મારી હકીકત

‘… આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે હું લખીશ તે તો

મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.’

– નર્મદ

*

મારા સરખાએ પોતાની હકીકત પોતે જ લખવી ને તે વળી પોતાની હૈયાતીમાં પોતે જ છાપી પ્રગટ કરવી, એ લોકમાં અવિવેક જેવું લાગે ખરૂં – નથી હું પંડિત, નથી હું જોદ્ધો, નથી હું ધરમગુરૂ, નથી શ્રીમંત ધોતાળ ઇત્યાદિ, મારાં લખાણથી ઘણા જણને એમ લાગે છે કે હું મારે પોતાના વિષે બહુબોલો છઊં ને એમ લાગે તેવું જ છે, કારણ કે જારે તેઓ મારા લખવાનો યથાર્થ–મર્મ ન સમજતાં અને મારો રાતદહાડાનો શ્રમ પોતાના ખ્યાલમાં ન લેતાં ઉલટા મારી મજાક નિંદા કરે છે તારે તેથી હું ઘણો ખિન્ન થાઊંછ, ને એ ખિન્નતા પોતાની મેળે જ બહાર નિકળી પડે છે. – તેઓ મને બડાઈખોર કોહો તો કોહો પણ વારૂ મારૂં સમજશે તો ખરા. ઘણા જણ પ્રસ્તાવનામાં પોતાની મેહેનત બતાવે છે જ અને ઘણા જણ પોતાના ગ્રંથમાં બ્હારના વિવેકના પડદામાં પોતાને વિષે બહુ બોલે છે જ. –

આ હકીકત લખું છ તે કોઈને માટે નહીં, પણ મારે જ માટે – મારે માટે પણ તે, ઓળખાવાને નહીં (ઓળખાઈ ચુકોછ), દ્રવ્ય પદવિ મેળવવાને નહીં પણ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યાં કરે તેને માટે.

કેટલાક કહે છે કે હકીકત ઘરમાં લખી રાખવી પણ છપાવવી નહીં, પણ હું લખેલા કાગળો કર્તા છપાયલા કાગળો પાસે રાખવામાં વધારે લાભ જોઊંછ – લખેલું ખોવાય નહીં, જોવું કરવું ઠીક પડે, વારેવારે ફેરફાર કરવાનું મન થયાં કરે તે ન બને. હજી લગી કોઈ ગ્રંથ મેં આખો લખી છપાવ્યો નથી; લખતો જાઊંછ ને છપાવતો જાઊંછ : મને નવું લખવું ગમેછ પણ નકલ કરતાં કંટાળો ઉપજેછ ને વળી શુદ્ધ નકલ કરનારા પણ મળતા નથી – માટે હું લખું છ તે મારો ખરડો ને એ જે છપાવુંછ તે તેની નકલ થાય છે.

આ હકીકત લખવાનાં બીજાં કારણો આ પ્રમાણે છે : ૧. પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી તે નવો દાખલ કરવો. ૨ ડાગર ભાઉદાજી, ભાઈ કરસનદાસ મુળજી, ભાઈ રૂસ્તમતજી ગુસ્તાદજી (ઈરાની)એઓએ વિશેષે અને બીજા ઘણાએકોએ મારી હકીકત જાણવાની ઇચ્છા દેખાડીને મને ઘણી વાર કહ્યું છે કે, ‘તમારી હકીકત હમને આપો.’ ૩. મને પણ માલમ પડે કે આ ખરૂં ને તે ખોટું. ૪. મુવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી – રે હજી તો હું તેંતરીસનો થાઊંછ એટલામાં કેટલીક વાતને સારૂ મારાં સગાંઓમાં ઉલટા વિચાર પડેછ તો મુવા પછી શું નક્કી થાય? દાખલો કે – મેં મારી માની તરફનાંને પુછ્યું, (જન્માક્ષર ખોવાઈ ગયાછ) મારો જનમ પાછલી રાતે કે સવારે? તેઓ બોલ્યાં કે સુરજ ઉગ્યો હતો; બાપની તરફનાંને પુછ્યું તારે તેઓએ કહ્યું કે રાતે; હવે શું ખરૂં? પણ વિચાર કરતાં માની તરફનાં ખરાં છે, કેમકે મા પોતાને પીએર અથવા મોસાળ જણે છે ને તાંથી પછી બાપને તાંહાં ખબર જાય છે. બાપની તરફનાંને સવારે ખબર ગયલી તારે તેઓ સમજેલા કે રાતે જનમ થયો હશે. વળી બીજો દાખલો કે મેં મારી માની ઘરડી માસીને પુછ્યું કે, મારી મા પેહેલી મુંબઈ ગઈ તે હું અવતર્યા પહેલાં કે પછી? તેણે કહ્યું કે પછી; બાપવાળાં કહે છે પ્રથમ; મેં માસીને ફરીથી પૂછ્યું તારે તે બોલી કે, ભાઈ હમણાં સહુ નવા પરણેલા મુંબઈ જવા લાગ્યાં છે. આગળ મુંબઈની નીતિ વિષે નઠારૂં કહેવાતું (એ વાત ખરી છે)ને માબાપ નવી પરણેલી છોકરીને મોકલતાં નહીં ને મોટી ઉંમરના ધણીઓ પણ પોતાની વહુને સાથે લઈ જતા નહીં; અને તારી મા તો તું અવતર્યો પછી દસેક મહિને તને સાથે લઈને જ પહેલવહેલી મુંબઈ ગઈ છે. એ વાત તો નકી છે. પ. સંવત ને ઈસવી સન મેળવવા સારૂ ૩૨ વરસનાં જૂનાં પંચાગો ભેગાં કરતાં મને છ મહિના લાગ્યા છે, તો મારી હકીકત જાણવાની હોંસ રાખનારની હોંસ મારા મુવા પછી સ્હેજસાજ કેમ પુરી પડે?

એ આદિકારણોથી હું મારી ટુંકી હકીકત નોટના આકારમાં છપાવી રાખું છઊં. કેટલીક વાતો મારાં ગદ્યપદ્ય પુસ્તકોમાં વિષયોના પ્રસંગો લખેલા છે તે ઉપરથી જાણ્યામાં આવશે એટલે હું અહીં બીજી વાર લખતો નથી.

આ હકીકત અધુરી ને ખરડો છે એમ સમજવું. અધુરી એટલા માટે કે કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીયોને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટીત ધારતો નથી. (મારે માટે તો હું થોડી જ દરકાર રાખુંછ), ખરડો એટલા માટે કે અજાણપણું અને ઉતાવળ(તરત લખાયછ અને તરત છપાયછ) એ બેને લીધે વેળાયે ગમે તે લખાય જે આગળ ખોટું ઠરે.

તોપણ, આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.

સને ૧૮૫૪થી મેં મારી હકીકતની કંઈ કંઈ નોંધ રાખવા માંડેલી પણ તે નિયમિત નહીં, તે વખત કંઈ એવો વિચાર નહીં કે મારે મારી હકીકત લખવી છે. તેવું હત તો રોજનીશી જ રાખત. પણ સ્હેજ સ્મરણ રેહે તેને સારૂં મારા બાપના કેહેવા પરથી, સગાં સ્નેહી ન્યાતીલાના કેહેવા પરથી ઘરમાંના કાગળો અને ખરચની ચોપડીઓ પરથી આ હકીકત લખવાને હું શકિતમાન થયો છઊં.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.