નિયમે કર્મ કરી શક્યો નથી. સાંબ તથા સરસ્વતીનું સ્મરણ થયાં કીધું છે. દેવી ભાગવત બીજી વાર ઉપર ઉપરથી જોઈ ગયો. ભાગ્ય, ધર્મ, ગુણ, આચાર ઇત્યાદિ પ્રકરણ સતેજ થયાં. કોઈ કોઈ વાર મહાલક્ષ્મીનાં દર્શન કીધાં છે. સરસ્વતીએ અડી વેળા સાચવી છે. વસંતોચ્છવ – લચ્છીરામે હોરીઓ સંભળાવી-પહોર નિરાશ થઈ ગયેલો તેથી આ વખતે રૂ.૧) આપ્યો. એટલો જ ઘરમાં હતો. તે સુભદ્રાનું મન દુખવી આપી દીધો. માળા જપમાં હવે દિવસ સારા આવશે એમ થયાં કરતું. રામનવમી-‘સીતાપતયે નમ:’ એણે એક માળા જપી. ઇચ્છું છું કે મારો દક્ષસ્નેહ સબલ રહો, ને મારી ત્રણેમાં સીતાનો અંશ વધો. ત્રણે પોતપોતાને સ્નેહે મને જોઈ પોતપોતાને ધર્મે રહો. હાટકેશ્વરના ઓચ્છવના દહાડે ‘શ્રી સાંબ હાટકેશ્વરાય નમ:’ એ મંત્રે માળા જપી કુલદેવને નૈવેદ્ય કરી જમ્યો હતો.
આટલા ઓચ્છવ પાળવા–ચૈત્ર શુદ ૧-૯-૧૪; વૈશાખ શુદ ૩; જેઠ શુદ ૧0, આષાડ શુદ ૭, શ્રાવણ શુદ ૧૪ ને વદા ૮; ભાદરવા શુદ ૧૨; આશો શુદ ૧0, ને વદ ૧૩-૧૪-૩0; કારતક સુદ ૧-૧૫; પોષમાં મકર સંક્રાંત, મહામાં વસંતપંચમી; ફાગણ શુદ ૧૪-૧૫.
હજામત-રવિ, સોમ, મંગળ ગુરુએ ન કરાવવી, બુધ કે શુક્રે કરાવવી; તિથિપરત્વે આઠેમ, તેરસ, ચૌદશ; પુનેમ, અમાસે નહિ. વળી પર્વણી ને પિતૃતિથિયે નહીં.
સ્ત્રીસમાગમ રાત્રિયે જ રાખવો. કેટલા દિવસ વર્જ કરવાના છે તે જાણી લેવા.
સંવત ૧૯૩૬, સન ૧૮૮0 મુંબઈમાં કા.શુ. નોમ-બપોરે સ્વપ્ન દેવીનું દર્શન.
અગિયારસ-મહાલક્ષ્મીનાં દર્શન કરી આવ્યો; તે રાતે ગાયત્રી સહસ્રનો પાઠ ત્રણ વાંચ્યો ને ‘ઓમ્ શ્રી મહાસરસ્વત્યૈ નમ:’ એ મંત્રે ૩ માળા જપી. પૂનેમ-સંધ્યા સમે દેવને કપૂર દીપ થયો હતો તેનું હું બહારથી દર્શન કરતો હતો, તેવામાં ઘરવાળાએ ભાડાની ઉઘરાણી કીધી. મેં કહ્યું કે તમારો દોષ નથી. પણ મારૂં નઠારૂં ભાગ્ય કે ઈશ્વરસ્મરણ કરૂં છું તે વેળા તમારૂં આવવું થયું છે.
વદ બીજ સ્વપ્નમાં અગ્નિશકિત મહામાયાની સ્તુતિ કીધી. પાણી ને અગ્નિ દીઠામાં આવેલાં.
દશેમ બપોરે સ્વપ્ન: – ધોળી ગાયો દોડે ને ભુસકા મારે. રાતે સ્વપ્ન. પરીમાતાનાં દર્શન કીધાં.
વદ અગીઆરસ રાતે સ્વપ્ન-જલદર્શન. ભીની ગોદડી એક છેડે હું ને બીજે છેડે કોઈ શકિત. તે અલોપ થઈ ગઈ ને હું ઉદાસ.
મા. શુ. ૧0-મહાલક્ષ્મીનાં દર્શન કરી સતેજ થયો. ૧૧-તાબુતને દહાડે બાબુલનાથ જઈ બ્રહ્મજ્ઞાનના વિચાર ને સરસ્વતીનો જપ. પણ સમુદ્ર કીનારેથી જતાં બે વાર રેતીમાં હાથ ઘાલ્યો હતો, પારસની ઘેલછામાં. પૂનમ-ગ્રહણ વેળા દેવી ભાગવતનો બારમો સ્કંધ પહેલેથી તે ગાયત્રી સહસ્રનામના અધ્યાય લગી યથાસ્થિત વાંચ્યો. પછી નાહીને દૂધ પૌંઆ ખાધા હતા.
પોષ સંક્રાંતિ-‘ઓમ્ સંક્રમણશરણ્યૈ નમ:’ એક માળા; ઓમ નમો મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યૈ નમ: – ભણી હવે તો બંધનથી મુક્ત કર. મારી સ્થિતિનું શુભ સંક્રમણ કર. દશેમ-પિતાની સમચરીએ ભાવથી બ્રાહ્મણ જમાડયા.
માઘ-સરસ્વતી સારાં વાનાં જ કરશે- બંધનથી મુક્ત કરશે જ. શું. ૭ ઇષ્ટદૈવત જ વિશ્વાસ તે દૃઢ નહિ. જો હું મથન કરૂં તો ધૈર્ય ઓછું. તરતની મુઝવણમાં અનેક સંબંધીજનને સંતોષવાને, વચન મિથ્યા જતું ન કરવાને ફાંફાં મારવાં. વળે કંઈ નહિ, કોઈ ગાંઠે નહિ, જીવને વધારે દુ:ખ કરવું, એમાં શો લાભ? ધીર ધર, સમયે સૂઝ તે કર, સ્વારથીઆ શઠ કહેશે પણ તું શઠ નથી. જ્ઞાને અભ્યાસે કઠિણ થા ને સ્વભાવે કોમળ દયાવાન્ પરોપકારી છે તેવો જ રહે.
ફાગણ શુદ-૧૩-પ્રદોષ સુરતમાં કીધો. અશ્વિનીકુમાર સુરતમાં નાઈ આવી મહાસરસ્વતી ને સાંબશિવનું સ્મરણ કીધું. નિત્યકર્મ કારતકથી ફાગણ સુદ ૧૧ લગી ચાલ્યું હતું. વદ ૭ – પ્રભુ હું કેટલાંનો ઓશીઆળો? બંધનથી ક્યારે છોડાવશે? સરસ્વતીની કૃપા છે, પણ પૂર્વ કર્મ નડે છે.
ચૈત્ર શુદ ૧૫– ગઈ રાતે સ્વપ્ન-તેમાં અડી વેંળાએ રૂ. ૫00) મળ્યા એ શું સૂચવે છે દેવી! કે તારૂં કામ અટકશે નહિ. ધીરજનું ભાગ્ય ઉપર પ્રસાદનું બળ છે, એ પ્રતીતિ થાઓ. રાતે મહાલક્ષ્મીનાં દર્શન કરી આવ્યો.
વદ૭-સ્વપ્નમાં, તમોગુણે હે સરસ્વતી! હવે તો ઉઠ, બંધન કાપ ઇત્યાદિ.
વૈશાખ સુદ ૩-સુરત આવી પાઠ ઓચ્છ્વ કીધો. સંહિતાના પાંચ વર્ગ ને લક્ષ્મીસૂક્ત એ વાંચ્યાં ને ઈચ્છયું કે યથાર્થ સમજ વેદની સુરતમાં મને થાઓ. તાપીનાં દર્શન કીધાં. ચંડીપાઠમાંથી સ્તુતિઓ વાંચી.
વદ પાંચમ-છોકરાને જનોઈ દીધું.
[પછી ગૃહતંત્રના વિચારમાં એ વ્યવહારતંત્રની વ્યવસ્થા કરવામાં બાકીનું વર્ષ ગયું. પછી આશો વદ0)) આ પ્રમાણે લખ્યું :- ક્યારે ?ણમુક્ત થાઉંને ઓચ્છવ કરૂં? વળી તેં ઇચ્છા કરી? દિશાશૂન્ય છે તો જે સુઝે તે કરજે. પણ શમ દમ ક્ષાંતિ જ્ઞાનવિજ્ઞાનના વિચારમાં રહે; દંડનો વિચાર અપવિત્ર તથા ઐશ્વર્યના મદવાળાને માટે રાખવો. (તમોગુણ ન રાખતાં ધર્મ રાખી દંડ કરવો). દેહાત્મવાદીની, નિર્ધનની દુર્ગુણીની, વિલાસિની, એવા નરની દયા ખાવી. બોધિત થવું ને કરવું એ આનંદ લેવો.]
[દષ્ટ દૈવત! દુર્જનની સંગતિથી દૂર રાખજે કે મનમાં નઠારા વિચાર ન આવે. માગવું શું કરવા? માગવું તો ઈશની પાસે. રજોજ્ઞાને ટાઢો પડયો છે પણ વેળાએ વેળાએ ઉપડે છે સ્થિતિપરત્વે, ભાગ્ય પ્રભુની સત્તામાં છે. સત્ત્વ ગુણની વૃદ્ધિ-બ્રહ્મજ્ઞાનથી, મન જિતવાથી, દેહકષ્ટ કરવાથી, વડીલસેવાથી, ધર્મયુદ્ધથી, પશ્ચાત્તાપથી, ત્યાગથી, આસુરી જીવનો વખત ઘણીવાર જડ રહેથી, ઘેલછામાં રહેથી, વ્યાધિયે પીડાયાથી, યુદ્ધમાં મચેથી મુકાય છે.]