કલમને ખોળે – ૧૮૫૭-૧૮૫૯
૧. જાનેવારીમાં, ભણેલાં સ્ત્રી પુરૂષ અને ન ભણેલાં સ્ત્રી પુરૂષ એ બે વિષે એક વાત કવિતામાં જોડતો હતો, એવામાં સન ૧૮૫૫-૫૬નાં ‘બુદ્ધિપ્રકાશ’માં કવિ દલપતરામે પિંગળ સંબંધી જે કંઈ કંઈ લખેલું તે મારા બાપના જોવામાં આવ્યું. એ જોતાં તેઓ બોલ્યા કે, કવિતાની રીતિઓ પણ કવિતામાં લખવી એ મોટી વાત છે. હું બોલ્યો કે, તેમાં કંઈ દમ નથી. તેઓ બોલ્યા કે, હું તો તારી હોંશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે તારે. પછી મેં પેલી વાત લખવી છોડી દઈ પિંગળ બનાવવા માંડયું. ને પ્રારંભમાં જ ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુંડળીયો કીધો તેથી તે ખુશ થયા ને બોલ્યા કે, હવે મારી ખાતરી થઈ. મતલબ કે બે લઘુ અને એક ગુરુ અક્ષર હોય તો તેને સગણ કહેવો અને સારૂ મેં લલગૂ એવી સંજ્ઞા આપી તેથી.
૨. ફેબરવારીમાં, હું ગોકળદાસ તેજપાળ વિદ્યાલયમાં રૂ.૨૮)ને પગારે માસ્તર રહ્યો. એ વખતે મારી સાથે ત્રિભોવનદાસ દ્વારકાદાસ પણ એટલે જ પગારે રહ્યા હતા, પણ થોડા મહિના પછી તેઓએ રાજીનામું આપ્યું હતું. હું નિશાળને પાંચ વાગતે છોડયા પછી નિશાળમાં રહી, દરીયો, આકાશ, હોડી વગેરે જોવાતાં જાય તેવાં એકાંતમાં મારાં પિંગળપ્રવેશમાંની કવિતા બનાવતો.
૩. મારચમાં, ગુરૂ અને સ્ત્રીનો નિબંધ પુરો કર્યો અને પિંગળપ્રવેશ મારા બાપના હાથથી લખાવી શીલા છાપા પર છપાવી તા. ૬ઠ્ઠી અપરેલે લોકમાં પ્રગટ કર્યો.
૪. એ પિંગળ પ્રવેશ વિષે પ્હેલવેલું તા. ૧૨ મી અપરેલના ‘સત્ય પ્રકાશ’માં ભાઈ મહીપતરામે આ લખ્યું હતું : –
‘જે પિંગળ વિષે હમે આશા રાખતા હતા તે છપાઈ ચુકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી અમને પોંહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રન્થ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિયોની પદવીમાં દાખલ કરે છે.
કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોડ ભાઈ નર્મદાશંકરે પુરી પાડી છે.***’
૧૯મી અપરેલનાં ‘રાસ્તગોફતારમાં’ છેલ્લી વારે છે કે : – ‘એવી ચોપડીની એક ખુટ હતી અને તે પુરી પાડવામાં આવીછ, એ ધણીએ જેમ કવિતાની રીતીઓ જણાવીંચ તેમ કવિતા જોડી દેખાડીયુંછ તે પણ કંઈ હલકો કવિ નથી.’
સને ૧૮૫૭ના જુનના ‘બુદ્ધિપ્રકાશ’માં કવિ દલતપરામે લખ્યું હતું કે : – ‘ગુજરાતી ભાષામાં કવિતાની સારી જાણવાનો ગ્રન્થ આજસુદી કોઈએ બનાવેલો ન્હોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે.’
‘એ પુસ્તક બનાવતાં તેને ઘણી મેહેનત પડી હશે અને એ વિષેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પેહેલવેલું થયું છે.’***
૫. એ મારૂં પિંગળ બ્હાર પડયું તેની આગમચ કવિ દલપતરામે ૧૮૫૫ના અકટોબરથી તે ૧૮૫૬ ના અકટોબર સુધીનાં ‘બુદ્ધિપ્રકાશ’ના કેટલાક અંકોમાં પિંગળ સંબંધી લખ્યું હતું, પણ તેમાં ૧૬ માત્રામાં વૃત્ત લગીનું હતું. અક્ષરવૃત્ત તો મુળમાં જ ન્હોતા ને દોહોરાની રીત પણ ન્હોતી આવી.
૬. પિંગળપ્રવેશ કહાડયા પછી મેં ચંદ્રાલોક નામનો અલંકારનો મૂળ ગ્રંથ અને નૃસિંહચંપુ દેવશંકર શુકળ પાસે શિખવા માંડયાં તે ડિસેમ્બર આખર સુધીમાં પુરાં કર્યાં.
૭. મને ગોકળદાસ તેજપાળ વિદ્યાલયમાં રૂ. ૩૫નો પગાર થયો હતો, પણ એ ખાનગી ખાતા કરતાં સરકારી સ્કુલમાં રેહેવું વધારે માન ભરેલું અને તેમાં આગળ વધાય એવું છે, એમ સમજી મેં સને ૧૮૫૮ ની ૨૬ જાનેવારીએ એલફિન્સ્ટન ઇન્સ્ટીટયૂશનની સેંટ્રલ સ્કુલમાં આસિસટંટ માસ્તરની જગાને સારૂ મિ. સ્મિથને અરજી કરી.
૮. તા. ૩ જી ફેબરવારીએ મને જવાબ આવ્યો. તા. ૭મી ફેબરવારીએ મેં ગોકળદાસ તેજપાળ વિદ્યાલય છોડી અને તા. ૮ મીથી હું રૂ. ૪0)ને પગારે સેન્ટ્રલ સ્કુલમાં આસિસ્ટંટ માસ્તર થયો.
૯. જાનેવારીથી મેં અલંકારપ્રવેશ લખવા માંડયો અને પ્રતાપરૂદ્ર નામના ગ્રંથમાંથી રસપ્રકરણ મેં એક ફરસરામ નામના દક્ષણી પાસે શિખવા માંડયું.
૧0. પછી સને ૧૮૫૫ના સપટેમ્બરથી તે સને ૧૮૫૮ના માર્ચ સુધી જે મેં પરચુરણ કવિતા કરી હતી તેના બે અંકો છપાવ્યા. નર્મકવિતા અંક ૧ લો તા. ૧૮મી અપરેલ ૧૮૫૮ ને અને નર્મકવિતા અંક ૨ જો તા. ૧૪મી મેએ પ્રગટ કર્યાં. તેમ ૨૫મી અપ્રેલે અલંકારપ્રવેશ ને જુન કે જુલાઈમાં રસપ્રવેશ કહાડયાં.
અલંકારપ્રવેશ પિંગળપ્રવેશની પઠે શીલા છાપ પર છપાવવાનો મારો વિચાર હતો ને ડા. ભાઉ રસાલંકારની ખુબી સમજનાર ને મારા મિત્ર તેથી તેને કહેવા ગયો કે, એ પુસ્તક હું તમને અર્પણ કરવાનો છઉં. – અર્પણ કરી નાણું કહડાવવાનો મારો વિચાર જ નહીં. તેઓએ મને ટાઈપમાં છપાવવાનું અને બીલ પોતે ચુકવવાનું કહ્યું. મેં ટાઈપમાં છપાવ્યો ને ડાક્તરે બીલ પગાર કરતાં ઘણીવાર લગાડી માટે મેં મારી ગાંઠથી બીલ ચુકાવ્યું. મારો વિચાર કે ભાઉને કેહેવું જ નહીં, પણ મારા બાપનો આગ્રહ એવો કે, તેણે કહ્યુંછ તારે શા માટે ઉઘરાણી ન કરવી – મારા મનમાં હું એટલો ચ્હિંડાઊં કે જેને આપવુંછ તે તરત આપેછ ને શા માટે તેને ઘેર રોજ મારે ધક્કા ખાવા ને પરાધીન થઈ બેસી રેહેવું ને વખત ખોવોઋ તો પણ હું બાપની આજ્ઞા ન તોડવા સારૂ જતો-ભાઉ મળે નહીં ને મળે તો વાયદો કરે, ઘણે મહિને ભાઉએ રૂ. ૧૨૫) આપ્યા-(બીલ કરતાં) પચ્ચીસેક વધારે આપ્યા હતા એમ મને સાંભરે છે.
૨૩મી જુલાઈયે મેં રસપ્રવેશના કાપીરાઈટની અરજી કીધી હતી તે ઉપરથી અટકળે.
૧૧. સને ૧૮૫૮માં હું બુદ્ધિવર્ધક સભાનો સેક્રેટરી અને બુદ્ધિવર્ધકગ્રંથનો અધિપતિ હતો – બુદ્ધિવર્ધકગ્રંથમાં હમે એવી જાહેરખબર આપી હતી કે જેઓ વિષય લખીને મોકલશે તેઓને પૃષ્ઠે પા(0) રૂપિયો મળશે – એ ઉપરથી બુદ્ધિવર્ધક ગ્રંથના અમદાવાદ ખાતેના આડતિયાએ તા. ૧૫મી મે અને ૧0મી જુલાઈએ નીચે પ્રમાણે લખી મોકલ્યું હતું – ‘જેમ સ્ત્રીબોધ ચોપાનિયામાં કવિ દલપતરામ ગરબીઓ બનાવીને મોકલે છે ને દર ચરણે રૂ. 0-૪-0 તેમને તે સભાની તરફથી આપે છે તેમ તમારી જો તમારાં ચોપાનિયામાં એવી ગરબીઓ વગેરે દાખલ કરવાની મરજી હોય તો કવિ દલપતરામને હું કહું માટે તે વિશે તમારો જવાબ લખવો, ભૂલવું નહીં.’ ‘તમારા બુદ્ધિવર્ધક ચોપાનિયાંને સારૂં કોઈએક આદમી ઘણી સારી ગુજરાતી ભાષામાં કવિતા બનાવીને મોકલે તો દોહોરા એક જેટલાં ગરબીનાં ચરણો આસરે થાય છે અને તેની કંિમત સ્ત્રીબોધ ચોપાનિયાંવાળા દરએક ચરણના ચાર આના મુજબ આપે છે, માટે તે રીતે તમારી સભા આપશે તો હું મોકલાવીશ ને જો કદાપી તે કવિતા તમને પસંદ પડે નહીં ને પાછી મોકલો તો તેનું તમારે કાંઈ લેવું દેવું નહીં ને ગુજરાતના કવિ જે વલ્લભભટ તથા પ્રેમાનંદ તથા સામળના જેવી અથવા તેથી પણ સરસ અને સુધરેલી મંડળીને કામ લાગે એવી હોય તો તમારે રાખવી, નહીં તો રાખવી નહીં, માટે આ પત્રનો જવાબ તમારી સભાનો અભિપ્રાય લઈને જલદીથી લખશો તો ઘણી મ્હેરબાની.’ એના જવાબમાં મેં ૨0 જુલાઈએ લખ્યું કે ‘જુવાન પુરૂષોને ઉત્તેજન મળે એ કવિતાનાં ૧00 ચરણનું મૂલ પા રૂપીયો પણ ન થાય ને એક ચરણનું મૂલ એવું હોય કે આપનાર હોય તો ૨૫)રૂપીયા પણ આપે. હાલ સ્ત્રીબોધમાં ગરબી આવે છે તેવી ગરબી છાપવાને અધિપતિયોની મરજી નથી, તોપણ જેમ સાદી ભાષાનાં પૃષ્ઠ ૧ નો રૂ. 0 તેમ કવિતાનાં પૃષ્ઠનો પણ પા રૂપીયો આપશે ને કવિ દલપતરામ સરખા પરોપકારથી પ્રસંગે કવિતા લખી મોકલશે તો તે અધિપતિયો બલકે સભા મોટાં માન ને ઉપકાર સાથે સ્વીકારશે.’ પછી તા. ૨૮મી જુલાઈના કાગળમાં લલ્લુભાઈએ લખ્યું કે, ‘બોત્તેર ચરણનો ગરબો કવિ દલપતરામે તમારી સભાને સારૂ ચોપાનિયામાં છાપવા સારૂં મોકલ્યો છે તે તમારી સભાને તથા અધિપતિઓને પસંદ પડે તો છાપવો ને તેની કંિમત વિશે તેઉ કાંઈ મુલ કરતા નથી.જો ખુસીમાં આવે તો છાપવો, નહિ તો તેની કંિમત નહીં મોકલો તો ફીકર નહીં – તમારી સભાને પસંદ પડે તો છપાવો, નહિતો પાછો હમને બીડવો, ને ચરણને વાસ્તે તમે જવાબ લખ્યો તે મેં મને એ પ્રમાણે લખાવનારને જુવાપ વંચાવ્યો છે.’ એ ભણેલી પુત્રીના હર્ષ વિષેનો ગરબો એ જ વરસના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છપાયો છે તેનાં પાંચ પાનાંનો રૂ. ૧ દલપતરામને આપ્યો છે ને તે તેઓએ લીધો છે.
૧૨. મારૂં મન કવિતા તરફ લાગેલું તેથી તમને સ્કુલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. ‘સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય.’ એ કવિત જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કુલના આસિસ્ટંટ માસ્તરોને દેખાડયું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દીલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩ મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.
૧૩. મિ.સ્મિથે મને સરટીફીકેટ આપ્યું તે આ હતું : –
Elphinstone Instin. Central School.
Bombay Novr. ૨૩rd ૧૮૫૮
I have much pleasure in testifying to the satisfactory manner in which Narmadda (shanker) Lalshunker discharged his duties as assistant master in the Cetral School.
His knowledge of Gujarati rendered his services particularly valuable and it is with regret that I part with him – of late he had undertaken the instruction of the Candidate Class in that Branch and displayed great zeal and abillity.
(Signed) W’m, HENRY SMITH
Head Master.
E. I. Central School.
૧૪. મેં ઘેર આવી કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળીયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઊં’ કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને એટલું કહ્યું કે ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતીઋ’ મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે – નીતિ ભક્તિ તરફ મારૂં મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારૂં મન માનતું નથી, માટે હરદાસનું કામ કરૂં કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે – ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારી ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું. એમ નક્કી કર્યા પછી મેં બે ત્રણ હિંદુ શેઠિયાઓ પાસે દ્રવ્યની મદદ માંગી કે નિરાંતે થોડોક સંસ્કૃત અભ્યાસ કરી હરિકથાનું કામ ચલાવું. તેમાં એ જણે રૂ.૨૫0)ને બીજાએ રૂ.૫0) એટલા આપ્યા ને એક જણે ન આપતાં ઉલટી મારી મજાક કરી. જોઈએ તેટલી રકમ ન મળવાથી હું ઘણો જ નારાજ થયો તો પણ મેં ધાર્યો ઉદ્યોગ પાર પાડવાનું નક્કી રાખ્યું.
૧૫. એ અરસામાં એક મિત્રની ભલામણ ઉપરથી મેં લઘુહિતોપદેશનું કવિતામાં ભાષાંતર કરીને છાપવા આપ્યું; એ મારી ગેરહાજરીમાં (હું પુને હતો)બ્હાર પડયું.
૧૬. હું ડીસેમ્બરની શરૂઆતમાં પુને ગયો. ત્યાંહાં મેં નીલકંઠશાસ્ત્રી પાસે લઘુકૌમુદી અને વિષ્ણુશાસ્ત્રી પાસે વિક્રમોર્વશીય નાટક શિખવા માંડયું. લઘુકૌમુદીની બીજી વૃત્તિ અને નાટક પુરાં કીધાં. બાળશાસ્ત્રીદેવ જે વ્યાકરણમાં ને કાવ્યશાસ્ત્રમાં નિપુણ છે અને પોતાને ઘેર પંદરેક વિદ્યાર્થીઓને ભણાવે છે તેની પાસે હું કાવ્યચંપુ નાટકમાંના પ્રાસ્તાવિક શ્લોકો (સાહિત્ય) લખી લેતો ને કાવ્યશાસ્ત્રના રંગો જોતો. કવિતા તે શુંઋ ઉત્તમ કવિતા તે શુંઋ અલંકાર ને રસમાં અંતર શુંઋ આદિ લઈ પ્રશ્નો હું તેને કરતો તેના ઉત્તરમાં તે ગ્રંથોના પ્રમાણ સાથે મારી પતીજ કરતા. મારી ખાતરી ન્હોતી કે હું જે જોડુંછ તે ખરી કવિતા છે પણ બાળશાસ્ત્રીના સહવાસથી મારી ખાતરી થઈ કે હું ખરી કવિતા કરૂંછ. એની પાસે મેં મારાં પિંગળ, અલંકાર અને રસ શુદ્ધ કરાવ્યાં; તેમ વૃત્તરત્નાકર ઉપર એક જૈને મોટી ટીકા કરી છે તે ગ્રન્થ હું તેની પાસે શીખ્યો. એ ગ્રન્થ જેનો લેખ પશ્ચિમ માતૃકાનો ઘણો જુનો છે તે મેં ભાઉ દાજીની ઇચ્છા ઉપરથી તેમને આપ્યો છે. એમાં આર્યા ગીતિના પ્રસ્તારાદિક વિષય સવિસ્તર છે તે પણ મેં જોઈ લીધો. મેં ૧૮૫૯ માં એક વખત જાણ્યામાં મંગળદાસ નથુભાઈને ઘેર કવિ દલપતરામને પૂછ્યું હતું કે, તમને આર્યા ગીતિનાં પ્રાસ્તારાદિક આવડે છેઋ તારે તેઓએ ના કહી હતી. રાતે હું લંિગપુરાણ ને અધ્યાત્મરામાયણ વાંચતો. એ સઘળું રાત દાહાડો મળીને મેં ચાર મહિનામાં જાણ્યું. (મે પ્રથમ સંસ્કૃત અભ્યાસ કરેલો તેથી સ્હેલું પડયું.) એટલા કામમાં વળી વિષયી ગુરૂ ને ગુરુની સત્તા એ બે નિબંધો પણ લખી મુંબઈ બિડાવ્યા હતા. મને મથુરદાસ લવજીએ એ નિબંધો છપાવવાની ઇચ્છા દેખાડીને રૂ. ૭૫) આપવાનું કહ્યું હતું તે ઉપરથી મેં એ નિબંધો શીલા છાપથી છપાવવા ધાર્યા હતા. એટલામાં ભગવાનદાસ પરશોતમદાસને ત્હાં છોકરીઓનું એકસીબીશન હતું, તે દાહાડે ગાડીમાં (હમે સાથે ત્હાં ગયા હતા) ડા. ભાઉએ એકેક નિબંધની હાજર નકલ ટાઈપમાં છપાવવાનું અને બીલ પોતે ચુકવવાનું કહ્યું. મેં કંઈ તને તેવું કરવાનું કહ્યું નોતું પણ પોતાને ટૈપ વધારે ગમે અને ચોપડીઓનો ફેલાવો વધારે થાય માટે તેઓએ તેમ કહ્યું હતું. મેં તેમ કીધુું ને બીલ આવ્યું. પણ પછી એ બેમાંથી કોઈએ કંઈ મને આપ્યું નહીં. વાંચનાર એ વેળા ગરીબ ગ્રંથકારને કેટલી ગભરામણ થાય – મને એવા પ્રસંગ બહુ આવ્યાછ. મેં કરજ કાહાડી બીલ ચુકવ્યું ને ચોપડીઓ મંદિર આગળ લુટાવી દીધી –એટલી એટલી ચોપડી હું ભાડાંની નાનકડી ઓરડીમાં રાખું કહાંઋ મારા બાપ મને મથુરદાસને ને ભાઉને સતાવવાનું કહેતા ને મેં થોડા દાહાડા તેમ કીધું પણ પછી મેં તેઓને કેહવું મુકી દીધું – છએક મહીને ભાટિઆઓમાંથી રૂપીઆ સો (એ રકમ બીલની રકમથી ઘણી જ થોડી હતી) આવ્યા જે મેં તંગી અને બાપની જીદ્દ એ બે કારણથી કબુલ રાખ્યા.
૧૭. હું મારા કાકાસસરાનાં ઘરમાં રહેતો હતો ત્હાં મને ઠીક ન્હોતું પડતું ને તેઓ મને જુદો રહેલો જોવાને ઇચ્છતા નહીં. તેથી મેં મુંબઈ જઈ બીજી કોઈ ગોઠવણથી પાછું પુને આવવું ધાર્યું. – હું સને ૧૮૫૯ના માર્ચની ૨0મીએ મુંબઈ ગયો.
૧૮. સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કહાડવો એતો નક્કી છે, પણ ઉદરનિર્વાહને સારૂ એક ઠેકાણએથી મળ્યાં કેમ કરે એનો વિચાર કર્યાં કરતો – હરદાસનું કામ કરવાને શકિતમાન થાઊં તાંહાં લગી મારો નિર્વાહ થયાં કરે તેવી તજવીજ કરી હતી પણ તેમાં હું ફાવ્યો ન્હોતો. ફક્ત ૩00) મળ્યા હતા, ને જ્યારથી સ્કુલની નોકરી મુકી ત્યારથી મેં નિશ્ચય કીધો હતો કે હવે બાપને ભારે પડવું જ નહીં – તે પડાય તેમ હતું પણ નહીં. પુનેથી મુંબઈ આવ્યા પછી મેં એક નવા સ્વામીનારાયણ – ચુડારાનપોરના હરિશંખર વિષે સાંભળ્યું. એ પ્રથમ રાવસાહેબ ભોગીલાલના હાથ તળે સરકારી ગુજરાતી નિશાળમાં એક મદદનીશ મ્હેતાજી હતો તે ઉપરથી મેં ધાર્યું કે એ જુવાન છે ને હું પણ જુવાન છઊં – હમારે બંનેને બનશે – ને મારી મદદથી એવું કામ થશે કે વગર સુધરેલા ને સુધરેલા બંને હરિશંકરથી સંતોખાશે – ને મારો નિર્વાહ થયાં કરશે ને વળી મારો કવિતાનો, ધર્મ સંબંધી ભાષણો કરવાનો અને સંસ્કૃત શિખવાનો ઉદ્યોગ જારી રહેશે – એમ સમજી મેં તેને મળવાનું ઠેરવ્યું. કોઈયે મને ભમાવ્યો કે ચુડારાનપોર ભાવનગર થકી ૨0 ગાઉ છે એટલે મને જોવાની બીજો હોંસ થઈ. દેશી રાજ કેવાં હશે ને ભાવનગર શ્હેર શું મુંબઈથી વધારે શોભાયમાન હશેઋ
૧૯. પછી હું સુરત આવ્યો – ને અહીંથી એક મારા જુવાન સગાને લઈને ભગવાડાંડીને રસ્તે ઘોઘે ગયો – પ્રથમ રાંદેરથી કુંદિઆણે ગયો – ત્હાં પેલા સગાના હાથની કાચી પાકી ખીચડી ખાધેલી તે અને દુરના પાદરપરના કુવા પર બપોરી વેળાનાં સૃષ્ટિસૌંદર્યથી મને જે આનંદ થયલો તે અને ત્હાંતી ન્હાઈને નીગળતે શરીરે રસ્તામાં દોડતાં દોડતાં આવતાં જે કાંટો વાગેલો તે હજી મને સાંભરેછ! પછી ભગવે ગયો – ત્યાંથી રાતે ૧0 વાગતે મ્હસ કાદવ ખુંદીને બોટમાં બેસાવ ગયા તો એટલો કાદવ હતો કે બોટ પર ચ્હડાય નહીં ને હમે ડાંડીની પાસે રેતીપર આખી રાત ટાહાડ ખાતા પડી રહ્યા. બપોર સુધી કાંઠાનાં મેદાનને જોયાં કીધાં ને પછી બોટ હંકારી – બીજે દાહાડે સ્હવારમાં ઘોઘે પોહોંચ્યો – ત્યાં હાટકેશ્વરની ધરમશાળામાં એક નાગરની બાઈયે પૂછ્યું કે કંઈ સરકારી કામ પર આવ્યાછઋ મેં કહ્યું ના – એ વખત તેણે જે મ્હોડું મરડયુંછ તે મને હજી સાંભરેછ ને હસવું આવેછ. (આ દાખલાથી જણાશે કે જિલ્લાના લોકમાં સરકારી કામદારનું કેટલું માન છે તે. વેપારીની, પંડિતની આબરૂ થોડી પણ એક હલકા કારકુનની ઘણીઋ) પછી તાબડતોબ ગાડી કરીને હમે ભાવનગર જઈ હમારી ન્યાતના પ્રાણનારાયણ જે ત્હાંની અંગ્રેજી સ્કુલના માસ્તર તેને ત્યાં મુકામ કર્યો. અહીં ખબર કહાડાતાં જણાયું કે હરિશંકરનું જોર છેક નરમ પડી ગયુંછ ને તે કેદમાં છે અને ચુડારાનપોર ૫0-૫૫ ગાઉ દુર છે. સહુએ સલાહ આપી કે તડકામાં કહાં જશો – ને હું પણ મારા બાપને જણાવ્યા વના આવ્યો હતો તે મારી ફીકર કરે માટે મેં ચુડારાનપોર જવું બંધ રાખ્યું. ચાર દાહાડા ભાવનગરમાં રહ્યો. અહીં મને ઘણા જણ મળવા આવ્યા તેમાં કેટલાક (મારી ન્યાતના પણ) કારભારીઓના સામાવાળા હતા – તેઓએ કેટલીક વાત કહી તે મેં સાંભળી – પછી મેં ગામમાં ફરવા માંડયું – હું ભાવનગર જોઈને ધરાયો – કંઈજ નહીં. મુંબઈની આગળ ગામડું, જોકે એક મોટાં દેશી રાજની રાજધાની છે! ત્હાંના રાજાના કારભારી જે હમારી ન્યાતના થાય તેણે મને જમવાનં નોતરૂં દીધું. હું ઘણો ગભરાયો – મને મન મળ્યા વિના કોઈએ ત્હાં જમવા જવું ગમતું નથી – હું ન્યાતમાં પણ નથી જતો તેનું કારણ કે તાંહાં હોહો બહુ થાય છે ને નકામો વખત બહુ જાય છે – જમવાની મઝા તો થોડા સ્નેહીઓમાં નિશા સાથે નાના પ્રકારના પંડિતાઈવાળા તડાકા ચાલતા હોય ત્યારે. હું બહુ દલગીર થયો કે મોટાને ના કહ્યાથી તેને માઠું લાગશે માટે મેં ઘણી ઘણી જુક્તી કીધી, પણ આખરે પ્રાણનારાયણની સલાહથી મારે ત્હાં જમવા જવું પડયું. જમવા ગયાની અગાઉ હું ગગાભાઈને મળ્યો હતો. હું ધારતો તેટલી ઉલટથી તેઓએ મારો સ્વીકાર કર્યો ન્હોતો, પણ પોતે મોટે દરજ્જે હોય ને હું ઉતરતે દરજ્જે હોઉં એ પ્રમાણે – પણ મને તેઓ વિચિક્ષણ ને પુખ્ત જણાયા હતા ખરા. પછી તેઓના દીકરા વજલભાઈ મને પોતાના ઓરડામાં લઈ ગયા – અહીં એ તરૂણે મારો આદરસત્કાર મનમાનતી રીતે કર્યો – ચ્હા પાઈ, પાનસોપારી આપ્યાં. એઓને સંસારી વાતનો સુધારો બહુ ગમે છે. પોતે છોકરીઓની નિશાળનું કામ ધમધોક્કારે ચાલે તેને માટે જે જે મેહેનત કરેલી તે તેઓ પોતે મને જોસ્સાથી કહેતા હતા. એ તરૂણ વિષે મને લાગ્યું કે તે ખુલ્લા દિલના, દોસ્તીના ને આબરૂના ભુખ્યા અને સુધારાનાં કામમાં ઉલટ લેનાર છે. જમ્યા બાદ તેઓએ મને પાછો તેડયો – ત્હાં ગગાભાઈ મારી સાથે પોતે જે ભાવનગરમાં ડક્કો બંધાવેલો, રસ્તો સુધારેલો, તે વિષે બોલ્યા – એમ જણાવવાને કે હમે રાજસુધરાવટ કરિયેછ. પછી સંસ્કૃત અભ્યાસ ઉપર વાત નિકળી – મેં કહ્યું ભાવનગરમાં શાસ્ત્રીઓ રાખી સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરી છપાવવાં જોઈએ, પણ એ વિષે તેઓએ ઉડાવ્યા જેવું કીધું. પછી તેઓએ મને મનોહરસ્વામીનાં પુસ્તકો બતાવ્યાં ને ઇચ્છા દેખાડી કે આ પદસંગ્રહ લો ને છપાવજો, ખરચ હું આપીશ. એ પદો બાળબોધ લીપીમાં પદચ્છેદ પાડયા વનાનાં ગુજરાતી ને હિંદુસ્તાની ભેળાં હતાં તેને મેં મારા કારકુન પાસે છાપવા જેવા જુદાં પડાવીને છપાવ્યાં. મેં લખ્યું કે રૂ. ૩00(આસરે-મને હાલ બરોબર સાંભરતું નથી) છપાવવાના થયાછ તે હૂંડી મોકલજો કે છાપનારને આપું ને થોડી કંિમતે વેચી તેનો નફો મારી મેહેનતમાં લઉ ને જવાબ તાકીદથી લખજો કે તે પ્રમાણે ટાઈટલપેજ લખાય. સાથે છપાયલાં શીઠો પણ મોકલ્યાં હતાં. કાગળનાં ઉત્તરમાં આવ્યું કે ચોપડીમાં અશુદ્ધ બહુ રહી ગયુંછ–મેં લખ્યું કે પ્હેલી આવૃત્તિમાં એમ જ હોય – બીજીમાં શુદ્ધ થશે. તેઓના લખ્યાપરથી મેં ક્યાસ કર્યો કે તેઓ નારજ થયા છે ને એમ સમજી છાપનારને મેં રૂ. ૩00) મારી પાસથી આપી ચોપડીની બે રૂપીયા કિંમત રાખી ટાઈટલ પેજ પર લખ્યું કે મેં છપાવી પ્રગટ કરી છે. એવામાં રૂ. ૩00) આવ્યા તે મારી તો ખુશી નહીં પણ મારા બાપના આગ્રહ ઉપરથી તે મારે લેવા પડયા પણ પછી મેં રીસમાં સઘળી જ ચોપડીઓ ભાવનગર મોકલી દેવાને મ્હેરવાનજી ભાવનગરીને ત્હાં મોકલી દીધી હતી. પછી વજલભાઈ ને છગનલાલ મને સાંજે ગાડીમાં બેસાડી ડક્કા તરફ લઈ ગયા ને પછી તેઓએ મને એક હોરાની વાડી દેખાડી. ત્હાં હમે સહુ બેઠા, પાનસોપારી ખાધાં ને કોઈ શિવરામે ગાયું – વજલભાઈ સાદા લાગ્યા પણ છગનલાલ જેવા રૂપાળા, તેવાં કપડાં, ખાનપાન ને સુગંધીના શોખી લાગ્યા. એઓનો કવિતા ગાયન ઉપર થોડોક શોખ દેખાયો. તેમ એ યુક્તિની ખટપટ કરનાર ને જરા મ્હોના મીઠ્ઠા પણ લાગ્યા. એઓ પોતાની બનાવેલી કેટલીક ચીજો શિવરામ પાસે ગવાડીને મનમાં મલકાતાં માલમ પડયા. પછી દીવા થયા પછી તરત હમે મેહેલમાં ગયા. અગાસીમાં સહુ બેઠા હતા. મેં અગાસીના ધોરાની પાળ ઉપર એક કૃષ્ણવર્ણ પુરૂષને દીઠો, જેને ખવાસ સમજી હું તેની પાસે બેસવા જતો હતો, એટલામાં સામળદાસે પેલા-રાજાને કહ્યું કે મહારાજ, નર્મદાશંકર કવિ તે આ. પછી મેં ગભરાટમાં જેવા તેવા જુહાર કરીધા ને પછી હું બોલ્યો કે, આપ એક વખત મુંબઈ આવી જાઓ – તારે મહારાજ હસીને બોલ્યા કે, હા, વિચાર તો છે. પછી હું સહુસાથે અગાસીમાં થોડીવાર બેઠો ને પછી જુહાર કરી ઘેર આવ્યો. બીજે દહાડે હું સુરત આવવા નિકળ્યો તે પ્રસંગે મને ગગાભાઈએ પોતાને ઘેર તેડી એક હલવાન ને એક પાઘડી (આસરે રૂ. ૩0 સેકનો માલ) વિદાયગીરીમાં આપ્યો, જે ઘણી ના કહી તો પણ મારે લેવો પડયો. મુંબઈ ગયા પછી મેં રૂ. ૨૫ સેકની ચોપડીયો વજલભાઈ, છગનલાલ વગેરેને બક્ષીસ મોકલાવી દીધી હતી. – પછી હું ઘોઘે આવ્યો ત્હાં જયંતીલાલ, નરભેશંકર વકીલ, જમીએતરામ મુનસફ વગેરેને મળી બોટમાં બેસી સુરત આવ્યો.
પાંચ મીનીટના મેળાપમાં અને તેમાં મીનીટેક રાજાના મ્હોંસામું જોયું હશે (કેમકે મારા મનમાં તેના સામું વધારે વાર જોઈ રહીશ તો તેને કંઈ વ્હેમ આવશે એવી કલ્પિત શરમ લાગેલી તેથી) એટલા ઉપરથી મારૂં અનુમાન એવું કે રાજા સાદા, સાધારણ સમજનાં અને ધીમી તબિયતના ઠાવકા છે, પણ કંઈક ભુંડાઈ હશે ખરી.
રાતે હું મારા એક નાતીલા સ્નેહી સાથે શહેર બાર એક મુસલમાન વેશ્યાનું ગાણું સાંભળવા ગયો હતો, એ વેશ્યાને અને રાજકચેરીને કંઈ વાંધો પડયો હતો – એવું હતું કે રાજકચેરી કહે તારી મેળે અહીં આવ ને તે કહે કે મને બોલાવે તો હું આવું. ગામના કેટલાએક ગરીબ શોખીલાઓને તેને મુકામે જઈ સાંભળવાનો ઠરાવ કરેલો. મીજલસમાં ચાર પાંચ જણ જ સમજનારા હતા. બાકી બીજા તો વહીતરું કરી જાણનાર વાણીયાઓ તો રૂપિયો બે રૂપિયા આપી આપીને ઘેર જતા રહ્યાં; પણ પછી હમે દસેક જણ રહ્યા. એક મુસલ્લો તરેહ તરેહવાર રાગની ફરમાસો કરતો – પેલી ચ્હીડાતી પણ ગાતી. એક વખત એ મુસલ્લો બોલ્યો કે કેરબો કર – પેલી બોલી કે ઘણાં વરસ થયાં મેં કેરબો કીધો નથી, માટે મારા પગ બરાબર નહીં ચાલે; તોપણ પેલાએ હઠ કરી ને પછી પેલીએ બાલ છુટી મૂકી દીધો. – ઠીક કીધો. પછી પેલો કદરદાન બોલ્યો કે હવે સિતાર બજાવો. એ વેશ્યાને સતાર, નરઘાં, સારંગી વગાડતાં આવડતાં. પાછલી રાતના ચારેકનો સમય ને પેલીને પણ જોસ્સો થઈ આવેલો તેથી તે સતાર વગાડવા બેઠી. એ વેળા તે બાઈની સુરતની કુદરત ઉપર હું મોહિત થયો હતો. પાસે મુકેલા બે દીવાની ઝાંખી જોત, પેલીનો ગોરો ચ્હેરો, છુટા બાલ, સતાર ઉપર રમી રહેલી આંગળી, ડાબા પગનો તાલનો ઠેકો, મસ્તીથી કમર ઉપરનાં આખા શરીરના ભાગનું ઝોકવું ને પાછું ટટ્ટાર થવું, ગોરાં કપાળ ઉપર પરસેવાના ઝીણાં બુંદો અને આંખ ઉપર મસ્તીથી થતી લ્હેજતનો ભાર, એ સઘળાનું ચિત્ર હજી મારી આંખ આગળ રમી રહ્યું છ – એ પ્રસંગનું સ્મરણ રાખવાને મેં મારાં ઋવર્ણનમાં બે લીટી લખી છે – ‘છૂટે નિમાળે પગતાલ મારી, હાથે વગાડી ન સિતાર સારી-૧’
૨0. હું મુંબઈમાં હતો ત્યારે દેશી રાજ જોવાની મને ઘણી ઉત્કંઠા હતી, તે આ પ્રસંગે જોકે ભાવનગર જોઈને, સમી હતી તોપણ વડોદરૂં પાસે છે ને વળી ગાયકવાડની રાજધાની છે એટલે કંઈ જોવાલાયક હશે જ એમ જાણી મને એવી ઇચ્છા થઈ કે એકવાર તે જોઈ આવું – જોઈએ કેવું છે! જો સારૂં ન લાગે તો ફરી તેણી તરફ જવાનો કદિ ખ્યાલ જ કરવો નહીં. વળી બને તો ડભોઈ જઈ ત્યાંથી દયારામનાં પદો લેતા આવું. એ મુસાફરીની યાદદાસ ‘વડનું ઝાડ’ એ કવિતામાંની છેલ્લી ૧0 લીટીમાં રહી છે, વડોદરૂં જોયું ને ધરાયો. દયારામનો સીગ્રીદ જેની પાસે મારે જવું હતું તે જ પોતે ચૈતર મહીનાને લીધે ઓખાહરણ વાંચવાને વડોદરે આવ્યો હતો એટલે ડભોઈ જવું બંધ રહ્યું. એને ને મારે જે વાતચીત થઈ તે નર્મગદ્યમાં દયારામના ચરિત્રની શરૂઆતમાં આપેલી નોટમાં છે. જ્યારે હું વડોદરે હતો ત્યારે મને લાગણી થઈ હતી કે, આહા, હું કીયા હેતુથી કહાં જવાને બદલે કહાં ભાવનગર રખડી આવી અહીં રખડું છું – વખત જાયછ ને કામ થતું નથી – પછી મેં ‘દુ:ખહર્તા સુખકર્તા’ની ગીતીઓ જોડી. વડોદરામાં હું દરબારમાં ગયો જ ન્હોતો. એ વખતમાં મને ઠાઠમાઠ જોવા ઉપર શોખ જ ન્હોતો. મારૂં મન મારા ઉદ્યોગ પર જ હતું. મેં રાજાને એક વખત મલો કુસ્તી રમતા હતા ત્યાં દૂરથી જોયા હતા.
૨૧. એ પ્રમાણે ૨0 દાહાડા મુસાફરી કીધી. એપ્રીલની ૧૯મીએ મેં બે અંગ્રેજી કાગળના જવાબ સુરતથી લખી મોકલ્યા. એક બાવીસમી માર્ચની ડાઈરેક્ટર આવ પબલિક ઈનસ્ટ્રક્શનની તરફથી તેના આસિસ્ટંટ ડબલ્યુ. એચ. ન્યૂનહામનો લખેલો હતો – એવી મતલબનો કે ‘આર્નલડના હિતોપદેશની પછવાડે ‘ગ્લાસરી’ છે તેનો તરજુમો બને તો કરવો.’ જવાબમાં મેં લખ્યું હતું કે હું તે કરીને થોડા દાહાડામાં મોકલીશ. મને ફુરસદ ન હોવાથી મેં તે કામ મારા બાપ પાસે કરાવ્યું હતું, પણ પછી સરકાર તરફથી માંગવામાં ન આવ્યું એટલે મેં તે મોકલ્યું નહીં. પછવાડેથી મને જણાયું કે તે રણછોડભાઈ ઉદેરામનું કરેલું છપાયું છે. કાંતો મેં સરકારના ફરીથી માગ્યાવના ન મોકલાવ્યું તેથી કે કાંતો મી.હોપની ભલામણ ઉપરથી રણછોડભાઈ પાસે કરાવેલું હોય. એકતીસમી મારચનો ઈ. આઈ હાવર્ડનો હતો તે આ : –
‘I request that you will do me the favor of becoming a member of the vernacular Class book Committee for the purpose of settling once for all the standard of Gujerati orthography.’
મારા જવાબની મતલબ આ હતી કે ‘હું તમારો ઘણો ઉપકાર માનુંછ; ઘણા દાહાડા થયા એ વિષયપર મારા શા વિચાર છે તે જણાવવાને હું અધીરો હતો અને તમારા મુરબ્બીપણાં નીચે તમે જે મંડળી ઉભી કરી છે તેવી મંડળીની જરૂરીયાત મને લાગી હતી; આશા રાખુંછ કે મંડળી એ બાબતસર મારી સાથે વેહેવાર રાખશે.’
૨૨. એપ્રીલની આખરે મુંબઈ ગયા પછી હું પાછું મારૂં હરદાસનું કામ શિખવાને પુને જવું ધારતો હતો એટલામાં દલપતરામ કવિ મુંબઈ આવવાના છે એવું મેં સાંભળ્યું. મારા મિત્રોએ મને ચ્હીડવવા માંડયો કે તે આવેછ માટે તું ન્હાસી જાયછ? એ કારણથી મેં પુને જવું મોકુફ રાખ્યું. સને ૧૮૫૯ના મેની ૨૭મીએ કવિ દલપતરામ ડિપુટી ઇન્સ્પેક્ટર ભાઈ મોહનલાલ સાથે આંખનું ઓસડ કરાવવાને મુંબઈ આવ્યા.
સને ૧૮૫૮માં મંગળદાસ નથુભાઈયે કવિ દલપતરામને મુંબઈ આવવાને કાગળ લખ્યો હશે ને તેના જવાબમાં કવિએ લખ્યું હશે કે મારા આવવા જવાના ખરચને માટે રૂપિયા સોએકનો બંદોબસ્ત થવો જોઈએ – ને બે ઉપરથી એક ટીપ થઈ હતી ને તેમાં મંગળદાસ અને બિજા બુદ્ધિવર્ધકના સાથીઓએ રૂપીયા ભર્યા હતા – મેં પણ ૨ રૂપિયા ભર્યાં હતા; પણ પછી કોણ જાણે શા કારણથી કવિ દલપતરામે મુંબઈ આવવું બંધ રાખ્યું હતું. મિ. હોપનો મુકામ ૧૮૫૯ના ચોમાસામાં મુંબઈમાં થવાનો હતો, તેથી કવિ દલપતરામે માંહે મળતા પોતાના મુરબ્બીની કચેરીની સાથે આવવાનું વધારે સારૂં ધાર્યું હશે.
૨૩. એ આવ્યા તે દાહાડે કે તેને બિજે દાહાડે પોતે સંધ્યાકાળને સમયે મામાદેવીની ચોકી આગળ જ્યાં વાસુદેવ બાબાજી નવરંગેની ચોપડીઓ વેચવાની દુકાન હતી ને જ્યાં હું બેઠો હતો ત્યાં આવ્યા. તેઓએ મને પૂછ્યું કે ‘વાસુદેવ બાબાજીની દુકાન અહીંયા છે?’ મેં કહ્યું ‘હા, આ જ.’ પછી તેઓ ઉપર ચ્હડીને વાસુદેવ બાબાજીને મળ્યા. પછી વાસુદેવ બાબાજીએ તેમને કહ્યું કે, કવિ નર્મદાશંકર પણ આ અહીં બેઠા છ. દલપતરામ મને સુરતથી ઓળખતા નહીં. પછી હમે બેઉં પરસ્પર ભેટયા. તેઓએ મને કહ્યું કે, ‘હું ભાવનગર ગયો હતો ત્યાં મને તમાર આવી ગયાની ખબર મળી હતી. ને ત્યાં મેં વિજયક્ષમા ઉપર ભાષણ કર્યું હતું. ને રાજા એટલા તો મારા ઉપર ખુશ થયા હતા કે તેઓએ મને ભારે સિરપાવ આપવા માંડયો. પણ મેં કહ્યું કે પુસ્તકશાળા તથા સંગ્રહસ્થાન કરવા સારૂ રૂ. ૧0000) એ ચોપડીનાં ઈનામને પેટે કહાડો ને તે વાત રાજાએ કબુલ રાખી છે.’ – એવી એવી વાતો કરીને ઉઠ્યા. ઉઠતી વેળા તેઓએ મને કહ્યું કે, ‘હું સ્વામીનારાયણના મંદીરમાં ઉતર્યોછ ત્યાં કાલે તમે આવજો ને ડાક્તર ભાઉને ત્હાં મને તેડી જજો.’ મેં કહ્યું સારું સારૂં. બિજે દાહાડે હું ત્યાં ગયો ને જોઉં છ તો પોતે ડાક્તર ભાઉની તારીફમાં કંઈ બનાવેલું તે મુખપાઠ કરતા હતા. મને પૂછ્યું, ‘કેમ આ ઠીક છે?’ મેં કહ્યું ‘ઘણું સારૂં છે.’ પછી હું તેમને લઈને ભાઉને ઘેર ગયો ને બંન્યોને મેળવ્યા. હું મારે ઘેર આવ્યો.
કવિ દલપતરામ વિશે એ વખત મને કંઈ મ્હોટો મ્હોટો વિચાર હતો કે એ ઘણા વર્ષ થયાં કવિતા કરેછ, રાજસભાઓમાં વાંચી આવ્યાછ વગેરે. તેમાં ઉપર કહેલી દલપતરામની વાત સાંભળીને તો હું ડંગ જ થઈ ગયો હતો. હું મનમાં મ્હોટા વિચારમાં પડયો હતો કે એની સામાં આપણાથી ટકાવવાનું નથી. પણ પછવાડેથી માલમ પડયું કે સરસ્વતીનું મંદીર બંદીર નિકળ્યું નથી ને એને રૂપિયા અડીસેં ત્રણસેનો સરપાવ મળ્યો હતો. મારા ભાવનગર જઈ આવવા વિશે એક બે જણને એણે કહેલું કે, ‘ગયા હતાની-ભાવનગર-વરષાસન કરાવવાને;–એમ વવી વરષાસન થતાં હશેઋ’ મને સાંભરેછ કે ઘણુંકરીને સમશેર બાહાદુરના ત્યારના અધિપતિએ મને એ વાત કહી હતી. મેં પણ એને કહ્યું હતું કે, ‘દલપતરામભાઈ એમ કાં ન કહેઋ’ – મારે કોઈ ફારબસ સાહેબ નથી કે રાજાનાં મરણ નિમિત્ત ખરચવાને કહાડેલાં દ્રવ્યમાંથી વરષાસન કરાવી આપે.’
૨૪. તા. ૧૩મી જુને બુદ્ધિવર્ધક સભામાં ભાઈ કરસનદાસ મુળજીએ પ્રવાહી શાસ્ત્ર વિષે ભાષણ કીધું તેને અંતે કવિ દલપતરામે બુદ્ધિવર્ધક સભાની તારીફમાં કેટલાએક નારાચવૃત્તના શ્લોકો વાંચી સંભળાવ્યા હતા. એ સાંભળીને મને દલપતરામની કવિતા વિષે સારો વિચાર બેઠો. દલપતરામને મ્હોડેથી ધ્યાન દઈને સાંભળેલી પ્હેલી કવિતા તો તે જ.
૨૫. તા. ૧૭ મી જુને વાસુદેવ બાબાજીની દુકાને હમે બેઠા હતા. ગંગાદાસ કિશોરદાસ મને બોલ્યા કે, ‘કાલે ખબર પડશે.’ મેં કહ્યું ‘શું છે?’ ત્યારે તે ફરીથી હસીને બોલ્યો કે, ‘કાલે ખબર પડશે.’ જો કે ગંગાદાસનું બોલવું મારો ને દલપતરામનો બીજે દાહાડે મુકાબલો થવાનો તે સંબંધી હતું તો પણ તે વખત હું તો જુદું જ સમજ્યો હતો – આમ કે મહારાજની વિરુદ્ધ છપાવેલા ગ્રન્થો સંબંધી લાઈબલની નોટીસ આવવાની હશે. હું બોલ્યો હતો કે ‘લ્યુથરે તો એમ કહ્યું હતું કે મોહોલનાં જેટલાં નળિયાં છે તેટલા મારા દુશ્મનો હશે તોપણ હું મારૂં મત કદી છોડવાનો નથી.’ પણ હું તો કહું છ કે ‘તે નળિયાં ભાંગ્યાથી ન્હાની ન્હાની જે કકડીઓ થાય તેટલા મારા દુશ્મનો હશે તોપણ હું મહારાજની દરકાર કરવાનો નથી.’
૨૬. બીજે દહાડે એટલે તા. ૧૮ મી જુન શનીવારે ગંગાદાસે પોતાની ઇસ્કોલમાં મને બોલાવી કહ્યું કે, ‘વિનાયકરાવ વાસુદેવની આ ચિઠ્ઠી આવી છે અને એમાં લખ્યું છે કે આજે સાંજે તમારે તમારી સરસમાં સરસ કવિતા લઈને વાલકેશ્વરમાં ભગવાનદાસને બંગલે આવવું.’ મેં કહ્યું કે ‘આવીશ ખરો પણ સાંભળવાને, વાંચવાને નહીં.’ મેં ઘર આવી નિશ્ચય કર્યો કે કોઈ દાહાડો જાહેરમાં મારે દલપતરામની સામાં કવિતા વાંચવી નહીં. મારી કવિતા નબળી પડશે તો તેની તો હરકત નહીં પણ દલપતરામની નબળી પડશે તો તેઓ સરમાશે ને એમ થાય તે સારૂં નહીં – લોક તો રસિયા – લોકને શુંઋ પછી પાંચ વાગે કંઈ પણ કવિતા સાથે રાખ્યા વગર હું ત્યાં જવા નિકળ્યો. રસ્તામાં એક દોસ્તદારે પાક આપ્યો તે ખાધો. પછી રસ્તો દલપતરામ ને ગંગાદાસ મળ્યા તેઓને સાથે હું વાલકેશ્વર ગયો.
છ વાગે મંડળી બેઠી. એ મંડળીમાં કોઈ પારસી ન્હોતું. પણ વાણિયા શેઠો હતા. ભગવાનદાસે મને કહ્યું કે ‘થોડા દલપતરામ બોલે, ને થોડું તમે બોલો.’ મેં કહ્યું કે ‘એમ નહીં બને – જેવી દલપતરામભાઈને સાંભળવાની તમારે આતુરતા છે તેવી મારે પણ છે ને મારૂં તો ઘણીવાર તમે સાંભળ્યું જ છે.’ પછી મેં દલપતરામભાઈને કહ્યું કે ‘હવે ચાલવા દો.’ પ્રથમ તો તેઓ એક બે હિંદુસ્તાની કવિત બોલ્યા. પછી હોપ સાહેબ ને દોલતરાય એ નામો બાહ્યાંતરલાપિકાની રીતે નિકળેછ તે કવિત તેઓએ બોલી સમજાવ્યું. એ કવિત તથા ‘હું સુતો પારણે પુત્ર ન્હાનો’ તથા રામસીતાના કાગળ દલપતરામભાઈ પોતાની ચતુરાઈ દેખાડવાને ‘જ્હાં ત્હાં જ્હારે ત્હારે બોલેછ–હું ધારુંછ કે અમદાવાદ, સુરત, મુંબઈ વગેરે ઠેકાણાં મળીને એણે એ કવિત બસેં એક વાર ભણ્યું હશે – સરસ કવિતા!’ પછી દલપતરામભાઈયે પોતાના ભાણેજની સાતે જાદવાસ્થળી ગાવા માંડી; તે પુરી થવા આવી એટલે વિનાયકરાવ બોલ્યા કે ‘હવે આપણે મુંબઈના કવિને સાંભળિયે.’ હું બોલ્યો ‘આજ તો નહિ સંભળાવું – મારૂં તમે બહુ સાંભળ્યુંછ’
એ સાંભળીને સાંભળનારા જે સહુ દલપતરામ પાસથી જુદી જ જાતની ઉમેદ રાખતા હતા તેમાં તેઓ નાસીપાએસ થઈ ગયા. એ પ્રસંગને સારૂ દલપતરામની મને બહુ દયા આવી – એક તો સાંભળનારને કેવી બાબત પસંદ પડશે તેનો તેણે અગાઉથી – રે મુંબઈમાં પહેલે જ પ્રસંગે વિચાર ન કર્યો – હાથમાં હુક્કા લઈને બેઠેલા એવાઓની આગળ જાદવાસ્થળીની–કેફ ન કરવાની બાબત કહાડી. બીજું એ કે જેવી રીતે નદીને ઓવારે ભંગીભટ સામળભટની ચોપડીઓ વાંચે છે તેવી રીતે (પણ છેક તેવું નહીં) એણે દોહોરા ચોપાઈ વાંચ્યા હતા જેથી સાંભળનારા કંટાળી ગયા હતા.
વાણિયાઓને –વાળુનો સમય થયો હતો તેથી અને વરજીવનદાસ જેઓ મારાપર જરા નારાજ હતા તેઓ બોલ્યા કે, ‘હા, હવે માંડી વાળો – વખત થઈ ગયો છ.’ તો પણ વિનાયકરાવ તો હઠ લઈને બેઠેલા કે મુંબઈના કવિને સાંભળ્યા વના ઉઠવુંજ નહીં – હું ગભરાયો કે એક તો નિમ તુટેછ ને બીજું કે પાક ખાધોછ એટલે બરોબર ગવાશે નહીં – વળી પાસે ચોપડી પણ મળે નહીં. વિનાયકરાવ બોલ્યા, કે જે કંઈ મ્હોડે હોય તે સંભળાવો. પછી મારે લાચારીથી ઉઠવું પડયું. હું રસપ્રવેશમાંના નવરસસંબંધી દોહોરા તથા માલિની જે પાઠે હતાં તે સંભળાવવાને ઉઠયો. દલપતરામભાઈ બેઠા હતા તેની પાસે ઉભાં રહીને પ્રથમ તો હું બોલ્યો કે ‘દલપતરામભાઈ તો સાગર છે ને ઘણાં વરસ થયાં કવિત કરે છે. હું તો ખાબોચિયાં જેવો ને નવો જ શિખાઉ છઉં – દલપતરામને કવિતા કરતાં વીસ વર્ષ થયાંછ ને મને ચોથું ચાલેછ – દલપતરામબાઈ જેવું મારી પાસે કંઈ નથી પણ વિનાયકરાવનો આગ્રહ છે માટે ગાઉંછ.’ પાક ખાધો હતો તોપણ એવે સારે અવાજે ને એવી સ્પષ્ટ વાણીએ દોહોરામાલિનીમાં રસસંબંધી નવો વિષય સંભળાવ્યો કે સઘળાઓ ડંગ થઈ ગયા. હું ગાતો તે વખત વિનાયકરાવ જે મારે ખભે હાથ મુકી ઉભા હતા તે વચમાં વચમાં ‘વા:વા! વા:વા! નર્મદાશંકર, આ તે તમે ક્યારે કીધું’ એમ બોલતા હતા. હું ગાવાના ધ્યાનમાં હતો તોપણ દલપતરામને ઝાંખા પડતા જોઈને મનમાં બહુ દાઝતો ને જ્યારે જ્યારે વિનાયકરાવ મને વા: વા: વા: કહેતા ત્યારે ત્યારે હું પગેવતી તેને બુટ ડાબતો – એમ જણાવવાને માટે કે મને શાબાસી ન આપો. પછી સહુ ઉઠયા ને હમારે માટે અફૂસની કેરી વગેરે તૈયાર હતાં તે હમે (હું ને દલપતરામભાઈ) સાથે ખાવા બેઠાં. ખાતાં ખાતાં હું ઘણી સારી રીતે બટકબોલું કરીને દલપતરામભાઈને શરમથી લાગેલું દુ:ખ જે તેને ભુલાવવાની તજવીજ કરતો. એ સમાગમ સંબંધી કંઈ ઈસારો ચોવીશમી જુનનાં સમશેરબહાદુરમાં છે.
૨૭. એ પ્રસંગથી દલપતરામભાઈને મારે વિશે જરા મનમાં વાંકું વસેલું તે બીજે દહાડે તેણે સમશેરબહાદુરના અધિપતિને તેની સાથે વાત કરતાંમાં જણાવેલું. દલપતરામભાઈ મહારાજ સંબંધી નિબંધો વિષે વાત કરતાં બોલ્યા હતા કે ‘લલ્લુભાઈ, એ હોંશિયાર છે, નિબંધ ઘણા સારા લખે છે ને મારી ઉમ્મરનો થશે ત્હારે કવિતા ઘણી સારી કરશે.’
૨૮. ભાઉએ મને તેડીને કહ્યું હતું કે, તમે ગભરાશો નહીં – તમારે ને દલપતરામને માટે એક ફંડ કરીશું, માટે તમે તમારો કવિતાનો ઉદ્યોગ ચલાવ્યાં કરજો. એ આશાએ મેં પુને જવું બંધ રાખ્યું – એવી મતલબે કે ફંડમાંથી રૂપિયા મળશે એટલે પછી નિરાંતે હરદાસનાં કામને માટે અભ્યાસ થયાં કરશે – હમણાં તો કવિતા જ કર્યા કરવી ને વાંચ્યાં કરવી. મને દલપતરામની મોટી ધાસ્તી હતી કે તેઓ વીસ વરસ થયાં કવિતા કરેછ માટે તેની પાસે ઘણી કવિતા હશે ને મારી પાસ તો કંઈ નથી માટે નવી કવિતા કરવાના પ્રસંગ ઝડપી હું તે કર્યા કરતો.
દલપતરામભાઈની પુંજી પછવાડેથી માલમ પડી કે – તેઓએ પોતાની ઘણીખરી જુની છપાયલી કવિતા વાંચ્યાં કીધી હતી અને તેમાં ઘણો ભાગ ગરબીયોનો હતો. મેં એઓને પૂછ્યું હતું કે ‘તમે સ્વામીનારાયણના માર્ગસંબંધી અને બીજી કેટલીએક જે તમે નથી છપાવી તે કેટલીએક હશેઋ’ તેઓએ મને કહ્યું કે ‘જેટલી છપાયલી છે તેટલી બીજી હશે.’
૨૯. ૫ મી જુલાઈયે મેં ‘સંપવિશે નિબંધ’ બુ. વ. સભામાં વાંચ્યો હતો; તેમ ૧૧ મીએ ‘લલિતા’ ને ‘સાહસદેસાઈ’ની કવિતાઓ વાંચી હતી; ૨૮ મીએ ડાક્તર ભાઉને ઘેર, બળવાનું સમાધાન થયું તે વિશે ઇશ્વરનું સ્તવન વાંચ્યું હતું; ૭ મી આગસ્ટે ડાક્તર ભાઉએ મંગળદાસની છોકરીઓની સ્કુલમાં ભાષણ વાંચ્યું હતું તેને અંતે એક ગરબી વાંચી હતી; અને ૨૧ મી નવેમ્બરે બુ. વ. સભામાં સ્વતંત્રતાની કવિતા વાંચી હતી.
૩0. તેમ નર્મકવિતા અંક ૪ થો, પ મો, ૬ ઠ્ઠો, ૭ મો ને ૮ મો છપાવી પ્રગટ કર્યા હતા, પમા ૬ ઠ્ઠાની છપાઈને પેટે મારા એક પારસી મિત્ર દાદી ખરસેદજી ઘોઘાએ ૧00 રૂપિયા આપ્યા હતા.
૩૧. મુંબઈના ગુજરાતી ભાષા બોલનાર ઘણાએક લોકો કવિતા તે શું એટલું પણ નહોતો જાણતા. તેઓએ ૧૮૫૭ થી કવિતા અલંકાર રસસંબંધી થોડુંઘણું જાણવા માંડ્યું હતં ન તેઓને કવિતાનો શોખ લાગવા માંડયો હતો. પણ કવિ દલપતરામના આવવાથી મારી ને એની કવિતા ઠામ ઠામ વંચાયાથી, લોકમાં ચરચાયાથી, ન્યુસપેપરોમાં ટીકા થયેલી લોકમાં કવિતાનો શોખ સારી પેઠે વળી ગયો – તેમાં પારસીઓ તો ગાંડા જ થઈ રહ્યા. દલપતરામ ઠેકાણે ઠેકાણે જઈ વાંચતા ને તેઓ ઘણેક ઠેકાણેથી જે રૂપીઆ આપવામાં આવતા તે લેતા. મેં કોઈનો રૂપીઓ લીધો નથી પણ ઉલટો ઘણોએક વખત તો ગાડીભાડાનો ખરચ ગાંઠનો કર્યો છે. એ દિવસોમાં મને ને કવિ દલપતરામને રાત દહાડો ઝંપ ન્હોતો. જ્યારે દલપતરામને કોઈ લાંબી કવિતા વાંચવાનો પ્રસંગ આવતો તારે આગલી રાતે તેઓ તેને સારી પેઠે ગોખતા (આંખા દરદથી વંચાય નહીં માટે).
૩૨. એવું બન્યું કે બુદ્ધિવર્ધક સભાવાળાઓએ કવિ દલપતરામને સારૂ મોટું ફંડ ઉભું કરી તેમાંથી કવિ દલપતરામનું બ્હાવલું અથવા તેના નામની સ્કાલરશિપ કરવાનો વિચાર કર્યો હતો. તે વાત મારે કાને પડી તારે હું મનમાં ખિન્ન થયો કે લોક કેવા ગાંડા છે – કે આટલું આટલું માન કવિને જીવતાં આપે છે. એ ખિન્નતા એક મારા મિત્રે દીઠી ને તેણે સમશેરમાં લાંબો આરટીકલ લખી ડા. ભાઉ, ગંગાદાસ કિશોરદાસ અને બીજાઓ વિષે કેટલુંએક લખ્યું ને એ આરટીકલથી બ્હાવલાંની ને સ્કાલરશિપની વાતો બંધ પડી. મેં તે આરટીકલ લખાવ્યો નથી પણ કવિ દલપતરામના મનમાં એવું ખરૂં કે તે અને બીજા આરટીકલો જે ન્યુસપેપરોમાં ‘દલપતરામની કવિતા સાધારણ ને નર્મદાશંકરની વિદ્વત્તાવાળી’ એવી મતલબના આવતા તે નર્મદાશંકર લખાવે છે. ખરેખર હું નિરદોષ છઉં. અલબત જારે દલપતરામને જોઈયે તેના કરતાં વધારે માન અપાતું જોતો તારે હું મનમાં મુઝાતો ખરો. દલપતરામ પોતાની કવિતા સાધારણ કેહેવાતી જોઈને બહુ અકળાતા. એક મારા પારસી મિત્રની આગળ તેઓ બોલ્યા હતા કે, ‘જુઓની ન્યુસોમાં મારા વિશે નઠારૂં નઠારૂં છપાવે છે; નર્મદાશંકર નહીં હો.’
૩૩. ડા. ભાઉએ મને બોલાવી કહ્યું કે ફંડની વાત બંધ રાખીછ, દલપતરામ આપણા પરોણા છે માટે હાલ એને જ લોકની તરફથી મદદ થવા દો. મેં કહ્યું ઠીક છે. પણ મનમાં ભાઉ ઉપર ચીડાયો હતો ખરો.
૩૪. લાડની વાડીમાં મેં મારાં લખવાં ભણવાને સારૂ ઓરડી રાખી હતી ત્હાં પડોસમાં દલપતરામે મુકામ લીધો હતો એટલે હમે ઘણુંખરું મળતાં. એ મેળાપોમાં જે વાતચીત થયેલી તે નીચે પ્રમાણે : –
મેં પુછ્યું હતું કે, ‘કવિતામાં હસ્વ દીર્ઘનો અને સંસ્કૃત શબ્દો મૂળ પ્રમાણે શુદ્ધ રાખવાનો નિમ રાખવો કે નહીં?’ તેઓએ કહ્યું કે, ‘ના, એમ ગુજરાતીમાં કવિતા બને જ નહીં.’
‘તમે કંઈ રસાલંકાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો છ?’ તેઓએ કહ્યું, ‘ના-મેં તો ફક્ત પિંગળનો સારી પેઠે અભ્યાસ કર્યોછ.’ એ વાત એ ભાઈએ મારી પિતાને પણ કહી હતી.
મેં પૂછ્યું હતું કે, ‘ઉત્તમ કવિતા કોને કહેવી?’ ત્યારે તેઓ બોલ્યા હતા કે, ‘ભાઈ દસ વરસ થાય ત્યારે તો કવિતામાં પ્રેવશ થયો સમવજો– ઉત્તમ કવિતા તો તે કે જેના ફક્ત રાગ સાંભળવાથી પણ આપણા ગુજરાતીઓ તો શું પણ બિજી ભાષા જાણનારા ખુશ થાય.’ ને પછી ‘તને રોકિ રહિ રાધિકા રંગ જામ્યો ઘણો રસિયા રજની રહિ જ થોડી’ – એ કવિતા બોલ્યા. મેં કહ્યું, ‘એમાં શું કવિતા આવી?’ – ઘણા રર્રા સાથે આવ્યા માટે!’ તારે પોતે બોલ્યા કે, ‘એ શું થોડી વાત છે?’ એ વાત થઈ રહ્યા પછી દલપતરામની ગેરહાજરીમાં મેં મારા મ્હેતા નરભેરામને કહ્યું હતું કે, ‘ભાઈ, એમાં કવિતા શું છે તે તું સમજ્યોઋ આશક ઉતાવળને લીધે કાલાવાલા કરતો હોય ને માશુક તેનો છેડો મુકતી ન હોય, એ વખતનું ચિત્ર છે, એ એમાં કવિતા છે. બાકી ઘણા રર્રા સાથે આવ્યાછ તે તો નહીં – અંદરની ખુબીને કવિતા કેહેવી જોઈયે – દલપતરામે દાખલો તો ઠીક આપ્યો પણ તેને પોતાની સમજ પ્રમાણે કામમાં લાગડયો.’
સંપલક્ષ્મીમાં ‘ગંગા ગિરિજા દ્વેષ ગ્લેશ નિત તેનો થાયે’ વગેરેનો છપ્યો છે તે વાંચી મારા બાપે મને કહ્યું હતું કે, આ કેવો સારો છે? મેં કહ્યું હતું કે, એ મૂળ વિચાર એનો નહિ હોય. પછી મારા સાંભળવામાં તે જ મતલબનો એક શ્લોક આવ્યો તે ઉપરથી મેં દલપતરામને ઉપર જણાવેલા છપ્પા વિશે પૂછ્યું કે ‘એ વિચાર તમારા પોતાના છે કે સંસ્કૃત ઉપરથી લીધેલા છેઋ’ પોતે પ્રથમ તો કંઈ ઉત્તર આપ્યો નહીં, પણ પછી મેં કહ્યું કે, ‘એક સંસ્કૃત શ્લોકમાં પણ તમારા જેવા જ વિચાર આપેલો છે.’ તારે પોતે બોલ્યા હતા કે ‘હા, મેં તે શ્લોક ઉપરથી કર્યો છે.’
મેં પૂછ્યું કે ‘તમને કવિતા કરવાનો શોખ પ્રથમ કેમ લાગ્યો તે મને કહો.’ ત્યારે તેઓ નીચે પ્રમાણે બોલ્યા – ‘ન્હાનપણમાં હું સામવેદ ભણ્યો હતો – દશ ગ્રન્થ પાને વાંચી જાણું છું – મુખપાઠ નહીં–ન્હાનપણમાં મને નઠારી સંગત હતી. હું મામાની જોડે મુળીગામ જતો તાંહાં એક ભૂમાનંદ સ્વામી હતા. તે સ્વામી પ્રથમ કુંભકાર હતા. તેની પાસે મામા જોડે હું જા આવ કરતો. બાપ એમ જાણતા કે સ્વામીનારાયણની શિક્ષા લેશે એટલે ઠેકાણે આવશે. એમ કરતાં મુળીગામમાં એક વખત આચાર્યજી આવ્યા. તેણે કહ્યું કે ‘આ છોકરાને કવિતા શિખળી હોય તો સારો થશે.’ પછી મેં કહ્યું કે મારે ગુજરાનને માટે કંઈ જોઈયે. તારે આચાર્યજીએ કહ્યું ‘જા તને ખાવ પિવાનું હમે આપીશું – તું અમદાવાદ જઈને અભ્યાસ કર’ અને એક વિષ્ણુ બ્રહ્મચારી હતો તેને કહ્યું હતું કે, ‘તું કચ્છની શાળામાં જઈને અભ્યાસ કર.’ પછી હું અમદાવાદ આવ્યો ને તાહાં ભાષાના ગ્રન્થો, જે સાધુઓએ બનાવેલા હતા તે મેં શિખવા માંડયા. તાહાં સારસ્વત શિખવા માંડયું પણ તેમાં કંઈ મન લાગ્યું નહીં – મન સઘળું કવિતા તરફ જ હતું. તાંહાં એટલી મુસીબત પડતી કે કોઠારી વેળાએ સીધું પણ ના આપે.
મેં દલપતરામભાઈને જમવા તેડયા હતા–ને બાસુંદી પુરી જમાડયા પછી પાનસોપારી ખાતી વખત ‘પ્રતાપરૂદ્ર’ નામનો રસાલંકારનો સંસ્કૃત ગ્રન્થ ભેટ કર્યો હતો ને ખરેખરા ભાવથી મેં કહ્યું હતું કે, ‘દલપતરામભાઈ, કવિતા સંબંધી તમારા ને મારા વિચાર જુદા છે તે ઉપરથી તમારા મારા સ્નેહમાં કંઈ ઘટાડો થવો ન જોઈયે.’ તારે બોલ્યા કે ‘નારે ભાઈ જુઓની ‘પંચે’ આપણી ચોટલીઓ એક એક પાસે કેવી પકડાવી છે?!’ મેં કહ્યું ‘ન્યુસવાળા ગમે તે લખે તેમાં આપણે શુંઋ ને પંચ તો રમુઝ કરે છે. તમે નજરમાં આવે તો માનજો કે – અલબત જેને તમે કવિતા કહોછ તેને હું નથી કહેતો–મારા તમારા વિચાર જુદા છે પણ તમને હું મારા વર્ગી જાણી ચાહું છું.’
જ્યારે ન્યુસપેપરોમાં દલપતરામભાઈની કવિતા સંબંધી છપાયું ત્યારે તેઓ વગર સબબે મારા પર બળવા માંડયાં ને એટલા તો બળ્યા કે (હું ઘણો દલગીર છું કહેવાને) મેં મારાં શુદ્ધ અંત:કરણથી મૈત્રી બાંધવામાં દલપતરામભાઈને જમવા તેડયા હતા, તે છતાં દલપતરામભાઈએ એક જણને (દલપતરામભાઈ એ વાતનો ઈનકાર કરે તો હું તે સખસની સાક્ષી આપવાને તૈયાર છઉં) આગબોટ પર ચડવાના વખત પર કહ્યું હતું કે ‘ધુળ પડી એનાં બાસુદી પુરી ઉપર.’
૩૫. વાલકેશ્વરમાં દલપતરામભાઈને ઉજાણી આપવામાં આવી હતી ને પછવાડેથી સહુએ તેઓનાં વખાણમાં ભાષણો કર્યાં હતાં–તેમાં મેં પણ કીધું હતું કે ‘સુધારાના વિષયમાં કવિતા કરવાનું પ્હેલું માન દલપતરામભાઈને છે–એઓ અસલી ઢબની કવિતા કરનારાઓમાં છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારાઓમાં પ્હેલા છે. દેશનો સુધારો સ્ત્રીસુધારા ઉપર વિશેષે આધાર રાખે છે, માટે સ્ત્રીઓને માટે તેઓના લાયક કવિતા કરવા પછવાડે દલપતરામભાઈએ વિશેષ ધ્યાન આપ્યું છે એ પણ તેઓને મોટું માન છે વગેરે વગેરે.’
૩૬. એ વરસમાં મેં ચિંતામણિ પિંગળ, સુંદરશ્રુંગાર, ભાષાભૂષણ, રસિકપ્રિયા એ હિંદુસ્તાની ગ્રંથોની મતલબ ઉપર ઉપરથી એ ભાષા જાણનારા કચ્છ તરફના મારા મિત્રો પાસેથી જાણી લીધી હતી.
૩૭. સને ૧૮૫૯ના વર્ષથી હું ધર્મ સંબંધી વ્હેમોથી મુક્ત થયો – સંસ્કારી સુધારાવાળો થયો.
૩૮. હમારી ભિક્ષુકની ન્યાત જમે ત્યારે સ્ત્રીઓ કાંચળી કહાડી નાંખી ફક્ત અબોટિયાં પહેરી બેસે એવો ઘણાં ઘણાં વરસનો ચાલ ચાલતો આવેલો તે મેં મારી માના ફોઈના છોકરા દોલતરામ વકીલ અને માના મસીયાઈ ભાઈ ગુલાબનારાયણ એઓની સહાયતાએ હાટકેશ્વરના ઓચ્છવને દહાડે ઘરમાંથી પ્હેલ કરાવી તોડાવ્યો. (અપરેલ ૧૮૫૯); ને આજ સુહ જ હિરાગળ કાંચળીયો પેહેરી જમવા બેસે છે – એ વેળા સઘળાં બૈરાંમાં માત્ર પાંચ જણે જ પ્હેલ કહાડી હતી. કેટલાંક બૈરાં ન્યાતમાંથી ઊઠી ગયાં હતાં–બ્રાહ્મણો ઘણા ચ્હિડાયા હતા પણ કોઈની બોલવાની હિંમત ચાલી ન્હોતી. કાંચળી પેહેરાવવા ઉપર મારી વૃત્તિ થઈ તેનું કારણ કે એક દાહાડો મારી સામેની ભાંયમાં ગૃહસ્થ ને ભિક્ષુક બંને વર્ગની સ્ત્રીઓ સાથે જમવા બેઠી હતી, તેમાં ગૃહસ્થની સ્ત્રીયોએ પોતાના ચાલ પ્રમાણે પ્હેરી હતી ને તેની જ સાથે ભિક્ષુકની સ્ત્રીયો પોતાના ચાલ પ્રમાણે કહાડીને બેઠી હતી, એ મેં મારી બારીમાંથી દીઠું ને પછી વિચાર કર્યો કે એક ન્યાતની, સાથે બેસી જમતી, તેમાં એક વર્ગ પેહેરે ને બીજો વર્ગ ન પેહેરે, એ તો એ ન સંખાય. જો આભડછેટને કારણે ભિક્ષુકની સ્ત્રીઓ કાંચળી ન પેહેરતી હોય તો ગૃહસ્થીનીઓએ પણ ન પેહેરવી જોઈએ. જ્યારે ગૃહસ્થ પેહેરે ત્યારે તેની સાથે બેસી જમનાર ભિક્ષુક કેમ ન પેહેરે–શું ભિક્ષુકની સ્ત્રીયો ગૃહસ્થની સ્ત્રીયોની દાસી છેઋ કાંચળી પેહેર્યા વગર ઉઘાડી જગામાં જમવા બેસવું એ ઉંચ ન્યાતની સ્ત્રીઓનો વિવેક નહીં.