પહેલો પ્રસંગ:-

ઘરમાં આવીને પૂછ્યું કેમ ડાહીગૌરી.

ડા0 ઓહો કાળાભાઈ આજ કંઈ તમે!

કા0 મેં આજ ખબર સાંભળી કોરટમાં એટલે આવ્યો.

ડા0 હું ખુશ છું કે આપણે લડાઈ છતાં તમે ખબર લેવાને આવ્યા છો.

(નાનીકાકી.) હવે સઘળા કવિને ઘેર બેસતા ઉઠતા સૌ દોસ્તદારો મળીને સમાધાન કરી નાંખો.

કાળાભાઈ બીજા સાથે વાત કરતા હતા તે વેળા મેં કાકાને કહ્યું કે મારે એને લડાઈ છે માટે તમે કંઈ એને મોએ બોલશો માં. મોટાકાકા થોડીવાર તો બોલ્યા નહિ પણ કાળાભાઈએ યુક્તિમાં * વાત કરવા માંડી એટલે પછી પંડયાજી ઉકળ્યા ને સઘળી વાત જે બની હતી તે કહી દીધી.

(* અમે સારા લોક કવિને ઘેર જતા આવતા નહિ તેથી આ ત્રણ માણસોની લડાઈમાં આ પ્રસંગ બન્યો. લડાઈનો પ્રસંગ કહ્યો ને કવિના ઘરમાં જ્યારથી એઓ આવ્યાં ત્યારથી અમે જવું બંધ કીધું-અમે અસલથી એ બાબત કવિની સામા જ છૈયે. ડા0 એ પોતાનો કંઈ જ વિચાર ન કીધો કે આગળ કેમ થશે વગેરે.)

કા0 હું કાલે આવીશ. કેમ રીતે કાગળ લખવો તે કહીશ.

બીજે દહાડે-

આ પ્રમાણે લખજો-પોતે મુસદ્દો કાડી આપ્યો. (એ ડા0 પાસે છે) તેની નકલ:

‘તમારી આજ્ઞા પ્રમાણે હું અત્રે આવી છું અને તમારી અત્ર આવવાની ઉમેદભેર રહું છું. પણ મારાં માઠાં ભાએગે તમને કામમાંથી અવકાશ મળતો નથી અને મારી ઉમેદ બર આવતી નથી. આપની મરજી એમ હશે કે મારે હાલ હજુ અહીંઆ જ રહેવું તો મુને આપને જણાવવું જરૂર છે કે હું અત્રે એક વસ્ત્રભેર આવી છું અને ઘરની કુંચી મને આપવાની હતી તે ભુલથી મહેતાજી પાસે રહી ગઈ કે શું? તેથી જો આપને આવવા વિલંબ વધુ હશે તો હું મારાં બે કપડાં ત્યાંથી અત્રે લેઈ આવું ને આપનું આવવું જલદી થવા સરખું હોય તો હું ચલાવી લઉં. જેવી તમારી આજ્ઞા ને ઇચ્છા.’

મેં કહેલું કે હું એક વસ્ત્રે નથી આવી ત્યારે કહે કે એ વાત કાઢી નાખજો.

(એ કાગળ જે દિવસે લખી મોકલવાનો તે જ દિવસે તમારો કાગળ મને મુંબઈ આવવા સંબંધીનો આવ્યો તેથી લખ્યો નોતો.)

બીજો પ્રસંગ-તમારો કાગળ આવ્યેથી પંડયાજીએ કાળાભાઈને તેડાવ્યો. ને એમણે આવી જે પ્રમાણે લખાવ્યું તેમ મેં લખી કાગળ તમને મોકલાવ્યો હતો. પછી દશપંદર દાડે આવી ખબર પુછતો કે કાગળનો જવાબ આવ્યો.

મેં કાળાભાઈને ઓટલે તેડી જઈ કહ્યું કે તમે આ લોકોને ઉસકેરશો મા ને મારે આગળ વાત વધારવી નથી, મારે જેમ બને તેમ વહેલું સમાધાન થાય તેવો રસ્તો પકડવો છે.

એક વાર મેં પુછેલું કે ઘર ઉઘાડીએ તો કોઈ હરકત? ત્યારે કાળાભાઈએ કહેલું કે ના, ઉઘાડો, હું તમારી સાથે આવીશ. પછી વળી બીજી વાર આવેલા ત્યારે કહેલું કે ચુનીલાલ વગેરેનું કહેવું એવું છે કે ડા. એ ઘરનો કબજો છોડવો જોઈતો નથી. તેણે ઘર ઉપાડીને ત્યાં રહેવું જોઈએ. ચુનીલાલ કહે છે કે ઘર સવિતાગૌરીના નામનું કીધેલું છે ને હવે તેને ઘરમાં પેસવા દેતા નથી. ડા0એ કહ્યું કે એ વાત ખોટી છે ને તે તો મારા ઘરમાં આવતાજતાં હતાં ને તેને કંઈ કવિએ અટકાવી નથી. ત્યારે કાળાભાઈએ કહ્યું, ચુનીલાલ કહે છે કે મેં એનો દસ્તાવેજ જોયો છે. ડા0 દસ્તાવેજ જોયો હોય તો કોણ જાણે. કાળાભાઈએ કહ્યું, તમે આમ કહો છો ને ચુનીલાલ તો આમ કહે છે. તેણે તો મારી સાથે આમ વાત કીધી છે. વળી એક વાર કાળાભાઈએ કહેલું કે ચુનીલાલ પણ કહેતા હતા કોરટમાં કે ઘડપણે કવિની અક્કલ ગઈ કે શું, આ તે શું કીધું? અમ સરખા એ બાઈને વિષે એવું નથી માનતા તો તમે પોતીકા થઈને કેમજ માનો.

હું કાળાભાઈને બોલાવતી તે લોકમાં શું થાય છે તે જાણવાને. ઠાકોરદાસ કાએચ કહેતો કે પોતે નઠારા તો તેનું જોઈ બૈરી કરે તેમાં નવાઈ શું? કીરપારામદાજી – હું તો ભીમાને કાગળ લખીશ. હસુની બાબતમાં પડયો ને આ બાબતમાં કેમ નથી પડતો. જગજીવનદાસ સાંભળી બહુ દલગીર થયા. મેં પૂછ્યું કે તેઓને કોણે કહ્યું, ત્યારે કહે કે મેં કહ્યું હતું. ઠાકોરભાઈ-કવિસાહેબે ડા.ને કાઢી મૂક્યાં છે તે ફરી ન તેડવાં એવી રીતે માટે શું છે તે ખબર કાઢી આવ એમ ફકીરને કહ્યું હતું ને એ સાચો હતો.

કીકાભાઈએ રવિભદ્રને પૂછેલું ત્યારે રવિભદ્રે કહ્યું કે અમણાં હું જવાબ નથી આપી શકતો પછી આપીશ, ત્યારે તેણે કહ્યું કે લોકમાં જે સંભળાય છે તે ખરૂં છે એમ તમારા જવાબ ઉપરથી જણાય છે.

ન0 બીજું કોઈ આવ્યું હતું?

ડા0 રવિભદ્ર વખતે વખતે આવતો. કામકાજ પડે તો કહેજો, નાણુંબાણું જોઈએ તો મારી પાસેથી લેજો પણ પીહેરમાં માગશો મા. ઘર બંધ થાતું હતું ત્યારે હું ત્યાં ગયો હતો, ઘરમાં ઢગલા પડયા હતા. મેં કહ્યું આ શું કરો છો ત્યારે એની આંખમાં ઝળઝળીયા ભરાઈ આવ્યાં હતાં. તે કુંચી પોતે લેઈ જવાના હતા તે હું જાણતો હતો. તમે મને પુછ્યું પણ નહિ ને એકદમ અહીં આવ્યાં. એના કહેવાથી મેં એને કહ્યું છે કે અગાસીમાંના કુંડા લેજો મેં તો ઘરનો રસ્તો તજ્યો છે. બીજે રસ્તે ઉમેદરામને ઘેર જાઉં છું. રવિભદ્રના કહેવાથી જાણ્યું કે હરદેવરામે પણ કહ્યું છે કે કામકાજ પડે તો કહેજો.

ન0 બીજું કોઈ?

ડા0 પરભુ મેતા તો હંમેશની પેઠે ઠામઠામ બોલે છે ને મને પણ કહ્યું કે એ સાળો મહેતાજી અસલથી જ એવો છે, તમે મોટી ભુલ ખાધી, અહીં આવ્યા જ કેમ? સગરામમાં છોકરાને લેઈ ગયા હતા તે વારથી હું તેને જાણું છું. મારા ઘરમાં એ બધું સાંભળવા આવ્યા. કાકાએ તેને કહ્યું કે સામું ઘર ગીરો મુક્યું છે. પરભુ-કોને ઘેર? ત્યારે કાકાએ કહ્યું કે ફલાણાને ઘેર. નાગરમાં કેટલાક જણે મારા મામાને પૂછેલું કે તમારી ભાણેજનું શું સંભળાય છે. ઘેર કથા, એટલે ઘણા લોકનું આવવું થતું તેથી હોહો વધારે થઈ.

ન0 ઘર છોડયું તે દહાડે કીકુનું મળી હતી?

ડા0 ના.

ન0 ઘર છોડયા પછી કેટલી વાર મળી?

ડા0 એકોવાર નહિ.

ન0 કોઈ દહાડો તેને જોયો નથી?

ડા0 વાતચિત નથી કીધી પણ બારણેથી જતો આવતો જોવામાં આવ્યો છે. આંખો મળેલી ખરી. દોસ્તદારે જતો હોય ને હું ઓટલે હોઉં તો તેને દેખાડે કે આ કવિની બૈરી બેઠી છે.

(એકવાર) જો પેલા રવિભદ્ર સાથે વાતો કરે છે.

ન0 તું આવવાની ખબર તેં તેને કરી હતી?

ડા0 ના, ઘર છોડયા પછી મેં વાત કીધી નથી.

ન0 લખીને કીધી હતી?

ડા0 ના.

ન0 મુંબઈથી કાળાભાઈ પાછા સુરત આવ્યા ત્યારે તને શું કહ્યું?

ડા0 પ્રથમ તો મને મળ્યા ને કહ્યું કે કવિ તમારે માથે કશું તહોમત મૂકતા નથી, ઉલટો તમારો વાંક કાઢે છે ને તમે ત્યાંથી બીડું ઝડપીને આવ્યા છો, તે પાછો જાઓ ને અહીંથી બીડું લઈ ડા0 ને મોકલી દો. એના ઘરનાઓ એ જ વાત ચલાવી છે. પછી કાકી આવ્યાં. તેની આગળ કહ્યું કે કવિતો તમારો વાંક કાઢે છે કે વિનાકારણ હોહો કરી મુકીને ડાહીગૌરી સગળું જાણવા છતાં કાકાકાકી સાથે મળી ગઈ એ તેનો વાંક છે ને તેથી તેના ઉપર બહુ ગુસ્સે છે.

ડા0 કહ્યું તે કારણ હુંને બરાબર સાંભરતું નથી. ઝાંખું સાંભરે છે, એક વખત એવી કંઈ વાત થઈ હતી ખરી પણ આવી રીતે એકદમ કરવાનું કારણ હું સમજી શકતી નથી.

કાકી-હાથે કરીને તે દ્વેષ કરે, ઘણા પ્રસંગ આવ્યા હતા અમારે બોલવાના પણ અમે બોલ્યાં જ નથી. એના માણસો આમ આમ બોલી ગયા.

[માણસોએ કાકી આગળ જે કહેલું તે કાકીએ ડા0 ને લખાવેલું તે ડા0 એ આણ્યું છે. તે કાગળ આની સાથે ટાંકેલો છે.] એણે ઇંદુની આગળ વાત કરી હશે ત્યારે જ ઇંદુએ આવા આવા કાગળ લખેલા કેની? અમે રાખી તેથી તો સારૂં થયું કે ઢંકાયું ને નહિ તો રખડી જાત.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.