તા. ૧૯મી

ન0 ત્યારે નથી જ કહેવું કે કોણે આણી આપી ને કેવી રીતે?

ડા0 કહું તો આણી આપનાર માણસ ઉપર ક્રોધ કરો, તો તેઓના ઉપર ક્રોધ થાય તેવું શા માટે કરવું!

ન0 ઠીક ન કહે. સ0 એ લખ્યું છે કે ત્રણની લડાઈમાં તે કોની?

ડા0 મહેતાજી, રામશંકર ને કીકુ.

ન0 તેં તેને લખેલા કાગળનો ખરડો ક્યાં છે?

ડા0 તે નથી મારી પાસે.

ન0 એ ત્રણનાં નામ તેં સ0 ને લખ્યાં હતાં.

ડા0 ના, મેં નામ નથી લખ્યાં પણ ત્રણ એટલું મભમ લખેલું હતું.

ન0 વારૂ, તારા કાકાને ઘેર ભાંગ પીવાનું કેમ થતું?

ડા0 ત્યાં હું નોતી પીતી.

ન0 પાકબાક ખાતી કે નહિ?

ડા0 કોઈ કોઈ વાર તેમ કરતી.

ન0 મારા મુંબઈ આવ્યા પછી પણ રોજ ભાંગ પીવાતી નકે નહિ.

ડા0 કોઈવાર ખરી ને કોઈ વાર નહિ.

ન0 કોણે ભાંગ આણી આપી એ જો તું ન જ કહેતી તો એ વિશે મારા મનમાં શક રહેશે, તે મને ક્રોધ કરાવશે કોઈવાર.

ડા0-ભાંગ તો ઘરમાં હતી, તેનું પોટલું હું ઘરમાંથી નિકળી ત્યારે સાથે લેઈ ગઈ હતી અને ખાવાને તૈયાર જેવી કરી આપી તે જદુરાય પાસે કરાવી હતી.

ન0 આટલી બધી ભાંગનું પોટલું સામે લેઈ ગઈ હતી. તે હું મેહેતાજીને પૂછીશ.

ડા0 મહેતાજી શું જાણે? તમે મારા શરીરને શિક્ષા કરજો પણ બહુ બહુ પૂછશો મા.

ન0 શરીરને મારે ખુંદવું નથી; તારા મનને સુધારવું. તારી ઇચ્છાને અટકાવી, તારા મનનો મળ કઢાવવો એ મારો હેતુ છે. બીજું પૂછું કે ત્રણની લડાઈમાં તારા વિચાર પ્રમાણે ખરેખરો દોષ કોનો કેટલો કેટલો.

ડા0 વાંક મારા પ્રારબ્ધનો, મારા વિચાર પ્રમાણે દોષ જોતાં તે કોઈનો નથી.

ન0 લોક, તારા કાકાકાકી મહેતાજીનો દોષ કાઢે છે એ શું?

ડા0 મહેતાજીએ કાકાકાકીને કહ્યું હશે મારી નિંદાનું, તેથી તેઓનો માઠો વિચાર.

ન0 ત્યારે તું તો કોઈનો દોષ કાઢતી નથી.

ડા0 દોષ આપણા દૈવનો, એમાં કોઈનો દોષ નહિ – બાકી કીધામાં તો કોઈએ કસર રાખી નથી-રૂકમણીકાકીને ઘરે મળવાનું રાખે છે ઈ0 મ્હેતાજીને તેમણે કહેલું.

ન0-એકકે જણે શું શું કીધું તારા જાણવા પ્રમાણે.

ડા0-મારી પાછળ મારે વિષે નઠારૂં કહ્યું તે, ઘરમાં મારો કેડો લીધો ને અપમાન આપ્યા કરતા તે, લોકમાં અપકીર્તિ કરાવી તે.

ન0 કીકુનો શો દોષ જણાવો.

ડા0 જાહેર રીતે લડાઈટંટા કરતો, ગમે તેમ મને કહેતો વગેરે વગેરે.

ન0 રામશંકરનો દોષ શો જણાવો.

ડા0 બેદીલી બતાવતા, મને એક ચિઠ્ઠી લખી હતી કે જે વિશે મેં તમને કાગળમાં લખ્યું હતું.

ન0 રામશંકરને ઘરમાં રાખવાથી ફાયદો કે કીકુને? અને એ બેને હવે કોઈ પ્રકારે બને કે નહિ?

ડા0 હું તો કંઈ સમજતી નથી, ફાયદો જણાય તે કરો.

ન0 સાંભળ, થયલા ઉદ્ઘોષ નિમિત્તે થોડુંક પ્રાયશ્ચિત્ત તારે કરવાનું છે તે હું હવે કરીશ.

ડા0 એટલે સાબીતી જ કે હું દોષવાળી હતી.

ન0 તું દોષવાળી હોય કે નહિ એ વિશે, કીઆ કીઆ દોષ એ વિષે, થોડાક તો હું જાણું છું તે વિષે અહીં સ્પષ્ટ વિસ્તાર કરવાનું પ્રયોજન નથી, દોષવાળી તું સાબીત થાય વા નહિ પણ તારા નિમિત જે ઉદ્ઘોષ ઉઠયો તેને માટે અમણાના મારા વિચાર પ્રમાણે તારે પ્રાયશ્ચિત્ત કરવું પ્રાપ્ત છે ને એ આ કે,

– તારે પોતે એક બ્રાહ્મણ દ્વારા અપવાદ-પ્રાયશ્ચિત્ત ને પાપ નિવારણને અર્થે, સંક્ષેપમાં દેહ તથા મન શુદ્ધ કરવા, વાલકેશ્વર જઈ. (તા. ૨૭ વાલકેશ્વર જવું ન બન્યું ને સમુદ્રતીર સધાયું)

– પછી ૧૧ આવર્તન શિવકવચના કરવાં તારે પોતે.

– અને પછી સર્વ પાપને માટે મારી એટલે તારા પતિની ક્ષમા માગવી. (એણે મારૂં પૂજન કીધું ને પ્રણામ કીધા. તા. ૨૭)

– અને પછી ત્રણ બ્રાહ્મણને જમાડી દક્ષણા આપી જમવું. (ઘરે જમાડયા હતા.)

– વધુ ત્રણ રુદ્રી ત્રણ બ્રાહ્મણ પાસે નર્મદેશ્વરમાં કરાવવામાં આવશે. (એ કરાવવામાં આવી. તા. ૨૮)

– વધુ એક રુદ્રી વાલકેશ્વરમાં, જમવાનું ત્યાં જ. (શિવકવચના ૧૧ આવર્તન કર્યા.)

– અને પછી ત્યાંથી મહાલક્ષ્મીનાં દર્શન કરી ઘેર આવવું. (આશો સુદ ૧0-૧૧ રાતે)

– વળી એક પાઠ મહાલક્ષ્મીમાં કરાવવામાં આવશે. (સામુદ્રીમાં કરાવ્યો તા. ૧૫મીએ.)

એ તારે માન્ય કરવું જ ને એમ કરવે તારી પ્રસન્નચિત્તે હા હોય તો પછી હું દિવસ નક્કી કરું.

ડા0 સાંજે વિચાર કરીને કહીશ.

ન0 રાતે નવ વાગ્યા છે. હવું શું કહે છે?

ડા0 મારો વિચાર તો આ કે બેચાર વર્ષ તો સુભદ્રા સાથ રહો ને તેને સંસારનું સુખ આપો ને મને સુરત કે ભરૂચ કે ગમે ત્યાં રાખો, સ્વતંત્રપણે ને એક માણસ મને રક્ષણમાં આપો. તે કાળમાં હું જો ગુનેગાર માલમ પડું તો ઇચ્છામાં આવે તે શિક્ષા કરો. આ બધું હું સલાહસંતોષથી રહેવાને કહું છું.

ન0 પ્રથમ જ મેં તુને કહ્યું હતું ને તેને માટે બેત્રણ દહાડા તકરાર થઈ હતી ને આખરે તેં મારે અધીન રહેવું કબુલ કીધું. પછી વળી મુદતની તકરાર નિકળી તે વારે પણ તું પણ સમજી નહિ. માટે હવે તો તારે મારૂં કહેલું કરવું જ પડશે.

ડા0 મને ચાંલો થશે એમ હું ધારતી નહોતી.

ન0 ‘ખુંદ્યાં ખમવા’ માં ચાંલ્લો થવાનો સમાવેશ તારે સમજવો જોઈતો જ હતો. હવે તારાથી કંઈ જ બોલાય નહિ અને હું મારૂં બોલવું ફેરવનાર નથી. એટલું કે જ્યાં સુધી તું ઉપર કહેલું ધર્મકાર્ય નહિ કરે ત્યાં સુધી હું તુંને દોષિત સમજીશ.

ડા0 ના ના હું તો પ્રાયશ્ચિત્ત નહિ કરૂં, નહિ કરૂં. મારે બૈરીનું સુખ નથી જોઈતું. મને મારે જુદે ઠેકાણે રાખો. હું તમારા સંબંધમાં રહેવાને ઈછતી નથી.

ને એમ તમોગુણમાં આવી જઈ બહુ બહુ અન્યથા બોલી, મને તમારો વિશ્વાસ નથી, તમે ભેદપ્રપંચ કરો છો. ઈ0

(એ ઉપરથી મને પણ તમોગુણ પ્રાપ્ત થયો ને મેં પણ મોટે સ્વરે કહ્યું કે આટલું થયા પછી હવે તું ફરી જાય છે? આ તો માત્ર ઉદ્ઘોષ નિમિત્ત પ્રાયશ્ચિત્ત કહું છું. પણ હવે તો સર્વ વાતની તપાસ કરી, જો તું આમાં અપરાધી ઠરીશ તો મહાપ્રાયશ્ચિત્ત કરાવીશ. અથવા લાત મારી બહાર કાઢીશ. એ પ્રસંગમાં ભાંગ સંબંધી તેણે મારા કપરા સમ ઓળંગેલા તેનું સ્મરણ થઈ આવે. તારા ચાંડાલકર્મ છે કે ત્રણ વર્ષ થયાં મારૂં લોહી બાળે છે. તેં તારા પીહેરના ઘરની ને મારા ઘરની બેઉ ઘરની અપકીર્તિ કીધી છે. તું સ્ત્રીજાતિમાં અધમ જેવી દેખાઈ છે ઇત્યાદિ.

તેણે કહ્યું હતું કે નઠારા બૈરાં પણ જગતમાં હોય છે કેની, રઝળીરખડીને મરીશ, જેમ થવાનું હશે તેમ થશે, ઈ0 પછી મેં સુ0ને કહેલું કે ભાંગ બધી ગટરમાં નાખી દે, બક્કાને કહ્યું કે ઇંદિરાનંદને તેડી લાવ. બક્કો ગયો પણ તે સુતેલા તેથી પાછો આવ્યો ને સુ0એ ભાંગ ફેંકી દીધી નહિ. ઇંદિરાનંદને દેખાડવાની હતી માટે ઇંદિરાનંદ રાતે આઠ વાગે આવેલા તેને પણ ન કહેવાના વચન ડા0એ કહ્યાં હતાં ને કેવળ અપ્રસન્ન થઈ ચાલ્યો ગયો હતો.) (કંસમાંનું લખાણ તા. ૨0 મીની સવારે લખેલું છે.)

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.