સુરત તા. ૫ માર્ચ ૧૮૬૮
કવિ ભાઈ હીરાચંદજી
ફાગણ સુદ ૭ નો પત્ર આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા છે. જ્ઞાનસમુદ્ર મને પોંચ્યો છે. મારો ગ્રંથ હાલમાં તમને મુંબઈથી મળે તેમ નથી. થોડી એક નકલો બંધઈને આવી હતી, તેમાંની થોડીએક હું અહીં લાવ્યો છઉં ને થોડીએક નાનાભાઈયે વેચી છે. હજી દુકાનમાં પણ વેચવા મુકી નથી ને થોડીએક મિત્રોને પણ આપવી બાકી રહી છે. કાઠિયાવાડમાં મારે એ ચોપડીઓ મોકલવી છે, તેમ એક તમને પણ મોકલીશ.
હાલમાં વેચવાના મારા ગ્રંથમાં, કવિતાના મોટાં પુસ્તક શિવાએ બીજું કંઈ જ નથી. તમારા છાપેલા ગ્રંથમાંના અખા ભક્તની વાણીનો ગ્રંથ લેવાને કોઈ કોઈ વખત ગામડાંના લોક મારી પાસે આવે છે. માટે એ ગ્રંથની નકલ ૨0 એક મારી પાસે હોય તો સારૂં. મહીપતરામ વિષેનો ગ્રંથ અને તમારા દુ:ખનો ગ્રંથ એ બે મારે જોવા છે, માટે બને તો કોઈ પાસ નકલ કરાવી ગમે ત્યારે પણ મોકલવા. કાઠિયાવાડ ગયા પછી પણ વખતે વખતે કાગળ લખતાં રહેવું. ને તેણી તરફના સમાચાર જણાવ્યા કરવા.
મિથ્યાભિમાન ખંડન તમે કીયા પ્રસંગથી લખ્યો છે, એ વિષે મારે મારી હકીકતમાં લખવાનું છે; ને એને માટે મને બહારથી કેટલીક ખબર મળી છે કે ભોગીલાલે તમારી ચોપડી લીધી નહીં, તેથી ડેપ્યુટીઓ ઉપર અને દલપતરામના કહ્યાથી મારા ઉપર તમે લખ્યું છે. ને એ પાછલું તો તમે પોતેજ મને કહ્યું છે, પણ એ બંને વિષે સવિસ્તર હકીકત જાણવી છે માટે જે સત્ય હોય તે યથાસ્થિત લખી મોકલવું. કાગળ નોટપેડ મોકલતાં સંકોચ આણવો નહીં. એ જ વિનંતી.
લા. નર્મદાશંકરના જે પરમાત્મા વાંચવા.
તા. ક: -ભાઈ આપણે જે ઘણાએક બપોર વાતચિતમાં કહાડયા છે તે મને બહુ સાંભર છે, તેમ ગત પુરૂષનું ચાંચલ્ય હજી મારી આંખ આગળ રમે છે.