તા. ૧૭મી રવિવાર

ડા0 ત્રણેમાં બંધન છે માટે હું નક્કી કરી શકતી નથી.

ન0 બંધન તો સંસારમાં સર્વત્ર છે, હું પણ અમણા બહુ બહુ રીતે નાગપાશના બંધનમાં છું. જેનું મોત જોઉં તેવાની પણ સેવા કરવી પડે છે; માટે એક વાતનો નિશ્ચય તો તારે કહીજ દેવો જોઈએ. મારાં જેવાં કઠિણ બંધન તારાં નથી જ. તારાં મનમાં શું છે તે હું જાણું છું.

ડા0 તમે તો સેવાને સમરથ છો; મારૂં ગજું નથી.

ન0 જેને તું તારૂં મોટેરૂં માને તેનું માન કે તેવાની સલાહ લે.

ડા0 તમારા વિના મારે કોઈ બીજું નથી.

ન0 ત્યારે તારે મારૂં માનવું જોઈએ, હવે કંઈ તારે બોલવું છે?

ડા0 ના.

ન0 તારે તું મારાં લખેલાનો જવાબ તારે હાથ આવો લખી આપ.

ડા0 તમે તો મારા હાથ મચકાટ લો છો માટે હું લખીને તો નહિ આપું.

ન0 તેં મારી આજ્ઞા તોડી.

ડા0 ક્ષમા કરવાને આપ યોગ્ય છો.

ન0 ત્યારે લખી આપ જે ઇચ્છામાં આવે તે. જેટલો વખત જાશે તેમાં તારો ને મારો લાભ થતો અટકશે.

ડા0 લખી આપે વધારે શું છે? આપ સવાલ કરવાને મુખત્યાર છો. મારાથી સહન થાશે ત્યાં સુધી કરીશ.

ન0 ને નહિ સહન થાય તો?

ડા0 પછી તો પ્રભુ જેમ પ્રેરણા કરશે તેમ.

‘તેં મને લખી આપ્યું નહિ એ ઠીક ન કીધું તેમ હું તે વાતનો આગ્રહ પણ નથી કરતો. તું મારા ખુંદ્યા ખમવાને હમેંશને માટે કબૂલ કરે છે પણ વળી ભયથી પણ વળી શુદ્ધભાવે તારાથી લખાવવું’….

(એક પ્રસંગે એવું પણ ભાષણ કે ભાઠેલી ગંગાએ તમને સમજાવેલા ને તેને ને મારે દુશ્મનાઈ છે, તેથી તમે આમ કરો છો ને તેણે જ કાગળ લખાવ્યા હશે. મારા તે દુશ્મનોને હસાવ્યા. મેતાજીએ તુલજાગવરીને કહ્યું કે બારણું વાસજો. એ જણાવે છે કે ……….ન.)

તા0 ૧૭ મી એ ડા. ને મુંબઈ આવ્યાને ચૌદ દહાડા પુરા થયા.

તા0-૧૮ સોમ, મદ્રાસ ૮ વાગે.

ન0-જે કંઈ સાથે લાવ્યાં હોય તે દેખાડી દો. એટલે જાણું કે હવે તારો કોઈ વાતે મારાથી પડદો નથી.

ડા0એ પ્રથમ કહ્યું કે સાંજે દેખાડીશ. મેં કહ્યું-પંદર દહાડા હું બોલ્યો નહિ. મેં કહ્યું-બેલીફ પાસે કાચી ટાંચ જેવું કરી હું મંગાવીશ. હજી સમજ. ઘરનાની પાસે મગાવીશ નહિ તો પડોશી પાસે ગાંસડી છોડાવીશ, પણ તું તારી મેળે સમજીને સ્વાધીન કરી દે-તારે કહે કે સાડે સાઠ વાગે બતાવીશ, પછી વળી કહે કે તમારે ઝાડેબડે જવું છે? મેં કહ્યું એમ કર્યા કરી વાતમાં ન પડ-તારો પુછવાનો હેતુ કે હું જાઉં તો ગાંસડીમાંથી કંઈ સંતાડવા જેવું હોય તે તું સંતાડે.

સુ0એ પૂછ્યુ મને ડા0 આજ સોમવાર કરશે-મેં કહ્યું ના.

તેણે હવે લાચારીથી ગાંસડી તથા પેટી આપી ને એક કોથળી ને એક પ્યાલી, વાડકો, સુડી.

૧. કોથળીમાં સોપારીના બેત્રણ ટુકડા, જાયફળ અરધું, કાથાના કકડા ત્રણ, થોડાંક લવેંગ ને ચીનીકબાલા, બે ત્રણ નાના કડકા તજ (કોથળી પાછી આપી દીધી છે.)

૧ પ્યાલી તેમાં કાગળમાં દાંતનું ઓસડ તેના કહેવા પ્રમાણે છે-એ ઓસડ મેહેતાજીનું બનાવેલું કોગળા કરવાનું છે. ત્રણ વર્ષ થયાં વાપરે છે.

૧ પેટી લોઢાની ખાનાવાળી.

૧ પાકેટમાં.

૧ ચીનાઈ લોઢાંની પેટી તંબાકુ ભરેલી (મુંબઈમાં મગાવેલો એ આનેનો તેની) એ પેટી પાછી આપી દીધી છે.

૧ પોટલું – બહુ મઝેના સોપારીના ચાલીસેક ફાડચાંની ને સુરતી તંબાકુનું પડીકું એક. એ બે વનાં પાછા આપી દીધાં છે.

૧ બીજી કોથળી વગેર સેકેલી સોપારીના થોડાક ફાડચાંની. આપી દીધી છે.

૧ પોટલું ભાંગનું (ઉપર આતમારામને પહોંચે એવું લખેલું) આસરે શેર ૧ સુરતી, તરત ખાવામાં લેવાય તેવી.

૧. એક ચીનાઈ લોઢાંનો દાબડો ભાંગની મેળવણીવાળાં ચકતાંના કકડાનો (મેળવણીમાં ખાંડની ચાસણીમાં નાખેલી ભાંગ મસાલા સાથેની) આસરે શેર 0||| સુરતી

૧. એ જ વસ્તુ પાંતરામાં ઘાલી ટોપલીમાં રાખેલી આસરે શેર0|= સુરતી.

૧. કાથાનું એક પડીકું.

હવે પેટીમાં.

૧. કમરખીના વાટુવામાં ૧ પાવલી, ૧ બેઆની ને છ પઈ

૧. એક ખાનામાં કાગળો બેત્રણ મારા મોકલેલા ને બેત્રણ ડા0એ અહીં મોકલવાને કરેલા ખરડાના અને એક ઓસડની યાદી. ગરમી ફુટી નિકળેલી તે વારે કોઈની લખાવેલી.

૧. એક ખાનામાં કાગળીઆ.

૧. મથુરાદાસને ત્યાંથી લીધેલી સાડી બે નં. રૂપીઆ ૩|| ના.

૨. તા. ૮ મી આગસ્ટનો સ0 એ ડા0 ને લખેલો કાગળ તથા તેની નકલ ડા0એ કરેલી તે. (અસલ કાગળ ડા0એ વહેલો વહેલો ઉપાડી લઈ પોતાની પાસે રાખ્યો છે-ને તે મેં પાછો લેઈ અસલ ને નકલ બરોબર મેળવી જોઈ અસલ ડા0ને પાછો સોંપી દીધો છે.)

૧. ખોટા મોતીની બંગડીની જોડ ૧

૧. સુનાનો તાર વાલ ત્રણેકનો

ભાંગનું પોટલું, પાકના બે દાબડા, દાંતના ઓસડનું પડીકું, સ0ના કાગળની નકલ એટલાં વાનાં સુભદ્રાના હવાલામાં રાખવા આપ્યાં છે. ટોપલીના પાકમાંથી થોડોક, પાંચેક કકડા, એક નવા દાબડામાં ડા0ને વાપરવા આપ્યો છે. ને બાકીનો ગટરમાં નખાવી દીધો. એ વેળા ડા0એ કલ્પાંત કીધું ને તે ઉપરથી વાપરવા આપેલા દાબડો મેં પણ પાછો લઈ લીધો.

બહુ જ બબડાટ-કે હું તો અહીં નથી રહેવાની, હું તો સૂરત જઈશ, હું કંઈ અધીન રહેવાની નથી, ચોપડામાં લખ્યું તે ઉપર હડતાલ ફેરવો.

પછી હું તો મારે જમીને નોકરી પર ગયો.

આવ્યા પછી પૂછ્યું તો પ્રકૃતિ શાંતિમાં હતી, મુખ ઉતરી ગયલું નહિ પણ અકળામણના શ્રમ જેવું હોય તેવું અને રોજ સાંજે નિશાવાળું જોવામાં આવતું તેવું નહિ. મેં કહ્યું પેટીમાંથી કકડો કાઢી આપું; તે ધીમેધીમે ઓછું કરાવવું એ મતલબથી મેં રાખ્યું છે બાકી તો બધુએ ગટરમાં નાખી દેત ત્યારે તે કહે કે ના નહિ જોઈએ.

રાતે પુછ્યું કે ભાંગ કોણે આણી આપી ત્યારે કહે કે હું જાણતી જ હતી તમે તે પૂછશો. મને ન પૂછો, હું નહિ કહું. મેં કહ્યું ન કહે-મને તો શક છે કે ભાંગ તથા ભાંગની મેળવણી તૈઆર કરેલી તે અને સોપારીના ફાડચા એ બધુંએ તુને કીકુએ તજવીજથી તુને મોકલાવ્યું છે ત્યારે કહે કે તમે શક કરવાને મુખત્યાર છો.

પછીથી કાળાભાઈ આવેલા-તેના કહેવાથી કે તમારા માણસે તમારા હુકમ ઉપરાંત હદથી જ્યારે કામ કરી ગામમાં હોહો કરાવી ને એ જો ખરૂં છે તો ડા0ના કાકાકાકીનો કંઈ જ વાંક નથી. મેં કહ્યું તે સંધુ હવે પછી જણાશે. નંદુભાઈ, કીરપારામ, વરજદાસ સૌનું બોલવું કે કવિની અક્કલ ગઈ છે તે સૌને તેમ જણાયું હશે. કીકુ આમ પણ બોલે છે ને તેમ પણ બોલે છે. એટલે તમારો પણ દોષ કાઢે છે ડા0નો પણ કાઢે છે અને વળી પોતાનું ગરબડિયું પણ લવી જાય છે. કાળાનું મન ડા0 વિશે ‘ડયૂપ્’ શબ્દથી જણાયું કે ભોળી બીજાની સલાહ લેવી પડે તેવી સમજવી. ત્યારે મેં કહ્યું એ બાબતમાં તારૂં ને ગીરધરલાલનું મત સરખું.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.