વિરામ ૩

બાળપણ અને પ્રાથમિક શિક્ષણ – સને ૧૮૩૩ -૧૮૪૫

૧. પ્રસવવેળા મારી માને ઘણું દુ:ખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારૂં માથું ઘણું જ લાંબું હતું, તેથી ચ્હેરો વિચિત્ર દેખાતો હતો. (હમણાં તો માથું ઘણું જ ન્હાનું ગોળમટોળ જેવું છે.) છ મહિનામાં હું ઘુંટણિયાં તાણતો થયો.

૨. જન્મ્યા પછી દશેક મહિને હું ને મારી મા, માના કાકા દુલ્લભરામ સાથે મુંબઈ મારા બાપ પાસે ગયાં. બીજા વરસને આરંભે મને બોલતાં આવડયું પણ બે વરસ સુધી અન્ન ન ખાતાં દૂધ અને ચાટણાંથી શરીરનું બંધારણ રહ્યું.

૩. સંવત ૧૮૯૩ની મ્હોટી આગ લાગી ત્યારે હું મુંબઈમાં હતો. મને બરાબર સાંભરે છે કે ભગવાનકલાના માળામાં હું દિવાનખાનામાં રમતો હતો અને દયારામ ભૂખણ નામનો પડોસી વાણિયો બપોરી વેળા બ્હારથી ઘેર આવી દિવાનખાનામાં આકળો થઈને બોલ્યો હતો કે ‘આખું સુરત શેહેર બળી ગયું.’ એ સાંભળીને બીજા બૈરાં ભાડુતો, જે સુરતનાં હતા (ભાયડા તો નોકરીએ ગયલા) તેઓ તો હબકી જ ગયાં. ‘આખું સુરત શેહેર બળી ગયું’ એ તેના બોલવાનો ભણકારો હજી મને યાદ છે.

૪. સંવત ૧૮૯૪ના વૈશાખમાં સુરતમાં બળી ગયેલા ઘર બંધાવાં શરૂ થયાં હતાં તે ૧૮૯૫ની આખરે પુરાં થયાં. એ દરમિયાનમાં થોડોક વખત હું ને મારી મા સુરતમાં હતાં. તે વખતે એક પ્રસંગે સામી ભાંયમાં રમતાં મારાથી મારા કાકાના નાના છોકરાને પથરો મરાયો હતો, તે ઉપરથી મારી કાકી કંઈ બબડતી હતી, તે સાંભળીને મારી માએ વર્ચસમાં મને ઘરમાં લઈ જઈ સારી પેઠે બઝોડયો હતો, ને પછી પેટીના કડા સાથે બાંધી દાદર બારીએ તાળું દઈ તે બહાર ગઈ હતી, હું બુમેબુમ પાડતો હતો. મારી ચીસથી ઘરમાં કામ કરનાર ગોવન ગજ્જરને દયા આવી ને બારી ઉઘાડી રહી હતી, તેથી તેણે તેમાંથી આવીને મને છોડયો હતો, એ વાત હજી મને સાંભરે છે.

એક વખત મુંબઈમાં મેં તેલનું માટલું ફોડી નાખ્યું હતું. તે વેળા મારી માએ મને સારી પેઠે માર્યો હતો ને સાંજે મ્હારા બાપ આફીસથી આવી મા-દિકરાનું સમાધાન કરાવતા હતા, એવામાં હું કંઈ સામું બોલ્યો તે ઉપરથી બાપે પણ મને એક તમાચો માર્યો હતો. એટલે જ પ્રસંગે મેં માર ખાધો છે.

૫. પાંચ વરસનો થયો પછી મારા બાપે મુંબઈમાં ભુલેશ્વર આગળ નાના મ્હેતાની નિશાળે મૂક્યો હતો, તે વેળાએ નિશાળીઆઓની ઘેર તેડયા હતા ને ગોળધાણા તથા ધાણી વેંહેંચ્યાં હતાં, ને છોકરાઓ ‘સરસતિ સરસતિ તું મારી માત’ ને ‘જી મેતાજી સલામત’ એમ બોલતા હતા તે મને સાંભરે છે, અને રાતે હમે ચાર પાંચ છોકરાઓ એકઠા મળી ઘાંટા કહાડી આંક ભણતા, તે પણ, સુરતમાં રહેતો ત્યારે ઇચ્છા મ્હેતાની ને ફકીર મ્હેતાની નિશાળે જતો.

૬. હું બાળપણમાં નિરોગી હતો, પણ સાતમે વરસે છ મહિના માંદો રહ્યો હતો, તેમાંથી એક વખત મ્હોડામાંથી ને ઝાડા વાટે ઘણા કરમ પડયા હતા.

૭. આઠમે વરસે સં. ૧૮૯૭ના વૈશાખમાં મને સુરતમાં જનોઈ દીધું હતું. એ સંસ્કાર થયા પછી એક પાસથી મેં સંધ્યા, રૂદ્રી અને વેદ ભણવો શરૂ કર્યો ને બીજી પાસથી સરકારી ગુજરાતી નિશાળે જવા માંડયું.

વેદ તો હું બાબાજી નામનો દક્ષણી, જે મારા બાપનો સ્નેહી છે, તેની પાસ ભણતો. બે વર્ગ તેની પાસ ભણ્યો ને પછી બીજા દક્ષણી પાસે બાકીના વર્ગો ભણીને એક આઠો પુરો કર્યો. વેદમાં હું એટલું જ ગુરૂ પાસે ભણ્યો છઉં. – મને યાદ આવેછ કે મારા કાકાના ઘરમાં કંઈ વ્રત ઉઝવાતું હતું ને મંડળો પુરાયાં હતાં ને વેદિયાઓ મંત્ર ભણતા હતા, તે પ્રસંગે કોઈએ મને ભણવાનું કહ્યું હતું તે ઉપરથી હું ભણ્યો હતો ને સહુએ મારી ભણણી વખાણી હતી, તે વેળા મારી ઉમ્મર ૧0 વરસની હશે.

પ્રથમ હું મુંબઈમાં પાયધોણી ઉપર બાળગોવંદ મહેતાજીની નિશાળે બેઠો. ત્યાંથી થોડા દાહડા પછી સુરત આવવું થયું. સુરતમાં દુર્ગારામ મ્હેતાજીવાળી નાણાવટમાં નવલશાના કોઠામાં નિશાળ હતી, ત્યાં મેં જવા માંડયું. તે નિશાળના ભવ્યપણાનું ચિત્ર હજી મારી આંખ આગળ છે. જગા જ કુમળો ડર ઉપજાવતી તો મ્હેતાજી કઠ્ઠણ ડર ઉપજાવતો કેમ ન હોય? મને મૂળાક્ષર સારા ઉચ્ચારથી બોલતાં આવડે તોપણ મ્હેતાજીને પરીક્ષા આપતાં બ્હીકથી ઙ્ને ઠેકાણે અઙ્ મારીથી બોલાઈ જવાય – એટલા માટે હું મહિનો દહાડો બારાખડીમાં પડી રહ્યો. એક દહાડો દોલતરામ વકીલ જે મારી માની ફોઈના છોકરાના છોકરા થાય તે ઘણા ચીડાયા કે છોકરો બરાબર ઉચ્ચાર કરેછ ને મ્હેતાજી કેમ પાસ નથી કરતા – ચલ હું આવુંછ. પછી તેઓ એક દાહાડો મારી સાથે આવ્યા ને મ્હેતાજીએ ઙ્ બોલાવ્યો તો મારાથી શુદ્ધ બોલાઈ ગયો ને હું પાસ થયો. આહા આગળની રીતે કેવી સારી ને હમણાંની કેવી હૂસ હૂસની છીછલ્લી છે!

૮. સંવત ૧૯00 ના વૈશાખ શુદ ૧૨-સને ૧૮૪૪ ની ૨૯ મી અપરેલે મારાં લગન સુરતમાં સદર અદાલતના શાસ્ત્રી સૂરજરામની છોકરી સાથે થયાં.

૯. મને ગુજરાતી અભ્યાસ કરાવ્યાનું માન બાળગોવિંદ મ્હેતાજીને જ છે. એને જ ત્હાંથી હું એલ્ફીન્સ્ટન સ્કુલના પ્રિનસિપાલ જોન હાર્કનેસની પાસે ગુજરાતીની પરીક્ષા આપવા ગયો હતો – ને સને ૧૮૪૫ની ૬ઠ્ઠી જાનેવારીએ અંગ્રેજી સ્કુલમાં દાખલ થયો હતો. મને સાંભરે છે કે એક વખત હું સુરતમાં હતો ને સાંભળ્યું કે ઈનામ આપવાના છે, તેથી પ્રાણશંકર મ્હેતાજીની નિશાળે દાખલ થયો ને બાળમિત્રની ચોપડી ઈનામમાં લઈ આવ્યો.

૧0. મેં સરકારી નિશાળે અભ્યાસ ૩|| વરસ કીધો, પણ તે નિયમ સાથે નહિ. વખતે સુરતમાં હોઉં, ને વખતે મુંબઈમાં હોઉં. મુંબઈમાં પણ કેટલીક ચોપડીઓ ઈનામમાં મેળવી હતી. હું બાળગોવંદની ઇસ્કોલમાં પહેલા ગ્લાસમાં ૧ – ૨ જો રેહેતો.

૧૧. એ વેળા મારા વાંચવામાં આવેલી ચોપડીઓમાં મુખ્ય આ હતી : બાળમિત્ર, નિત્યાનંદ પરમાનંદનું ભૂગોળખગોળ, ઈસપનીતિ, દાદસલીની વાત, પંચોપાખ્યાન, બોધવચન, લિપિધારા અને વ્યાકરણ મ્હોટું ગંગાધર શાસ્ત્રીવાળું અને ગણિતશિક્ષામાળા પ્રથમ ભાગ.

જ્યારે નિત્યાનંદ પરમાનંદ અને બાળમિત્ર વાંચતો ત્યારે મારા મનનાં મેદાન ઉપર નવાઈ ભરેલા એક જાતના નિર્મળા આનંદનો ભાસ પડતો – નિત્યાનંદ પરમાનંદમાં વિશેષે ખગોળના પાઠ વાંચતાં અને બાળમિત્રમાં વર્ષના ત્રણ મુખ્ય કાળમાંનું ચોમાસું વાંચતાં, કાંટાના ઝાડ વાંચતાં, દાણા વિણનારી છોકરીની ઘરડી માનું કુલીનપણું વાંચતાં, ન્હાના જગુનું ઓલીયું ઓલીયું રડવું વાંચતાં, અંતિકની વાતમાં રાજાનું પ્રૌઢપણું તથા પ્રેમાળપણું વાંચતાં વગેરે વગેરે.

૧૨. એ સાડાત્રણ વરસના દરમિયાનમાં જો કે રહેવું મુંબઈ અને સુરત બંને ઠેકાણે થતું, તો પણ મારો લક્ષ નિશાળના પાઠ તરફ ઘણો હતો, તેમ ઘેર વેદ તથા બીજી પોથીઓ પણ ભણતો. દરરોજ ઉઠતાં વારને બાળમિત્રના એક પૃષ્ઠના શબ્દે શબ્દનું વ્યાકરણ કરી જતો ને પછે દાતણ કરતો. મુંબઈમાં રમવાનું થોડું – ફક્ત સાંજે કલ્લાકેક પડોસીના છોકરા સાથે બનતું.

૧૩. મારે દોસ્તદારમાં એક મારી ન્યાતનો પડોસી છોકરો પરભુરામ કરીને હતો જે મ્હોટપણે ગુજરાતીમાં ઘણું જ સારૂં જ્ઞાન ધરાવતો ને જે ઘણાં અંગ્રેજોને ગુજરાતી શિખવતો. એ જ મારો બાળમિત્ર–સાથે જ રહિયે–સાથે જ ભણીયે–સાથે જ નિશાળે જઈએ. એક વખત હમે ઘરમાં કંઈ કંકાસ કર્યો હતો તે ઉપરથી પરભુરામના બાપે બાળગોવંદને કહ્યું હતું ને મ્હેતાજીએ હમને બંનેને એકમેકના કાન પકડાવી સાથે એકઠાં ઉઠબેસ કરવાનું કહ્યું હતું જે મને યાદ આવે છે.

૧૪. જ્યારે હું બાળગોવંદને ત્યાં પ્હેલા વર્ગમાં હતો ત્યારે મને એક છોકરવાદિયો વ્હેમ હતો–કે રોજ નિશાળનું તાળું હું ઉઘાડતો ને આંખ મીંચીને પૃથ્વીનો નકસો ટાંગેલો હતો ત્યાં જઈને પાસિફિક મહાસાગરમાં સેન્ડવિચ અને સોસાયટી એ બે ટાપુઓ છે તે જગાપર આંગળીઓ મુકતો ને પછી આંખ ઉઘાડતો. જો બરાબર તે જ ઠેકાણે આંગળીઓ મુકાતી તો હું જાણતો કે વર્ગમાં પહેલો રહીશ – ને ઘણું ખરૂં તેમ જ થતું.

૧૫. ન્હાનપણમાં મારી તબિયત ધિંગામસ્તીવાળી તોફાની નહીં પણ ઠાવકી; તો પણ મરજી મુજબ ન થયેથી મીંઢો થઈ ખુણામાં ભરાઈ ધીમે ધીમે રડયાં કરૂં તેવી ખરી-ચ્હીડીને હાથપગ અફાળું તેવી નહીં. હું માબાપ સિવાય બીજા કોઈને દેખું કે શરમાઈ ખુણામાં અથવા માની સ્હોડમાં ભરાઈ જતો; બ્હિકણ પણ હતો. મને માની તરફના સગાં શંકરિયો કહિને બોલાવતાં.

૧૬. મને બરાબર સાંભરે છ કે એક વખત સુરતમાં હું ને મારી મા (મારા બાપ મુંબઈ હતા) મ્હોટી પેટી ઉપર સુતાં હતાં ને એક આસો સુદ ૧ ની રાતે બાર વાગતે હું એકદમ કારમી ચીસ પાડી ઉઠયો હતો. મારી મા તરત ઉઠી હતી અને તેણે મને છાતી સરસો ચાંપ્યો હતો. એવામાં મારા કાકા ઇચ્છાશંકર આવ્યા હતા, ને તેઓએ મને વિભૂતિ કરી ચંડીપાઠનું એકાદ કવચ ભણ્યું હતું. પછી મને એવી બ્હીક કે રાતે ઘરમાં સુઉં નહીં ને પછી મને મારી મા ચારપાંચ રાત જુદાં સગાને ઘેર લઈ જઈ સુતી, પણ ત્હાં પણ તેમ જ થતું. એક રાતે હું મારી માની માસીને ત્યાં પરસાળમાં સુતો હતો ને રાતે બાર વાગતે પાણી પીવા ઉઠયો. ખાટલામાં બેસીને જોઉંછ તો કોઈ બારણાંની આગળી ફેરવતું હતું ને પછી પાણી પી ઉંધો સુતો કે પાછી કારમી ચીસ પાડી ઉઠયો. એ ઘરનો માલીક (માસી તો ભાડે રહેતી હતી) લાલભાઈ જે ગુણીનું જાણતો તેણે આવી કોઈ જાણે કંઈ કીધું ખરૂં – પણ તે વખત દીવીની પાસે મેં એક છડી દીઠી હતી. એટલી વાત મને સાંભરેછ, પણ મારી ઉંમર તે વેળા કેટલી હતી તે મારા જાણ્યામાં નહીં. તેની માસીને ત્યાં ખબર કાઢી તો તે બોલ્યાં કે ભાઈ, તને હજી સાંભરે છે? મેં કહ્યું હા, પણ મારી ઉંમર કેટલી હતી? તેઓએ કહ્યું કે પાંચ છ વરસની.

૧૭. મને બિહામણાં સપનાં બહુ આવતાં-રે હમણાં આઠેક વરસ થયાં ઝાઝાં નથી આવતાં. મેં મોટપણે રાતે થયલાં સપનાં જેટલાં સ્હવારે યાદ રહેતાં તેટલાં લખી રાખવાની તજવિજ કરી હતી – થોડાંક લખ્યાં પણ હતાં. – જાણવાને કે એ શાથી થાય છે. પણ પછવાડેથી લખવાનું જારી રાખી શકાયું નહીં. ‘કોઈ શત્રુરાજાનું લશ્કર મશાલ સાથે ને વગડતાં વાજાં સાથે શહેરમાં બડી ધામધુમથી આવ્યુંછ – રસ્તામાં દીવા દીવા થઈ રહ્યા છ – દોડાદોડને ધામ ધુમ થઈ રહી છ – લોકો વહેલાં વહેલાં બારી બારણા બંધ કરી દેછ – પેલાઓએ ભાંજફોડ ધુમખળ મચાવી મુક્યું છ ને જાસક બુંબાણ વર્તી રહ્યું છ – ઘણા લોકો હેબક ખાઈ ગયા છ – છોકરાઓને મારશો મા, મારશો મા, એમ માબાપો કેહછ – ઘરેણાં સંતાડે છ. હું વળી આંખે બન્યો હાથ દઈ દઈ માની સ્હોડમાં ભરાઈ જતો જાઉં છ વગેરે વગેરે.’ ‘સુરત મુંબઈની વચમાંની મજલો કાપતા સાત પટ્ટીની ખાડી આવીછ – ભૂતડા ભમાવેછ – ખાડીનાં પાણી ભરાઈ જાયછ – ડુબી જવાયછ વગેરે વગેરે.’ ‘હાથ્થી મારી પછવાડે છુટયોછ ને હું આગળ બહુ બ્હેબાકળો થઈ ગબડ્ડી મુકતાં ન્હાસું છ-ન્હસાતુ નથી. એવામાં ધારૂંછ કે કુદકો મારીને એના માથા પર ચ્હડી બેસું – એવામાં હાથ્થી છેક જ નજીક આવ્યોછ – હું હેબકથી આંખ મીંચી પડી જાઉંછ વગેરે.’ પિંગળમાં એક ઠેકાણે ‘અતિ દુષ્ટામતિ ન્હાસશે મથી’ એ જે લીટી લખીછ તે ઉપલા સપનામાં હું હાથ્થીની આગળ મથી મથીને ન્હાસતો તે ઉપરથી. ‘તાપીને કાંઠે પાછલી રાતે ચાંદરણાંમાં હું ન્હાવા ગયોછ – ત્હાં કોઈ કુમળા ગોરા બાળકને જોઉંછ – મને દાય આવે છ તેની પાસે જાઉંછ તે – મ્હોટું મ્હોટું થતું દેખાય છે. એકદમ તે મ્હારી સામું ડોળા કહાડતું રાખસ જેવું ઉભું રહ્યું – હું હેબકથી નીચે પડી જાઉંછ – એટલામાં તે ભડકો થઈ ગયું!’ મેં ભૂતોની – કાળી ભૈરવ વગેરેની સાધનાઓની વાતો બહુ સાંભળીછ, તેનાં પણ મને ઘણી વાર સ્વપનાં થતાં. પ્હોરે હું સ્હવારે પ્યારી સંબંધી દલગીરીમાં બેઠો હતો એવામાં પાસે મેં રીચર્ડસન-સિલેક્શન દીઠું; તેમાંથી ઓથેલોનો છેલ્લો ભાગ વાંચ્યો હતો તે ઉપરથી રાતે સપનું થયું હતું. તેમાં ‘કોઈ જક્ષ મને કચરી નાંખતો હતો – બોઆ જાતના સાપ જે ભેંસોના હાડકાં કચરી નાંખેછ તે સાંભર્યું. પછી મેં કહ્યું કે, જા, જા, જક્ષ, તું મને મારેછ તેમાં ત્હારી શી બ્હાદુરી? –માર માર – પછી વિચાર્યું કે જે દહાડે જે નિમિત્ત મોત થવાનુંછ તે કંઈ મિથ્યા થવાનું નથી.’ આંખ ઉઘડી ગઈ, પણ શરીર સંકોચાયેલું તટસ્થ થયલું હતું, ને બોલાતું ન્હોતું, એવાં એવાં મને બહુ સપનાં આવતાં. હજી પણ કોઈ કોઈ વખત સપનાં થાય છે પણ તે દહેશતનાં નહીં – મેં બ્હાદુરી કરી હોય તેવાં. ‘નીતિ તુંબિ ભવસિંધુને તરાવે’ એ કવિતા સપનામાં વ્હાણ ડુબતું હતું તે ઉપરથી લખી છે. હું ઘણો બીકણ હતો પણ ૧૮ મે વરસે એક રાતે મને એવો વિચાર આવ્યો કે જે કાળે જે બ્હાને ને ઠેકાણે મોત થવાનું હશે તે કંઈ થયા વના રહેવાનું નથી. તે દાહાડેથી ભુતની ને ચોરની બ્હીક જવા માંડી-હવે હું કોઈથી જ ડરતો નથી. મુંબઈમાં જહાં હું રહેતો ત્હાં ઝાડે ફરવા જવાનું બે દાદર ઉતરીયે ત્યારે આવતું, ને નીચે ઘણું જ અંધારૂં હતું, ત્યાંથી વાડામાં જતાં મને ભુતની બ્હીક લાગતી. સુરતમાં મારા ઘરમાં એક ભાડુતની બૈરીને ભુત આવતું તે ઉપરથી મારાથી ત્રીજે માળે જવાતું નહીં. વડપીપળા તળે પીશાબ કરવા બેસતો નહીં. હાલ તો હું ભુતબુતના વ્હેમ માનતો નથી.

૧૮. સુરત અને મુંબઈ વચ્ચે મ્હારૂં ને મારી માનું પગ રસ્તે આવતું જવું આવવું બહુ થતું – શિયાળામાં, હુનાળામાં, ચોમાસામાં – રાનને રસ્તે, કાંઠાનાં રસ્તે, હમને વ્હાણ સદતું નહીં માટે ચાલતાંનું જ તેમાં બેસતાં. એ મારી બાળપણની મુસાફરીની તે વખત મારા મન ઉપર જે છાપ પડેલી તે હજી મને સાંભરે છે. એક વખતે ભર ચોમાસે હું અને મારી મા વલસાડથી ડુંગરી જતાં પોઠી ઉપરથી કાદવમાં પડી ગયાં હતાં ને રાતે ડુંગરીમાં માછીઓનાં ઝુંપડાંમાં પડી રહ્યાં હતાં. ઘણીક વાર હમારા સંગાથમાં જે બીજાં હતાં તેમાંના મરદો સહવારે ને સાંજે ચાલતા અને સેકટાનાં ફુલ, ખાખરાનાં પાંતરા, કેરીઓ, આમલીઓ તોડતા. હમે ધરમશાળામાં ઉતર્યા પછી કોઈ જુદા જ સવાદની ખીચડી ને ઘી ખાતાં. ધરમશાળામાં રંધાતું ત્યારે હું હાથમાં સોટી લઈને અહીં તહીં ફરતો ને કૂવાપર જઈ બેસતો. સાંજે ગામના પાદરનાં ઝાડોની નમતી શોભાની અને કોસ કુવાની છાપ હજી મારામાંથી ખસી નથી. જંગલનાં તાપ પણ મને સાંભરેછ. હમે એક વાર મ્હેમની ખાડીમાં ડુબતાં હતાં. વ્હાણમાં ઝાડે ફરવાની માચી ઉપર મને બેસાડતા તે વેળા દરિયાને જોઈને મને કેવું થતું! હું કેટલો બ્હીતો! સુરતથી મુંબઈ જતાં આગબોટમાંથી કુલાબો દેખતાં મારા આંગમાં જોર આવતું ને પછી બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોતાં મને નવાઈ લાગતી તે અને મુંબઈની આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાતી લાગતી તે હજી મને સાંભરે છે. એ સઘળી છુપી રહેલી છાપો કવિતા કરવા માંડયાં પછી મને તેજદાર ભભકમાં પાછી આબેહુબ દેખાવા લાગી. પણ ખરેખર બાળપણના પ્રવાસમાં મને જે નવું નવું લાગતું ને જે આનંદ થતો તે આનંદની મને હાલ પુરતી લાગણી નથી પણ સમજ છે ખરી.

૧૯. ન્હાનપણમાં છોકરાંઓમાં હું ઘણું રમ્યો નથી. સુરતમાં વેળાએ હું છોકરાઓનાં ટોળામાં જતો ખરો, પણ રમતમાં સામેલ ન થતાં આઘો રહી જોયાં કરતો. મને જન્મથી રમવા ઉપર ઘણો શોખ જ નહીં. હાલમાં સોકટાંની બે પાસાની તમામ રમત ઘણી જ સારી રીતે અને સેતરંજની સાધારણ રીતે રમી જાણું છું.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.