તા. ૮મી જાનેવારી

નિશાનું પ્રકરણ બંધ કરી આજે બીજું પ્રકરણ માંડયું. પણ પૂછેલા સવાલનો ઉત્તર ન દીધો. રાતે વળી વાત કરવાની હા કહી ને બેઠા પણ વળી જવાબ ન આપ્યો. બોલી કે તમારો ભરોસો પડતો નથી, તમે જ જાણીને બેસી રહેશો.

પછી વાત કરવી બંધ રાખી.

પણ જોકે નિશાનું પ્રકરણ બંધ રાખેલું તોપણ એક બનાવ આજે બન્યો તે નોંધવો જરૂરી છે, કે રામશંકર મંગલજીએ નોકરી પર જતી વખત ઘરમાં આવી કોઈ વસ્તુ ઝડપથી ફેંકી ને તે ડા0એ પેટ આગળ સંતાડી. મેં નોકરી પરથી આવી ખોળ કીધી તો ન વપરાતી તળાઈમાંથી પાકનું પડીકું મળ્યું-કે જે મેં રાતે દેખડાવ્યું સુભદ્રાના દેખતાં ને કેટલીક વાત કહી તે તેણે લજ્જિતપણે સાંભળ્યા કીધી.

એક બીજી વાત કે તેણે પડોશીની બૈરીને પોતાના ધણીની સામાં ઉત્તર દેવા જેવો બોધ કીધો કે જે ઉપરથી પડોસીએ પોતાની બૈરીને આ ઘરમાં આવતી બંધ કીધી.

બીજા પ્રકરણમાં સવાલ કીધેલો કે મનસા વાચા કર્મણા તારૂં……….

તે વિશે મારી ખાતરી છે જ. હવે કાયિક કંઈક ખરૂં કે નહિ તે વિષે બોલ. મારે જાણવાની જરૂર નથી. પણ તું કેટલી સાચાબોલી છે તે જાણવાને કહે અને ઈષ્ટદેવ જે શિવ તેનું સ્મરણ કરીને કહે કે જુઠું કહું તો મારૂં સર્વ પુણ્ય નિષ્ફળ થાઓ. યથાતથ્ય કહે કે હું જાણું કે તું સાચી છે ને પછી તારા અનુગ્રહ માટે યોગ્ય વિચાર કરૂં. ઉત્તર કે ‘ઇષ્ટના સોગન તો નહિ લેઉં’

(રાતે પડીકું જડયા પછી) હું ઇચ્છું છું કે તું તેની સાથે યથેચ્છ રહે. હું કોઈ રીતનો દ્વેષ નહિ રાખું ને સુરતના ઘરમાં રહે. ક્ષમાની ઉદારતા ઘણામાં ઘણી જેટલી થાય તેટલી મારે કરવી છે. ઉત્તરે કે તેની સાથે પરવડે નહિ કે લાયક નથી. જેનાથી આખો મહોલ્લો ત્રાસ પામ્યો છે ને તે જે મને ગમતો નથી તેની સાથે કેમ રહું? મેં કહ્યું, ગમતો નથી એ જો ખરૂં છે તો આ દિવસ આવત જ નહિ. માટે જુઠું શું કરવા બોલે છે. મારા ઉપર તારી પ્રીતિ નથી, પ્રતીતિ નથી, અહીં તને સુખ નથી માટે ઉત્તમ રસ્તો બતાવું છું તે તું કર. જવાબ, ‘એ તો નહિ.’ (પછી મેં પડીકું આપ્યું તે તેણે ના ના કરતાં લીધું હતું.)

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.