તા. ૨૨ ડિસેંબર ૧૮૮૧
તમે મને કહી જણાવ્યું કે વર્ષ બે વર્ષ સુધી હું તમારા વિના ઘરના કોઈના સાથમાં રહેવાને ઈચ્છતો નથી.
૨૬ મીએ – ટંટો થયા પછી, તા. ૮ મી જાનેવારીએ તમે જણાવ્યું કે મારૂં રહેવાનું મુંબઈમાં કરવાનો વિચાર કરવો, નહિતર છ માસની રજા આપશો. એ રજાનો વખત કન્યાળી કે મુંબઈ કે સુરત કાઢીશ.
ફેબરવારીમાં તમે લખ્યું કે મને મુંબઈ બોલાવી લો કે ડા. ને તેડાવી લો.
ફાગણ સુદ ૨ જે મુંબઈ આવ્યા ત્યારે ચારેક દહાડા રહી પાછા સુરત ગયા.
તા. ૧૫ માર્ચે મારા લખવાથી ડા.એ તેઓને રજા આપી. પણ તે પોતાની કોટડીમાં રહેતા.
વૈશાખ વદ 0|| એ ઘર બંધ થયા પછી સૂરતમાં આવ્યા.
આષાઢ શુદ તેરસે કન્યાળી ગયા તે આશો વદ ૮એ સૂરત આવ્યા.
કારતક વદ ૧ એ મુંબઈ આવ્યા.
તા. ૧0 જાનેવારી ૧૮૮૩, ૧૯૩૯ પોષ સુદ ૧ વાર બુધે.
રામશંકરની સાથે વાત કરી ને તેણે જણાવ્યું કે હું હાલ મુંબઈ રહેવાને ઈછું છું, પણ જુદો રહેવાને ઈછું છું ને વાલકેશ્વર રહેવાને ઈછું છું.
મેં કહ્યું કે હું ત્રણ મહિના સુધી દર મહિને રૂ. પાંચ આપીશ ને તમારે હું જે લખવાનું આપું તે લખવું ને બીજા જોઈતા રૂપીઆને માટે તમારે બીજા કોઈ મિત્રો પાસે લેવા. પાંચથી વધારે હાલમાં મારાથી અપાશે નહિ. અહીં વપરાતું વાસણ જોઈયે તો લેઈ જજો ઘર માંડવાને.૧
રામશંકરે પોતાની ભ્રમણામાંથી ખસવાને ચિઠ્ઠી નાખી નક્કી કર્યું કે દ્વારકે જવાનું માંડી વાળી મુંબઈમાં રહેવાનું નક્કી કીધંુ. એ ઉપરથી મેં – પાસે ખટપટ કરાવી તા. ૧ લી માર્ચથી વિદ્યાલયમાં નોકરી અપાવી. પછી હોળીની રજામાં મને ન જણાવતાં રાજીનામું આપી – ત્યાંથી વળી પાછા આવ્યા. પછી વળી ગામ ગયા. ને વળી મુંબઈ આવ્યા. એને મેં તા. ૪ થી અપરેલે કહ્યું કે હું તમારી ભ્રમણાથી કંટાળેલો છું હવે તમારે મારા ઉપરથી મોહ ખસેડી, મને મુવો જાણી મારી પાસેથી દૂર રોહ. સ્થિરચિત્ત થયે ફરી મળવું હોય તો મળજો. તેણે કહ્યું કે ત્રણેક વર્ષે હું સંન્યાસીઓના સહવાસમાં જ રહેવાનું નક્કી રાખીશ. મેં કહ્યું હવે મને તમારે કંઈ પૂછવું નહિ.
એટલું છતાં તે હજી ઘર છોડતો નથી. તા. ૧૬ મીએ – રામનવમીએ સવારે તેણે મને કહ્યું કે મારાથી એક અપરાધ થયો છે. તે કહી દેઉં છું. તમારી ઈછા કે કે છોટુલાલા સાથે કંઈ પણ કાગળપત્ર લખવા નહિ તે છતાં મેં મહિના બેએક ઉપર એક કાગળ લખ્યો છે ને તેમાં લખ્યું છે કે સ. બેએક વર્ષમાં પોતાની હતી તે સ્થિતિમાં આવશે – તમારા સંબંધમાં રહેનાર નથી. મેં પૂછ્યું કેવી સ્થિતિમાં? ત્યારે કહે કે આપણા ઘરમાં. મેં કહ્યું તમે શા ઉપરથી લખ્યું? તમે સ.ને મળ્યા હતા? ત્યારે કહે કે મારા તર્ક ઉપરથી મારાથી લખાયું હતું. મેં કહ્યું, ખોટું કીધું.
તા. ૩0મી અપરેલ ૧૮૮૩, ચૈત્ર વદ ૮ સોમવારે સવારે તે પોતાને ગામ ગયા. પાંચ રૂપીઆ આપ્યા છે. તેણે લેવાની ના કહી પણ મેં કહ્યું કે તમારે કહીયે તે કરવું. પછી લીધા હતા.
તા. ૩ જી જુન ૧૮૮૩ એ સુરતથી કાગળ મોકલેલો તેના કવર પર લખેલું ‘જે વાત મેં મારો અપ્રાધ ગણી માફી માગી હતી તે વાત સુરતમાં બહાર પડી છે.’
એ શિવરાત્રિની રાતે રામશંકરની મૂર્ખાઈ, છોટુ ને સ. એની મૂર્ખાઈ ને ઝંખના (‘વિચાર’ છેકીને સ.) ઉંઘમાં આવ્યા કીધા હાત. એક વાગ્યા સુધી.
તા. ૨૧ અકટોબર ૧૮૮૪, સંવત ૧૯૪૧ કારતક સુદ ૩ વા. ભોમે.
રામશંકરે કહ્યું કે જો વ્યવહાર કામ કરવાનો નિશ્ચય થશે તો તે હું સ્વતંત્ર ઉદ્યોગે કરીશ, રહીશ અને તેવું કામ મળતાં લગી જો મને જરૂર પડશે તો હું તમારો આસરો (દ્રવ્ય સંબંધી) માંગીશ.
ઘરના સ્ત્રીજન વિષે એનો બહુ જ માઠો વિચાર છે ને તેને માટે મારે માટે પણ કંઈ ખરો આવી રીતનો – હું યથાધર્મ વર્તતો નથી અથવા તેમ વર્તવાને નિર્બળ છું.