વિરામ ૧૦

સરસ્વતીમંદિર – ૧૮૬૫-૧૮૬૬ સપટેમ્બર ૧૮મી સુધી

૧. જાનેવારીમાં હું મુંબઈ ગયો.

૨. મારી ઘણાં વરસ થયાં ઉત્તર હિન્દુસ્તાનમાં પ્રવાસ કરવાની ઇચ્છા છે. મારી જેટલી ઇચ્છા હિન્દુસ્તાનમાં ફરવાની છે તેટલી ઇગ્લંડ જવાની નથી – ને મનમાં એવું પણ ખરૂં કે હિન્દુસ્તાન જોયા વિના ઇંગ્લંડ જવું નહીં – વળી જે પ્રમાણે કેટલાક મિત્રો ઇંગ્લંડનો બાહારનો દબદબો જોવાની ઇત્છા રાખે છે તેમ હું ઇચ્છતો નથી – ઇંગ્લંડ જવાનો મારો હેતુ ત્હાંનું સૃષ્ટિસૌંદર્ય જોવાનો, લોકની રીતભાત જાણવાનો અને ત્હાંના વિદ્વાનોનો સમાગમ કરવાનો છે; ને એ જ હેતુ હિન્દુસ્તાન ફરવાનો પણ છે. જેવારે ડા. ભાઉ, અરદેશર ફરામજીમુસ, ખરસેદજી નસરવાનજી કામા, રૂસ્તમજી ખરસેદજી કામા વગેરે સહુ હિંદુસ્તાન ગયા હતા ત્યારે મેં સાથે જવાની, પ્હેલા બેને ઇચ્છા દેખાડી હતી ને એ બે તો મને સાથે તેડી જવાને ઘણા ખુશી હતા પણ મારા ખરચને સારૂ મારી પાસે સાધન ન્હોતું ને ડાક્ટરે કહ્યું હતું કે થોડુંક તો હું આપું પણ બીજું થોડુંકે પણ આપવાને ખરસેદજી કામા હવે કચવાશે; અરદેશરે પણ સલાહ આપી કે એ વાત સારૂ કોઈને ભારે પડવું એ ઠીક નહીં. મેં પણ વિચાર્યું કે મોટા લોકને ભારે પડી તેઓની સાથે જવામાં મારો ટેક શો ને હુસહુસની દોડાદોડીમાં મારે જે જાણવાનું છે તે તો જાણ્યામાં આપવાનું નહીં. પાસે નાણું થશે ત્હારે એકલા જઈશું – એમ કરી બીજા શ્રીમંતો પાસથી નાણું માગી લઈ ફરવા જવાનો વિચાર બંધ રાખ્યો.

૩. ગયા વરસમાં એક વખત મેં મારા મિત્ર કરસનદાસ માધવદાસને કહ્યું હતું કે ‘મારો વિચાર હિંદુસ્તાન જવાનો છે માટે દસેક હજાર રૂપિયા તમે બે ચાર શેઠિયાઓ મળીને મને આપો તો હું મારા ગદ્યપદ્યનાં લખાણનાં બે મોટાં પુસ્તક કરી સાથે લેતો જાઉં, કે જેમાં સઘળું જ આવી જાય. તેઓ બોલ્યા હતા કે કરો. પછી મેં વિચાર્યું કે શેરની દોલતે શેઠિયા તાજા છે તેને એ રકમ ભારે પડવાની નથી ને તે કરતાં મદદ નહીં મળે તો બે વરસ અહીં વધારે રહીને પછી હિન્દુસ્તાન જઈશું. કરસનદાસનો મારાપર જે સને ૧૮૫૫ થી પ્યાર અને મારે માટે જે એનું અભિમાન તે જોતાં મને પક્કો ભરોસો કે એ અડી વખતે મદદ કર્યા વગર રહેનાર નથી – બરાબર સાંભરતું નથી કે કિયા વરસમાં પણ જારે કવિ દલપતરામ અમદાવાદમાં ઘર બંધાવવાના હેતુથી મુંબઈમાં કેટલાક શ્રીમંત પાસે નાણાંની મદદ માગતા હતા ને તેમાં કરસનદાસ પાસે આવીને ચિત્રકાવ્યથી તેઓને સ્તુતિ ગાઈને રૂપિયા પાંચેક હજાર માગ્યા હતા, તારે કરસનદાસે તેઓને ઉડાવ્યા હતા – એ વાત કરસનદાસે મને કહી હતી ને બોલ્યા હતા કે ‘કવિ દલપતરામની માગવાની રીત કેવી નઠારી છે ને મારે ને તેને એટલો શો પ્રસંગ– હું મારા નર્મદ કાં ન આપું?’ થોડા મહિના પછી મારા મિત્રે મને રૂ. ૫000) નો ચેક મોકલાવી દીધો હતો.

૪. ગ્રંથો છપાવવાની વાત કરસનદાસને કાને નાંખી મેં એક પાસથી મારો ગદ્યસંગ્રહ ગણપત કૃષ્ણાજીને ત્હાં મારચથી ને પદ્યસંગ્રહ યુનિયન પ્રેસમાં જુનથી છાપવા આપ્યા. તેમાં ગદ્ય તો એ જ વરસના સપટેમ્બરમાં બ્હાર નિકળ્યું ને પદ્ય તો આ ૧૮૬૬ નો સપટેમ્બર ચાલે છે પણ હજી નિકળ્યું નથી.

૫. એ વરસમાં શેરબજારની પડતી આવેથી ચોપડીઓનું વેચાણ બંધ પડેથી, લોકને શિખવવા જવાનું તો બે વરસ થયાં બંધ રાખેલું તેથી કમ ખરચ રાખવાના હેતુથી, મિત્રોની ઘણી આવજાવથી મારા લખવાના કામમાં ખલેલ પોંચવા લાગી તેથી, અને મુસાફરી કરવાને જીવ વલખાં મારેછ માટે આગળથી સ્ત્રીને સુરતમાં ઘર માંડી આપું કે નિરાંત થાય એ મતલબથી, મેં મારો ઉચાળો મુંબઈમાંથી ઉઠાવી, સુરતમાં નાખ્યો. જુલાઈ સને ૧૮૬૫. જો કે ઘણું રહેવું સુરતમાં રાખ્યું તો પણ મુંબઈમાં પણ થોડુંક રહેવાનું થાય છે ને અને સારૂ એક મકાન પણ ભાડે રાખ્યું છે.

૬. એ વરસમાં છપાવી પ્રગટ કરેલાં પુસ્તકોમાં એક તો ઉપર કહ્યું તે ગદ્ય ને બીજાં નર્મવ્યાકરણ ભાગ ૧ લો અને દયારામકૃત કાવ્યસંગ્રહ બીજી આવૃત્તિ એ વરસમાં અને આજલગીમાં પણ કવિતા જુજ લખાઈ છે. (એને માટે થોડાંક પદો આણવાને અને દયારામનું ચિત્ર (પ્હેલી વારનું જે પછવાડેથી ખોટું ઠર્યું છે તે) આણવાને મેં મારા બે શિષ્યોને વડોદરે ને ડભોઈ મોકલ્યા હતા.) પ્રેસને કામ આપવામાં અને પુરૂફ તપાસવામાં ઘણો કાળ ગયો છે.

૭. સપટેમ્બરની ૧0મી તારીખે રવિવારે સ્હવારે હું મારા મિત્રો ગીરધરલાલ દયાળદાસ તથા નગીનદાસ તુળસીદાસ સાથે સર અલેકઝાંડર ગ્રાંટને મળવા ગયો હતો; ત્હાં પેલાઓએ મને મેળાપ કરાવ્યા પછી સર ગ્રાંટે મને આદરસત્કારથી બેસાડયો. ત્યાં મી. ઓક્સનહામ લિટરેચરના પ્રોફેસર તથા મી. બૂલર સંસ્કૃતના પ્રોફેસર પણ હતા. મેં મારાં પુસ્તકો બતાવ્યાં તે જોઈને ગ્રાંટ ઘણા ખુશ થયા; ને મને કહ્યું કે, ‘કવિતા વાંચો.’ હું બોલ્યો કે ‘હમારી પ્રાકૃત કવિતા અંગ્રેજી પ્રમાણે સાદી રીતે નથી બોલાતી પણ કંઈક ગવાય છે મારૂં ગુજરાતી ગાયન તમારા કાનને સારૂં નહીં લાગે માટે બીહું છું. તારે બોલ્યા કે ‘હા તે હું જાણુંછ પણ બોલો.’ પછી મેં પુછ્યું કે ‘શૃંગારરસની કવિતા બોલું કે વીરરસનીઋ’ તારે ગ્રાંટ બોલ્યો કે ‘શૃંગારરસની જ તો.’ પછી મેં ‘શા હતા આપણા બ્હાર’ ની લાવણી ગાઈ તારે બોલ્યા કે ‘What a beautiful recitation!’ આહા કેવી સુંદર વાણી! પછી મેં મતલબ સમજાવી તો તેથી ત્રણે જણા ઘણા ખુશ થયા. પછી ‘વાદળ ફાટવા માંડયું’ ને ‘ઉઠો ધરી ઉમંગ’ એની મતલબ ગીરધરલાલે ને નગીનદાસે સમજાવી. પછી ઋવર્ણનમાંથી ચોમાસાંમાંના મંદાક્રાંતા અને હરિણીપ્લુત વૃત્તો વાંચી સમજાવ્યાં. પછી મેં મારી હકીકત કહી કે મારે ‘હિન્દુસ્તાન તરફ જવું છે ને ચોપડીઓની છપામણી સંબંધી હું ઘણો ભીડમાં છઉં.’ તારે બોલ્યાં કે ‘તમે અરજી કરો હું સારી પઠે મદદ કરીશ.’ (અરજી કીધી તે ઉપરથી મારાં પુસ્તકો રાવસાહેબ મહિપતરામને જોવા મોકલવાનો ઠરાવ થયો. મેં રાવસાહેબને પુસ્તકો મોકલ્યાં ને તેઓએ ‘રિવ્યુ’ કર્યો પણ લખવાને દલગીર છઊં કે રૂપીયા ઓછામાં ઓછા બે હજારની આશા રાખતો તેમાં રૂ. ૬00ની મદદ આપવાનું સર ગ્રાંટે લખ્યું છે.) પછી ઉઠતી વેળા બોલ્યા કે ‘પેલી લાવણીનો અંગ્રેજી તરજુમો કરીને આપજો તે હું મારા મિત્ર ઇંગલંડના રાજકવિ ટેનીસનને મોકલાવીશ’ એ પ્રમાણે ૧ કલાક ગુજારી ‘શેકહેંડ’ કરી હમે ઉઠયા.

લાવણીનો તરજુમો મેં અંગ્રેજીમાં કરી કાલેજના મિત્રો પાસે અને એક બે અંગ્રેજો પાસે ફેરફાર કરાવ્યો છે પણ જે ખુબી મને ગુજરાતીમાં લાગે છે તેવી રીતનું અંગ્રેજી થયું નથી માટે હજી મોકલ્યું નથી.

૮. સન ૧૮૬૬ ની જાનેવારીમાં મેં મારા ઘરની સામેની ભાંય રૂ. ૬00 એ વેચાતી લીધી અને તે ઉપર અમલો બંધાવા માંડયો, તથા જુનું ઘર પણ સમરાવા માંડયું. એ નવા ઘર સંબંધી મારે મી. સમર્સ નામના ડિપ્યુટી કલેક્ટર સાથે કેટલીએક ખટપટ થઈ હતી, ને તેથી આખાં શેહેરમાં જાહેરમાં થયું હતું કે, કવિ સુરતમાં રહેવા આવ્યાછ ને તે ટોપીવાળાની સામાં લડેછ. હું સામો થયો તે દાહાડાથી મી. સમર્સ જે શહેરના લોકોને જુલમગાર થઈ પડયો હતો તેનું જોર નરમ પડવા માંડયું હતું. તથા પછવાડેથી તો તેના વિષે બીજી તરફથી સરકારમાં પણ ચરચા ચાલવાથી હાલમાં તો તે છેક જ નરમ પડી ગયો છે. (એ ઘરો સપટેંબરમાં તૈયાર થયાં છે.)

૯. એપ્રિલમાં ‘સુરતની મુખ્તેસર હકીકત,’ જુનમાં ‘નર્મ વ્યાકણ ભાગ ૨ ખંડ ૧લો’ અને સપટેમ્બરમાં ‘નર્મકોશ અંક ૪ થો’ એ બાહાર કાહાડયાં.

૧0. તા. ૨ જી આગસ્ટે મારા પરમપ્રિય મિત્ર રાવબાહાદુર રામચંદ્ર બાળકૃષ્ણનાં મરણની ખબર મને સુરતમાં તા. ૯મીએ થઈ. એ રામચંદ્ર જેને હમે સહુ ભાઈ કહીને બોલાવતા તેનું આમ એકાએક મરણ સાંભળી મારાં રૂવાં ઉભાં થયાં હતાં. એ ભાઈનું ને મારૂંય મળવું થોડું થતું તોપણ જ્યારે થતું ત્યારે હમે ખરા ઇષ્ટમિત્રની પેઠે ઘરનું તથા દેશનું હિત કરવામાં ખરા સાથી પ્રમાણે ઘરસુધરાવટ તથા ધર્મસુધરાવટ સંબંધી બહુ બુહ વાતો કરતા. જ્યારે સાથે ઉજાણીમાં જતા ત્યારે ત્યાંહાં પણ બીજા સહુને છોડી દઈને હમે કોઈ ખુણામાં ભરાઈ વાતો કરતા તે, તથા એને ઘેર જ્યારે મળતા ત્યારે સુધારા સંબંધી જે જે વાતો કરતા તે તથા તે સુરતમાં આવેલા તે વખત મને કહેલું કે મિશન હાઉસ બંધાવોછ તેમાં હવે હમને ક્યારે બોલાવોછ તે અને પછી સાથે આગગાડીમાં ગમત કરતાં મુંબઈ ગયલા તે સઘળું આ વેળા મને દુ:ખ સાથે સાંભરી આવે છે. એનો વિચાર સુધારા સંબંધી એવો કે એકદમ બાહાર પડવું ને મારો વિચાર એ કે આગળથી એક સુધારા મિશન જેવું કહાડવું ને પછી તે પ્રયોગથી સાથી વધારી પછી બાહાર પડવું ને મિસન પ્રયોગથી કંઈ ન મળે તો પછી એકદમ બાહાર પડવું. (હાલની હાલત જોતાં મિશન થાય એમ લાગતું નથી. માટે મારો પણ એ જ વિચાર કે જેને અનુકૂળ હોય તેણે મેદાને પડવું, દુ:ખ પડે તે સેહેવું ને વીર કેહેવાઈ યશમાં મરવું). બીજા ગુજરાતી સુધારાવાળાઓ કરતા મારા ઉપર ભાઈની વધારે પ્રીતિ હતી. સાલસાઈ, નમ્રતા, સાચવટ, સુધાઈ, ટેક, સ્વતંત્રતા, પ્રેમ અને શૌર્ય એ ગુણો એનામાં દેખતો તે હું બીજા થોડામાં જ દેખું છઊં. એનાં પ્રેમાળપણાંની અને મિત્રસેવાની શી વાત!

૧૧. તા. ૧૯મી આગસ્ટે મારે મારી ન્યાત સાથે કેટલીએક ખટપટલ થઈ છે. એ સંબંધી મારે લખવું જોઈએ પણ એને લગતી બીજી બહુ ખટપટો હજી મારે કરવાની છે માટે બધું સામટું બીજે પ્રસંગે સવિસ્તર લખીશ.

૧૨. તા. ૩૧ મી આગસ્ટે કવિ નભુલાલ દાનતરામ મને મળવા આવ્યા હતા, તેઓને મેં પુછ્યું હતું કે, ‘ઉત્તમ કવિતા તે કેઈ’ ત્યારે તેઓ બોલ્યા હતા કે ‘જે કવિતામાંતી ઘણાં અર્થ નીકળે તે.’ મેં પુછ્યું કે ‘એક જણે અર્થનું ચિત્ર આબેહુબ આપ્યું હોય પણ તેની ભાષારચના જરા સરળ ન હોય અને એક જણની ભાષારચના ઘણી જ સરળ હોય પણ અર્થચિત્ર સારૂં ન હોય તો એ બેમાંનો કીયો કવિ પંક્તિતમાં ઉંચો બેશેઋ’ તેઓ બોલ્યા કે ‘સરળ રચનાવાળો.’ વળી બોલ્યા કે ‘અર્થહીન તે શબ જેવી, ને સરળતાહીન તે પાંગવી કવિતા કહેવાય છે.’ હું બોલ્યો કે ‘વારૂ, જીવતું પાંગળું સારૂં કે મુએલું ખુબસુરત સારૂંઋ’ તેઓ બોલ્યા કે ‘જીવતું જ તો.’

૧૩. તા. ૩ જી સપટેમ્બરે રાત્રે મુંબઈમાં ભાઈ મનસુખરામ સુરજરામ ને રણછોડભાઈ ઉદેરામ મને મળવા આવ્યા હતા તે પ્રસંગે સુધારા સંબંધી મેં મારા વિચાર તેમને કહ્યા હતા તે આ –

લોક પોતાની મેળે છુટથી કારણકાર્ય ન્યાય વિચાર કરતા થાય, અને પછી જે સિદ્ધાંતે ઉતરે તે સિદ્ધાંત અમલમાં આણતા થાય એ મારો ઉદ્દેશ છે.

છુટથી વિચાર કરતાં ને છુટથી તે વિચારો અમલમાં આણતી વેળાએ મુખીઓ હદથી બાહાર જાય, અને તેથી લોકમાં સુધારો થયાને બદલે વખતે બગાડ થયલો ને થતો માલમ પડે તો તેથી પેલા મુખીઓએ નઠારૂં કામ કીધું ને સુધારાને બદલે બગાડો કર્યો એમ હું તો નહીં કહું. ચોમાસાંમાં અંધારૂં, તોફાન થાય છે તો પછી શરદમાં ખેતરો પાકથી આંખને ટાહાડી કરે છે.

હિંદુઓ ધર્મપાશથી તથા સંસારપાશથી એટલા વિટલાયલા છે કે, જ્યાંહાં સુધી કેટલાએક શૂરવીરો મરણીયા થઈ લાગ ફાવે તેમ (પછી અનીતિ કેહેવાએ તો પણ) બંધન નહીં તોડે ને સાહસપણે એકદમ ગડબડ કરી ફેરફાર કરી નાંખે ત્યાંહાં સુધી ખરો સુધારો થવાનો નથી. ધીરે ધીરે હિંદુઓમાં કોઈ દાહાડો સુધારો થવાનો નથી, – સાહસથી જ કંઈ થવાનું છે પછી તેનાં પરિણામો થોડા દહાડા નઠારાં થાઓ તો શું થયુંઋ

હાલ જુદ્ધનો-વ્હેમ તથા સુધારાની વચ્ચે ચાલેલા જુદ્ધનો પ્રસંગ છે: નીતિશાસ્ત્ર શિખવવાનો નથી ને યુદ્ધની નીતિ જુદી હોય છે – એમાં સામ, દામ, ભેદ, દંડ એ ચારેને કામે લગાડવાં પડે છે. લુટફાટ બંડોમાંથી નવાં રાજ્યો મંડાય છે.

૧૪. આ વરસમાં પ્યાર પૈસાની આફતમાંથી મારૂં મન રાત દાહાડો દલગીરીનાં ઉંડા વિચારમાં રેહેતું, પણ એ જોસ્સાને હું જ્ઞાનથી બનતું તેટલો સમાવતો. પ્યાર સંબંધી આફતમાંથી તો ઘણોએક ઉગર્યો છઊં. આગસ્ટ સપટેંબર ગુમડાં ને તાવથી હું બહુ રીવાયો છઉં. એ દુ:ખમાં ગમતને સારૂ મેં નાયિકા પ્રવેશ એ નામનો ન્હાનો ગ્રંથ લખ્યો છે. આ વરસમાં મેં મારા ઘરમાં ત્રણ માણસની અને ઘણાક મિત્રોની બેવફાઈ જોઈ – એથી હું પણ બહું ખિન્ન છઊં.

૧૫. ઉપર પ્રમાણે ૩૩ વરસની મારી હકીકત છે. કેટલીક વાતો બુદ્ધિવર્ધક ગ્રંથ, સત્ય પ્રકાશ, સત્ય દીપક, રાસ્ત ગોફતાર, સમશેર બહાદુર વગેરે પેપરોમાંથી પણ મળી આવશે.

૧૬. પ્રીતિ મૈત્રિ સંબંધી, દ્રવ્ય સંબંધી, ધર્મ સંબંધી – સુધારા સંબંધી કરેલા વિચારો તથા કરેલાં કૃત્યો સંબંધી અને મારા સ્વાભાવિક ગુણ વિષે મારાં જ કરેલાં વિવેચન સંબંધી હાલ લખવાથી મને તો થોડું પણ મારા સંબંધીઓને ઘણું જ નુકસાન થાય અને સાધારણ બુદ્ધિના બીજા લોકમાં પણ વેળાએ નઠારૂં પરિણામ થાય તેવી હોહો થઈ રેહે તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય તેમ લખવાને મુલતવી રાખું છઉં-હાલ એટલું જ.

સુરત-તા. ૧૮મી

સપટેમ્બર ૧૮૬૬.

ભાદરવા સુદ ૯ વાર ભોમ્મે સંવત ૧૯૨૨

નર્મદાશંકર

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.