૧૧ કરસનદાસ માધવદાસને

સુરત તા. ૧૭ મે સન ૧૮૬૬

ભાઈ કરસનદાસ

હું જારે મુંબઈ હતો તારે તમને મળવાની ઈચ્છા થઈ હતી. એવામાં જાણ્યું કે ગભરાટમાં છે-હું ચોંક્યો-મળીને દિલાસો દેવો ધાર્યો, પણ પાછું વિચાર્યું કે સુઘડ જનને પુરા ગભરાટમાં જેવો દિલાસો પોતાનાથી જ પોતાના એકાંતમાં મળે છે, તેવો એક ભણેલી ડાહી, દુનિયાદારી જાણતી, માથે પડેલું એવું રસીક ને ચતુર પ્યારી શિવાએ બીજી કોઈ વસ્તુથી મળતો નથી. હું શરમાયો-પછી બીજે દિવસે વધારે બુમાટો સાંભળ્યો. એ વખતે શીવારામ ગવૈયો મારી પાસે હતો. હમે ગુણ ગાતા હતા ને ઈશ્વર પાસે માગતા હતા કે સાચાના બેલી હમારા સામું જોઈને તો નહીંજ પણ તેનાજ સુકૃત સામું જોઈ તેને સલામત ઉતારજે.

ઉપકાર કીધાછ તેને સારૂ આ બોલાય છે, એમ નથી પણ પ્રેમનો પાસ આડો આવે છે એ વાત આજ મ્હારે નવી જણાવવાની નથી.

મારે આટલું જ માગી લેવાનું છે કે ચડી આવેલી વાદળી જોઈને જીવને ઉચાટમાં રાખવો નહીં-બહાદુર કપતાનની પેઠે તોફાનમાં ધીરજથી હંકારી આવવું.

(દોહરો)

ધીરજ હિંમત રાખવી, ગાવા હરિના ગુણ;

શી માયા છે તેહની, નથી તેમાં કંઈ ઊંણ-૧

પ્રેમ સાચા નર્મદના આશીષ-

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.