(સંવત્ ૧૮૮૯થી સંવત્ ૧૯૩૧ : સન ૧૮૩૩ થી સન ૧૮૭૫)
જ્ઞાતિ બ્રાહ્મણ; કુલ નાગર; (વડનગરા), અટક દ્વિવેદી; વેદ ; શાખા સાંખ્યાયની; ગોત્ર ઓક્ષ્ણસ; ત્રિપ્રવર-વસિષ્ઠ, શકિત અને પરાશર; શર્મ શર્મ, આગસ્ટ ૨૪મીએ.
સવંત્ ૧૮૮૯ પ્રથમ ભાદ્રપદ શુકલ ૧0 શનિ વાસરે જન્મ (ઈ.સ. ૧૮૩૩ના આગસ્ટ ૨૪મીએ.)
૧૮૯૭-વૈશાખમાં જનોઈ (પછી સંધ્યા, રુદ્રી આદિક ભણ્યો).
૧૮૯૯-લગી વેદાધ્યયન (સંહિતાનું એક અષ્ટક મારા પિતાના મિત્ર બાબાજી પાસે ભણ્યો. બે બાબાજી તે શ્રીપદના પિતા).
૧૯00-વૈશાખ સુદ ૧૨ (૧૮૪૪ અપરેલ ૨૯) લગ્ન.
૧૯0૭ કારતક વદ ૪ માનું મરણ
૧૯0૯ આશો સુદ ૩ (૧૮૫૩ અકટોબર-૫) સ્ત્રીનું મરણ.
૧૯૧૨ કારતક વદ (૧૮૫૬ અપરેલ) લગ્ન બીજીવાર.
૧૯૧૪ લગી (૨૫ વર્ષની વય લગી) સ્વધર્મ વિષે આસ્તિક્ય હતું. ૧૮ ની વય લગી-માની ક્રિયા કરી ત્યાં લગી, સારી પેઠે આસ્તિક. માના મરણથી, પ્રિયાના મરણથી, સ્થાઈ આજીવિકાના ઉદ્યમની પ્રાપ્તિમાં ન ફાવવાથી સમયે સમયે વૈરાગ્ય ઉત્પન્ન થયલો, પણ વળીતે ઉડી ગયેલો. કોઈ પણ ગુરુના કે કોઈ નવા ધર્મમંડળના આશ્રયમાં રહી સંસ્કૃત ભણવાનો તથા ગુજરાતીમાં ભાષણ લખાણ કરવાનો ઉદ્યોગ રાખવા ભણી વૃત્તિ દોડેલી; એમાં ન ફાવેથી હરદાસનું કામ કરવાની વૃત્તિ થયેલી ને એને માટે સંસ્કૃત અભ્યાસ સારૂ પૂને ગયલો, પણ કવિતાનું સ્ફુરણ ઉપડેલું તેથી તથા દ્રવ્યના સંકોચથી તે કામ કરવા ઉપરથી મતિ ખસી ગઈ ને પછી ગુજરાતીમાં ગદ્યપદ્ય ગ્રંથ લખવાનો ઉદ્યોગ રાખ્યો. (સને ૧૮૫૯ ના માર્ચની ૨0 મી પછી.)
સ્ત્રીવિષયમાં વ્યભિચારી હતો. (એ મોહ માના મરણ પછી.)
૧૯૧૫ (વેશાખ પછી) ધર્મ સંબંધી વિચાર બદલાયા ને હું ધર્મભ્રષ્ટ થયો.
૧૯૨0 (પોષ સુદ ૧0) પિતાનું મરણ થયું. (૩૧ વર્ષની વયે.) ત્યાર પછી ઘરમાંના દેવતા પડોસી બ્રાહ્મણને આપી દીધા. પિતાની ક્રિયા કીધી તે ભાવથી નહિ ને દેવતા આપી દીધા તે મૂર્તિ ન પૂજવી માટે.
૧૯૩0 સૂધી એટલે ૪૧ વર્ષની વય લગી એટલે વર્ષ૧૬ સૂધી હું ઘણીક વાતે પ્રાર્થના સમાજના મતનો હતો. (તે વેળાના વિચાર ગ્રંથોમાં છે ને તે ‘ગુજરાતી’ પત્રમાં છપાયા છે.)
૧૯૩૧ કારતક વદ ૪ શિવશકિત સ્વરૂપે પરમેશ્વરને પૂજવા વિષે મતિ થઈ. ‘રાજ્યરંગ’ લખતાં શ્રૃતિસ્મૃતિ પુરાણનો વિષય જાણી લેવામાં આવ્યો. સર્વે લોકના નિવૃત્તિપ્રવૃત્તિના ધર્મ તથા જપસુખની તુલના કરી જોઈ. અવસ્યે વેદાંત તથા યોગના ગ્રંથોનું અવલોકન કરી સાર જાણી લીધો, અનેક વિચાર કીધા.
આષાઢ સુદ પ-સિદ્ધાંત પ્રમાણે કર્મ રચ્યું. (એ સમા ઉપર સ્વામી દયાનંદ સુરત આવેલા. પણ કરેલા નિશ્ચય ફેરવવાની મારી મતિ થઈ નહિ. તેણે વેદને ઇશ્વરપ્રેરિત મનાવવા માંડયો, તેની પહેલાં હું તેમ માનતો થયો હતો.)
ધ્યાન
૧. ‘એક નિરામય જ્ઞાનં, પ્રજ્ઞાનમાનન્દં બ્રહ્મ સત્’.
૨. એકમોંકારરૂપેણ સ્વપ્રકાશેન વિવર્તતે.
૩. એક: સર્વેશ્વર: સર્વજ્ઞ: સર્વાંતર્યામી સર્વાત્મા પરમાત્મા પરમપુરુષ: પ્રસન્નો વિજયતે.
અર્ધ્ય કે નમન
૪. ઓમ્ ભૂ: અગ્નેય નમ:, ઓમ્ ભુવ: વાયવે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભુર્ભવ: સ્વ: પ્રજાપતયે નમ:, પ્રણવ-ત્રણ વ્યાહૃતિ-પ્રણવપૂર્વક-ગાયત્રી મંત્ર.
ઓમ્ અપાત્રોનંતપાત્રાયં સહસ્રાક્ષપુરુષાય નમ:, ઓમ્ પ્રપંચોપશમનાય નમ:, ઓમ્ ઐં હ્રીં ગ્લીં રમણાય વિશ્વેશ્વરાય નમ:, ઓમ્ યોગભોગનાથાય, શાંતિજપમૂર્તયે શ્રી સાંબશિવાય નમ: (અદ્યાપિ એ જ રીતિ ચાલે છે. માત્ર યોગભોગ ત્યાં ભોગયોગ ને શાંતિજપ ત્યાં જપશાંતિ એટલું બદલી બોલવામાં આવે છે.)
૫. જપ (ગાયત્રી મંત્રે), શ્રી સાંબશિવાય નમ: (એ મંત્રે) ને શ્રીમહાસરસ્વત્યૈ નમ: (એ મંત્રે).
(સંવત્ ૧૯૩૩ થી સંવત્ ૧૯૩૬ :: સન ૧૮૭૭ થી સન ૧૮૮0)
૧૯૩૩ વૈશાખ સુદ ૩ (૧૮૭૭ અપરેલની ૧૬ મી) (૪૪ વર્ષની વયે) વેદસરસ્વતીની સ્થાપના સુરતના ઘરમાં (?ક્ યજાસ્ સંહિતાના પુસ્તક ભરૂચથી કાશીરામ શુગ્લે આણી આપેલાં. તેની પ્રતિષ્ઠા હોમ સાથે હરિકૃષ્ણ શુગ્લે કરાવી.)
એ વર્ષના માગશરથી તે ૧૯૩૪ ના પોષ લગીમાં નિવૃત્તિપ્રવૃત્તિનાં ભાષણ આર્યસમાજમાં કીધાં, વેદ ઈશ્વરપ્રેરિત વાણી છે એ કહી સંભળાવ્યું. વળી ૩૩ ના આશો વદ ૧ થી ૩૪ ના આશો લગીમાં સીતાહરણ દ્રૌપદીદર્શન – કૃષ્ણલીલા એ લખી, તેમાં સ્વધર્મની છાયા દેખાડી.
૧૯૩૩ આશો સુદ ૮ – વ્રત રાખ્યું-ચંડી પાઠ કીધો.
૧૯૩૪ મહા વદ ૧૪-શિવરાત્રીનું વ્રત રાખ્યું. શિવસ્તોત્ર વાંચ્યાં ને જપ કીધો.
૧૯૩૫ જેઠ સુદ ૧0-ભક્ષ્યાભક્ષ્ય, ગમ્યાગમ્ય, શૌચાશૌચ એ વિષયમાં આચાર પાળવાનો અનાદર હતો, તે પાછો બેસાડવા વિષે નિશ્ચય.
૧૯૩૫ આષાઠ વદ0)) સૂર્યગ્રહણ પાળ્યું. ગ્રહણ પાળવાનો નિશ્ચય. પત્રિકા છપાવી પ્રસિદ્ધ કીધી.
૧૯૩૫ અધિક આશો વદ ૧૩ વ્રત રાખ્યું–ત્રયોદશી પ્રદોષનું.
૧૯૩૬ બે મોટી એકાદશીએ ફલાહાર કરવાનો નિશ્ચય.
૧૯૩૬ વૈશાખ વદ પાંચમ-છોકરાને ગાયત્રી મંત્રનો ઉપદેશ કીધો.
એ પ્રસંગે (૪૭ વર્ષની વયે) પૂરો આસ્થાવાન હતો, ને શ્રોતના આનંદનો ઉત્સુક થયો હતો.
૧૯૩૮ ભગવદ્ગીતાનું ભાષાંતર કીધું. નભુભાઈએ છપાવી પ્રસિદ્ધ કીધું.
(સંવત્ ૧૯૩૫ :: સન ૧૮૭૯)
સંવંત્ ૧૯૩૫ ના માઘ સુદ પાંચેમથી તે ૧૯૩૭ ના ફાગણ શુદ તૈરસ સૂધીમાં કેટલેક દિવસે કીધેલા વિચાર તથા કર્મનું ટિપ્પણ : –
મુંબઈમાં ૧૯૩૫:
૧૯૩૫ માઘ શુદ પાંચેમ-દ્રવ્ય વિષયમાં સ્થિતિ સારી થયેથી ધર્મ-ગૃહ-વ્યવહારની વ્યવસ્થા કરવી, એ વિચાર ફેરવી ધર્મની વ્યવસ્થા તો કરવી જ, એ નિશ્ચય કીધો.એ દિવસે વૈરાગ્યપૂર્વક ત્રણે તંત્રમાં બને તેટલી વ્યવસ્થા કરવાને ઉદ્યમ થયો.
૧૯૩૫ માઘ વદ તેરસ-(૧) અનુકૂલતાએ દ્રવ્ય આપી શાસ્ત્રીઓ પાસે શુભાશુભ કર્મની સંક્ષિપ્ત પદ્ધતિઓ રચાવવી. (૨) પરશુરામ, રામ, કૃષ્ણ, એની જયંતી ઓચ્છવરૂપે પાળવી. પવિત્ર સ્મરણ કરી જમવું. (૩) દિવસે સુવાની ટેવ કાઢી નાંખવી.
૧૯૩૫ માઘ વદ ચૌદશ-અકસ્માત અજાણ્યો. શુગ્લ ચાણોદ કન્યાલીનો આવ્યો. તેણે રૂદ્રસૂક્તાદિ શ્રવણ કરાવ્યું. પછી સાંબસ્મરણ કરી ફલાહાર કીધો ને રાત્રે સ્તોત્ર વાંચી જપ કીધો.
૧૯૩૫ જેઠ સુદ ચોથ-સવારે પરભાતીઆં ગાયાં. જમ્યા પછી નર્મ ટેકરી જોવાની ઇચ્છા થઈ ને બે વાગે રામશંકર મંગળજીને લઈ ચાલતો ત્યાં ગયો. ટેકરી પર બેઠો. પા ઘડી અંગરખો ઉતારીને; ઉપરથી વર્ષાદ આવે. ‘પરબ્રહ્માત્મિકાં દેવી’ અહીંથી તે ‘અંબિતમે દેવિતમે’ અહીં સૂધી ત્રણ વાર પાઠ કીધો. પછી ટેકરી પરથી ઉતરી વાઘેશ્વરીનાં દર્શન કીધાં. [જે ટેકરી પર બેસી સૃષ્ટિ સૌંદર્યના, પ્રેમ વૈરાગ્યના વિચાર કરેલા, તે ટેકરી ઉપર ૧૬-૧૭ વર્ષે ફરીથી બેસી એકાગ્ર ચિત્તે સરસ્વતીની સ્તુતિ કીધી-ગ્લેશ ઉપાધિ સંકલ્પ રહિત; ખરી તીર્થયાત્રા કરી; પછી ‘પ્રણતાનાં પ્રસીદ ત્વમ્’ એ ભણી ટેકરી પરથી નીચે ઉતર્યો હતો.]
૧૯૩૫ જેઠ સુદ દશેમ-(૧) હે જ્ઞાન સરસ્વતીના પ્રવાહ-હે ગંગે! તું મારી બુદ્ધિ પવિત્ર કરી સબાહ્યાભ્યંતર શુચિ રાખજે. (૨) હે ગંગે! હવે તો તું વ્યવહાર સંબંધી અવ્યવસ્થાના મલિનતા વહેલી દૂર કરી. (૩) હે ગંગે! તું મારી ત્રણે સ્ત્રિઓનાં અંત:કરણ પવિત્ર કરી તેમને સત્ત્વલક્ષ્મીને અનુકૂલ કરી તે દ્વારા આર્ય સ્ત્રિઓને સુબોધ મળે તેવું કરજે.
(૧) રાતે (હરિભક્ત) યશવંતને (કાંદાવાડીમાં) નૃસિંહને પૂજન કરતાં, ભક્તમંડળને કીર્તન કરતાં, પુરાણીને તબુંરા સાથે રામાયણની કથા કરતાં (દ્રવ્યવ્યવ વિના મચેલો ઠાઠ) જોઈ મારૂં ચિત્ત આનંદ્યું. (૨) મૂર્તિપૂજન વિષે વિચાર કીધો. એ જ અવશ્ય કર્મ છે ને સારૂં છે. સૌને માટે એમ નહિ. નિત્યને માટે દેવપૂજન ઘરમાં રાખવું જ એમ નહિ. વેદ પુસ્તક ઉપર ઇચ્છામાં આવે ત્યારે ફુલ ચઢાવવાં ને ધૂપઆરતી કરવી. કોઈ વાર મૂર્તિને પણ પૂજવી. સ્થાપેલી મૂર્તિનાં દર્શનનો અનાદર કરવો નહિ.
(૩) મદ્ય, માંસ ને વ્યભિચારના નિષેધના નિશ્ચય કીધા.
આષાઠ વદ અમાસ-ગ્રહણ સમયે ગાયત્રી મંત્ર જપ કીધો. જપ ઉપાંશુ તથા ધારણરૂપ એમ મિશ્રિત, ગ્રહણની સમાપ્તિએ નવમી માળા ચાલતી હતી. પછી ‘ઓમ્ ઐં શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ એ મંત્રે ત્રણ માળા તેમાં બે વૈખરીએ ને એક ધારણાએ. (વદ આઠેમની રાતે સૂતા પહેલાં ઓમ્ શ્રી સરસ્વત્યૈ નમ: એ મંત્રે પાંચ માળા જપવાનું રાખ્યું હતું.)
શ્રાવણ શુદ તીજ-પરજ્ઞાતિ સાથે ભોજન સંબંધી કેવો વ્યવહાર રાખવો, એનો નિશ્ચય સ્થિતિ સારી થયા પછી કરવો.
શ્રાવણ શુદ પુનમ-જનોઈ બદલ્યું. પદ્ધતિ નહિ તેથી કર્મ યથાસ્થિત થયું નહિ. ‘ધર્મજિજ્ઞાસા’નો પહેલો અંક છપાવી લોકમાં વહેંચ્યો.
શ્રાવણ વદ આઠેમ-મોહરાત્રિનિમિત્ત સરસ્વતીની આરાધના કરી આહુતિઓ આપી.
સુરતમાં ભાદરવા શુદ ચોથ-ધર્મજિજ્ઞાસાનો નવમો અંક પૂરો કરી રાત્રે સરસ્વતીને ધૂપદીપ કીધાં.
ભાદરવા શુદ સાતેમ-સંધ્યાવંદન કરી મંદિરમાં જઈ વેદસરસ્વતીને પુષ્પ અર્પણ કીધાં ને કપૂર દીપ દેખાડયો. દીપપ્રકાશ જયસૂચક ભાસ્યો. તેમાં ‘ઘંટાશૂલહલાનિ’ એ ભણતાં તે ઉંચો વધ્યો હતો.
ભાદરવા શુદ તેરસ-ધર્મજિજ્ઞાસા પૂરી કરી તે નિમિત્ત ‘ઓમ્ વેદસરસ્વત્યૈ નમ:’ ભણી પુષ્પ ચઢાવ્યાં. ઓમ્ ઓમ્ નમ:, નમ: ઓમ્ (જેમ બોલાયું તેમ) એક માળા જપી, વચમાં વચમાં ધ્યાન પણ ખરૂં-ભૂતાકાશની માંહે ચિત્તાકાશ ને તેની માંહે ચિદાકાશ તેમાં ઓમ્ની અર્ધ માત્રા છે ને પછી બ્રહ્મ છે એવી સમજે. ‘ઓમ્ સાંબ શિવાય નમ:’ વળી ઓમ નમ: શ્રી સાંબશિવાય(જેમ બોલાયું તેમ) એ મંત્રે ત્રણ માળા. તેમાં અવશ્યે શિવના શ્લોકના અર્થ સ્મરણે ધ્યાન પણ ખરૂં. કૈલાસમાં સાંબશિવનું પૂજન દેવતાઓ કરે છે, તે ચિત્રસ્મરણ પણ ખરૂં. ‘ઓમ ઐં શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ એ મંત્રે એક માળા, આદિ શકિતનું ધ્યાન, જ્ઞાનશકિત, ઇચ્છાશકિત, કર્મશકિત, મૂલશકિત, યોગમાયા, તે જ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી તે જ વાઙ્નીલયુક્ત સરસ્વતી, [એ દિવસે પ્રદોષ વ્રત લેવાનું ઇચ્છેલું, પણ સમય વીતી ગયો હતો.]
ભાદરવા શુદ પુનેમ-ચંડીપાઠ કરવાનું મન થયું. ‘ઓમ્ નમ: શ્રી સાંબશિવાય’ એ મંત્રે એક માળા જપી. પછી પહેલેથી તે મધ્યમ ચરિત્ર એક કવચ વાંચ્યું.
ભાદરવા વદ પડવો-સવારે ‘સાવર્ણિ સૂર્યતનયો’ અહીંથી તે ‘મહિષાસુરવધ’ લગી ને રાત્રે ‘શક્રાદય’ થી તે ‘દેવ્યાહતે તત્ર’ અહીં લગી વાંચ્યું.
ભાદરવા વદ બીજ-રહેલાં કવચ પૂરાં કીધાં. રાતે એક માળા ‘ઓમ્ નમ: શ્રી સાંબશિવાય’ ને બીજી ‘ઓમ્ નમ: શ્રી મહાસરસ્વત્યૈ’ એ મંત્રે, પછી ચંડીપાઠમાંથી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની સ્તુતિનો પાઠ યથાબુદ્ધિ સમજીને કીધો ને વળી એક માળા જપી, ‘ઓમ્ નમ: શ્રી મહાસરસ્વત્યૈ’-હે દેવી! હું આર્ત, અર્થી ને મુમુક્ષુ છું, રૂડી બુદ્ધિ આપજે. [કેવો યોગ કે મારૂં વર્ષ બદલાયું, સંક્રાંતિ પ્રમાણે ૪૭મું બેઠું. (સંવત ૧૮૮૯-૧૯૩૫. સન ૧૮૩૩-૧૮૭૯.) ધર્મજિજ્ઞાસા પૂરી થઈ ને તરત દેવીનો પાઠ કરવાનું સૂઝ્યું.]
ભાદરવા વદ છઠ-બપોરે ચાલીને અશ્વિનિકુમાર ગયો. નાહીને સરસ્વતીનો પાઠ કીધો. પિતામહ, પિતા, માતા, ને સ્ત્રી એ ચારને અંજલિ આપી. મહાદેવનાં દર્શન કરી ઘેર આવ્યો.
[આષાઢ વદ 0] અમાસથી તે ભાદરવા વદ ૬ લગી ધર્મવિચાર ને ધર્મકર્મ, એમાં જ મન હતું. ઘણું કરીને તે ચિત્ત આનંદમાં હતું]
ભાદરવા વદ તેરસ-પ્રદોષનો દિવસ માની રાતે કાલ વીત્યા પછી પણ માળા ફેરવી હતી.
અધિક આશ્વિન શુદ તેરસ-(સંવત ૧૯૩૫) પ્રદોષ સમયે જમતાં પહેલાં નાહીને ઓમ્ શ્રી સાંબશિવાય નમ: એ મંત્રે ત્રણ માળા ને ઓમ્ શ્રી મહાસરસ્વત્યૈ નમ: એ મંત્રે એક માળા જપી. ‘ઓમ્ શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ એ મંત્રે એક માળા જપી.
અધિક આશ્વિન પૂનેમ રાતે ઓમ્ શ્રી સાંબશિવાય નમ: એ મંત્રે ત્રણ માળા ને ઓમ્ ઐ શ્રી મહાસરસ્વત્યૈ નમ: એ મંત્રે એક માળા જપી.
મુંબઈમાં-આશ્વિન વદ પડવો. નાનપણમાં જે નર્મદેશ્વરને પૂજતો, તેનું વીસ વર્ષે ફરીથી ભાવે દર્શન કીધું. પછી મામાદેવીનું ને પછી ચાલતાં જઈ મહાલક્ષ્મીનું.
ચોથથી તે બારસ સૂધી રાતે સાંબશિવની ને સરસ્વતીની માળા જપી હતી.
સુરતમાં-અધિક આશો વદ તેરસ સોમ-સવારે નાહી સંધ્યા કરી, ચાહ પી આગગાડીમાં બેઠો; અઢી વાગે સુરત પહોંચ્યો; ભાંગ પીને ગાડીમાં બેસી એકલો અશ્વિનિકુમાર ગયો. નાયો; કંઈ ભણ્યો ને અશ્વિનીકુમારનાં દર્શન કરી ઘેર આવ્યો. સામા ઘરમાં જઈ સરસ્વતીને પૂજી પુષ્પ ધૂપ કર્પૂર દીપે-ઓમ્ વેદસરસ્વત્યૈ નમ:, ઓમ્ વાક્ સરસ્વત્યૈ નમ્:, ઓમ્ નીલસરસ્વત્યૈ નમ:, ઓમ્ મહાસરસ્વત્યૈ નમ:, ઓમ્ જગજ્જનિન્યૈ નમ્:, ઓમ્ મહાકાલ્યે નમ:, ઓમ્ મહાલક્ષ્મ્યૈ નમ:, ઓમ્ મહાસરસ્વત્યૈ નમ:. પછી સ્તોત્રમાંથી કેટલુંક ભણ્યો. પછી ચિત્તમાં સાંબનું આરાધન કરી પુષ્પ ધૂપ દીપ અર્પણ કરી શ્લોકાર્થસ્વરૂપને ધ્યાયી વ્રત લેઉં છું. એમ ભણ્યો ને જપ વાંછ્યો.
આશો બીજો સુદ આઠેમ (ત્રીજા વર્ષની) સવારે ઉઠી પાઠ અરધો કીધો ને અરધો બપોરે સાંજે મૌન રાખી આખો કીધો. ‘દેવિ! વ્યવસ્થિત થયો?’ ‘હા.’ ‘હવે જય’? ‘જય.’ મંદિરમાં પુષ્પ ધૂપ દીપ ઇત્યાદિ કીધું.
આશો બીજો શુદ પુનેમ-કાલી, લક્ષ્મી ને સરસ્વતીની સ્તુતિ વાંચી.
આશો બીજો વદ ૭-૧૧ એ પાંચ દહાડા કામ્યપ્રયોગ કીધો. ગાયત્રી જપ ૧૧, ‘ઓમ્ ઐં હ્રીં ગ્લીં શ્રીં સાંબશિવાય નમ:’ એક માળા, ‘ઓમ્ ઐં શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ ત્રણ માળા, ને ‘લક્ષ્મીમેંધાધરા’ ૧૧ વાર. [પ્રયોગે ઇચ્છાફળ દાખ્યું નહિ.]
આશો બીજો વદ ૧૨-૧૩-ગાયત્રી જપ ૧૧, ‘ઓમ્ શ્રી સાંબશિવાય નમ:’ એ મંત્ર માનસિક જપ ૧૧ માળા જેટલો પ્રદોષસમયના માહાત્મ્યના શ્લોક-‘નમો નમસ્તે ગિરીશાય તુભ્યં.’ એ સ્તોત્ર, ‘ચંપેચગોરા,’ એ સ્તોત્ર, ‘જયશંકર પાર્વતીપતે’ એ સ્તોત્ર વાંચ્યા પછી સરસ્વતીનાં સ્તોત્ર પછી ભોજન કીધું.
આશો બીજો વદ તેરસ-સંધ્યા પછી સરસ્વતીનાં સ્તોત્ર; રાતે ‘ઓમ્ શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ ત્રણ માળા ને ‘લક્ષ્મીમેંધા’ એક માળા.
આશો બીજો વદ ૧૪-૩0 ગાયત્રીની ત્રણ માળા, ‘ઓમ મહાકાલાય નમ:’ એક માળા, ‘ઓમ્ મહાકાલ્યૈ નમ:’ એક માળા, રાતે ત્રણ માળા સાંબશિવની ને ત્રણ માળા મહાસરસ્વતીની.
[ચિઠ્ઠી મૂકવી નહિ, કામ્યપ્રયોગ કરવા નહિ, યથાસમય યથાબુદ્ધિ જે કરાય તે કરવું. ઈષ્ટ દેવતા તે સર્વ જાણે છે જ. હું પોતાને માટે ને લોકને માટે સંશયમુક્ત થયો. ૧૯૩૫ ના વર્ષમાં.]