વિરામ ૯

કીર્તિનો મધ્યાહ્ન – ૧૮૬૧-૬૪

૧. સને ૧૮૬૧ ની ૩ જી મારચે, ૧૯૧૭ના માહા વદ ૭ મે મારો બાળમિત્ર પરભુરામ અહીં સુરતમાં મારાં ઘરમાં મરી ગયો. સાચવટ ને સ્વતંત્રતા એ બે સદ્ગુણવાળા એ મારા જોડિયાનાં મરણનું દુ:ખ થોડા દાહાડા મને ઘણું લાગ્યું હતું.

૨. અપરેલની શરૂઆતમાં મારે બે કુળવંતી સ્ત્રીસાથે સ્નેહ બંધાયો.

૩. ૧૩ મી અપરેલે ભાઈ મહિપતરામ વિલાતથી પાછા મુંબઈ આવ્યા. એઓને તેડી આણવાને હું સામો બંદર ઉપર ગયો હતો. એઓને ઉતારો આપવાને ધીરજલાલ વકીલનું ઘર આગળથી મુકરર કરી રાખવામાં આવ્યું હતું, તે ઉપરથી તેઓ ત્યાં ઉતર્યા હતા.

૪. જ્યારથી મહિપતરામ વિલાત ગયા ત્યારથી બુદ્ધિવર્ધક સભાના આગલા પ્રમુખ ગંગાદાસ કીશોરદાસ મને રોજ સતાવ્યા કરતા કે તમે મહિપતરામ સાથે જમવાનો વહેવાર રાખો તો જ તમારી જાહેર હિંમત ખરી, ને તમે નાગરાઓ લુચ્ચા છો. હું કહેતો કે મારા એકલાના જમવાથી આખી ન્યાત જમવાની નથી; ને હમારે બંનેને ન્યાત બ્હાર રહેવું પડશે; ને તે કરતાં મહિપતરામના જે નાગર મિત્રોએ કાગળ લખી સાથે જમવાનું વચન આપ્યું છે તેઓ જમશે તો હું પણ જમીશ; ને જ્યારે સુધારાવાવાઓનો આખરે વિચાર જાતિભેદ તોડવાનો છે ત્યારે તમે હમે સહુએ સાથે કેમ ન જમવુંઋ જારે ભાઈ કરસનદાસ મુળજી વિલાતથી આવ્યા ને ગંગાદાસનો તેની સાથે જમવાનો વખત આવ્યો ત્યારે તે બહુ ગભરાયા; ને આખરે ન જમ્યા! ‘આપકી તો લાપસી, ને પરાઈ તે કુસકી’ વળી મારો ઘણા કાળનો એ જ વિચાર કે ન્યાત બ્હાર રહેવું ત્યારે પછી કોઈ પણ ન્યાતિ સાથે જમવું. એ જોસ્સો અને ગંગાદાસનાં નિત્યના બોલવાથી લાગેલો ગુસ્સો એ બેથી ઉશ્કેરાઈને મેં તા. ૧૫મીએ આકાશવાણી એ નામનું હેંડબીલ છપાવી ડા. ભાઉને ત્હાં, જ્હાં ભાઈ મહિપતરામને મળવાને સહુ એકઠા થયા ત્હાં વ્હેંચ્યું. (આકાશવાણીને સારૂ જોવું નર્મગદ્ય પાનું ૪૨૯મું.)

એક વખત મી. હાવર્ડે મારા મિત્ર બાલાજી પાંડુરંગ સાથે કહેવાડયું હતું કે ‘નર્મદાશંકર મહિપતરામને કેમ મદદ નથી કરતાઋ’ મેં કહેવાડયું હતું કે ‘સઘળી મદદ કરવાને તૈયાર છઉં ને સાથે જમવાને માટે મારો વિચાર એ છે કે જો બીજા ચાર મિત્રો જમે તો પાંચમો હું તૈયાર છઉં.’

૫. એ વરસમાં હું જરતોસ્તી છોકરીઓની નિશાળમાં રૂ. ૨૫ને પગારે મારા શિષ્ય ગણપતરામ હેમજીની મારફતે એક કલ્લાક કવિતા ગાતાં શિખવતો. સહુ મળીને એ નિશાળમાં બે વરસ ને એક મહીનો કામ કર્યું – ૧ લી ડીસેમ્બર ૧૮૬0 થી ૩૧ ડીસેમ્બર ૧૮૬૨ સુધી. તેમ મી. સ્ટનર્સ ને મી. હોબાર્ટ એ બે વેપારીઓને પણ અઠવાડીયામાં બે વાર રૂ ૫0 ને પગારે ગુજરાતી શિખવવા જતો; વળી બે ત્રણ શ્રીમંત પારસી ગૃહસ્થોને ત્હાં પણ જતો.

૬. એ વરસમાં કે આવતાં વરસમાં (બરાબર સાંભરતું નથી) મેં વાલકેશ્વરમાં ગોકળદાસ તેજપાળને બંગલે એક રાતે હરદાસની કથા કરી હતી ને મને તેઓએ રૂ. ૫0) આપ્યા હતાં.

૭. એ વરસમાં હું દરરોજ એક કલ્લાક ગાયન શિખતો.

૮. એ વરસમાં મેં ‘કવિ કવિતા’ અંક ૩ જો ને ‘નર્મકોશ’ અંક ૧ લો એ બે છપાવી બ્હાર પાડયાં હતાં; ને કેટલીએક કવિતા ઘરમાં લખી રાખી હતી.

૯. સને ૧૮૬૨ ની શરૂઆતથી તે જુન સુધી હું રાતદાહાડો અંગ્રેજી ને ગુજરાતી ડિક્શનરી બનાવવામાં મારા મિત્ર નાનાભાઈ રૂસ્તમજી ને અરદેશર ફરામજી સાથે ગુંથાયો હતો. એ પુસ્તકનાં વેચાણથી મને ત્રીજે હિસ્સે પણ સારી પઠે નફો થયો હતો.

૧0. ફેબ્રુઆરીમાં મેં લાઈબલ કેસમાં શાહેદી આપી હતી.

૧૧. મેં મહીનાથી મેં પ્રીતિવિયોગનાં દુ:ખથી રીબાવા માંડયું ને એ દુ:ખમાં મેં ઘણીએક કવિતા કરી.

૧૨. એ વરસમાં મેં નર્મકવિતા પુસ્તક ૧લું (સાત વરસની કવિતાના સંગ્રહનું) કહાડયુંં.

૧૩. સપટેમ્બર ૧0મીથી તે ૯ મી અકટોબર સુધી મેં દક્ષણ ને ગુજરાતમાં પ્રવાસ કર્યો. જેનું વર્ણન નર્મકવિતાનાં બીજાં પુસ્તકમાં પ્રવાસ વર્ણન નામની કવિતામાં છે. એ પ્રવાસમાં હું સૃષ્ટિસૌંદર્યમાં લીન હતો. જંગલનું ઘાસ, નદિનો કાદવ, દરીયાનો પથ્થર વગેરે હલકી ગણાતી વસ્તુઓએ મારાપર ભારે અસર કરી હતી. ખરેખર હું એક જાતના યોગાનંદમાં હતો. એ ચોમાસાંના પ્રવાસમાં મારા શરીરને ઘણી ઘણી અથડામણ થઈ હતી ને એક બે વખત તો ઘાત થાય તેવું હતું. તો પણ મને કંઈ જણાયું ન્હોતું.

સૃષ્ટિસૌન્દર્ય જોવાની ઘેલાઈ એટલી હતી કે નબળા શરીરમાં પણ બળાતકારનું કૌવત આવી રેહેતું. પ્હાડોમાં ભમવાં, અને રાતે રસ્તો ભુલ્યાથી ઝાડીઓમાં રઝળવાં, એમાં પણ મને આનંદ થતો. દક્ષણના પ્રવાસમાં મારી સાથે ઝીણારામ નામનો મારો મ્હેતો હતો અને ગુજરાતના પ્રવાસમાં મારો મુખ્ય મ્હેતો નરભેરામ અને મારો મિત્ર પરભુરામ મેહેતાજી એ બે હતા.

૧૪. ડિસેમ્બરમાં મેં નર્મકોશનો અંક ૨ જો કહાડયો.

૧૫. મેં એક વખત મારા મિત્ર કરસનદાસ માધવદાસને કહ્યું હતું કે, મારી મરજી ગુજરાતમાં ગામોગામ સુધારાનો ઉપદેશ કરવાની છે. મુંબઈમાં એક મિશન ઊભું થાય ને હું તેની તરફથી જાહેરમાં ઉપદેશ કરૂં;–ને એને માટે શાસ્ત્રી, લખનાર, વગેરેનું એસટાબ્લિશમેંટ જોઈયે; ને એના ખરચના રૂ. ૩00 (મારૂં પણ અંદર આવી ચુકું) મહિને થાય તે તમારાથી ત્રણ વરસ સુધી અપાય તેમ છેઋ તારે તેઓ બોલ્યા હતા કે ‘સો રૂપીયા આપ્યાં કરીશ;’ મેં કહ્યું, ‘એક જણ બીજા સો રૂપીયા આપે તેવો છે પણ ત્રીજા સો જોઈયે.’ – પછી તે વાત બંધ રહી.

૧૬. ૧૮૬૨-૬૩ ના વરસને સારૂ મને ૨૮ મી જાનેવારી ૧૮૬૩ ને સરચાર્જને સારૂ પત્રક આવ્યું હતું. એ વેળા હું મજગામમાં રેહેતો હતો – મને એવો જોસ્સો થઈ આવ્યો કે, ‘સાલેમલી ડિગ્લેર’ કલ્યા પછી મારા સરખા જાહેર માણસની સાચવટપર શા માટે શક જવો જોઈયે – હું ચારા દાહાડા બહુ ગભરાયો રહ્યો. ૩ જી ફેબરવારીએ હું ઇનકમટાક્સ કમીશનર કરટીસ જે ઘણો જાહેલ હતો તેની પાસે મારા મિત્રો આસેસરોની મરજી ઉપરાંત ગયો. તેઓને ધાસ્તી હતી કે આજ કવિ કેદમાં જશે. હું તો અંદર ગયો ને સાહેબને કહ્યું કે, ‘આ પ્રમાણે નાણાં સંબંધી વિગત, આ પ્રમાણે આબરૂ ને આ પ્રમાણે મારો જોસ્સો છે. સરચાર્જ એથી વધારે માંગશો તો હું આપવાને તૈયાર છઉં પણ મને જે લાગે છે તે જાહેરમાં કરૂંછ.’ સાહેબ બહુ ચીડાયા પણ પછી મારો રોપ જોઈને બોલ્યાં કે, એવું ભાષણ ઘરમાં કરવું ને પછી કહ્યું, જાઓ. પછવાડેથી સરચાર્જ થોડોક ઓછો થયો હતો.

૧૭. સને ૧૮૬૩ ની શરૂઆતથી મેં નર્મકવિતા પુસ્તક બીજાના અંકો છપાવવા માંડયા ને પછી વરસની આખેરીયે તે અંકોનું એકઠું પુસ્તક કહાડયું.

૧૮. એ વરસમાં નાણાંની તાણ, પ્રીતિવિયોગ, મિત્રોનું બેદરકારીપણું વગેરે વાતોથી મારાં મનમાં બહુ ગભરાટ હતો. તેમાં શેરની ઘેલાઈ શરૂ થયેલી ને તેમં લોકો સારીપઠે કમાતા તે જોઈને મને પણ દુ:ખ થતું હતું કે જેઓ સુધાં આચરણથી સુદો ઉદ્યોગ કરેછ તેઓનું દુનિયામાં કંઈ ફાવતું નથી ને જેઓ ખોટાં આચરણથી ખોટાં ઉદ્યોગ કરેછે તેઓનું ફાવેછ એ તે કેવું કુદરત! હું મારાં મનને રમાડવાને શૃંગારરસ, દુ:ખમાં ધીરજ આપવાને શાંતરસ અને પ્રપંચી સંસાર સાતે ધર્મજુદ્ધ કરવાને વીરરસ લખતો.

૧૯. સને ૧૮૬૨-૬૩ માં હું મારી દલગીરી મટાડવાને અંગ્રેજી કવિનાં જન્મચરિત્ર ને તેઓની કવિતા વાંચતો.

૨0. સોળમી નવેમ્બરે-કારતક સુદ ૫ ને સોમવારે મેં મારા મિત્રોને ઘેર તેડી મારી કવિતા સાજ સાથે મારા શિષ્યો પાસે ગવાડી હતી. ૨૧. એ વરસની આખેરીમાં મારા બાપ અહીં સુરતમાં ખાટલાવશ થયા હતા ને મારે બે ત્રણ વખત મુંબઈથી સુરત આવવું પડયું હતું –છેલ્લો હું સને ૧૮૬૪ ની જાનેવારીમાં પગરસ્તે આવ્યો હતો–ને મારા આવ્યાને તીજે દહાડે તા. ૧૮મી જાનેવારીએ તેઓ મુક્ત થયા. સુરતમાં મારા બાપના મંદવાડમાં હું મુંબઈમાં તેથી તેઓની ચાકરી મારા નરભેરામે સારી પઠે કરી હતી.

૨૨. મુંબઈમાં એ વખત શેરની ઘેલાઈની સાથે નાટક કરવાની ઘેલાઈ ચાલતી હતી. નાટક તે શું ને તે કેવી રીતે કરવાં એ વાતની તો સમજ નહીં, પણ કોઈ પણ રીતે ગમે તે રીતે વેસ ભજવી હસાવીને નાણું કહડાવવું એવો નાટક મંડળીઓનો વિચાર હતો. બે પારસીઓએ મને કહ્યું કે ‘તમારી કવિતા હમને નાટકગ્રહમાં ગાવાની રજા આપો.’ મેં કહ્યું કે ‘મારી કવિતાથી ગાયાથી લોક ખુશી થાય તેવી લોકની સમજ નથી.’ તેઓએ ઘણો આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું કે, ‘અકકેકી બેઠકને સારૂ કાગળ કરી આપું તેના રૂપીયા ૧00 લઉં ને બીજો ખરચ ગવૈયાનો અને નાટકમાં ગાનાર છોકરાઓનો ને નાટકગ્રહના ભાડાંનો તમારે આપવો; તેમ સાંભળવા આવનારની ફી સઘળી તમારે લેવી.’ તા. ૬ઠીને ૧૬મી મેએ નર્મગીતગાયક મંડળીની બેઠકો થઈ. તેમાં લોકની તરફથી પુરતો આસરો ન મળ્યો, ને ઉલટી ખોટ ગઈ તેથી તે મંડળી ભાંગી પડી ને રૂ. ૨00 મેં તેઓની દયા જાણી પાછા આપ્યા.

૨૩. પછી હું અમદાવાદ ગયો ત્યાં મી. કરટીસે કહ્યું કે, ‘અહીંના લોકો તમારૂં ભાષણ સાંભળવાને ઘણા ઇન્તેઝાર છે, માટે ભાષણ આપીને જાઓ’ – મેં કહ્યું કે, ‘આજ કાલ તજવીજ થાય તો સારૂં. કારણ કે મારે જલદી જવું છે.’ તે બોલ્યા કે, ‘પ્રેમાભાઈ અહીં નથી.’ મેં કહ્યું, ‘ભાષણ લોકને માટે છે, પ્રેમાભાઈ હોય તો શું ને ન હોય તો શું.’ પછી તેઓએ કહ્યું કે, ‘હું દલપતરામને કહેવડાવીશ.’ પછી હું દલપતરામને મળ્યો. તેઓએ પણ કહ્યું કે, ‘અહીંના લોકની મરજી છે માટે ભાષણ કરો.’ પછી મેં તા. ૨૭મી મેએ જાહેર ભાષણ કર્યું ને તે સમે ત્યાં હાજર એવા મારા જુના મિત્રોને હું મળ્યો.

૨૪. સુરત આવી તા. ૩૧ મીએ એંદ્રુસ લાયબ્રરીમાં ભાષણ કર્યું ને પછી હું મુંબઈ ગયો.

૨૫. એ વરસમાં પ્રથમ અંકોમાં ને પછી આખા પુસ્તકમાં નર્મકવિતા છાપી પ્રગટ કરી, – એ મારૂં ૩ જું પુસ્તક.

૨૬. સપટેમ્બરમાં ડાંડિયો શરૂ કર્યો અને નર્મકોશ અંક ૩ જો બ્હાર પાડયો.

૨૭. બાપના ઉભા વરસનો ખરચ, શેરની ઘેલછાથી લોકનું મન પુસ્તકો વાંચવા તરફ ન હોવાને લીધે ચોપડીઓનું વેચાણ બંધ, ઘરખરચ પણ મોટો(ઘરનું ભાડું મુંબઈમાં રૂપીયા ૭૫), તેમાં વળી જન્મથી હું હાથનો છુટો એટલે પછી પુછવું જ શું – એ કારણથી મારું મન પૈસાની તરફથી ઘણું ઉદાસ રહેવા માંડયું. દેવું છએક હજારનું થઈ ગયલું; તેમાં પાછો હું મમતે ભરાયલો કે,વારૂ કહાંસુધી એમ તંગીમાં રહેવું પડેછ તે તો હું જોઉં; વળી શ્રીમંત મિત્રોની તરફથી દ્રવ્યની મદદ ન મળતી તેથી તેઓ ઉપર ચ્હીડ – એ કારણોથી પણ મારું મન ઉદાસ રહેતું. હું મનમાં ગમાડાને માટે ઘણોઘણો ખરચ કરતો – તેમાં માગનારને આપવું ને ગુણીની કદર બુઝવી એ જોસ્સો ઘણો હતો. નવી દોલત ગાયનમાં કંઈ જ સમજે નહીં. એવી રાંડોમાં ને એવા ગવૈયાઓમાં ઉડતી તે જોઈ હું બહુ ચ્હિડાતો. સારા ગવૈયાઓની કદર થાય અને ગરીબોને અપાય તે હેતુથી આસો વદ ૧0 વાર ભોમે, – તા. ૨૫મી અકટોબરે મેં પચ્ચીસેક ગવૈયાઓની બેઠક કરી; અંતે આખી રાત ગાયન થઈ રહ્યા પછી દરેકની યોગ્યતા પ્રમાણે આપતાં મેં રૂ. ૨00 ખરચ કર્યો.

૨૮. નબમ્બરમાં ફ્રેયર લાંડ રેકલેમેશન કમ્પની ઋભી થઈ; તેમાં મારા મિત્ર ભાઈ કરસનદાસ માધવદાસ એક મુખી હતા. એણે ઘણાખરા પોતાના મિત્રોને શેરો આપ્યા હતા. મને મારા કેટલાક દોસ્તોએ કહ્યું કે, આ પ્રસંગે તમે કરસનદાસને જઈને મળો એટલે તમને પણ શેર મળશે. મેં કહ્યું, કે તેની નજરમાં આવશે તો મોકલશે – હું કંઈ જઈને માગનાર નહીં. કેટલાકે કહ્યું કે, માગ્યા વિના મા પણ પીરસે. મેં કહ્યું કે, મા જ છે તો હઠીલાં બાળકને પણ ખવડાવશે જ ને મિત્ર જ છે તો તે માગ્યા વનાં પણ આપશે જ. એ મારી હઠ જોઈને ઘણા જણો મારી નાદાની વિશે બોલવા લાગ્યા; તેમાં કેટલાએક કરસનદાસ વિષે પણ બોલવા લાગ્યા. મેં મારા મિત્રોને કોઈને કંઈ ને કોઈને કંઈ કહી ઉડાવ્યાં કીધાં. કોઈને કહ્યું કે, મને આપેલો જ છે; કોઈને કહ્યું કે મને મળનાર જ છે, કોઈને કહ્યું કે, કરસનદાસનો મારા ઉપર ઘણો ઉપકાર છે એટલે તે નહીં અપાવે તો કંઈ ફીકર નહીં. એક મારા નાગર મિત્રે મને કહ્યું કે કવિ, આ વેળા તમે ન ચુકો; મારા સમ તમે ન જાઓ તો; ને મારે માટે જાઓ; એવું ઘણું ઘણું કહ્યું તેથી હું શરમાઈ ગયો ને આખરે મારે તેને લાચારીથી કહેવું પડયું કે હું જઈશ; પણ પછી મેં ઘેર આવીને પાછો વિચાર ફેરવી નાખ્યો.

એવું બન્યું કે એ વખતમાં ભાઈ કરસનદાસે પોતાની વરસગાંઠને દાહાડે મને તેડું કર્યાં હતું. તેથી એ ઉપરથી હું મારા મિત્ર સાથે તેની સીગરામમાં બેસી જનાર હતો પણ મનમાં તો એમ જ કે, શેર સંબંધી કંઈ બોલવું નહીં. રાતના ૯ વાગે મિત્રે કહેવડાવ્યું કે, ‘મારી તબીયત દુરસ્ત નથી ને સીગરામ આવી શકે એવું નથી.’ એ ઉપરથી હવે રાતે દસ વાગે કોણ જાય, એમ વિચારી મેં જવાનું બંધ પાડયું. પણ પછી વળી પાછો વિચાર કીધો કે મારે બાપનું વરસી વાળવા સુરત જવું છે ને ત્યાં ઝાઝા દાહાડા થશે માટે એક વાર મળી આવું તો ઠીક ને એમસમજી બગી કરીને ગયો. ત્હાં થોડાક મિત્રો બેઠેલા હતા. જતાં વારને કરસનદાસે પોતાની પાસે બેસાડી મને કાનમાં કહ્યું કે, ‘તમારે માટે એક શેર રાખ્યો છે હો.’ મેં કહ્યું, ‘એની શું જરૂર છે!’ ને ત્યાં ઘણીક વીરરસની કવિતા ગાઈ ને સહુ મંડળી પ્રસંન થઈ. એ સમે બાલાજી પાંડુરંગ જે મારી ‘વીરરસની કવિતા’ ઉપર ઘણા આસક્ત છે તે તો ‘હિંદુઓની પડતી’ સાંભળીને ઘણા જ ખુશી થયા. પછી ચાર પાંચ દાહાડે મેં મારા મિત્રની મારફતે ઉપર કહેલો મળેલો શેર વેચ્યો. તેમાં રૂ. ૫૭00) નફો થયો. તેમાં કરજ બિલકુલ અદા કર્યું – પછી ડિસેમ્બરી આખરે હું સુરત આવ્યો.

૨૯. સુરતમાં મારાં એક કાકી મરી ગયાના સબબથી બાપનું નિલાદ્વાહ કર્મ અટક્યું; તે દાહાડા પંદરેક પછી કીધું. પણ એ ગાળામાં મેં ડભોઈ જઈને દયારામ વિશે કંઈ વધારે હકીકત મેળવવાનો વિચાર કર્યો ને હું ત્યાં જવા નિકળ્યો. મિયાંગામ ઉતર્યો ને ત્યાંથી ગાયકવાડે ડભોઈની નવી સડક કરી છે તે ટુંકે રસ્તે જવા સારૂ એક વાગનની ત્યાંના સ્ટેશન માસ્તર પાસે રજા લીધી; ને તેમાં હું, મારા ત્રણ સાથી અને એક ડભોઈના મોદીનો છોકરો (ભોમીયા દાખલ) બેસી મજુર પાસે ધકેલાવી ત્હાં ચાલ્યા. સડક તુટેલી તેથી વાગન છ ગાઉ આવી અટક્યું. ત્યાં કારવણ ગામમાં ન રહેતાં રાતોરાત ડભોઈ જાવું ધાર્યું. સડકે સડકે ચાલતાં હમને બહુ મુસીબત પડી. અંધારી રાત, વચમાં વચમાં તુટેલી સડક ને આજુબાજુએ ખાડાખબોચીયાં. બેસી બેસીને ઢોળાવ ઉતરતાં, ફાંફાં મારીને સડક ગોતતાં ને જંગલી જાનવરોના બીહામણા શબ્દો સાંભળતા, મને ને નરભેરામને તો ઘણો જ આનંદ થતો હતો. કડાકડીની ટાહાડ, ને કકડીને લાગેલી ભુખ, એવી મુસીબતે આઠ ગાઉ ચાલીને ડભોઈને દરવાજે રાતના ત્રણ વાગે આવ્યા. જોઈએછ તો દરવાજો બંધ એટલે ત્હાં એક વાગન પડયું હતું તેમાં પડી રહ્યા. સ્હવારના પ્હોરમાં દરવાજો ઉઘડાવીને તળાવની ધર્મશાળાને ઓટલે બેઠા ને અહીં દુધ વગેરેનો ફરાળ કર્યો. ત્રણ દાહાડા રહેવા અલાઈધું મકાન શોધવાના વિચારમાં હતા, એટલામાં ખબર મળી કે ચાણોદ કન્યાળી અહીંથી છ ગાઉ થાય છે. એ ગામો નર્મદાને તટે તીર્થસ્થળ છે, માટે ત્યાં સૃષ્ટિસૌંદર્ય સારૂં હોવું જોઈયે એમ ધારી ત્યાં જવાનો વિચાર કર્યો. તરત ગાડું જોડાવી નિકળ્યા તે એક વાગે ચાણોદ પહોંચ્યા. ગામમાંથી જાતાં ત્યાંના બ્રાહ્મણોએ હમને ઘણો કંટાળો આપ્યો–કેવા બ્રાહ્મણ છો, ક્યાંથી આવોછ, તમારો ગોર કોણ છે, એવા એવા સવાલો પુછ્યા– પણ હમે તેને ન ગણકારતાં આગળ ચાલ્યા. પછી ત્યાં મારા મિત્ર સાથી પરભુરામના ઓળખીતાને તાંહાં ઉતારો કીધો. ત્યાં ફરાળ કરી તરતના તરત ગાઉ ઉપર કન્યાળી છે તાંહાં કાંઠે કાંઠે ચાલતા ગયા. વચમાં ઓરસંગમ આવેછ તેમાં નાહીને આસપાસ ભમ્યા; દેવદેહેરાં કર્યાં ને સાંજે પાંચ વાગે પાછાં ચાણોદ આવી ઉતારે મોદીક લીધા. રાતે પાછા ગામમાં ફરવા નિકળ્યા તે શેષસાઈને મંદિરે ગયા; ત્યાં સેનની આરતી થતી હતી ત્યાં દર્શન કીધા પછી હું તો તુરત પાછો નીચે ઉતરતો હતો એવામાં એક બ્રાહ્મણ સ્તોત્ર ભણતો હતો તેણે મારા સાથીને પુછ્યું કે આ નર્મદાશંકર તો નહીં? તે લોકોએ કંઈ કારણસર પુરોં જવાબ દીધો નહીં, પણ બે ત્રણ વાર પુછ્યું તારે એક સાથીએ કહ્યું કે, ‘હા.’ તેમણે પછી મને બોલાવ્યો ને પછે મેં જોયું તો તે દયારામનો શાગરીદ રણછોડ હતો. માળે જઈ તેની સાતે મેં વાત કીધી. પછી રણછોડે કહ્યું કે, ‘હું પરમ દાહાડે ડભોઈ આવીશ તમે તાંહાં ઠરજો.’ મેં કહ્યું, ‘હું તમારે જ માટે આવ્યો છઉં માટે ખસુસ આવજો’–પછી ઉઠયા ને ત્યાંથી વળી પાછા ગામમાં ને નર્મદાતીરે અંધારામાં ફર્યા; અગિયાર વાગે સુતા ને પાંચ વાગે ગાડું જોડાવી ચાણોદથી ડભોઈ આવવા સારૂ સ્હવારમાં નિકળ્યા.

૩0. ચાણોદમાં ઘણી વસ્તી બ્રાહ્મણોની છે. તેઓ પોતાનો ગુજારો તાંહાં તીર્થ કરવા આવતા જજમાનો ઉપર રાખે છે. લોક ખાઉધર, લોભી, નિર્લજ ને લુચ્ચા છે; પણ બૈરાં માયા ઘણી બતાવે છે – ચાણોદ કન્યાળીમાં છિનાળાની વાત તો પુછવી જ નહીં – તીર્થે એમ જ જોઈયે! ચાણોદ-કન્યાળીના બગાડા વિશે હું ઘણું સાંભળતો હતો તેનો નગ્રચરચા પરથી હમને અનુભવ થયો. એક જગે મારા સાથીને એક બામણી લઈ ગઈ ને તાંહાં તેણે પોતાનું ઘર દેખાડયું તે આ રીતે; આ હમારો ચુલો, આ સુવાનું, આ મારી છોકરી, આ મારા છોકરાની વહુ; તમે અહીં રહ્યા હત તો હમે તમારી ઘણી બરદાસ્ત લેત – એવી રીતનું બોલવું કે જેથી તેની મતલબ એટલી જ કે હમે તમને સઘળી રીતે ખપ આવત – ફરી આવો તો હમારે જ ઘેર ઉતરજો વગેરે. બૈરાંની આંખ, ચાલ, ને તેઓનું બોલવું એ સહુ પ્રેમાળ, પણ જન્મથી ટેવ પડી ગયલી તેથી પૈસાને લોભે છિનાળું કરતાં શિખેલાં. ચાણોદમાં કોઈ નાગર નથી.

૩૧. કન્યાળી, ચાણોદ કરતાં ન્હાનું ગામડું છે, પણ તેમાં મોટી વસ્તી નાગર બ્રાહ્મણ ને દક્ષણીઓની છે. લોકો વેદ શાસ્ત્ર ભણે છે ને બૈરાં તો ચાણોદ જેવાં જ પણ નાગરનાં માટે વધારે સુઘડ, ચતુર ને મારકણાં. મને ચાણોદ તો બિલકુલ પસંદ ન પડયું, પણ કન્યાળીમાં સૃષ્ટિસૌંદર્ય છે તેથી તે ઘણું જ પસંદ પડયું. સાંજની વખતે કન્યાળીમાં જે રચના મારા દિઠામાં આવી તેની મઝા ખરેખર ન વર્ણાય તેવી છે. વિશાળ મેદાન, ઊંચા નીચા ટેકરા, ન્હાનાં મ્હોટાં ઝાડ, મ્હોટાં ન્હાનાં પથરાનાં દેહેરાં, ઓવારાની શોભા! એકાંતપણું, શાંતપણું, ને ગંભીરપણું! આહા ખરેખર ઉત્તરકાળમાં કન્યાળી જઈને નિરાંતમાં દિવસ કહાડવા એ તો દુર્લભ જ તો! જાત્રાનું સ્થળ એ તે ખરૂં. નર્મદાકાંઠાનાં ઘણાંખરાં જાત્રાના સ્થળમાં સૃષ્ટિસૌંદર્ય ઘણું સારૂં જોવામાં આવે છે. કન્યાળીમાં ઓવારાનાં પગથિયાં સારાં નથી–ઝપટથી ઉપર ચઢતાં પડી જવાય તેવાં પાસપાસે છે. સોમનાથનાં દર્શન કરી ઓવારાનાં પગથીયાં પર બેઠેલા ત્યારે મને ખ્યાલ ઉઠયોતો તે આ કે, કોઈ ઘરડો રસિક નિશાના ઠરેલા તારમાં આવાં એકાંત ને ગંભીર સૌંદર્યની વચમાં સમી સાંજે એકલો બેઠો હોય અને તે વેળા જુવાનીમાં કરેલા પરમારથનું તથા અનુભવેલી સુઘડ પ્રીતિનું સ્મરણ તેને થતું હોય અને તે સ્મરણથી તેના અંત:કરણમાં જે છુપો છુપો ને ધીમો ધીમો આનંદ થયાં કરતો હોય, તો તે આનંદની શી વાત! સારી પેઠે પ્રવાસ કરી આવ્યા પછી ઉત્તરકાળામાં એવી હાલતમાં ને એવા સ્થળમાં રોજ કહારે બેસીશ અને નિત્ય કોમળ હૃદયયનો થઈ બ્રહ્માનંદમગ્ન ક્યારે થઈશ!

એ ગામોમાં (ચાણોદ-કન્યાળીમાં) સુધારા જેવું કઈ નથી. સુધારો શબ્દ બદે ઠેકાણે પસરી વળ્યોછ પણ એ ગામોમાં નથી. ચાણોદથી ડભોઈ આવતાં રસ્તામાં જે મને વિચાર થઈ આવ્યા તે આ કે – આ બાપડા કહારે ઠેકાણે પડશે! મુંબઈમાં સુધારાવાળાઓ માત્ર મ્હોડેથી પોકાર કરી રહ્યાછ. મને વિચાર થયો કે એક નિબંધ લખું ને તેમાં એક સુધારા મિશનની સુચના કરૂં અને પછી દરેક ગામમાં તે મિશન તરફમાં માણસો ફરીફરીને સદ્વિચારોનો બોધ કરે. ખાવાપીવામાં અને લુગડાં પહેરવામાં સુધારો છે એમ કેટલાક સુધારાવાળા સમજે છે; ગરીબ અને અજ્ઞાની સાથે બેસતાં તેઓ શરમાય છે. તેઓ બહાર જીલ્લાઓમાં ફરતા નથી. તેઓ મોટી મોટી વાતો કરે તે શા કામની? (મેં મુંબઈ જઈને રૂ. ૫0) ની મારી બનાવેલી ચોપડીઓ કન્યાળીના કેટલાક લોકને વાંચવા સારૂ બક્ષીસ મોકલી દીધી હતી.)

૩૨. ચાણોદથી સ્હવારમાં નીકળેલા ૧૧ વાગતે પાછા ડભોઈ આવ્યા. ત્યાંહાં એક ધર્મશાળામાં એક જુદી કોટડીમાં ઉતારો કીધો. એક પાસથી રસોઈની તૈયારી ચાલી ને એક પાસથી રસોઈની તૈયારી ચાલી ને એક પાસથી દયારામ સંબંધી ખોળ કરવાનું ચાલ્યું. મુંબઈમાં ભાઈ ચિમનલાલને ઘેર નારણલ હરખમલ નામનો માથુર કાયસ્થ ડભોઈમાં ચબુતરા પાસે રહેનાર આવ્યો હતો તેણે મને કહ્યું હતું કે ‘તમે ડભોઈ આવો તો હું ઘેલાભાઈ દુલભદાસ જમીનદારને ઘેરથી દયારામનાં પુસ્તકો અપાવું.’ તે ઉપરથી તે નારણમલની શોધ કહાડી તો તે ડભોઈમાં ન્હોતો, ગામડે ગયો હતો. ઘેલાભાઈની શોધ કહાડી તો તે પણ ગામડે ગયલો, પણ તેનો કોઈ સગો મને મળવા આવ્યો હતો. તેણે કેટલીક દયારામ સંબંધી વાત કીધી ને કહ્યું કે, ‘ઘેલાભાઈ આજે સાંજે આવશે.’ જમીખાઈ સાંજે ફરવા નીકળ્યા. દયારામ કવિ કહાં રહેતો તેની પુછપાછ કીધી. લોકોને મ્હોટું આશ્ચર્ય લાગ્યું કેમરી ગયલાંનાં ઘરને માટે આટલી શી તજવીજ કરે છે! ઘરની તો ખબર કહાડી, જે સંબંધી દયારામનાં જન્મચરિત્રમાં કહ્યું જ છે. બીજી દાહાડે સ્હવારે ઘેલાભાઈની ખબર કહાડી તો તેનાં ઘરનાંએ જાણ્યું કે કોઈ સરકારી માણસો છે તેથી, નથી એવો જવાબ દીધો ને પછી હું જાતે ગયો તો પણ તે ઘરમાં છતે તેઓએ બ્હારથી નાની ના જ કહાવી. જોતા જાઓ આ ઉપરથી ગાયકવાડી રાજનો ત્રાસ, અંધેર, અને ત્હાંના લોકોની સ્થિતિ! ગામમાંથી દયારામ સંબંધી થોડી ખબર કહાડી પણ પછી પુસ્તક ન મળવાથી જલદીધી છોડવાનો વિચાર કીધો; પણ રણછોડે મળવાનું વચન આપેલું તેથી બે દાહાડા હમેં ત્હાં વધારે રહ્યા એ દરમ્યાનમાં જે જોયું તે આ: –

ડભોઈને ચાર દરવાજા છે – એક વડોદરાનો, એક ચાંપાનેરનો, એક નાંદોદનો રજવાડામાં જવાનો અને એક હીરા દરવાજો. હીરા દરવાજો એ નામ પડવાનું કારણ આ કે–કોઈ હીરો એ નામનો કડિયો અને તેના નામની રાજાની લોંડી, એ બેને પ્યાર હતો. હીરાએ પોતાની પ્યારીને કહ્યું હતું કે તારૂં નામ હું અમર રાખીશ. ડભોઈનું તળાવ બાંધવાને મારવાડથી જે સારા સારા પથરા આવતા હતા તેમાંથી પેલા હીરાએ ચોરી ચોરીને ડભોઈથી બે ગાઉ ઉપર જ્યાં તેની પ્યારી રહેતી તાંહા એક તળાવ બાંધ્યું, જે હાલ તેન તળાવને નામે ઓળખાય છે. એ તળાવ ઘણું મોટું છે અને જો કે ઘણું જુનું છે તો પણ પથરાનો કાંકરો ખરેલો માલમ પડતો નથી. એ તળાવનું પાણી દુધના રંગનું ને ઘણું મીઠું છે. એ તેનતળાવ બાંધ્યાની ખબર રાજાને પડતાં જ જે દરવાજાની કમાન હીરો કરતો હતો તે દરવાજામાં હીરા કડિયાને પુરી નાખવાનો રાજાએ ઠરાવ કરી તેમ કીધું. પણ એવી વાતો ચાલે છે કે કેટલાક હીરાના ડાહ્યા મળતિયાઓએ હિકમતથી ભીતમાં એક બાકું રાખ્યું હતું જેમાં તેઓ રોજ કોઈન જાણે તે ઘી રેડતા તે પેલા હીરાના મ્હોડામાં પડતું ને તેથી તે જીવતો. હીરા કડિયાની અધુરી રાખેલી કમાન કોઈથી વળી નહીં ત્યારે રાજાએ કહ્યું કે, ‘હીરો હોય તો વાળી આપે.’ પછી તેને બ્હાર કહાડયો અને તેણે તે કમાન વાળી આપ્યા બાદ રાજાએ પાછો તેને પુર્યો. એ કારણ સારૂ તે દરવાજાનું નામ હીરા દરવાજો પડયું છે. એ દરવાજાને લગતા કોટમાં હાલ કાળિકાનું થાનક છે. એ ઠેકાણે આખા ને આખા પથરા ચણેલા છે; ને સલાટકામ ઘણું સારૂં છે. હમે ઘી રેડવાનું બાકું જોયું પણ ઉપર લખેલી વાત તો ગય છે એમ સમજીયેછ. એ દરવાજાના પથરામાં સંસ્કૃત લેખ છે પણ ઘસાઈ ગયલા છે, તેથી તે હમારાથી વંચાયા નહીં. ગામ સારૂં છે. બ્રાહ્મણો ને કણબીઓની વસ્તી ઘણી છે. સાઠેદરા નાગર ઘણા છે. ગાયકવાડી થાણું છે ને તળાવની ઉપર પેશવાના વખતનો એક મ્હેલ છે.

૩૩. રણછોડ પોતાના કહેવા પ્રમાણે ચાણોદથી ડભોઈ ન આવ્યો ને મને દયારામનાં પુસ્તકો ન મળ્યાં તેથી હું નિરાશ થઈ ગયો ને રાતોરાત હમે ગાડીં કરીને સ્હવારે વડોદરા આવ્યા. ને ત્યાંથી સુરત આવવું ધાર્યું પણ ટ્રેન હાથ ન લાગેથી અમદાવાદ જવાનો વિચાર રાખ્યો – એટલા માટે કે, નવમ્બર મહિનાથી મેં મારાં ઘરમાં એક ગુજરાતી પુસ્તકસંગ્રહ કરવાનો વિચાર રાખેલો તેને માટે અમદાવાદ જઈ ત્યાંથી મળે તે પુસ્તકો લાવવાં. અમદાવાદ ગયો ત્યાં સાંજે પાધરો લાઈબ્રેરીમાં જ ગયો ત્યાં જઈ પુછ્યું કે, ‘તમારી લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો જે છે તેની યાદી આપો.’ જવાબ મળ્યો કે ‘ગુજરાતી પુસ્તકો ઘણાં જ થોડાં છે. તેની યાદી કંઈ ગમે ત્હાં પડી હોશે તે કાલે શોધી આપીશું.’ મેં પુછ્યું ‘કંઈ માન્યુસ્ક્રિપ્ટો છે?’ તો કહે, ના-વરનાક્યુલર સોસાઇટીમાં થોડાંક હોય તો હોય, ત્યાંથી પછી હું મહિપતરામને ઘેર જઈ ઉતર્યો. અમદાવાદમાં પણ કંઈ ગુજરાતી પુસ્તકોનો સારો સંગ્રહ જોવામાં આવ્યો નહીં. ત્યાં મેં જગજીવનદાસ ડિપુટીના આગ્રહ ઉપરથી તેને ત્યાં ભાષણ કીધું. એણે મારી ખાતર બહુ તસ્દી લઈ, સહુ શેઠિયાઓને બોલાવ્યા. અહીં મને ખબર મળી કે સામળના હાથનું લખેલું પુસ્તક તેના શિષ્યના વંશજ પાસે છે. હું મહિપતરામને કહી આવ્યો કે ગમે તે કરી સામળના હાથનું પુસ્તક જે બેસે તે આપી પેદા કરી મોકલી દેવું ને પછી સુરત આવ્યો.

૩૪. સુરતમાં બાપનું વરસી વાળી ધરમકામ આટોપી ઓરપાડની પાસે ટકારમું ગામ છે જાંહાં નભુલાલ નામના સાઠોદરા કવિ રહે છે ત્યાં હું જવા નિકળ્યો ને પછી હમે ત્યાં રાતે પોહતાં. નભુલાલ તળાટીનું કામ કરતા. એઓ હાલમાં વેદાંતમાર્ગનું ગુજરાતી કાવ્ય કરે છે – આગળ શૃંગાર સારીપઠે રાધાકૃષ્ણનો લખેલો ખરો. એ કંઈ મત ચલાવનારા નથી તો પણ ગામડાંઓમાં જહાં જ્હાં એનું રહેવાનું થાય છે ત્હાં ત્હાં લોકો અને વળગતા આવે છે. સુરતના પીંજારાઓ એના શિષ્યો છે. પાંચ વરસ ઉપર જ્યારે મેં એને સુરતમાં જોયલા ત્યારે એના ભાવિક સેવકો એની આરતી ઉતારતા. એ કવિ રસિક છે. એનો સ્વભાવ મળતાવડો છે ને એ દુનિયાદારી સારી રીતે સમજે છે. એનું કાવ્ય અસલની રીત પ્રમાણેનું છે–ઉત્કૃષ્ટ નથી. એના ચેલાઓએ મને કહ્યું કે, તમારૂં કાવ્ય હમને સંભળાવો. હું સમજ્યો કે એ લોકોનું આજ વેદાંત તરફ વલણ છે તેથી તેમાંનું કંઈ બોલું એમ વિચારી મેં ‘અનુભવ લહરી’ વાંચી. પછી મેં કહ્યું–કેટલાંક વેદાંતીઓ વેદાંત શબ્દોના સાંકેતિક શબ્દોનું ભરણું રાખીને, તેમાંનો વિષય સારીપઠે જાણીને અહંબ્રહ્માસ્મિ કહાવે છે, તેનું નામ કંઈ અહંબ્રહ્માસ્મિ નહીં, ઇશ્વરી લીલા પછી તે બ્હારની કાંતો ભિતરની તેનું જે જ્ઞાન, ને તે જ્ઞાનથી થતો જે એક ન્યારો જ આનંદ, તે આનંદમાં જે નિત્ય હોય છે તે જ ખરેખરો અહંબ્રહ્માસ્મિ છે. બીજે દાહાડે સવારમાં નભુલાલના વાડામાં મંડળ કરી બેઠા ને ચાહ પાણી પીધાં. વળી પાછા એના શિષ્યોએ વેદાંત સંબંધી મને સવાલો પુછવા માંડયા. મેં સાફ કહ્યું કે, ‘હું કંઈ વેદાંતશાસ્ત્ર ભણ્યો નથી–હું તો કવિતા કરી જાણું છઊં; કાવ્યશાસ્ત્ર સંબંધી જો કંઈ સવાલો પુછવા હોય તો બેલાશક ચાહો તેટલા પુછો.’ પછી તે વાત બંધ રહી. નભુલાલે પોતાનું જૂનું નવું કાવ્ય સંભળાવ્યું. મેં મારૂં સંભળાવ્યું, પછી સઘળા ગયા, ને હું ને નભુલાલ કંઈ વેદાંતના ગ્રંથો વાંચવા બેઠા, મેં નભુલાલને પુછ્યું કે, ‘તમારામાં ને મારામાં ફેર શું છેઋ’ તારે કે ‘કંઈ ફેર નહીં–તમે પણ, અહંબ્રહ્માસ્મિ છોજ. પણ એટલું જ કે એ શાસ્ત્રનો તમે થોડોઘણો અભ્યાસ કરી લો એવી મારી ભલામણ છે.’ એક વેળા મેં મુંબઈના વિષ્ણુબાવા બ્રહ્મચારીને પુછ્યું હતું કે, ‘તમે મને કંઈ થોડુંક વેદાંત શિખવો’ તારે તેણે પણ એવો જ વિચાર આપ્યો હતો કે, ‘વેદાંતનું સમજવાનું છે તે તો તમે જાણો જ છો.’ પછી બપોરે જમ્યા કીધા. રાતે પાછી બેઠક થઈ તેમાં નભુલાલની વાદશકિત જોવાને મેં બે ત્રણ પ્રશ્નો પુછ્યા હતા. નભુલાલની વાદ કરવાની રીત તર્કશાસ્ત્ર પ્રમાણે નથી પણ દૃષ્ટાંતિક છે. એ નભુલાલ મારા ઉપર બહુ સ્નેહ રાખે છે. પછી બીજે દાહાડે હું ટકારમેથી સુરત આવ્યો.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.