(૧૮૬૬-૬૭-૬૮ એ વર્ષોની કેટલીક નોંધ)
હીરાચંદ કાનજી – એની સાથે મારે મુંબઈમાં વાત થયલી ત્યારે કહે કે તમારો સ્વભાવ આવો સારો છે તે હું જાણતો જ ન હોતો. મને તો તે આંધળાએ ભમાવ્યો હતો ને તેના જ કહેવાથી મેં મિથ્યાભિમાનખંડનમાં કેટલુંક તમારા જ ઉપર લખ્યું છે.
હીરાચંદે હોપની સીરીઝમાં પોતાની કવિતા દાખલ કરાવવાને ભોગીલાલ વગેરેને કહેલું, તે તેઓએ ન કબૂલ રાખેલી, વળી એને દલપતરામની સાથે પણ સામેલ ન રાખવાથી તે બધા અંગ્રેજી ભણેલા ઉપર ખીજાયો હતો, ને તેઓની વિરૂદ્ધ લખ્યું. સને ૧૮૫૯ માં કવિ દલપતરામ પોતાની કવિતા વિષે પોતાનો મનમાન્યો વિચાર લોક સર્વનો ન જણાવાથી ને તે અદેખા નર્મદની ઉશ્કેરણીથી થયું એવું પોતાના મનમાં વસેલું તેથી તે ખીજાયો હતો ને તેણે હીરાચંદને ચઢાવી કેટલુંક મારી વિરૂદ્ધ મિથ્યાભિમાનખંડન ગ્રંથમાં લખાવ્યું.
સ્થિતિ – ૧૮૮૬ ના સપટેમ્બરની ૨૩ મીએ સુરતથી મુંબઈ ગયો. અહીં રાતે ઘર સૂનું જોઈ દલગીર થયો, ને ખુરસી ઉપર બેસી ચાંદાની સામા જોતાં ખ્યાલો કીધા; ‘આહા સાચને જ આંચ છે; મને પોતાને પ્રતીતિ છે કે, લોક જેને સારા કહે છે તેના કરતા હું વધારે સારો છું. દુર્ગુણી નથી; હા, પ્રસંગને લીધે ને દુનિયામાં સાહસ જિતે છે એ અનુભવથી હું સાહસ કરવા જાઉં છું, પણ પાછો વિવેકથી દબું છું, પણ પછી – ફિલસુફીની નીતિ જે દુનિયાની નીતિથી જુદી જ છે તેનો વિચાર થાય છે, ને પછી સાહસ થઈ જાય છે. એ સાહસથી હું પસ્તાતો નથી, પણ તેનાં ફલ કેટલીક વાર દુનિયાદારીની રીતે જોતાં ખોટાં કહેવાય છે, તેથી કુદરતનો નિયમ સાચો કે દુનિયાદારીનો? એના વિચારથી જરા દલગીર થાઉં છું ખરો. રે જીવડા! આ વરસમાં તો કોઈ આફતની બાકી રહી નથી. તું પડું પડું થઈ રહ્યો છે – રે તું તો યુદ્ધમાં જખમી સીપાઈ જેવો મરીશ પણ તારા સંબંધીઓને દુ:ખ પડશે તે – પણ જીવડા તેઓનાં કર્મમાં દુ:ખ હશે તે કાંઈ મિથ્યા થવાનું છે? તારા ભોગ તેમ તેઓના ભોગ માટે જોયાં કર જે થાય તે.’ એ વેળા કવિતા લખવાનો જોસ્સો બહુ હતો, પણ એકદમ ટાઢ ભરૈ આવવાથી તે ન લખાઈ. સુતાંસુતાં ‘કોની આગળ કહીએ પ્રભુ પીડ’ એ અને ‘ટકટક જોયાં કરવું’ એ પદ સાંભર્યાં હતા.
તા. ૨૪મી – આખો દહાડો પૈસાની ઉદાસીમાં કહાડયો. દશ વાગે સૂતો ત્યાં લગી લખ્યું.
તા. ૨૫ મી – કરસનદાસ માધવદાસને મળ્યો; એણે પોતાનું રડવું ને મિત્રોની બેવફાઈ કહી સંભળાવી; સોમનારાયણ વિષે સારો વિચાર ન જણાવ્યો.
કરસનદાસ માધવદાસ અને ભાઉ દાજી – તા. ૨૬ મી – ઉદાસીથી તાવ હતો. ‘નર્મ ટેકરી,’ ‘શિકારી ને હરણી,’ ‘આખરે જુદાઈ,’ ‘આખરે ધૂળે ધૂળ,’ ‘દીનદયાલ જગતપાલ દેવા,’ ‘દયાળુ દેવ તું તો,’ ‘અંત લગી રાખજે તું લાજ,’ ‘ઉઠતાં વારને ધન અર્થે બધે,’ ‘દુનીઆ જુઠાંની,’ ‘કુણ હરિવણ ઝુંપડી સુધી કાઢે સલામ રે દિલદાર,’ વગેરે કવિતા, કરસનદાસ માધવદાસે બોલાવેલી તેની ઇચ્છાથી વાંચી સંભળાવી. દશ વાગે ડાક્ટર ભાઉ મળ્યા. એણે મોટામોટા પડયા તે વિષે દલગીર જણાવી, પોતાની હાલત વિષે પણ જણાવ્યું. તેણે કહ્યું, ‘મારા સઘળા મિત્રો પડતી હાલતમાં આવ્યા છે. પણ હું હંસરાજ કરમસીને કહીશ તમને મદદ કરવા વિષે; હું દેશી રાજ્યોમાં તમારે માટે ભલામણ લખી આપું; ઇચ્છા હોયતો ગાયકવાડને લખું.’ મેં કહ્યું, ‘તેમ મારો હાલ વિચાર નથી.’ તે કોલાપુરના રાજાને મળેલા તે સંબંધી ને તેના ખટપટીઆ લુચ્ચા કારભારીઓ સંબંધી તેણે વાત કહી. મેં કહ્યું કે, ‘તમે કોઈ મોટાં દેશી રાજ્યમાં દીવાન થાઓ ને જેમ નાના ફડનવીસ રાજ્યમાં કુશળ કહેવાયો તેમ તમે તે વિષયમાં પણ પ્રખ્યાતિ પામો.’ તેણે કહ્યું કે, ‘તેમ કરવાની મારી ઇચ્છા નથી, રાજાઓ ચંચળ વૃત્તિના છે ને બ્રિટિશ રાજ્યવ્યવસ્થાના સાંઘા સળેલા છે.’ પછી મેં લેજીસલેટિવ કૌંસિલની વાત કહાડી. તે બોલ્યા કે, ‘ત્યાં મારા વિચાર પ્રમાણે ઠરાવ થવાના નહિ, ઘણાના મત મારી સામે પડવાથી.’ મેં કહ્યું કે, ‘તમે હો તો દેશને ઘણું સારૂં.’ પછી તેણે પોતાની પડતીના કારણમાં ભાટિયાઓને મદદ ન કરી તે વિષે કહ્યું. માત્ર રૂસ્તમજી ને એક બીજો એ બે જણે થોડીક મદદ કરી હતી.
સ્થિતિ – તા0 ૨૮ મી બપોરે. ‘કોઈ કોઈનું નથી જ; જેને હું ખરી રીતે ને જે મને ખરી રીતે ચાહે છે, જેને સારૂ મેં ને મારે સારૂ જેણે તપશ્ચર્યા કીધી છે તે પ્યાર, તે તપશ્ચર્યા અને મનસા વાચા કર્મણા મેં શુદ્ધ દાખવેલી એવી મૈત્રી શું આ વેળા મને મદદ નહિ લાગે? પાસા અવળા જ પડવાના હોય તો ન લાગે. રે હું મરી જાઉં તો મારા અબળ પ્રાણીઓ શું કરે? આહા તેઓના ઘા કોણ રૂઝવશે? મારાં મોતતી તેઓને પ્રીતિથી, આસરા વનાની સ્થિતિથી તે લોકથી કેટલું દુ:ખ થશે? હાય! શું મારા સંબંધમાં આમ તેઓ દુ:ખ જ પામ્યાં? શું હું ખૂની? ખૂની તો નહિ, પણ મને કાળે ખૂની ઠેરવ્યો. તેઓનું નસીબ, એ જ મારે કે’વું તો. ઓ કુદરત! તારા ઉપર મારી ભક્તિને તું જ બેવફા થઈ? ‘પડ તો કહે સદા પડી.’ હું તો સંતોષથી પડીશ કે મેં અપરાધ કીધો નથી. કેટલુંક કામ જે સાહસ કહેવાય, તે મેં ફિલસુફીતી કુદરતી કાયદા જાણી કર્યું છે. લોકની તો મને દરકાર નથી. સાહસથી સારૂં પરિણામ થાય તો તે વાહ વાહ કહે, ને નરસું થાય તો મૂર્ખ કહે. મારાં માણસને રણમાં મૂકી જાઉં છું તેની સંભાવ તેનાં નસીબ લો કે ન લો, પણ ઓ મારાં માણસો! તમે સહુ શૂરવીર ને ટેકીલાં છો. તમે પણ સાચવટથી ટેકમાં મરજો. કીધેલાં કામનો ગભરાટમાં પસ્તાવો કરશો નહિ. લોકના બોલવા સામું જોશો નહિ. જાXજ જૂઠાણું ચલાવ્યું છે, તે સમયપરત્વે હતું. શઠની સામાં શઠ થવું પડયું હતું. એ મધ્યમ નીતિ છે, પણ તે ઉત્તમ પ્રેમનીતિને અર્થે.
તા. ૩0 મીએ સુરત ગયો.
સ્થિતિ – અકટોબર બીજી, ભાદરવા વદ નોમ – ૬થી તે ૧ લગી – દલગીર હતો. ગયાં નવ વર્ષમાં મેં શુદ્ધ સ્વાભાવિક કે અંત:કરણની પ્રેરણા વિરૂદ્ધ કોઈ કામ કીધું નથી. જે મોટા દુ:ખમાં ભાગ લેનાર ને મને દિલાસો દેનાર ને જેના ઉપર મારો ભરોંસો તેઓથી જ મારૂં મન દુખાયું ત્યારે બીજું હતભાગ્ય કીઉં? સહન કર, સહન કર, સહન કર! ધિક્ જગત્ રે ધિક્, મને જ દુ:ખ દુ:ખ દુ:ખ – હું લખી શકતો નથી.
વીરચંદ ને પ્રેમચંદ – તા. ૪થીએ નડીઆદ જતાં વીરચંદ આગગાડીમાં મળ્યાં. તેણે મુંબઈની ભૂંડી હાલત કહી સંભળાવી; પ્રેમચંદના માનલોભની વાત કહી – કે જમસેદજી મારી આગળ કોણ? જો મારી સામા થયા હોત તો હું શેરનો ભાવ હજી ઘણો વધારી દેત – રૂનો ભાવ વધે તો છ મહિનામાં શેરનો વધારી દેત, ઈત્યાદિ. હું નવ વાગે રાતે નડિયાદ પોંચ્યો–ગિરધરલાલને મળ્યો. એણે દિલાસો દઈ હિંમત આપી.
તા. પાંચમીએ ‘હિંદુની પડતી’ વિષે નડિયાદ સ્કૂલમાં ભાષણ કીધંુ; સાંભળનાર બસે ઉપર હતા. દેસાઈ ભાઉ સાહેબ, ઓધવરામ મામલતદાર, જમીએતરામ મુનસફ વગેરે હતા. ભાઉ સાહેબના સગરામમાં બેસી તેની વાડીએ ગયો, ને સંતરામનું સ્થલ જોયું. રાતે કામનાથ ગયો. જમીએતરામના શગરામમાં.
તા. ૭મીએ ગિરધરલાલે રૂ. ૫00) કોઈનીપાસેથી લૅઈ મને આપ્યા ને હું સુરત આવ્યો. રાતે નરભેરામ મનસુખરામે મકનરામને કહ્યું કે, કવિને રૂ. ૬00) આપજે. એ રીતે ગિરધરલાલે ને નરભેરામે રૂ. ૧000ની) જોગવાઈ કરી આપી. એ રૂ. ૬00) આઠમીએ આપ્યા.
સ્થિતિ – ૨૯ મી અકટોબર. ટાડનું રાજસ્થાન વાંચવાથી મેવાડ જવાની ઉત્કંઠાં થઈ. અફસોસ ! જાળમાં પડેલા પક્ષી જેવો છું – કરજથી છુટયાં વિના ક્યાં જાઉં? જ્યાં કોઈ સ્નેહ પ્રીતિ સમજતું નથી ત્યાં મારે શું કરવા રેવું? જ્યાં કોઈ શૂરપણું પુરુષાર્થ સમજતું નથી ત્યાં મારે શું રેવું? વાણીઆઓ વેપારધંધો કરનારા ને બ્રાહ્મણો બુદ્ધિભ્રષ્ટ, નીચા ને જજમાન ઉપર આધાર રાખી બેસી રહેલા છે. ગુજરાતમાં મારે તો રજવાડામાં જ જઈ રેવું ને ત્યાં જ મરવું. તે વાત તો પછી, હાલ જઈને જોઉં તો ખરો, રજવાડામાં રહ્યાથી ત્યાં હું સુધારો દાખલ કરી શકીશ.
સ્થિતિ – ૧લી નવેંબર–નાનાભાઈ રૂસ્તમજીનો કાગળ કે મારાથી નાણાં સંબંધી તજવીજ નથી બનતી. હું દલગીર થઈ રહ્યો.
હાંસજી ચિત્રકાર – નવેમ્બર છઠ્ઠી, પૂતળાં સારાં નોતાં. પાછળ મૂકેલો પડદો ઠીક હતો – રંગના પટ ચિત્રને આપેલા તે જાડા હતા. ને ચિત્રની લેખણી પણ બારીક નોતી; ઘણા દેખાવને એકઠા-ભેળી નાંખ્યા હતા. તેઓ એક બીજા સાથે મુકેલા તેની સીમા લીટીઓ સારી દેખાતી નહીં.
સ્થિતિ–નવેમ્બર ૧0મીએ અમરોલી દોસ્તદારોએ બોલાવેલો ત્યાં ગયો. ગયો તેની આગમજ દલગીરીમાં હતો, ખેતરો જોઈ ખુશ થયો. પણ વળી દલગીર થયો કે કુદરત તું શું કરવા એવા માણસોના સંબંધમાં આણે છે, કે પછવાડેથી તેઓ મને દગો દે છે? જગત વિશ્વાસ ઉપર ચાલે છે, તો હવે કોનો વિશ્વાસ કરવો ને કોનો ન કરવો?
તા. ૧૧મી નવેમ્બર મહીપતરામ– મળવા આવેલા તેની સાથે સુધારા સંબંધી ને સુધારા વિરૂદ્ધ બોલનારાઓ સંબંધી વાતો થઈ.
તા. ૧૩મી નવેમ્બર–મુંબઈ ગયો.
તા. ૧૪મીએ. લખમીદાસ ખીમજી એ નાનાભાઈના છાપખાનામાં મને મળ્યા. તે બોલ્યા કે ‘અમે દલગીર છીએ કે તમે તમારી આબરૂને ને સુધારાવાળાના કામને ધોકો પોંચાડો. મારી વાતમાં લોકને સમજ પડશે જ નહિ.’ હું ખુશ છઉં લોકોનો ઢંગ જોઈને, લોક આજ આમ બોલે ને કાલે બીજું; તે બોલ્યા કે ‘ફરામરોજ ને બીજા તમારે માટે ઉંચું મત ધરાવે છે, પણ હાલ તેઓ દલગીર છે કે તમે તમારો ભાર બોજ નથી રાખતા. તેઓ કહે છે કે તમે દારૂ પીઓ છો.’ પણ (ધારો કે) દારૂ પીધાથી મારો ભાર બોજ શો ઓછો થયો?
કોઈ વાર ચાર દોસ્તમાં મને કોઈ દારૂ પીવાને કહે છે તો હું પીઉં છું–દારૂ પીવામાં બાધ નથી, એમ જણાવવાને. બાકી કોઈ દાડો તનદુરસ્તીને માટે કે શોખને માટે પીતો નથી. વસ્તુત: હું પીતો જ નથી. મને એનું વ્યસન નથી. હવે મારા એમ કરવાથી લોકમાં બગાડો થશે એમ કેટલાક કહે છે, પણ તેઓ ઉંડો વિચાર કરતા નથી. દારૂથી બગડેલી હાલ સુધારવી સેલી છે? વળી શું મારા ઉત્તેજન આપવાથી લોક તેમ કરશે? કેળવણી વધસે એટલે લોક દારૂને ઘી તેલ રીતે વાપરશે. (આજ લગીમાં તેના આપેલા માત્ર રૂ. ૨૫0, બસેં પચાસ જ છે.)
તા. ૧૫ મી – મને કુટંુબ બેને ખાવે પીવે હેરાન જ થવાનું થશે શું? મારામાં જોસ્સાઓ શા માટે મુક્યા હશે? મને ગ્રંથ લખવાનો ધંધો કેમ સરજીત? અને તે જે કાળે લોકમાં કદર નહિ તે કાળમાં? મનનું દુ:ખ બાહારગામ ફર્યા વગર મટવાનું નથી. ભાઉને મળ્યો; પ્રેમશૌર્ય ગાઈ બતાવ્યું ને તે ઘણા જ પ્રસન્ન થયા.
તા. ૧૬મી–સમયના બનાવ ઉપર જ આધાર છે–ઉદ્યોગની સિદ્ધિ નથી, સદ્ગુણી સિદ્ધિ નથી. નેળની ગાલ્લી નેળમાં નહિ રહે, મદદ મળશે કે ફાંફાં મારીને બેમાંથી એક પણ થશે જ.
તા. ૧૭ મી – હીરાચંદ કવિ આવેલા. તેણે વાતમાં કહ્યું કે, આજ કાલ ઉત્તર હિંદુસ્તાનમાં કોઈ સારો કવિ નથી. કચ્છના રાવે દલપતરામને બાર કોરી આપી હતી.
સ્થિતિ – ૧૮ મી – મનમાં વેદાંતજ્ઞાન ને પ્રપંચરણમાં જોદ્ધાપણું, એમ જે વર્તે તે જ જગતમાં ખરૂં સુખ ભોગવે.
માણસ ગમે તેટલો ઉદ્યમ કરે, વિદ્યાભ્યાસ કરે, ખુશામત કરે, તો પણ તેનું ધાર્યું તને ન જ મળે. માણસ ઘણા છળભેદ કરે છે, પણ કોઈક જ ફાવે છે, ને ફાવે છે તો તે નિભી શકતો નથી. સત્યવાદી સુખી છે, એમ પણ નથી; માણસનામાં કેટલીક ખાશીઅત પોતાની સ્થિતિ સુધારવાની છે, પણ તેથી જ તે સુધરે છે એમ નથી. જોગવાઈ ઉપર, પ્રારબ્ધ ઉપર કે ઇશ્વરની ઇચ્છા ઉપર આધાર રહે છે. બનાવ તથા હાલત માણસને ઢોરને તાબે રાખે છે. માણસ ધાર્યો ઉદ્યોગ ને ઢોર પ્રેરિત ઉદ્યોગ કરે છે : માણસ ભૂલે છે. ઢોર ભૂલતું નથી પણ સિદ્ધિનું કોઈને નક્કી નથી.
પશુ ઉપર આપણે હુકમ ચલાવીએ, પણ આપણા ઉપર બનાવ હાલત હુકમ ચલાવે છે. માણસે કાયદા કીધા છે તે ઠીક છે પણ તે માણસના જ છે. ઇશ્વરની સત્તા માનીએ તો જે માણસને છેક જ ગરીબીમાં મુક્યો તેનામાં ઉંચા જોસ્સા શા સારૂં મુક્યા? તે ઉંચી સ્થિતિમાં આવે તેને માટે કે તેને રીબાવાને? એમ તો તેનામાં દયા નથી, અજાણતાં તો તેનામાં જ્ઞાન નથી. દુનીઆમાં ફાવે છે કોનું? લુચ્ચાનું, બાકી સત્યને સદ્ગુણ એ બધા ઠાઠ છે, મનના માન્યાછે. કર્મનાં ફળ ક્યાં પામે છે?
શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ – રાતે આવ્યા મળવાને – ગિરધરલાલને ત્યાં મુકામ હતો ત્યાં ચૂનીલાલ મહેતાજીએ શાસ્ત્રીને પુછ્યું કે, નર્મદાશંકરની કવિતા સારી કે દલપતરામની.
શાસ્ત્રી – નર્મદના ઉત્તરના લોકને દલપતરામની ને નર્મદાના દક્ષિણનાને નર્મદાશંકરની.
નર્મદા0 – શાસ્ત્રી હું તો જાણું છું કે તમને તો દલપતરામની સારી લાગે છે.
શાસ્ત્રી – હા; તમારી મેં જૂજ વાંચી છે ને તેની મેં બહુ વાંચી છે.
નર્મદા0 – લોકની પ્રસન્નતા ઉપર કવિતાનું મુળ નથી. પણ લોકમાંના વિદ્વાન વર્ગના વિવેચન ઉપર છે. ગાગરીઆ ભટને પસંદ કરનારા
ઘણા હોય છે ને પુરાણીઓને થોડા, માટે શું પુરાણીઓ સારો નહિ?
કવિતાનું તોલ કરવાને ઉત્તમ કવિતા તે શું એ જાણવું, ને પછી તે ધોરણ પ્રમાણે બીજી કવિતાઓને તોલવી. ઉત્તમ કવિતામાં શું શું જોઈએ
શાસ્ત્રી – રસ, અલંકાર, સાહિત્ય, પિંગલ, વ્યાકરણ.
નર્મદા0 – જાણે ૧00 ગુણ ઉત્તમ કવિતાનો તો તેમાં રસને કેટલા ગુણ આપો?
શાસ્ત્રી – પચાસ, ને બાકીનાને સમભાગે. મહીપતરામ કહે છે કે, નર્મદાશંકર ગુજરાતી ભાષામાં નાગરની સારી કહે છે કે, કેમ તે નાગર છે.
નર્મદા0 – હું નાગર ભાષા સારી કહું છું તેનાં કારણો જોવાં, ને ખોટાં ઠરે તો હું પક્ષપાતી. મારાં સાચાં બોલવાને અભિમાન કહેવું એ મજાક છે.
તા. ૨૨મી નવેમ્બર સુરત આવ્યો.
પરાગજી વલ્લભરામ આવ્યા–લેખનશુદ્ધિના નિયમ કરતી વેળા કવિ દલપતરામ ડીપુટીઓથી જુદા મતના પડયા હતા, ને તેનું કોઈએ કબૂલ ન રાખ્યું તેથી તે ચિડાયા હતા. વળી ૧૮૫૯માં મુંબઈમાં ચાલેલી તકરારમાં માનભંગ થયું હતું એમ સમજેલા તેથી ચિડાયા હતા. એ બે કારણથી તેણે હીરાચંદને તમારે માટે લખવાને ઉશ્કેર્યા હતો. હોપે હીરાચંદને પાકશાસ્ત્ર રચવાનું કહ્યું હતું; તે તેણે રચી ભોગીલાલને દેખાડયું, એણે નાપાસ કર્યું. તેથી હીરાચંદે ચિડાઈ મિથ્યાભિમાનખંડન બનાવ્યું.
સ્થિતિ-તા. ૨૩મી – નવા ઘરની વાડીમાં –અરે હું આસાચા ગુલાબના ઝાડ જેવો છું. નિર્મલ છું, એ કાંટથી ભરપૂર છે તેમ હું ઉપાધિના કાટાંથી વિંટલાયલો છું. જ્ઞાની છું એટલે આધિ નથી અને મને વ્યાધિ પણ નથી. એના ઉપર ફુલ હોય ને તે શોભે તેવો હું જસ ને સ્વસ્થતારૂપી ફુલના મુગટથી ક્યારે શોભીશ? પણ આ જગતમાં કંઈ ઉપાય નથી. તું એની કેમ કાળજી રાખે છે? જ્ઞાની થાને, જ્ઞાનથી દુ:ખ વિસરૂં છું, પણ લાગે છે ઘણું, લાગવું એ સ્વાભાવિક છે. મારામાં સદ્ગુણ છે ત્યારે દ્રવ્ય વગેરેથી અડચણ શા માટે? શું તારામાં ને બીજામાં નથી? માણસ માત્રને સારી ને માઠી બંને હાલત હોય છે. એ સઘળું ખરૂં, પણ સદ્ગુણથી થનારા આનંદ, તેને ઝીલનારી જે સ્થિતિ તે નથી, તેથી સ્વાભાવિક દુ:ખ થાય છે. અભિમાન નથી પણ આનંદને ઝીલનાર હાલત નથી તેનો બળાપો છે.
સ્થિતિ–તા. ૨૩મી ડીસેમ્બર – પૈસાની તંગી કેટલી મને લાગે છે? જરૂર જેટલી માટે પણ તંગી? એવા એવા ખ્યાલો આવ્યાં કીધા.
૧૮૬૬ના સપટેમ્બરની ૨૩મીથી તે ડિસેમ્બર આખર સૂધી.
અવકાશતરંગ – ૪, ૫, ૬,૭,૧0 કરસનદાસ માધવદાસ–૨
પ્રેમચંદ–૩ ભાઉદાજી–૨
લખમીદાસ ખીમજી–૮ વીરચંદ–૩
વ્રજલાલ કાળીદાસ–૯ સ્થિતિ–૧,૨,૩,૪,૭,૮,૯,૧0,૧૧
હાંસજી–૭ હીરાચંદ કાનજી–૧, ૧0
૧૮૬૭ જાનેવારી ૧ લી
તરંગ–૧ જંગલી જોસ્સો તે લસ્ટ; સંભોગ-ઈચ્છા ને સમજ સાથે જોસ્સો તે પ્રીતિ–લવ.
૨. માયાનો ઉતારો માયા છે.
૩. મેં કેપની નિંદા કીધી છે તે વ્યસનીઓને માટે, પ્રસંગે કેફ કીધો ને તે જીરવાયો તો હરકત નથી. હજી લગી મને ફરીઆદ કરવાનું કારણ મળ્યું નથી. મને તો મજોજ પડી છે. વસ્તુ ઉપર આધાર નથી, વાપરનાર ઉપર છે.
૪. સ્વપ્નમાં, નિશામાં, ઉંડા વિચારમાં, ઉભરામાં પછી દલગીરીમાં, ધ્યાનમાં ચિત્રના રંગની જે તેજી ને ભભક તેવી બીજી વેળા ક્વચિત્ જ.
૫. જગતમાં પ્રેમદેવ ને પ્રેમરાક્ષસો છે. હું પ્રેમદેવનો ભક્ત છું. પ્રેમના ઉપાસક આફતમાં આવી પડે છે. કોઈ કમોતે મરે છે. ઘણાક હેરાન થાય છે, તો પણ તેઓ સાચા ભગત દાખલ મનાય છે. પ્રેમરાક્ષસના ભગત સુખ પામે છે પણ તેને કોઈ સંભારતું નથી અથવા તેનું નામ સાંભળી ધિક્કારે છે.
સ્થિતિ – તા. ૧૬મીએ મુંબઈ ગયો. ભાઉના કહેવાથી હંસરાજને તા. ૨૨ મીએ કાગળ લખ્યો, પણ ત્યાંથી ના આવી. એ જ તારીખે ડા. વિલસનને મળ્યો, ને કરનલ બાર ઉપર ભલામણ માગી. તેણે કહ્યું કે તે સંકોચિત મનનો છે, પણ હું વળી એવી રીતે લખીશ કે ગાયકવાડ કંઈ કરે; તમારે માટે તો તે મંજૂર રાખે – પછી મેં તેમ લખાવ્યું. ફરીથી વિલસન પાસે ગયો જ નહિ.
તા. ૨૪મીએ સુરત આવ્યો – દુલભરામે આપેલી રકમ પાછી માગી તેથી પાછો ગભરાટમાં પડયો. વિજયાશંકર મર્યાદા બાર જાય છે એવું ઘણુંક સાંભળ્યું.
મેવાડ વડોદરે જવાનો બુટ્ટો; નાણા વના જવાય નહિ તે વિચાર; ઘર સંબંધી કલહ;– થવાનું હશે તે જ થશે.
તા. ૧૯ મી ફેબરવારીથી તે ૨૪ લગી મુંબઈમાં.
તા. ૨૨ મીએ જામનગરના બંગાળી સ્વામીને મળ્યો.
તા. ૧ લી માર્ચ ૧૯૨૩ મહાવદ ૧0 શુક્ર, નાણાના ગભરાટમાં એકેક ગ્રંથ લખવાનું મન થાય સુધારા ઉપર, પ્રીતિબળની વાત લખવા ઉપર. કંઈ બને નહીં. વિક્રમે શક ઉપર જીત મેળવી તેનું કાવ્ય કરવાનું મન થયું.
તા. માર્ચ ૧0 મી – પરમાર આલમભાઈ બડામીઆ રહેવાસી કસબે રાણપોર પરગણે ધંધુકા જિલ્લા અમદાવાદ, મને મળવા આવ્યા. બોલ્યા કે અમે મુંબઈ જોયું, પૈસા, કારખાનાં જોયાં, વિદ્વાનો જોયા, પણ માણસાઈ ન દીઠી. તમારી રીતભાત ઘણી જ સારી છે. પછી મેં કવિતા વાંચી હતી, તેઓ ખુશ થયા ને તેઓ તલવાર મોકલવાના છે.
તા. ૧૫ મીએ વડોદરે ગયો નરભેરામ મનસુખરામને માટે; તે ન મળ્યા; ૧૬મીએ વાસદ – ત્યાંથી વડોદરે પાછો, ત્યાંથી મેમદાવાદ–આગગાડીમાં કાજી શાબુદીનને મળ્યો ને ઉપરથી વાતો કરી, પણ મેં જરાએ રાજમાં નોકરી લેવાની ખાએશ જણાવી નહિ. આણંદના ઝવેરભાઈને દીઠા. પછી વિશ્વનાથ (મેવાડા બ્રાહ્મણ) ઇન્સ્પેક્ટરને ત્યાં મુકામ રાખ્યો. નરભેરામને મળી નર્મકવિતા માટે વાત કરી.
તા. ૨૪મી માર્ચથી તે ૨ જી એપ્રિલ સુધી મુંબઈમાં – નર્મકવિતા બંધાયલી નોતી.
સને ૧૮૬૫ની પહેલી જુલાઈથી સુરતમાં રેવા માંડયું. પછી ઘર બંધાવ્યું તે તૈયાર થયું ૧૮૬૬ના સપટેંબરમાં. કવિતાઓ લખી ગદ્ય લખ્યું–હકીકત મેવાડની, સુરતની.
નાણા સંબંધી પરાકાષ્ટાનો ગભરાટ
જ્ઞાતિ સાથે ટંટો
ઘરનાં માણસોની ઉચ્છ્ખલ વર્ત્તણુંક
તબીએત સારી નહિ
નાનાભાઈ છાપનારની ઉતાવળ નાણાંને માટે
તા. ૧૯ એપરીલથી તે ૧૫મી જુલાઈ લગીમાં એક સર્ગ વિરસિંહનો લખ્યો.
તા. ૨૩મીએ મિ. હોપને મળ્યો. કવિતા, ગદ્યનાં પુસ્તક ને દયારામકૃત એ બક્ષીસ આપ્યાં. પોતાની લૈબ્રેરી દેખાડી. મેં જણાવ્યું કે ‘મુંબઈમાં મારા તવંગર દોસ્ત પડી ભાંગવાથી પુસ્તકની છપાઈનો ખરચ મારે માથે પડયો છે, ને હું કરજમાં છું ને સરકારી જૂજ ને તુટેલ મળે છે–માટે તમે દેશી રાજાઓને લખો કે તેઓ મારાં પુસ્તક ખરીદ કરે–કે જેથી હું મારો કોષ પૂરો કરવાને શકિતમાન્ થાઉં.’ તેણે કહ્યું કે, ‘હું સર એલેકજાંડર ગ્રાંટને લખીશ કે તે આગળથી થોડુંક નાણું આપે; વળી હું પોલીટીકલ એજંટ એંડરસનને લખીશ. તે દરેક રાજા પાસે નકલ લેવડાવશે. ભાવનગરના ઠાકોરને લખીશ.’ ગોપાળજી સુરભાઈને કહ્યું કે ‘હું આ બક્ષીસ કબૂલ કરું છું પણ હું જે આપીશ તે તમારે કબુલ કરવું પડશે.’ મેં કહ્યું કે ‘બહુ સારૂં.’ (આપવું વિસરી જ ગયા છે).
તા. ૫મી સપ્ટેંબરે તેને ત્યાં મળેલી મંડળીમાં ગયો હતો. કવિતા વાંચવાનું કહેવડાવ્યું. મેં જવાબ દીધો કે ઠાંસો થયો છે તેથી નહીં વંચાય. પછી તેણે કહ્યું કે મેં ગ્રાંટને લખ્યું છે પણ તેનો જવાબ આવ્યો નથી.
તા. ૮મી સપ્ટેંબર ૩૫ મું વરસ બેઠું–૩૪ પૂરાં થયાં.
૭ મી નવેંમ્બર ૧૮૬૭-૧૯૨૪ ના કારતગ શુદ.
સ્થિતિ–રોજ વિચાર કે આટોપીને જવું. બંને ઘર ગીરો મુકતાં પણ કોઈ પાંચ હજાર ન આપે. વેચી નાંખવા એ અતિ સાહસ થાય ને વેચતાં દશ હજારનું દેવું શું વળે? હવે કંઈ જવું તો ખરૂં; બેસી રહે શું? ઘરમાં ખરચી આપવા જોઈએ – તબીએત તો છેક બગડી ગઈ છે. મુંબઈ જઈ વિચાર કરવો–પછી સુરત આવવું કે નહિ–કેસરિયાં કરવાની વાત પછી.
૧૨ મી નવેંબરે મુંબઈ ગયો.
મુંબઈના લોક કહે છે કે મુંબઈ આવી રહો–સઘળું સારૂં થશે.
તરંગ ધર્મજ્ઞાન–જડવાડી છઉં. આXિટ્વ પાવર (?) (Active Power)ને માનતો નથી. ઇશ્વરનો જવાબદાર છું એમ નથી માનતો. પણ અંત:કરણ દુખાય ને કોઈ વાતનો પસ્તાવો થાય તેથી ડરૂં છું, માટે એનો જવાબદાર છંુ. જડવાદી પણ ચૈતનવાદીના રસનો ભોક્તા છું.
૨0મી નવેંબરે ઉદેપુર જવા નિકળ્યો. ૧૭મી ડિસેંબર પાછો સુરત આવ્યો.
સ્થિતિ – જ્યાં એવો વખત છે કે હકીકત લખવાની ચાલ નથી; જ્યાં લોક ભણેલાં નથી, તે સુઘડ રીતિમાં ઉછર્યાં નથી; જ્યાં સત્ય, નિર્મળ અંત:કરણ, ને જાહેર હિંમત નથી પણ જુઠાણું, મેલાઈ, બાયલાપણું છે, ટુંકામાં જ્યાં સઘળી રીતની થોડી ઘણી કાળાસાઈ ત્યાં કોઈ પણ રીતની ઉજળાશ નિંદાવાની જ. કેટલાક કહે છે કે હવેનો જમાનો ખરૂં ખોટું સમજશે, પણ હું ખરૂં કહું છું કે માણસના દરેક કામમાં છાનું છે ને દુનિયામાં ઘણી વાતો બને છે તે જાહેરમાં આવતી નથી.
જેવો મારો સ્વભાવ ને તેને પુષ્ટિ કરતો યોગ આવેલો, તેવાં મેં કર્મં કીધાં છે. એ કર્મ મારી આસપાસના ઘણાકથી જૂદાં છે પણ તે ઉજળાં છે. મારાં ઉજળાં તે મારી લાગણીથી મને લાગે છે એમ નથી. પણ શાસ્ત્રીય રીતના કારણ પ્રમાણે ને ઘણાના અનુભવ સાથે મેળવતાં. મારી ગફલત આવી કહેવાય; મેં કેટલાકને દયાભાવથી તેઓ કાલે સુધરશે એ બુદ્ધિથી મેં તેમને પોતાના ગણ્યા, ને તે પણ તપાસ કરીને. પણ નીચ તુકમ તે પ્રસંગ જણાય. કેટલીક વાત મેં મારા મિત્રોને કહેલી. તે મિત્રોને કોઈએ અણસમજથી, કોઈએ એ રીતે મઝા જોવાને જાહેર કરેલી. ખરેખર મારા જેવા કુલીન, સાચા, ગૃહસ્થાઈ પાળનારા, નીતિમાન થોડાક જ છે, ને એ અંતર પ્રતીતિએ હું સંતોષથી મરીશ.
૧. જેને ભાઈ જાણી, છોકરા જાણી ખવાડી ભણાવેલા તેઓ નિંદા કરતા થયા.
૨. જેઓના સ્વાર્થ ન સધાયા તેઓએ, કેટલાકે ગેરસમજુતીથી, કેટલાક તે લોકના ભમાવ્યાથી, કેટલાક પોતે દુ:ખમાં આવ્યા છતાં ખોટા તર્કથી કે તે ફલાણાએ જ કીધું તે મારા દુશ્મન થયેલા.
૩. નાતના લોક ઉપર હું કંઈ જ દોષ મુકતો નથી. તેઓનાં વખાણ કરૂં છું. દોષ સંબંધીઓનો ને મિત્રોને જ કહું છું.
એઓની નિંદાનો જવાબ દેવો, કીધેલા ઉપકાર કહી દેખાડવા, એ મારૂં ઉચાપણું નથી; જેને મેં ઉપકાર કરેલા, જે મારા મિત્ર કહેવાયા તેઓ વિષે હું નઠારું બોલું જ કેમ? ભલે તે કુલીનતા છોડી નિંદા કરો. દુનિયામાં સાચવટ શું જણાય?
દુશ્મનની નિંદાથી બળવાનું ને ખરી વાત દુનિયાને કહેવાય નહિ તેથી બળવાનું, પણ એ ઠેકાણે ધીરજ મોંધી વસ્તુ છે. પશ્ચાત્તાપ થાય તેવું મેં કર્યું નથી. શત્રુનું ભુંડું ઇચ્છ્યુ નથી એ સંતોષ, અને શત્રુ ઘાવ કરવા આવે છે ને હું સામો નથી થતો તોપણ તે ફાવતા નથી, એ નસીબે હું પ્રસન્ન રહું છું.
૧૮૬૮ જાનેવારી ૧૮, ૧૯, ૨0,૨૧,૨૨, તાવથી ઘણો જ હેરાન હતો.
ફેબરવારી ૧૯મીએ મુંબઈ ગયો ને ૨૩ મીએ પાછો સુરત આવ્યો. મેની બીજીએ મુંબઈ ગયો ને ૨૨ મીએ પાછો આવ્યો. નાનાભાઈને ત્યાં નર્મકવિતાના ૧૧૮0 રૂપીઆ આવેલા; ૧૫0)નકલ ઘેર આણી. મથુરાદાસ લવજીએ ગુજરાતીઓની સ્થિતિના નિબંધની છપાઈના રૂ. ૧00) આપ્યા.
મેની ૨૯ મીએ નર્મકવિતા પુ. ૨ અં. ૧લો પ્રસિદ્ધ કીધો.
આગસ્ટ ૨૨ મી – સ્ત્રીકેળવણીનો નિબંધ ઈનામને લાયક ન ઠર્યો.
આગસ્ટની ૧૧ મીએ નર્મકોશ પૂરો કર્યો. ૧૯૨૪ શ્રાવણ વદ ૮ ભોમે.
નવેંબર ૨૧-૧૯૨૫ માગસર સુદ ૭–નાતમાં પાછો દાખલ થયો.
ડીસેંબર ૧૩–મંછુને ત્યાં જમી આવ્યો–નાતનો ટંટો પતાવ્યો. નાતબાર મુકાયલો તે ૧૮૬૬ ના આગસ્ટની ૧૯ મીએ.
સને ૧૮૬૭ થી ૧૮૬૮
તરંગ–૧૨,૧૪ સ્થિતિ-૧૨, ૧૩, ૧૪
પરમાર આલમભાઈ–૧૩ મિ. હોપ–૧૩
મથુરાદાસ લવજી–૧૫ જ્ઞાતિ–૧૩, ૧૫
૧૮૬૬-૬૭-૬૮ એ ત્રણ વર્ષમાં ઉપાધિ નાણાંનો દેવું વાળવાનો, નવું કરવાનો, ચોપડી છપાવવા સંબંધી, ઘર ચલાવવા સંબંધી, નવું ઘર બંધાવ્યું તે સંબંધી, વ્યાધિ-શરીરે, ઉધરસનો રોગ, ગોડગુમડાં, તાવ-તાવ ઉધરસ છ મહીના ચાલ્યાં.