અંગ્રેજી સ્કૂલ અને કૉલેજમાં –૧૮૪૫ – ૧૮૫૧
૧. સને ૧૮૪૫ની ૬ઠી જાનેવારીએ હું મારી ૧૧ વરસ ને ૪ મહિનાની ઉમ્મરે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થયો. પ્હેલવ્હેલો મ્હારો માસ્તર શેખમહંમદ નામે હતો. એ વિદ્વાન તો થોડો, પણ ગરીબડો તે શિખવવામાં સારો હતો. એણે મને મેકલકની ફર્સ્ટ ને સેકંડ રીડિંગ બુકો વરસ દહાડા સુધી શિખાવ્યાં કીધી. પછી થર્ડરીડિંગ, મોરલગ્લાસ બુક, સીરિઝ આવ લેસન્સ, કોર્સ આવ રીડિંગ અને જિયોગ્રાફીની ચોપડી વગરે બમનજી પેસ્તનજી માસ્તર, જે હાલ વિલાયતમાં વેપારી ખાતામાં છે તેણે શિખવી. બમનજીની શિખવવાની રીત ઘણી સારી હતી અને સ્વભાવ મળતાવડો હતો. પછી સ્કાલરશિપને સારૂ ઉમેદવારોના વર્ગમાં મ્હારા માસ્તર મિ.ગ્રેહામ અને મિ. રીડ હતા. મિ. ગ્રેહામ આલજિબ્રા ને જિયામેટ્રી ચલાવતો અને મિ. રીડ ટેલર્સ એનશિયંટ તથા મોડરન હિસ્ટરી, માર્શમન્સ ઇંડિયા, પોએટ્રી ને કોમપોઝિશન ચલાવતો. એ માસ્તર હસાવી રમાડીને સારી પેઠે શિખવતો. પણ મિ. ગ્રેહામનો મિજાજ છોકરાઓને આકરો લાગતો – એ તેઓને મજાક કરી ઠોકતો – પણ મેં કોઈ દાહાડો ઠપકો સાંભળ્યો નથી. હું એના વર્ગમાં હંમેશ ફર્સ્ટ જ રહેતો.
વચમાં પ્હેલા ગ્લાસમાં ગણિત શીખવનાર કોઈ બ્લાકવેલ નામનો ઢોંડાબોટ ઇશ્કી માસ્તર થોડા દાહાડા આવ્યો હતો. તેને ને મ્હારે બનતું નહીં. એક વખત મેં સમીકરણનો દાખલો ચોપડીની રીત ન કરતાં કોઈ જુદી જ પણ સહેલી રીત કર્યો હતો તે ઉપરથી ખોટો કહી મને ગ્લાસમાંથી દૂર કર્યો. એવામાં મગડૂગલ કરીને માથેમાટિકનો પ્રૉફેસર હતો તે ત્હાં આવી પોહોંચ્યો. તેન આગળ મેં રાવ ખાધી. એણે મ્હારી સ્લેટ જોઈને પછી બ્લાકવેલને કહ્યું કે, એ છોકરાએ બરાબર હિસાબ કીધો છ. એ છોકરો હોંશિયાર છે. તે વેળા બ્લાકવેલ સાહેબનું મ્હોડું ચલ્લી જેવું થઈ ગયું હતું.
હું હિસાબ પેહેલેથી અંગ્રેજી બોલી લખીને જ શિખતો છેક અપૂર્ણાંક સુધી આવ્યો હતો. એવામાં મગડૂગલે થોડાક છોકરાઓને જલદીધી બીજગણિત શિખવવાનો વિચાર કર્યો હતો, તે ઉપરથી હમારી પરીક્ષા લીધી – જેઓને ન આવડયું તેઓને સરવાળાથી ને તે પણ ગુજરાતીમાં જ શિખવવાનું ઠેરવ્યું – મારા દાખલામાં સહેજ ચુક હતી તેથી મને પણ સરવાળામાં નાંખ્યો હતો. એ હાથ્થીનાં બચ્ચાંની પેઠે ડોલતા ચાલતા અને ઝીણી આંખે ચશ્મા પહેરતા ગેટકી મગડૂગલને તપખીર સુંઘવાની બહુ ટેવ હતી પણ તે ભલો માયાળુ હતો.
ઉપર કહેલા માસ્તરો પાસથી ઉપર જણાવેલો અભ્યાસ કરી લઈને સને ૧૮૫0ના એપ્રિલ મહિનામાં પાંચ વરસ ને બે મહિને મેં ગ્લેર સ્કાલરસિપની પરીક્ષા આપી.
૨. જ્યારે હું ઉપર કહેલી ચોપડીઓ શિખતો ત્યારે દેશનાં વર્ણન, કુદરતી દેખાવોનાં વર્ણન અને કવિતા વાંચતાં મને એક જુદી જ રીતનો આનંદ થતો. તે દેશ કેવા હશે, ત્યાંની રતોની કેવી મઝા હશે, પોએટ્રીના તર્કનો આનંદ મારાં પોતાનાં તર્કનાં બિડાયલાં કમળને લાગતો. જો કે તે દિલમાં ઘણી વાર સુધી રહેતો નહીં કેમકે બાળપણમાં અનુભવ નહીં. આહા જ્યારે હું ટેલરની એનશંટ હિસ્ટરી શિખતો ત્યારે ઇજિપશિયન લોકોની રીતભાતનાં વર્ણન, ત્યાંની પિરમિડ, ત્યાંની નાઈલ વગેરેનાં વર્ણનથી ખરેખર મને કેવો આનંદ થતોઋ રે એ બાળપણમાંનો આછો આછો લાગતો આનંદ હાલ તે જ વર્ણનો ફરીથી કવિ દાખલ વાંચતાં પણ થતો નથી – આનંદ તો બહુ થાયછ પણ તે જાતનો નહીં.
૩. જ્યારે સ્કાલરશિપની પરીક્ષા ચાલતી હતી ત્યારે હિસાબની પરીક્ષા આપવાને આગલે દહાડે એક પારસી નામે મંચરેજી, જે હાલ જમશેદજીની સ્કૂલમાં માસ્તર છે, તેણે પરીક્ષક પ્રોફેસર પાટને કેટલાએક પુછવાના સવાલો (જવાબ સાથે નહીં) જુદા કહાડી મુક્યા હતા તે ટેબલ ઉપરથી લઈ આવીને પોતાના દોસ્તદાર મયારામ શંભુનાથને આપ્યા. એ પારસીને હિસાબ આવડતા નહિ. માટે મયારામ પાસે સમજી લેવાને આપ્યા હતા. એ મયારામ શંભુનાથ જે હાલ ડેપ્યુટી ઇનસ્પેક્ટર છે તે જ માત્ર અંગ્રેજી સ્કૂલમાં હું સેકંડરીડિંગ શિખતો ત્યારથી મારા સ્નેહી હતા ને હજી છે. એ મયારામ પેલા સવાલો રાત્રે મારે ત્યાં લઈ આવ્યા હતા ને હમે ઉજાગરો કરીને સવાલોના જવાબો નકી કરી રાખ્યા હતા. બીજે દહાડે પરીક્ષા થઈ તેમાં સહુથી વધારે જવાબ મેં ને મયારામે દીધા હતા. એ વાત મને સાંભરે છે.
૪. અંગ્રેજી ભાષાની ચોપડીઓ વાંચતાં મને જે હોંસ ને આનંદ થતાં તે, મને બીજગણિતનાં સમીકરણો છોડવતાં ને ભૂમિતિના સિદ્ધાંતો કરતાં પણ થતાં – રે વધારે – હું નવાં નવાં સમીકરણો છોડવતા ને નવા નવા સિદ્ધાંતો કરી બતાવતો. જેમ કેટલાકને હિસાબમાં સુજ્જ પડતી નથી ને તેથી તેઓ તેને ધિક્કારે છે તેમ મને ન્હોતું. હિસાબમાં મને નવું શોધવાની પહેલેથી જ ગમ હતી, જે પછી રોજના અભ્યાસે વધી ગઈ. આજ કાલ મરામાં જે થોડી ઘણી વાદશકિત છે, તેનાં કારણોમાં બીજગણિત ને ભૂમિતિનો અભ્યાસ એ પણ એક મુખ્ય કારણ છે. કોઈ નવું સમીકરણ મારાથી છોડવાતું અથવા નવો સિદ્ધાંત મારાથી થતો તો હું હરખથી કુદતો. અંગ્રેજી રાઈટીંગ સુધારવામાં અને હિસ્ટરી જિયોગ્રાફીની બાબતો મ્હોડે રાખવામાં મારી કાળજી ને મ્હેનત ન્હોતી. પણ સ્પેલીંગ, વાક્યરચના, વ્યાક્યાર્થ અને વ્યાકરણ એ ઉપર મારો લક્ષ બહુ હતો.
૫. મેં કોઈ દહાડો લેસનને માટે ઠપકો સાંભળ્યો નથી. હું સઘળા ગ્લાસમાં એકથી તે પાંચની અંદર નંબર રાખતો. ૧૮૪૯ના ડીસેમ્બરની ઈનામની પરીક્ષામાં મને રૂ. ૧૬)ની ચોપડીઓનું ઈનામ મળ્યું હતું.–ટેલરની એનશંટ હિસ્ટરી, હર્શલની એસ્ટ્રાનામી, ચેમ્બરની જિયામેટ્રી અને એક ટ્રિગનોમેટ્રી, કોઈ વખત મેં તોફાન કર્યાને વાંકે ગ્લાસમાં જગાઓ ખોઈ હોય ઈયા મારા ખાધો હોય એમ મને સાંભરતું નથી, પણ કોણ જાણે શા સારું એક વખત મેં કાપી લખતાં ડા. ભાઉના હાથની નેતરના બે ફટકા ખાધા છે ખરા. આહા તે વેળા મિ. નવરોજી ફરદુનજી, ડા. ભાઉદાજી અને મિ. ભોગીલાલ પ્રાણવલ્લભદાસના રોપ કેવા હતા! સ્કૂલનું ભવ્યપણું કેવું હતું!
૬. જ્યારે હું સીરિઝ આવ લેસન્સ શિખતો ત્યારે ગવરનર આવ્યો હતો. એની આગળ નાચરલ હિસ્ટરીની કવિતામાંનો ફાયરી કોર્સરનો પીસ એવો તો મેં સરસ રીતે વાંચ્યો હતો કે તે ખુશ થયો હતો ને બોલ્યો હતો કે ‘આ છોકરો અરથ સમજીને વાંચેછ.’ પણ તે વેળા હું તે પીસનો બરાબર અર્થ જાણતો ન્હોતો. એવું ઘણી વાર બને છે કે ઘણા સારા અભ્યાસને લીધે સમજ્યા વનાં પણ સમજીને વાંચ્યા જેવું સારું વંચાય છે.
૭. મારા બાપે મને અંગ્રેજી લૅસન શિખવવાને કોઈ ખાનગી માસ્તર રાખ્યો ન્હોતો – હું મારી મેળે જ લેસન કરતો. હમારા માસ્તર બમનજી હમને તરજુમો આગળથી કહેતા નહીં – હું ઘર આગળ ડિક્શનરીમાંથી કહાડીને ભાગુંતુટું બેસાડતો ને બીજે દહાડે નિશાળમાં હમે બે ત્રણ જણ સાથે બેસીને બનતું તેટલું તૈયાર કરતા. પછી લેસન ચાલતી વખત સઘળો ખુલાસો થઈ જતો. અડધા કલાકની રજાના વખતમાં પણ હમે લેસન કરતા.
૮. એટલા અંગ્રેજી અભ્યાસની સાથે હું દરરોજ બે કલાક સ્હવારે એક અંબાશંકર નામના ઓદીચ શાસ્ત્રી પાસે સારસ્વત શિખવા જતો. હું કેટલા વરસ શિખ્યો તે હાલ સાંભરતું નથી પણ દોહોડ વૃત્તિ સારસ્વત શિખ્યો છું એટલું સાંભરે છે. આહા એ અંબાશંકરની કેવી સૌમ્ય ને રાંક પ્રકૃતિ!
૯. હું રોજ ચાર વાગે મ્હારા બાપની સાથે ઉઠતો, રાતનું કીધેલું લેસન હું ફરીથી તપાસી જતો -નવું કરતો નહીં. પછી સંસ્કૃત પાઠ કરતો. પછી અંબાશંકર પાસે જતો. પછી આઠ વાગે ઘેર આવી ન્હાઈ સંધ્યાપૂજા કરતો. થોડા દહાડા મેં પાર્થિવની પૂજા પણ કીધી હતી. પછી સ્હાડે નવ વાગતે બાપની સાથે જમતો. પછી જરા આ હો કરી પાનબાન ખાઈ, લુગડાંબુગડાં પ્હેરી સ્હાડે દશ વાગે નિશાળે જતો. પાંચ વાગે નિશાળેથી પાછાં આવી અગાસીમાં હવા ખાતો; ને પછી દીવા થયા કે તરત લેસન કરવા બેસતો. સ્હાડા આઠે વીયાળુ કરતો ને પાછો નવ વાગે લેસન કરવા બેસતો તે સ્હાડા દશ સુધી. શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા જતો ને જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરેને દિવસે ફરાર કરતો.
૧0. હું એટલો વહેમી હતો કે ગ્લાસમાં જો કોઈ છોકરાનું થુંક ઉડયું એવી જો મને ભ્રાંતિ પડતી તો મારા હોઠને લોહી નિકળે તેટલે લગી અંગરખાની ચાળવતી ધસી નાંખતો. નિશાળે જતાં કાળકાદેવીનાં દર્શન કરતો ને એટલું માંગતો કે ‘હું ઘણો અપરાધી છઉં, ક્ષમા કરજે ને મા મ્હારૂં સારૂં કરજે’ ને ગાલે તમાચા મારતો. એ હું નિશાળમાં પહેલો નંબર રહેવાને માટે કરતો એમ નહીં, પણ ભાવિકપણાની ટેવ પડી ગયલી તેથી, એક દહાડો હું માતાની સામાં ઉભો રહી તમાચો મારતો હતો તે પેટી ઘડનાર એક કંતારીએ દીઠું. તે બોલ્યો હતો કે ‘માર જોરથી.’ તે દહાડા પછી હું તમાચા મારતાં શરમાતો, પણ દર્શન કરી રહ્યા પછી ચાર પાસ જોતો કે કોઈ મને જોતું તો નથી પછી ડાબો હાથ આડો રાખી જમણે હાથે ધીમે રહી તમાચો મારતો. મુંબઈમાં નર્મદેશ્વર નામના મહાદેવ છે જ્યાં થોડાં જ લોકો દર્શન કરવા આવેછ ત્યાં હું અંધારામાં પૂજા અભિષેક કરીને ‘હું ઘણો અપરાધી છઉં’ એમ કહીને નાકલીટી તાણતો. રામજી જતો તો ત્હાં ઘણીએક પ્રદક્ષણા ફરતો. એ ભાવિકપણું અને મ્હોટપણમાં એકાંતમાં દલગીર રહેવાની તબિયત મારી માના સહવાસથી મારામાં આવ્યાં હશે એમ મને લાગેછ. તે કંઈ મને ભાવિકપણું રાખવાને કહેતી નહીં તો પણ તે મારી એ વૃત્તિ જોઈને પ્રસંન રહેતી.
૧૧. હમારી વખતમાં કાલેજમાં ચાર પંક્તિતની સ્કાલરશિપ હતી – ગ્લેર દસ રૂપિયાની; ઉવેસ્ટ પંદરની, સેકંડ નારમલ વીસની અને ફર્સ્ટ નારમલ ત્રીસ રૂપિયાની. ગ્લેરની ઉમેદવારીમાં ઘણા જણ હતા તેમાં અગિયાર જણ પાસ થયા; તેમાં મારો નંબર ત્રીજો આવ્યો હતો. પરીક્ષા લેનાર જાણ્યામાં હેનરી ગ્રીન પ્રિનસિપાલ, પ્રોફેસર પાટન, ટામસ રીડ ને બીજા બેએક અંગ્રેજો હતા. એ પરીક્ષા થી ૧૮૫0ના એપ્રિલમાં, પણ પછી મે મહિનાની રજા પડી તેથી જૂન મહિનામાં હું કોલેજમાં દાખલ થયો. એ પરીક્ષામાં મેં સઘળા વિષયોમાં થોડાઘણા જવાબ દીધા હતા, પણ એક નિબંધ અંગ્રેજીમાં લખાવ્યો તો તે તો મને લખવો સૂઝ્યો જ ન્હોતો. એક જ પારેગ્રાફ લખ્યો હતો. તેની મને ૭ માર્ક મળી હતી. ગ્લાસમાં હિસ્ટરીનાં કોમપોઝિશન મેં લાંબાં લાંબાં ને સારાં સારાં લખ્યાં હતાં, પણ એ નિબંધ જે કે જાણ્યામાં બૈરાંઓને ભણાવ્યાથી ફાયદા છે કે ગેરફાયદા છે એ બાબતનો હતો તે મારાથી દુનિયાદારી ન જાણ્યાને લીધે લખી શકાયો ન્હોતો; કેમકે તે વખત મારું ચિત્ત નિશાળના-ભણવા લખવામાં જ હતું.
૧૨ કાલેજમાં દાખલ થયા પછી કઈ કઈ ચોપડીનો અભ્યાસ ચાલ્યો તે મને વિગતવાર સાંભરતું નથી, પણ એટલું સાંભરેછ કે હિસાબમાં પાટન, હમને હારમૉનિક્સ ને પોલ્સ પોલાર્સનાં ગણિત અને ત્રિકોણમિતિ શિખવતો; ડા. જીરો, કેમીસ્ટ્રીનાં લેકચરો આપી પ્રયોગો કરી બતાવતો અને ગ્રીન, પોલીટીકલ ઇકાનામી ને લાજીક શિખવતો.
૧૩. હમે કાલેજના બે ત્રણ સાથી અને બીજા બે ત્રણ દોસ્તદારો એકઠા મળી મારે ઘેર રસાયનશાસ્ત્રના પ્રયોગો કરતા હતા. પછી થોડેક દહાડે હમે હમારા ઘરની ચોપડીઓ એકઠી કરી એક ન્હાનો સરખો પુસ્તકસંગ્રહ મારે ઘેર કર્યો હતો. પછી એવો વિચાર કર્યો હતો કે આપણે મહિનામાં ચાર વાર મળવું. તેમાં બે વાર આપણે નિબંધો લખી આપવામાં જ વાંચવા-માંહોમાંહે લખતાં બોલતાં ને વાદ કરતાં શિખવું; અને બે વાર જાહેર સભા ભરી લોકનો સુધારો કરવો. એ વિચાર પાર પાડવાને હમે હમારાં મળવાંને જુવાન પુરૂષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા એવું નામ આપ્યું. તેમાં હું પ્રમુખ, મયારામ શંભુનાથ સેકરેટરી, કલ્યાણજી શિવલાલ, તીજોરર અને નારણદાસ કલ્યાણદાસ તથા બીજા બે કારભારીયો હતા. એ સભાની તરફથી જાહેર ભાષણો ભૂલેશ્વરના ચકલામાં હમારા દોસ્ત મેઘઝી તથા ભવાની લક્ષ્મણના કોઈએક ઓળખીતાનાં ખાલી પડેલાં ઘરમાં (હાટકેશ્વરની પાસેનાં) ૧00 થી વધારે સાંભળનારાઓની આગળ થયાં હતાં. મંડળી મળવાથી થતા લાભ વિષે ભાષણ મ્હોડેથી મેં કર્યું હતું. ને જાદૂ વિષે ભાઈ નારણદાસે કર્યું હતું. પછી હમારી સભાએ, હમારા સ્નેહી ભાઈ હરીલાલના બાપ મોહનલાલ જે પાંજરાપોળની વહીવટ કરનાર એક કારકુન છે તેની રજાથી પાંજરાપોળના બંગલામાં મળવા માંડયું – ને ભાઈ માણેકલાલ ગોપાળદાસે સ્ત્રીઓને વિદ્યાભ્યાસ કરાવવા વિષે નિબંધ તૈયાર કરીને કારભારીઓને તપાસવા આપ્યો. પણ એ નિબંધ જાહેરસભામાં વંચાવવાનો દાહાડો હમે મુક્કર કરતા હતા એટલામાં મારે કાલેજ છોડી સુરત જવું પડયું. મારા સુરત ગયા પછી દશ પંદર દાહાડો ભાઈ પ્રાણલાલ, ભાઈ મોહનલાલ વગેરે છોકરાઓની સભા જોઈ મનમાં હસવાને પાંજરાપોળમાં આવ્યા ને ત્યાં પછી અન્યોન્ય બુદ્ધિવર્ધકવાળાઓએ તેઓને સામેલ થવાની વિનંતી કરી. તે તેઓના દિલમાં ઉતરી; ને પછી તેઓએ હમારી સભાનું નામ બદલી બુદ્ધિવર્ધક હિંદુ સભા એવું રાખ્યું – ૩૧ મી માર્ચ ૧૮૫૧.
૧૪. સને ૧૮૫0ના જુલાઈ આગસ્ટમાં એક મારા સ્નેહીએ મને સુરતથી કાગળ લખ્યો હતો, તેમાં કેટલીએક વાત મારી સ્ત્રી સંબંધી હતી. તે કાગળના સરનામાં ઉપર નામ મ્હારૂં, પણ ઠેકાણું મારા સસરા સુરજરામ સદર અદાલતના શાસ્ત્રીના ઘરનું હતું. તે ઉપરથી મારા સસરાએ સરનામું વાંચ્યા વગર પોતાનો જ એમ જાણી તે કાગળ વાંચ્યો ને તેના જ ઘરમાં એક મારો સગો રહેતો હતો તેને કહ્યું કે ‘નર્મદાશંકરને આપી આવ.’ એટલામાં બીજો કાગળ ઉપર કહેલી રીતનાં સરનામાંનો આવ્યો તે પણ મારા સસરાએ વાંચ્યો. મેં તો પહેલા કાગળ ઉપરથી મારા સ્નેહીને લખ્યું હતું કે તારે હવે કાગળ લખવા નહીં – પણ મારો સસરો પેલો કાગળ લખનાર જે તેનો ભાણેજ થતો તેના ઉપર એટલો તો ગુસ્સે થઈ ગયો હતો કે તેણે સુરત પોતાને ઘેર લખ્યું, જેથી પેલા બિચારાને તેની વડીઆઈ જે મારા સસરાની બ્હેન થાય તેનો વરે ખુબ માર માર્યો હતો – ને એથી તે બચારો વગર વાંકે ઘરનો જુલમ ન બરદાસ્ત થયેથી પોતાની મહેતાજીગીરીની નોકરી છોડીને કોઈ બીજે ઠેકાણે નોકરી મળેછ, એવું ઘરમાં બ્હાનું બતાવી સુરત છોડી જતો રહ્યો હતો. બે વરસ બ્હાર રખડીને પાછો સુરત આવ્યો તે વખત હવાડીએ ચકલે સહુના દેખતાં હું તેને ભેટયો હતો. મને મારા સસરા ઉપર ઘણો જ ધિક્કાર આવ્યો હતો – કે આટલા મોટા અધિકારપર છતાં સરનામું વાંચ્યાવના મારા કાગળો ખોલ્યા જ કેમઋ મેં મારા સસરા ઉપર મ્હોટા ઠપકાનો કાગળ મોકલવાને તૈયાર કીધો હતો પણ મારા બાપના સમજાવવાથી પછી તે મેં ફાડી નાંખ્યો હતો.
૧૫. કાલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું હોવાથી (કેમકે કાલેજમાં કંઈ રોજના રોજ લેસન આપવાં પડતાં નહીં. ફક્ત પ્રોફેસરો લેકચર આપતા તે સાંભળ્યાં કરવાનું હતું.) હું મારો વખત આ તે અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો. તોપણ નોવેલ્સ ને ટેલ્સ વાંચતો નહીં.
૧૬. સને ૧૮૫0 ના સપટેમ્બરમાં મારી જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડયું – હું બાળપણમાં નઠારી સંગતમાં ન છતાં, ને બૈરાંઓસંબંધી વાતો મેં વાંચેલી નહીં તે છતાં મ્હારાં મનની વૃત્તિમાં નવો ફેરફાર થયો – મને બૈરાની ગંધ આવવા માંડી. હમે મુંબઈમાં જે ઘરમાં ભાડે રહેતાં તે ઘરમાં બીજાં ભાડુતો પણ રહેતાં. તેમાંનાં બૈરાંઓ ગમે તે ગમે તે વાતો કરતાં હતાં તે મેં છાનાંમાનાં સાંભળવા માંડી; બૈરાંઓ પોતાના એકાંતમાં શું વાતો કરતાં હશે તે જાણવાને મેં અંદેશો કરવા માંડયો; શામળ ભટની વાર્તાની ચોપડીઓ વાંચવા માંડી. એ સઘળાંથી ઉશ્કેરાયલી હાલતમાં સંભોગ ઇચ્છાનો જોસ્સો ઘણો થવો જોઈયે તે મ્હને ન્હોતો; પણ એવી ઇચ્છા થતી કે કોઈ સ્ત્રી સાથે સ્નેહ બંધાય તો સારૂં. અસલથી ઘણો જ ઠાવકો ને શરમાળ તેથી અને ઇશ્કબાજીથી વાકફ એવા દોસ્તો નહીં તેથી મારાથી મારા જોસ્સાનેલગાર પણ બ્હેકાવાયો નહીં, કોઈ બઈરી પોતાની મેળે મને બોલાવે તો હું બોલું એવી ઇચ્છા થતી. એ જોસ્સો મને જારે કાલેજમાં રજા હોય ને ઘેર નવરો હોઊં તારે જ થતો – ને તે પણ દહાડે જ – રાતે નહીં – એ જોસ્સો મને મહિનો દહોડેક રહ્યો પણ તેથી હું કંઈ બળ્યાં કરતો નહીં.
૧૭. સને ૧૮૫0ની ૨૩ મી નવેમ્બરે મારી મા સુરતમાં મરી ગઈ. મારા બાપ સુરત હતા ને હું એકલો મુંબઈ ગયો. જ્યારે મુઆના સમાચાર મારા બાપના સ્નેહી ગોકળનાથ ઉપર આવ્યા ત્યારે હું કોટમાં રોજ સ્હવારે એક પારસીને શિખવવા જતો ત્યાં હતો. હું ૧૧ વાગે ઘેર આવ્યો ત્યારે ઓટલે ગોકુળનાથ બેઠા હતા, તેણે મને ઉપર જતાં અટકાવ્યો – હું તરત સમજ્યો – મ્હારાથી પાઘડી ફેંકઈ દેવાઈ ને હું એકદમ સૂમ થઈ સહુની સાથે તળાવે જવા ઓટલે બેઠો.
૧૮. મારી ઉમ્મરમાં, મારાં સગાંમાં, મારાં ઘરમાં કારીનું મરણ સમજતી અવસ્થામાં પ્હેલવેલું જ સાંભળ્યું – મ્હારી માનું મરણ સાંભળ્યું – મ્હારી મા મરી ગઈ એથી અને એ વખત દિલાસો દેનાર મ્હારા બાપ મારી પાસે નહીં એથી હું હોલેદિલ બની રહ્યો. મેં સુતકમાં કાલેજ જવું બંધ રાખ્યું હતું. તેથી ૧0 દાહાડા સુધી તો મેં ૧૧ થી તે ૬ સુધી તીજા માળની બારીયે બેસી તડકા સામું જોયાં કીધું – તે મને પીળા ને રોતા લાગતા! રાતે પણ ઉદાસ રહેતો. પણ એ ઉદાસી મરણના ઘરની ન્હોતી પણ વૈરાગના ઘરની હતી. હું શરીરના રોગ, મોતના ભો અને ઇશ્વર સંબંધી વિચારમાં ઘૂમ રહેતો; અને ‘કૃષ્ણને કરવું હોય તે કરે, જિવ તું શિદને ચિંતા ધરે,’ એ વચન વારેવારે બબડયાં કરતો. એ વચન દયારામનું છે તે હું વખત જાણતો ન્હોતો – મારી મા ભજન ગાતી ને મારા સાંભળ્યામાં એક બે વાર ઉડતું આવેલું તે કંઈ સાંભરી આવેલું. તેરમું વિત્યા પછી મેં કાલેજમાં પાછું જવા માંડયું, પણ ચિત્ત ઠેકાણે નહીં. એ જોસ્સો મને એક મહિનો સારી પેઠે રહ્યો.
૧૯. પખવાડીયા પછી સુરતથી કાગળ આવ્યો. તેમાં એમ હતું કે વહુ મોટી થઈછ માટે નર્મદાશંકર હવે વ્હેલું આવવું. મારા સસરાની મરજી એમ કે સુરતમાં ઘર મંડાય. મારા બાપના બે વિચાર-સગવડને માટે સુરત ને છોકરાનો અભ્યાસ તથા બાપદીકરા સાથે રહિયે એ બે માટે મુંબઈ ઠિક પડે. એ વખતે મને સ્ત્રીને મળવાનો સારી પેઠે જોસ્સો થઈ આવ્યો હતો. એટલામાં મને કોગળિયું થયું તેથી મારા બાપે સુરત મોકલવાનું જ રાખ્યું. ને મારા સસરા મને સુરતમાં નોકરી મળવા માટે પોતાના સ્નેહી જગન્નાથ શંકરશેઠના છોકરા વિનાયકરાવ પાસે સુરતની ઇસ્કોલના ગ્રેહામ ઉપર સિફારસ કાગળો લખાવવાની તજવીજમાં હતા. મારી તો સુરત જ જવાની ઇચ્છા થઈ હતી તેની અને વળી કાલેજમાં અભ્યાસ ન થવાથી પરીક્ષામાં પાસ તો થવાનો જ નથી એમ જાણી મેં તો સુરતમાં જ નોકરી લેવાનું ધાર્યું.
૨0. કાલેરાથી હું સારી પઠે સારો થયો હતો તોપણ તેનું બ્હાનું કહાડી રાજીનામું આપી, પ્રોફેસરોનાં સરટીફીકટો લઈ હું સુરત આવ્યો. મ્હારાં સરટીફીકટો આ પ્રમાણે છે : –
Elphinstone Institution
Feb. ૮th ૧૮૫૧.
I have known Narmadashankar for the last eighteen months; but principally since June ૧૮૫0 at which period he commenced his studies in the College department of the Elphinstone Institution. Out of a large list of candidates for Clare-scholarships of whom eleven succeeded Narmadashankar obtained the third place. He distinguished throughout the term as a student but he has lately been attacked by cholera which has left him so weak and ill that his Doctor insists upon his removal from Bombay to his native town, Surat.
We all part with him with great regret.
(Signed) H. GREEN,
Acting Principal
Narmadashankar Lalashankar a student in the College Department of the Elphinstone Insitution, has been under my Tuition in English Literature and History for the last year and a half. It would be impossible to speak too highly of his acquirements, or of his industry. His knowledged of the English Language is remarkably good for his standing and he has made considerable progress in the study of History, ancient and modern, but more particularly in the History of India. At the examination of June ૧૮૪૯ (૧૮૫0) he came out ૩rd in his class and was appointed a Clare of (૧ st year’s) scholar, in which capacity he has given great satisfaction and I regret to say that he is now obliged to leave (I hope only for the present) Bombay.
He is decidedly a boy of great talents and his conduct as far as I know of has been always most unexceptionable.
Elphinstone Institution
February ૧૪th ૧૮૫૧.
(Signed) R. T. REID, A. B.
Acting Professor of History and General Literature.
૩
I have great pleasure in bearing testimony to the good conduct and industry of Narmadashankar Lalashankar since I became acquinted with him. At the scholarship examination in April ૧૮૫0 his answering was extremely good and his progress since has been very fair notwithstanding his ill health which I regret has at last compelled him to leave the Institution.
Elphinstone Institution
૨૫th Feby. ૧૮૫૧.
Joseph Patton
Profr. Math, and Physic.
એ સરટીફિકેટ લખી આપવા પાટનને ફુરસદ નોતી તેથી હું તે લીધા વિના સુરત આવ્યો હતો – પછવાડેથી મારા બાપે તે લખાવી મોકલ્યું હતું.