અન્ય વિગતો

[સંશોધકો માટે]

મહારાજ લાયબલ કેસ : નર્મદની અને નર્મદ વિશેની જુબાની

આ લાયબલ કેસમાં વાદી તરીકે જદુનાથ બ્રીજરતનજી મહારાજ હતા. તેમના વકીલો તરીકે મી. બેલી તથા મી. સ્કોબલ હતા.

પ્રતિવાદીઓમાં કરસનદાસ મુલજી તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીના હતા. તેમના વકીલો તરીકે મી. આનસ્ટી તથા મી. ડબનાર હતા.

આ કેસ સુપ્રિમ કોર્ટમાં જજ સર મેથ્યુસ સાર તથા જોસેફ આર્નોલ્ડની હાજુરમાં ચાલ્યો હતો.

આ કેસ શનિવાર તા. ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી મંગળી તા. ૨૨ એપ્રિલ ૧૮૬૨ સુધી ચાલ્યો હતો.

કેસમાં મહારાજ જદુનાથ હારી ગયા હતા.

આ પહેલાં મહારાજ વિરુદ્ધ કોઈએ જુબાની ન આપવી એવા ભાટિયા જ્ઞાતિએ કરેલા ઠરાવ બાબત ભાટિયા કન્સ્પીરસી કેસ ૧૨ થી ૧૭ ડિસેમ્બર ૧૮૬૧ દરમિયાન ચાલ્યો હતો જેમાં ભાટિયા જ્ઞાતિના શેઠોને કસૂરવાર ઠરાવી દંડ કરવામાં આવ્યો હતો.

આ ઉદ્ધરણો ‘મહારાજ લાયબલ કેસ’ (છઠ્ઠી આવૃત્તિ, ૧૯૨૭) માંથી લીધાં છે. સં.

પ્રતિવાદીઓ તરફથી વકીલ આનસ્ટીનું વક્તવ્ય:

‘વાદી પડદામાં ભરાઈ બેસીને સ્ત્રીકેળવણી અને પુનર્વિવાહના કામમાં ઉલટ લેવાનું ડોળ ઘાલતો હતો તે ઠગાઈ ભરેલો પદડો ઘણો જ જલદીથી ઉઘડી ગયો. પ્રતીવાદીના એક ચંચળ અને ઉલટવાળા મિત્રે વાદીને વર્તમાન પત્રની મારફતે પુનર્વિવાહની તકરાર કરવાને બહાર ખેંચ્યો અને વાદીને પોતાનો ખરો વેશ દેખાડવાની જરૂર પડી. તેણે પુનર્વિવાહના વીરૂદ્ધ પોતાનું મત જણાવ્યું…..’(પૃ. ૬૪)

‘વાદીએ સુરતથી આવ્યા પછી એક હેંડબીલ ‘ચાબુક’ છાપખાનામાંથી છાપી પ્રગટ કર્યું હતું. અને તેમાં તેણે જણાવ્યું હતું કે વૈષ્ણવો મારી પાસે ઉપદેશ લેવા આવતા નથી. વળી એવું દેખાડવામાં આવશે કે ૧૮૬0 ના આગસ્ટ મહીનાની આખેરીએ વાદીએ કવિ નર્મદાશંકરના માગવા ઉપર પુનર્વિવાહની તકરાર કરવા વાસ્તે એક જાહેર સભા મેળવી હતી. પ્રતિવાદીએ પોતાના પત્રમાં એ બીના ઉંચકી લીધા ઉપરથી વાદી તેની સાથે તકરારમાં ઉતર્યો હતો…..’ (પૃ. ૬૪, ૬૫)

નર્મદના નિબંધોમાંથી ટાંકેલા પ્રસ્તુત ફકરાઓ :

(૩૧) ગુરૂ અને સ્ત્રી વિષે – ૧૮૫૮

‘હમણાને સમે થોડાએક મહારાજો સુધે રસતે ચાલતા હશે. તેઓની મોટી સંખીઆ ઘણે ગેરરસતે ચાલે છે. તેમાં જવાનીઆ લાલો તો બહુ બાંકેલાલ હોય છે. આજના વલ્લભકુલના બાલકો બાપદાદાના નામને બટો લગાડે છે… લાલજી મહારાજો દર્શન ખુલીઆં ને લોકોનો જમાવડો થયો એટલે વેહલા અટારીની બહાર પડતી પથારીમાં બેસે છે અને તેમની અદાથી અથવા કોઈ તેવા જ કામ સારૂ રાખેલા માણસો હસ્તક ધારેલી ને બોલાવી લે છે અને તેની સાથે બદ કર્મ કરે છે. સુરતમાં એક વખત કોઈ ઉંમરે ન આવેલી એવી છોકરીને કોઈ મહારાજે ગધાબલ વાપરીને તોડી નાખી હતી તેથી તે મર્ણતુલ થઈ ગઈ હતી. એવી જ ત્રાસદાયક વાત માંડવીમાં બનેલી છે તેથી તે દેશનો રાજા અને તેની પ્રજા (ભાટીઆ માતર) કોઈ અજાણીઉં નથી. આવું ઘણે ઠેકાણે બનેઉ છે. આ જુલમ તો કેવો! આ ગુરુ તે કેવા! અરે આ પાપ તે કેવાં! આવું આવું વધારે લખવાને મને શર્મ લાગે છે. આવા સ્ત્રી છંદમાં હમણાના ઘણા ખરા મહારાજો ઘણા આંધલા થઈ ગયા છે.’ (પૃ. ૧0૩-૧0૪)

(૩૨) વિષયી ગુરૂ વિશે – ૧૮૫૯

‘મહારાજો પેલા નઠારા કામને વાસ્તે એવા (ઠરવેલા) સ્ત્રી પુરૂષોની માર્ફતે દર્શન કરવા આવેલીઓમાંથી પસંદ કરેલી ને તે વેલા અથવા મોડેથી બોલાવી મંગાવે છે. સૃંગાર સમજેલી જે કેટલીએક ફાટેલ સ્ત્રીઓ હોએ છે તેને તો મહારાજને પોતાની આંખથી ઇસારતથી જ બોલાવી લે છે. મહારાજે બોલાવી એટલે શ્રીકૃષ્ણે બોલાવી અને પરમપદને પામી ચુકી એમ સમજી વેલી વેલી જઈને હર્ષ ભરી ગાભરી ગાભરી મહારાજના ગુઈના દર્શન કરી પ્રસાદી લે છે… ને એ કર્મ કરવામાં પોતાની ઉંમરને લાયક સ્ત્રી સાથે કામ નથી પાડતા પણ બીચારી નાજુક ઉંમરે ન પહોંચેલી નાહની ઉંમરની અણસમજુ છોકરીઓ ઉપર તે સાંઢીઆઓ જોર કાઢે છે.’ (પૃ. ૧0૪)

પ્રતિવાદી તરફે જુબાનીઓ

(૧૩) કાલાભાઈ લલ્લુભાઈની જુબાનીમાં:

ઉલટતપાસ:

‘મારી ઉમર ૧૬ વરસની છે અને હું દાક્તર ધીરજરામનો ભત્રીજો થાઉં છું. હું પ્રતિવાદીને ઓળખું છું….. સુરત મધ્યે વાદીની બદચાલ મેં જોઈ તે વીશે મેં નર્મદાશંકરને તે જ દીને જણાવ્યું હતું. સારાં કામને માટે જુઠું બોલવું તેમાં પણ હું પાપ સમજું છું.’ (પૃ. ૧૪૪)

(૨૬) કવી નર્મદાશંકર લાલશંકરની જુબાની

‘હું નાગર બ્રાહ્મણ છું. હીંદુ વિધવાઓના પુનર્વિવાહની બાબતમાં મેં ઘણી ઉલટ તપાસ લીધેલી છે, પુનર્વિવાહની જાહેર સભામાં વાદીની સાથે તકરાર કરવામાં હું હતો. વાદીએ પુનર્વિવાહ વિરુદ્ધ પોતાનો વિચાર જણાવ્યો હતો. વલ્લભાચાર્યના પંથ વીશેની લખેલી પ્રત છેલ્લા સાક્ષી જનાર્ધન રામચંદ્રને મેં આપી હતી. એ પ્રત મેં લખી હતી. વલ્લભાચાર્ય પંથના કેટલાક પુસ્તક મેં સારી પેઠે વાંચ્યા છે, અને તન, મન, ધન અર્પણ કરવા વીશે મને કંઈપણ શક નથી. એ અર્પણ કરવામાં બાયડી, છોકરી, છોકરા, ધનમાલ બધું આવ્યું. વાદીની આબરૂ દરએક ઠેકાણે સુરત, (કચ્છ) માંડવી, મુંબઈ વગેરે ઠેકાણે હલકી બોલાય છે. કાલાભાઈ લલ્લુભાઈ નામના સાક્ષીને હું ઓળખું છું, તેણે સુરતમાં વાદીની અનીતિ વીશે મારી પાસે વાત કરી હતી.’

ઉલટપાલટ તપાસ:

‘સાત વરસ થયાં હું કવિતા બનાવું છું. વલ્લભાચાર્ય પંથની અનીતિ વીશે હું મારે ઘેર ભાષણ કરૂં છું. તે એવી મતલબથી કે મહારાજોને માનનારા સેવકોની શુદ્ધિ ઠેકાણે આવે અને નઠારા મહારાજોને છોડી દે, એક દો મહારાજ કદાચ સારો હશે પણ તેમ હું જીવણજી ગણતો નથી. મહારાજોનાં પુસ્તકો મને શાસ્ત્રીઓએ આપ્યાં તે મધ્યેથી મેં પંથ વિશે લખ્યું, તન, મન, ધન મહારાજને અર્પણ કરવાનું એ પુસ્તકોમાં લખ્યું છે, એ વિશે મારી પાકી ખાતરી છે, એ પુસ્તકોના જે અર્થ મેં કીધા છે, તે શાસ્ત્રીઓએ કબૂલ રાખ્યા છે. હું દર વરસે એકવાર સુરત જાઉં છું પણ ગયે વરસે ગયો નથી. સુરત વાદીની ખરાબ આબરૂ હતી તે વિશે લાઈબલ બીના છપાઈ તેની અગાઉ પ્રતીવાદીને મેં કહ્યું હતું.

પાછી તપાસ:

‘હું ગુજરાતી ડીક્ષનરી બનાવું છું તે સબબે ગયે વરસે હું સુરત જઈ શક્યો નહીં. જે શાસ્ત્રીઓએ મારો અર્થ કબૂલ કર્યો તે શાસ્ત્રીઓ મહારાજોના ઓશીઆળા છે, અને તેઓને નુકશાન પુગે એટલા માટે તેઓનાં નામ લેવાને હું આંચકો ખાઉં છું. વલ્લભાચાર્ય પંથમાં નીતિ છે જ નહીં. મહારાજો ધર્મનો ઉપદેશ કરતા નથી માટે વલ્લભાચાર્ય પંથના પણ ધર્મગુરૂ કહેવાય નહીં, ત્યારે બધા હીંદુઓના ધર્મગુરૂ શાના કહેવાય?’ (પૃ. ૧૪૮-૧૪૯)

વાદી તરફે જુબાની:

(૩૫) જદુનાથજી બ્રીજરતનજી મહારાજની જુબાની :

‘ચરણસ્પર્શ કરવા વિષે કાળાભાઈ સાથે સુરતમાં મારે વાત થઈજ નથી. તે બીજા છોકરાઓ સાથે આવીને મારી પાસે વાંચતો ભણતો હતો… કાળાભાઈએ મને કહ્યું કે સઘળા શાસ્ત્રો ખોટા છે, અને હું નર્મદાશંકરનો પાકો ચેલો છું. હું કહું છું કે શાસ્ત્ર ખરા છે. તે ઉપરથી હૂં ધારૂં છું કે મારે વિષે જુઠું બોલ્યો. નર્મદાશંકર સુરતનો નાગર બ્રાહ્મણ છે અને તેના વિચાર મારી વિરૂદ્ધ છે.’ (પૃ. ૧૭0)

‘પુનર્વીવાહની તકરાર કરવાને માટે નર્મદાશંકરના પાસેથી મને ચીઠી મળવા ઉપરથી મેં એક સભા મોકલી હતી. એ સભામાં હું ગયો હતો. પુનર્વીવાહની તકરારનું કાંઈ છેવટ આવ્યું નહીં કેમકે બીજી આડી દોડી બાબત પર તકરાર નીકળી હતી. પુનર્વીવાહની તકરાર નીકળી ત્યારે મેં કહ્યું કે એ તકરારને વાસ્તે કોઈ પણ હીંદુ શાસ્ત્રનો આધાર લેવો જોઈએ. નર્મદાશંકરે કહ્યું કે શાસ્ત્ર જો આપણી વાતને અનુસરતા હોય તો જ પુનર્વીવાહ કરવા; નહીં તો નહીં. પુનર્વીવાહ કરવાની છૂટ શાસ્ત્રમાં છે એવું મારા દીઠામાં આવ્યું નથી. પણ પુનર્વીવાહને વાસ્તે મને પોતાને કોઈ અચડણ નથી. હમારા પંથમાં કેટલાક લોકો વિધવાઓના પુનર્વીવાહ કરે છે અને તેને માટે હું અટકાવ કરતો નથી.’ (પૃ. ૧૭૨)

‘વીષયી ગુરૂ’ એ નામનું ચોપાન્યું મેં વાંચ્યું છે. તે મધ્યે રસ મંડળી વિષે લખ્યું છે; પણ એ ચોપાન્યું અગાઉ મારા વાંચવામાં આવ્યું નહીં હતું. લાઈબલની બીના મેં વાંચી છે, અને તે મને જ લાગુ પડે છે. તમે મહારાજો તમારા સેવકની વહુદીકરીઓ બગાડો છો, તે જો કે મને એકલાને કહ્યું નથી; તો પણ હું તે લાઈબલ ગણું છું. લાઈબલની બીનામાં જે ઠેકાણે રસમંડળી વીષે લખ્યું છે તે ભાગ હું લાઈબલ ગણતો નથી; કેમકે રસમંડળી એટલે શું તે હું જાણતો નથી.’ (પૃ. ૧૭૮)

‘વીષયી ગુરૂ’ ને હમારા લોકો સત્તા ભરેલી ચોપડી ગણતા નથી. તે ચોપડી મહારાજોની વીરુદ્ધ લખાયેલી છે. હમારા દુશ્મન લોકો તે ચોપડીને ખરી માને છે.’ (પૃ. ૧૮૪)

વાદી મહારાજના વકીલ મિ. બેલીના ભાષણનો સાર

‘…. કવી નર્મદાશંકરે કહ્યું કે ગોકલનાથજીની ટીકામાં અર્પણ કરવાનું જે લખેલું છે તે ફક્ત પુરૂસોત્તમ જ વીષે લખેલું છે. અને મહારાજોને વીષે નહીં. વળી રસમંડળી વિષે તો પ્રતિવાદીની તરફથી કંઈ પણ પુરાવો આપવામાં આવ્યો નથી….’ (પૃ. ૧૯૨)

સર માથ્યુ સાસનું જજમેંટ

‘…. વાદીને લગતો મુકદમો આવી રીતનો છે-સને ૧૮૬0 ના જુલાઈમાં વાદી મુંબઈ આવ્યો અને તેની અગાઉ તે મુંબઈમાં નહોતો. પહેલો તે સ્ત્રી કેળવણી તથા પુનર્વીવાહ સંબંધી પ્રતીકવાદીની સાથે સુધારાના વિચારમાં એકમત થયો; પણ ત્યાર પછી તે વિચારથી જુદો પડયો. તેણે ‘સ્વધર્મ વર્ધક’ નામનું ચોપાન્યું કહાડયું. અને તેની અંદર એણે બીજાઓની સાથે તકરાર કરવાને ઈચ્છા જણાવી. સને ૧૮૬0ની તા. ૨૧ મી અકટોબરે લાઈબલની બીના પ્રગટ થઈ, ને તે બીના મધ્યે વાદીની ઉપર જે આરોપ મુક્યો તેવી કોઈપણ સુધરેલા લોકોની મંડળીમાં તે હલકો પડયો વગર રહે નહીં. પ્રતીવાદી કરસનદાસ મુલજીને વાદીની સાથે ઓળખાણ નહોતી, અને વાદી તથા બીજા મહારાજોની અનીતિ વીષે પોતે જાતે માહીતગાર નહોતો, પણ એ લાઈબલની બીના છપાઈ તેની અગાઉ કેવી નર્મદાશંકર લાલશંકર પ્રતીવાદીનો મોટો મિત્ર થાય તેણે પોતાની ખુશીથી (વાદીએ મુંબઈ, સુરત અને બીજી જગાએ બદચાલ ચલાવી છે તે વિષે) વાકેફ કીધો હતો. નર્મદાશંકર લાલશંકર સુરતનો અસલ વતની છે અને દર વરસે સુરત જાય છે અને વાદીનું મંદિર સુરતમાં છે. પ્રતીવાદીને વાદીની બદચાલ વિષે ફક્ત એટલી જ માહીતગારી હતી. પ્રતીવાદીએ એ વિશે ઘટતી પુછપરછ કરવાની મહેનત લીધી હોય એવું માલુમ પડયું નથી. પણ નર્મદાશંકરે તેને જે ખબર આપી તે ખબર ઉપર તેણે ભરોસો રાખ્યો હતો…..’ (પૃ. ૧૯૬-૧૯૭)

સર જોસેફ આર્નોલ્ડનું જજમેંટ

‘વાદીની પોતાની વર્તણુક વીષે લાઈબલની બીના પ્રતિવાદીએ છાપી તેની અગાઉ તેના જાણવામાં આવ્યું હતું કે તેની વર્તણૂક પણ બીજા મહારાજોના કરતાં સારી નહોતી. તે મુખ જુબાનીમાં જણાવે છે કે ઘણું કરીને સઘળા મહારાજો વ્યભીચારી કહેવાય છે. લાઈબલની બીના લખાઈ તેની અગાઉ વાદી વ્યભીચારી છે એવું તેના મિત્ર કવી નર્મદાશંકરે તેને જણાવ્યું હતું. કવી નર્મદાશંકર સુરતનો વતની તેથી તે વાદીની વર્તણુક વીશે સારી રીતે વાકેફ હતો. તે પોતાની મુખજુબાનીમાં જણાવે છે કે ‘લાઈબલની બીના લખી તે વેળાએ ઘણું કરીને બધા મહારાજો પોતાના સેવકોની વહુ દીકરીઓને બગાડે છે એવી મારી ખાતરી હતી.’ એવી તેની ખાતરી છતાં લાઈબલની બીના છપાઈ તેની ચાર પાંચ મહીના અગાઉ તેના જાણવામાં આવ્યું કે વલ્લભાચાર્યના ધર્મ પુસ્તકોમાં પણ એમ અનીતિ કરવાની છૂટ આપી છે. મરાઠી ભાષાનાં એક પુસ્તક મધ્યે જુદા જુદા કવીઓનું ચરીત્ર આપ્યું હતું. તેમાં વલ્લભાચાર્યના પંથ વીષેનો પણ થોડો અહેવાલ આવ્યો હતો. તે ભાગ પ્રતીવાદીના મિત્ર કવી નર્મદાશંકર લાલશંકરે અસલ ગુજરાતીમાં તૈયાર કીધો હતો અને લાઈબલની બીનામાં ગોકળનાથજીની ટીકા ઉપર એટલું બધું ધ્યાન આપવામાં આવ્યું છે તે ટીકા આ મરાઠી(કવી ચરિત્ર) પુસ્તકમાં આ પ્રમાણે લખેલી હતી – સિદ્ધાંત રહસ્ય નામના પુસ્તક (જેની ઉપર ગોકળનાથજીએ ટીકા રચી છે તે) ની અંદર એવું સાફ લખેલું છે કે સઘળી વસ્તુ આચાર્ય (મહારાજ) ને આપવી અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવો.’ ત્યાર પછી લખ્યું કે, દરેક વસ્તુ એટલે બાયડી, છોકરાં પણ અર્પણ કર્યા વગર આપણા કામમાં લેવા નહીં. આ બીના વાંચ્યાથી પ્રતીવાદીના મન ઉપર કુદરતી રીતે એવી જ અસર ઉપજવી જોઈએ કે ગોકળનાથજીની ટીકામાં મહારાજના ઉપભોગને વાસ્તે વહુ દીકરી અર્પણ કરવાનું લખ્યું છે. (કેમકે છોકરાં ઈત્યાદી બોલમાં છોકરીઓ પણ આવી.) પ્રતીવાદી સંસ્કૃત જાણતો નહીં હતો, પણ તે વ્રજ ભાષા વાંચી શકતો હતો તેથી તેણે વલ્લભાચાર્ય પંથનાં વ્રજ ભાષાનાં પુસ્તકો (ઉપલું મરાઠી પુસ્તક વાંચ્યા પછી) તપાસવા માંડયા. એ તપાસથી તેની ખાતરી થઈ કે મરાઠી પુસ્તકમાં જે વાત લખી છે તે એ પુસ્તકો સાથે મળતી આવે છે. ગોકળનાથજીનાં સંસ્કૃત પુસ્તક વિષે તો જે લોકો સંસ્કૃત સમજતા હતા તેમને પૂછવાથી તેણે પોતાની ખાતરી કરી લીધી, કે લાઈબલની બીનામાં ગોકળનાથજીની ટીકાનો જે અર્થ કર્યો છે તે ખોટો નથી. તે અર્થ તેણે આ પ્રમાણે કરેલો છે, ‘તે માટે પોતે ભોગવ્યા અગાઉ પોતાની પરણેલી બાયડી પણ મહારાજને સોંપવી, અને પોતાના બેટા બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવ્યા પહેલાં મહારાજને અર્પણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’ પ્રતીવાદીએ એનો અર્થ પોતાના મિત્ર કવિ નર્મદાશંકર લાલશંકરને પુછ્યો અને તે ઉપરથી તે કવીએ પોતાની લખેલી નકલ જેમાંથી મરાઠી પુસ્તક રચેલું હતું તે તેને દેખાડી. એ નર્મદાશંકરને સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે. તેને સાક્ષી દાખલ જ્યારે તપાસવામાં આવ્યો ત્યારે તે ખાતરીથી બોલ્યો કે લાઈબલની બીનામાં ગોકળનાથજીની ટીકાનો અર્થ છાપ્યો છે તે ખરો છે, અને અર્પણ કરવાનું લખ્યું છે ઇશ્વરને નહીં પણ મહારાજના ઉપભોગને વાસ્તે લખેલું છે. આ અર્થ ખોટો છે એવી તકરાર સાક્ષી તરફથી ઘણા જોરથી ઉઠાવવામાં આવી છે અને તે એ ટીકા કરવામાં ગોકળનાથજીની ધારણા તેવી ખરાબ નહી હતી તેમજ એ ટીકાનો અર્થ પણ તેવો થતો નથી. આ વાત ખરી હોય કે ખોટી હોય. પણ હાલનો સવાલ તે ટીકાના શુદ્ધ અર્થ વીષે અથવા લખનારનાં મનની મતલબ વીષે નથી. હાલ જે હમે ઈનસાફ કરીએ છીએ તે ગોકળનાથજીને વીષે નહીં; પણ વાદી(જદુનાથજી) ને વીષે છે. ગોકળનાથજીએ અસલ શું લખ્યું અને કેવી મતલબથી લખ્યું તે વીષે હાલ સવાલ નથી; પણ તેની લખાવટથી તેમજ તેવીજ બીજી લખાવટથી હાલના લોકો કેવું સમજે છે અને તે ઉપરથી કેવી રીતે ચાલે છે તે વીષેનોજ સવાલ છે. જુબાની ઉપરથી ખુલ્લું માલુમ પડી ચુક્યું છે કે મહારાજાઓ લાંબી મુદતથી કૃષ્ણ પ્રમાણે ગણાય છે તે એટલે સુધી કે તેઓ ઈશ્વર પ્રમાણે ગણાય છે. અને તેઓની સેવા ઇશ્વર પ્રમાણે થાય છે તેટલા માટે ગોકળનાથજીની ટીકામાં ઈશ્વરને અર્પણ કરવાનું લખ્યું છે.’ (પૃ. ૨0૮-૨૧0)

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.