૨ નવલરામ લક્ષ્મીરામ પંડયાને

મુંબઈ તા. ૨૪ મી માર્ચ ૧૮૬૩

મારા પ્રિય નવલરામ, – મુ. સુરત

તમારી ચોપડીનાં દર્શન આજ મને છાપખાનામાં થયાં છે એ ઉપરથી જાણજો કે તમારી ચોપડી અહીં પોંહોચી છે ખરી. મારો એક મિત્ર થોડા દહાડા ઉપર અમદાવાદ ગયો હતો તેના કહેવાથી જણાય છે કે કવિ દલપતરામના એક શિષ્યે મહારાજ કેસ કવિતામાં કરવો શરૂ કર્યો હતો પણ પછી વચમાંથી મુકી દીધો છે, ને આજ લગી તમો સિવાએ કોઈ બીજો ઉમેદવાર નથી.

તમે તમારી ચોપડી મને દેખડાવ્યા વગર બારોબાર મોકલી દીધી તેને સારૂ તમે પસ્તાવો કરો છો એ જોઈ હું દલગીર છઉં. પસ્તાવાની કંઈ જરૂર નથી. કરેકશન પછી પણ થઈ શકશે, હવે તો તમારે પરીક્ષકોના છેલ્લા ઠરાવ થતા સુધી (પાંચેક મહિના સુધી) નિરાંતે બીજાં કામો કર્યા કરવાં. હવે એ વિષે તમે જેટલી કાળજી રાખશો તેટલી ફોકટ જશે.

ચંદ્રાવળા મેં બહુ સાંભળ્યા છે અને નમુનાને માટે બનાવ્યા પણ છે. ચંદ્રાવળા કરવાની અને ગાવાની રીત ઘણી સેલી છે, પણ તમારા સાંભળવામાં નહીં આવેલી તેથી તમને ઘણી મુંઝવણ પડી હશે. મને ચંદ્રાવળાની કવિતા ઘણી ગમતી નથી, તો પણ એ કાઠીઆવાડી ઉદાસી ઢાળ કરૂણારસમાં સારો લાગે તેવો છે ખરો.

તમે મશ્કરીમાં લખો છો કે ‘પ્રસિદ્ધ રીતે કહોની, તે કવીશ્વર તમારો ઘણો જ પાડ માનશે અને પાડ માનવાને તેને કંઈ સાધારણ કારણ મળશે એમ પણ નથી.’ તમે પ્રસિદ્ધ કહેવડાવવા માંગતા હો તો તેમ કરવાને હું તૈયાર છઉં. હું બીજાને માન મળવું જોઈ જેટલો ખુશી થાઉં છું તેટલો પોતાને માટે નથી.

હવે તમે તે અહીં મોકલવા વિષે મારી સલાહ પુછો છો તો તે આ પ્રમાણે છે. ઘણું કરીને એવું જોવામાં આવે છે કે જે વાતમાં આપણી ખાતરી હોય તે વાતની બીજાને ખાતરી થાય અથવા ન થાય, પણ જે વાતની આપણે પોતાને ખાતરી નહીં હોય તો તે વાતની ખાતરી બીજાને થવી મુશ્કેલ. માટે તમને જો તમારી કૃતિ વિષે ખાતરી હોય તો બેલાશક તે મોકલી દેવી. દલપતરામના શિષ્ય સાથે તમારે મુકાબલે આવવું એમાં કંઈ હીણપત જેવું છે એમ મને લાગતું નથી, ને કદાપી સરસ ઉતરવાને બદલે એકાદિ પાયરી ઉતર્યા તો તેમાં કંઈ અપયશ જેવું છે એમ પણ મને લાગતું નથી. રડવા કુટવાના નિબંધને પ્રસંગે મારે ચારની સાથ મુકાબલે આવવું પડયું હતું. કવિતાની નવી શાળા આગળ જુની ટકનાર નથી એ વાત ઘણું કરીને ખરી છે, પણ પરીક્ષા પ્રસંગે પરીક્ષાનું પરિણામ….. પરીક્ષકો આગળ ઉમેદવારોની વિરૂદ્ધતા ઉપર, મતલબિયા અને સ્વૈચ્છિક પરીક્ષકો આગળ, એઓની રૂચી ઉપર અને પક્ષપાતી પરાધીન પરીક્ષકો આગળ વગવસીલા ઉપર આધાર રાખે છે. માટે તમારે તમારો ગ્રન્થ મોકલવો તો ખરો પછી તમારી મરજી હોય તો તેમને મોકલો કે તે હું જોઈ ‘દફતર આશકારા’ માં મોકલું અથવા ત મને પાછો મોકલું. તમે જે ચરણો લખી મોકલ્યાં છે તેટલાથી તમારા ગ્રન્થ વિશે મારાથી કશું અનુમાન થઈ શકતું નથી.

‘ગોંદરે ભેંસ ને ઘેર ઝડકા’ તેમ શું કરોછઋ તમારા ગ્રન્થનું પરિણામ જણાયા પછી તમારે જેને અર્પણ કરવો હોય તેને કરજો, પણ એવો તે કોણ છે જેને તમે છેક જ છાપરે ચડાવો છોઋ એવો તે કોણ છે કે જેણે અલગ દૂર પડેલા અને ચાર પાસ ફરતા કોહ આવી રહેલા એવા કવિતા…. કિલ્લામાં (પિંગળ શાસ્ત્રમાં) તમને પ્રવેશ કરાવ્યો અને ખરા…. જ્ઞાનનાં અને બુદ્ધિનાં પુસ્તકો… … … … ડયાં’ અને જેનો તમે એ… … … … કે તમે કવિ દલપતરામ વિષે… … …

‘કવિતાની જુની શાળા… …. … … ઉદય જાહેર હોવો જોઈએ-’ એમ…. …. … … નવી શાળાને પ્રથમ જન્મ … … … …. યો એ સમજવાનું અને …. …. …. …. દાખલ પેહેલું માન પણ કોઈને ઘટે છે પુરૂં …. …. …. સ્ટર ઓફ ધી સ્કુલને માટે આચાર્ય લખો છો તે ધર્મમત સંબંધી હોય તો ચાલે પણ કવિતાને માટે નહીં ચાલે. હું ધારુંછ કે માસ્તર ઓફ આ પોએટિક સ્કુલને માટે નામ આપવાની જરૂર નથી. નામ આપ્યા વગર પણ નિવેડો થઈ શકશે.

હું તમારી ઈચ્છા પ્રમાણે હાલમાં કોઈને કંઈ જણાવતો નથી.

તમારો સાચો શુભેચ્છુ-

નર્મદાશંકર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.