢિયાં એમ નિશ્વાસથી બોલાઈ જવાય છે. ખરેખર હું દ્રવ્યને તુચ્છ ગણતો આવ્યો છઉં ને હજીએ મનેથી તેમજ ગણું છઉં પણ મિત્રના વિશ્વાસ ઉપર સાહસ થયેથી જારે ભીડ આવી તારે દ્રવ્ય જરૂરનું લાગે છે. હું હમેશ સહાય કરનારો તે હાલ સહાયપાત્ર થયો છઉં ને સહાય મળતી નથી-હોય! રતના ફેરફાર હોય છે તેમ આ દિવસ પણ જશે. ફાં ફાં માર્યો જાઉં છું-આશા રાખ્યો જાઉં છું-પણ થવાનું હશે તે થશે એમ મનમાં નક્કી સમજું છઉં. સાહસથી થયેલી હાનિનો બદલો વાળવાનો સાહસ જ કરવું જોઈયે, પછી આમ કે તેમ, એ વિચાર પ્રમાણે વર્તવું મેં ધાર્યં છે-નાનાં ચોપડાં તૈયાર કરી છપાવવાં. વાલ્ટર સ્કોટે પોતાના લ્હેણદારોને કહ્યું હતું કે સબુરી રાખો તેમ મારે કહેવું પડે છે. ભાઈ જટેલા ભરાર્યાં છે તેની ક્યાં આશા હતી?! ‘નવાણું તો ભર્યા સો’ એમ કરી રહેલી ચોપડીઓ બંધાવી મારે હવાલે કરે તો પછી હું ૮-૭-૬-૫-૪ ને નિદાન ત્રણે પણ વેચી તને નાણું ભરૂં-એ ઉપાય કરવો રહ્યો. પણ બંધાવાનું તારા હાથમાં છે. ડૈરેક્ટરો કોશ છપાઈ રહે મદદ આપવાનો વિચાર કરીશું એમ લખ્યું છે. હું નવેંબર આખરે તારી પાસ આવીશ ને આશા તો રાખું છઉં કે થોડુંક લેતો આવીશ. ભાઈ તું ગભરાઈને તારી પ્રકૃતિમાં બગાડો કરે છે એ સારી વાત તો નથી. દુખમાં તો પથ્થર જેવી છાતી રાખી વર્તવું, પણ ડાહી સાસરે ન જાય ને ઘેલીને શિખામણ દે તેવું થાય છે! ઈશ્વર તને તન્દુરસ્તી બક્ષે.

તારો સાચો આનંદ.

(૨)

તા. ૬ ઠી જુલાઈ ૧૮૭0

પ્યારા નાનાભાઈ,

બનાવો (માની લીધેલા સાચા ને માઠા) બને છે ખૂબી ને ખોડ કુદરતમાં નથી જ-દુનિયાદારીમાં છે. આફરીન છે કુદરતને કે મોટો ફિલસૂફ ને મોટો તપેસરી પોતાની ઊંચી અક્કલથી અને મન મારવાના મ્હાવરાથી ગમે તેટલો દાબ રાખે, પણ કુદરત આગળ તે હારી જાય છે. દુનિયાદારી-અક્કલ તથા મ્હાવરો એને પણ જસ છે કે જો કે આખરે તો કુદરતને જ તાબે થાય છે, તો પણ તે થોડી ઘણી મુદ્દત સુધી પોતાનું જોર કુદરતની ઉપર છે એમ દેખડાવે છે.

ભાઈ, ન. ક., નું થોથું નીકળ્યાને ૩ વર્ષ થયાં. હજી પૂરેપૂરૂં બિલ મારાથી ચુકવાયું નથી – બહુ જ બળી બળી જાઉં છઉં. સમો બારીક જોવામાં આવે છે.

એક દિવસ હું ભાઈ માણેકજી બરજોરજીને ઘેર ગયો હતો, ને વાતમાં તેણે કહ્યું કે, ‘યુનિયન ને સમાચાર જોડાયા પછી જેટલું ન.ક. નું કામ ચાલ્યું તેટલાં કામ સંબંધી મારૂં ને નાનાભાઈનું તમારી ઉપર જે માગણું નીકળે તેમાંથી હું મારી પોતીનું તો ચૂકવી દેવાને ઇચ્છું છું – જ્યારે આટલાં વરસ થયાં ને નિવેડો નથી આવતો ત્યારે ઠાલો ગુંચાડો શું કરવા રેવા દેવો જોઈએ, માટે નાનાભાઈને કહીને ન. ક. નું જેમ તેમ માંડી વાળો તો સારૂં.’ એ વાત હું તને કહેનાર હતો પણ જોગ ન આવ્યો. હવે એ સંબંધી તારો શો વિચાર છે? બે પ્રેસ જોડાયા પછી કેટલું કામ થયું છે ને માણેકજી કેટલાના હકદાર છે એ જો તું મને જણાવે તો તેટલી રકમને સારૂં હું ને માણેકજી ખાનગી સમજીએ, ને બાકી રહેલો યુનિયનનો અવેજ હું વ્યાજે આણીને અથવા ચોપડીઓ સસ્તે કહાડીને તને પૂરો કરી આપું – પણ પ્રથમ માણેકજીનો આંકડો મારે જાણવો જરૂર છે.

તને મેં ક્યૂરેટર ઉપરનું રૂ. ૧૪0 નું બિલ મોકલ્યું છે, તેનાં નાણાં તને પોતાં કે નહીં તે જણાવજે. જે પાંચસે ચોપડીયો તારે ત્યાં રહી છે, તેને પોણા પોણાનું પૂઠું બંધાવવાને સારૂં પોણી ચારસે જોઈએ તે હું તને બંધાઈનું બિલ ચૂકવતી વેળા ગમે ત્યાંથી પણ આણી મોકલાવીશ. થોડીએક કાઠીયાવાડથી આવનાર છે, ને થોડીએક કોઈના લેઈશ. ચોપડીયો બંધાતાં ઓછામાં ઓછો મહિનો દોઢ તો થશે જ; ને એની અંદર તો હું તને કકડે કકડે મોકલતો જઈશ. માટે બંધાવવા આપજે.

ભાઈ, કોઈ પણ રીતે હવે ત્રણેક મહિનામાં થાથાનું શેવટ આણી આપ, બારીક વખત જોઉ ગભરાઉ છઉં. પ્રેસના બિલનો નિકાલ કર. વળી… માણેકજીનું મારૂં ખાનગી ખાતું રહ્યું તો ચિંતા નહીં. આનો જવાબ આપજે.

લી. વખત જોઈ ગભરાતો નર્મદ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.