[નરભેરામ પ્રાણશંકર, સરદાર જનાર્દન પાઠકજી, મંગેશરાય પાઠકજી, નંદનાથ દીક્ષિત અને ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીના લખાણોને આધારે.]
સ્વજનો
(૧) ડાહીગૌરી :
લગ્ન ઈ. સ. ૧૮૫૬. વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદ ૧૨; સાસરે રહેતી થઈ સન ૧૮૬0 માં.
સૂરતના નાગર ફળિયામાં ગોપનાથ મહાદેવળાળી શેરીમાં પિયર.
પિતામહ ગૌરીનંદ પંડયા વેદ અને ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા, અને સુરતની અદાલતમાં હિંદુ ધર્મશાસ્ત્રના નિષ્ણાત શાસ્ત્રી તરીકે સેવા આપતા હતા.
પિતા ત્રિપુરાનંદ પ્રખર વેદપાઠી હતા. ત્રિપુરાનંદના એક ભાઈ મણિનંદ પુણે અને કોલ્હાપુરની અદાલતમાં શાસ્ત્રી હતા. બીજા ભાઈ લલિતાનંદ મુંબઈની હાઈકોર્ટમાં હિંદુ ધર્મશાસ્ત્રના નિષ્ણાત શાસ્ત્રી તરીકે સેવા આપતા હતા. તેમણે પુનર્વિવાહ શાસ્ત્રસંમત છે તેવું સ્થાપિત કરતો ગ્રંથ ‘સૌભાગ્યરત્ન’ સંસ્કૃત અને મરાઠીમાં લખ્યો હતો. તેમના પુત્ર ઇન્દિરાનંદ નર્મદના શિષ્ય સમાન હતા.
તેના હસ્તાક્ષરની નોંધમાં ભાષાશુદ્ધિ અને સુઘડ લખાવટ ધ્યાન ખેંચે છે. નર્મદ સાથેની સ્ત્રીના ધર્મ વિશેની ચર્ચામાં તેની તાત્ત્વિક સમજ પ્રતીત થાય છે જે વિદ્વાન પરિવારના શિક્ષણ અને ધર્મના સંસ્કાર પ્રગટ કરે છે.
ડાહીગૌરી ગૌરવર્ણની, એકવડા બાંધાની હતી.
(૨) સુભદ્રાગૌરી ઉર્ફે નર્મદાગૌરી
સુભદ્રાગૌરી (નર્મદાગૌરી પાછળથી કહેવાઈ) સૂરતમાં આમલીરાનની બાજુમાં માકુભાઈ મુન્સફની શેરીમાં રહેતા લાલશંકર દવે (ભારતીય વિદ્યાભવનના ભૂતપૂર્વ નિયામક મહામહોપાધ્યાય જયન્તકૃષ્ણ હ. દવેના પિતામહ)ની પુત્રી હતી. બાળવિધવા હોવાથી તે પિતાને ત્યાં જ રહેતી. તેના પતિ વિશે વિશેષ માહિતી મળતી નથી. પરંતુ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના એક સમયના સંસ્કૃતના શિક્ષક અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર છબીલારામ દોલતરામ દીક્ષિતના તેઓ મામા થતા હતા. નર્મદાગૌરીનું સાસરું સૂરતમાં હવાડિયા ચકલા પર હતું.
નર્મદાગૌરીના પતિ નર્મદના માસિયાઈ મામા થતા હતા, તે સંબંધે તે નર્મદની મામી પણ ગણાય. તેની સાસુ, નર્મદનાં માસી, નર્મદ ઉપર ખૂબ ભાવ રાખતાં હતાં. નર્મદાના ભાઈઓ પણ નર્મદના નિકટના પરિચયમાં હતા તેથી પણ નર્મદને તેને ત્યાં જવાના પ્રસંગો અવારનવાર બનતા. નર્મદના સુધારા વિશેના તથા પુનર્લગ્ન વિશેના વિચારોથી નર્મદાગૌરી પ્રભાવિત થઈ હતી. તે બને વચ્ચે સ્નેહ બંધાયો હતો, જેને પરિણામે તેમને પુનર્લગ્ન કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી.
નર્મદાગૌરી પડોશમાંના રવિભદ્રના મકાનમાં થઈને કવિને ઘેર પહોંચી ગઈ હતી. કવિએ તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને રૂઘનાથપરામાં અઠ્ઠાવાળા ઠાકોરભાઈની વાડીમાં તેમનું લગ્ન થયું હતું. નર્મદાગૌરીના બાપભાઈઓએ કવિ પર કોર્ટમાં અપહરણનો કેસ કર્યો હતો. ભરૂચ, મુંબઈ અને સૂરતના વકીલો નર્મદને પક્ષે હતા અને તે કેસ જીતી ગયો હતો. આ પ્રસંગે અનેક લાવણીઓ રચાઈ હતી. આ પુનર્લગ્ન ૧૮૬૯માં થયું હતું.
આ પ્રકરણમાં નર્મદને વધુ ઊંચી વીર ભૂમિકાએ મૂકતી અને ડાહીગૌરીને ત્યાગમૂર્તિ તરીકે સ્થાપતી અનેક લોકશ્રૃતિઓ પ્રચારમાં છે.
નર્મદાને તેની જ જ્ઞાતિના કોઈકે ફસાવી હતી, અને તેને કુવો-હવાડો કરવાની પરિસ્થિતિ આવી હતી. તે નર્મદને મળી. નર્મદે તેની જ જ્ઞાતિના એક જુવાન નામે નરહરિને તેની સાથે લગ્ન કરવા તૈયાર કર્યો. નર્મદાગૌરી તો પિતાને ઘરેથી નીકળી નર્મદના ઘરે નિશ્ચિત દવિસે પહોંચી ગઈ, પરંતુ નરહરિને તેના ભાઈઓએ ઓરડામાં પૂરી રાખ્યો તેથી તે ન આવી શક્યો. નર્મદે પોતાના ગોઠિયાઓ લલિતાશંકર વ્યાસ, ઇંદિરાનંદ પંડયા અને વિજયાશંકર ત્રિવેદીને મોકલ્યા પણ તેઓ ખાલી હાથે પાછા ફર્યા. નર્મદા હવે પિતાને ત્યાં પાછી જઈ શકે તેમ ન હતી. તેને માટે તો તરત લગ્ન અથવા મોત એ બે જ વિકલ્પો હતા. તેથી ડાહીગૌરીએ (તે સમયે તેની ઉંમર માંડ ૨૧-૨૨ ની હશે; નર્મદાગૌરી તેના કરતાં કદાચ એકાદબે વર્ષ મોટી હશે) પતિને આ ધર્મસંકટમાંથી ઉગારવા અને બે જીવની હત્યાનું પાતક ન લાગે ને તે હેતુથી નર્મદને નર્મદાગૌરી સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યો.
પરંતુ આ લોકશ્રુતિ માટે કોઈ આધાર નથી. બીજાની ફસામણનો ભોગ બનેલી વિધવાના બાળકનો પિતા બનવા જેવું મૂળદાસકર્મ કરવાનું નર્મદની આત્મકેન્દ્રી, અહંભાવી પ્રકૃતિએ સ્વીકાર્યું હશે એમ માનવાનું ભોળપણ નર્મદને સમજનાર કોઈ ન કરે. એવી વિધવાને તે બહુ બહુ તો સવિતાગૌરીની જેમ આશ્રય આપે. પુનર્લગ્ન કરવાનો તેને ઉત્સાહ હતો તો આ પહેલાં સવિતાગૌરીને વિધિસરની પત્ની તરીકે તે સ્વીકારી શક્યો હોત. પરંતુ ત્યાં એવી તાકીદની મજબૂરી ન હતી. નર્મદાગૌરીના વિષયમાં તે હતી માટે જ નર્મદે આ ઘટનાની પૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. ડાહીગૌરી વિશેની અપ્રગટ ડાયરી પ્રકાશમાં આવતાં પેલી લોકશ્રુતિઓ નિરાધાર કરે છે.
નર્મદાગૌરી શરીરે જરા ભારે, જાજરમાન હતી.
(૩) સવિતાગૌરી:
સુરતમાં ખપાટિયા ચકલામાં, છબીલાનંદ પંડયાના ભાઈ ભવાનીનંદ સાથે બાળવયમાં લગ્ન. પંદરેક વર્ષની વયે વિધવા થતાં, તે સમયના રિવાજમુજબ કેશવપન કરાવવાનો તેણે મક્કમ ઈન્કાર કર્યો. એથી સાસરાપક્ષે તેને કાઢી મૂકી. ન્યાતબહાર થવાના ભયે તેની માતા ત્રિપુરાગૌરીએ પણ તેને પોતાની સાથે રાખવા નામરજી બતાવી. જ્ઞાતિના સુધારાઓ સામે ઝંુબેશ ઉપાડનાર નર્મદે આ સાહસિક વિધવાને પોતાને ત્યાં, બાજુના ઘરમાં આશ્રય આપ્યો. આ ઘટના ૧૮૬૫માં બની.
સવિતાગૌરી પદો રચતી. આને કારણે જ નર્મદ સાથે તેમનું હૃદયાનુસંધાન થયું. નર્મદે નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીતોનું સંપાદન કર્યું તેમાં તેનો ફાળો મહત્ત્વનો હતો.
તેની રચનાઓ ‘એક સ્ત્રીજન’ના નામથી ‘વિશ્વજ્યોતિ’ અને ‘સમાલોચક’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં છપાઈ છે.
તેના ભાઈ છોટાલાલ જાની પાલીતાણાના દેશી રજવાડામાં દીવાન હતાં. નર્મદ સાથેના સંબંધથી સમાજમાં ગવાઈ ગયેલી સવિતાગૌરીને તેમણે પોતાની પાસે બોલાવી લીધી હતી.
સવિતાગૌરી અને નર્મદના પરિવાર વચ્ચેનો નર્મદસંબંધનો તંતુ ક્યારે ય તૂટયો ન હતો. સવિતાગૌરીના આગ્રહથી છોટાલાલે નર્મદનં ગીરો મુકાયેલું પૈતૃક મકાન ખરીદી લીધું હતું. અને નર્મદનું દેવું તેમાંથી ચુકવાયું હતું. નર્મદના મિત્રોએ કરેલા ટ્રસ્ટમાંથી નર્મદ, ડાહીગૌરી અને નર્મદાગૌરીના સાંવત્સરિક શ્રાદ્ધનો ખર્ચ સવિતાગૌરીને મળતો, અને છોટાલાલને ત્યાં તે વિધિ થતો. તેમના અવસાન પછી પણ વર્ષો સુધી છોટાલાલના પુત્ર ગુણાલાલ અને તેમનાં પત્ની માલવિકાગૌરીએ આ પરંપરા નભાવી હતી.
સવિતાગૌરી ગૌરવર્ણની, બેઠી દડીની હતી. ઉત્તરવયમાં તે અંધ થઈ ગઈ હતી. પાછલા વર્ષોમાં સાસરાપક્ષ સાથે પણ સુમેળ થયો હતો. સન ૧૯૨૫માં તેનું અવસાન થયું ત્યારે તેના સાસરાપક્ષે ભત્રીજા ચંગુભાઈએ અગ્નિસંસ્કાર કર્યો હતો.
તેણે રચેલાં પદોમાંથી કેટલાંક પદો તેના ભત્રીજીવહુ જયમુદ્રાબહેન મનહરલાલ ગાતાં હતાં, જેમાંથી કેટલીક પંક્તિતઓ પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ (છોટાલાલ જાની – દીવાનના જમાઈ)નોંધી હતી, જે આ પ્રમાણે છે:
(૧)
આ શો ગજબ કરી આવ્યા, ૨ કોડીલા કંથ મારાઋ
સાઠ વરસે કુમારી વરી લાવ્યા, રે કોડીલા કંથ મારા!
હું તો ભડકે બળું છું નરકે, રે કોડીલા કંથ મારા!
લોક દીકરીની દીકરી પરખે, રે કોડીલા કંથ મારા!
બાળકડીથી બાળકની શી આશ, કે કોડીલા કંથ મારા!
ઉછરેલાં બાળ પામે નાશ, કે કોડીલા કંથ મારા!
(૨)
મૃગ મારીને રે પંચવટીમાં આવ્યા રામ,
દીસે સીતા વિના સૂનું ધામ.
‘સીતા’ ‘સીતા’ પોકાર ત્યાં કીધો રે,
નવ ઉત્તર કોઈએ દીધો રે,
આસપાસ તપાસ જ લીધો રે,
વીરા લક્ષ્મણ રે, કોનું હશે આ કામઋ
દીસે સીતા વિના સૂનું ધામ.
વંદે શ્રી રામ વિપરીત વાણી, સીતા! સુણો નિર્ધાર;
દાનવ હસ્તથી મુક્ત કીધાં મેં ધર્મતણે અનુસાર.
– વદે શ્રી રામ
જાઓ જ્યાં મન માને ત્યાં, છે દેશ વિદેશ અનેક;
કો રૂપવંતા રાયને મંદિર જાજો ધરીને વિવેક.
– વેદ શ્રી રામ
(સીતાના પ્રત્યુત્તરથી પંક્તિતઓ મળી નથી)
(૪) પુત્ર જયશંકર (બક્કો) (જન્મ સન ૧૮૭0)
ઉ. ન. ચ. ના સંપાદક નર્મદના પુત્ર જયશંકરના જન્મનું વર્ષ આપવામાં ગાફેલ રહ્યા છે. ‘કવિએ પુનર્લગ્ન કર્યું’ એ નોંધમાં તેનું જન્મવર્ષ સને ૧૮૭0 આપ્યું છે, જ્યારે જયશંકરના મૃત્યુની નોંધમાં ૧૮૭૫માં આપ્યું છે.
‘ધર્મતંત્ર’ માંની નોંધ અનુસાર જયશંકરને સંવત ૧૯૩૬ ના વૈશાખ વદ પાંચમે, સન ૧૮૮0માં યજ્ઞોપવીત અપાયું હતું. શાસ્ત્રના વિધાનના અનુસાર ગર્ભથી આઠમે વર્ષે અથવા તો પછી, યજ્ઞોપવીત આપી શકાય. પહેલાં નહિ. ડાહીગૌરી વિશેની નોંધમાંના ઉલ્લેખ અનુસાર જયશંકર બજારમાંથી ખરીદી શકે, અથવા અમુકતમુકને બોલાવી લાવી શકે એટેલી ઉમરનો તો થઈ જ ગયો હતો. આમ તેનો જન્મ સન ૧૮૭૫માં નહિ સન ૧૮૭0માં થયો હોવાનું નિશ્ચિત થાય છે. તેમનું મૃત્યુ પ્લેગના રોગમાં ૩૧ માર્ચ ૧૯૧0ના રોજ થયું હતું.
જયશંકર જીવનભર અપરિણિત રહ્યા. મણિલાલ નભુભાઈએ નર્મદ પ્રત્યેના આદરથી પ્રેરાઈ તેમની પોતાની સાઠોદરા નાગર જ્ઞાતિમાં તેમનો વિવાહ ગોઠવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિષયમાં જયશંકર ઉદાસીન હતા. તેઓ કોઈ વિધવા સાથે, અથવા પુનર્લગ્ન કરેલી સ્ત્રીની કન્યા સાથે લગ્ન બાબત ઉત્સાહી ન હતા. આવાં લગ્નનાં સંતાનોને સમાજમાં ગોઠવાતાં મુશ્કેલી નડે છે તેનો તેમને અનુભવ હતો. તેમની માતાએ પણ વડનગરાની કન્યા મળે તો જ લગ્ન કરવાના મતની હતી.
જયશંકરમાં નાટયમંચની સૂઝ સારી હતી. તેઓ મુંબઈ મ્યુનિસિપાલિટીમાં હિસાબી કારકુન હતા. નર્મદના મૃત્યુ પછી જે ભંડોળ ભેગું થયું હતું તેના ટ્રસ્ટમાંથી તેમને નિયમિત રકમ મળતી હતી. પિતાના ગ્રંથોના વેચાણની આવક પણ તેમને મળતી હતી. તેમણે કવિના ‘નર્મકવિતા’ જેવા કેટલાય ગ્રંથોનું પુનર્મુદ્રણ, પુનર્સંકલન કર્યાં હતું.
કવિના ગ્રંથોની વ્યવસ્થા તેમણે પોતાના બે મિત્રો, ડૉ. મૂળચંદ દામોદરદાસ મુકાતી અને ઠાકોરદાસ ત્રિભુવનદાસ તારકસને સોંપી હતી. આ ટ્રસ્ટીઓએ ૧૯૧૧માં કવિના ગ્રંથોના કૉપીરાઈટ ‘ગુજરાતી’ પ્રેસને તબદીલ કરી આપ્યા હતા.
પરિજનો
(૧) નરભેરામ પ્રાણશંકર (કારકુન):
નરભેરામ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકના ટકારમાં ગામના વતની હતા. કવિ જ્યારે રાંદેરમાં શિક્ષક હતા (સન ૧૮૫૧) ત્યારે નરભેરામને તેમનો પરિચય થયો હતો. તે પછી કવિના મિત્ર અને ‘ડાંડિયો’ના એક સાથી કેશવરામ ધીરજરામ સાથે તેઓ સન ૧૮૫૬માં કવિને મુંબઈમાં નોકરી માટે મળ્યા હતા. શરૂઆતમાં નર્મદ તેમને ખર્ચ જોગું આપતો. ઉપરાંત એક બીજી નોકરી પણ તેણે તેમને અપાવી હતી. નરભેરામ અને કેશવરામ શરૂઆતમાં કવિની સાથે જ રહેતા હતા, તે પછી કવિએ તેમને અલગ ખોલી ભાડે રખાવી આપી હતી.
નરભેરામ કવિનાં લખાણોની નકલ કરવાથી માંડી ઘરની ખરીદી, હિસાબ રાખવાનું બધું જ કામ કરતા હતા.
‘સરસ્વતીમંદિર’નું બાંધકામ ચાલું થયું ત્યારે બધી દેખરેખ તેમણે રાખી હતી.
ભાવગનરના દરબારી છાપખાનામાં નર્મકોશનું છાપકામ શરૂ થયું ત્યારે તેની પ્રૂફ વાંચવા માટે તેઓ ભાવનગર રહ્યા હતા. ભાવનગરમાં કોશ છાપવાનું કામ અધૂરું રહ્યા પછી સૂરતના મિશનપ્રેસમાં તે છપાવો શરૂ થયો ત્યારે પણ તેની પ્રૂફ તેમણે જ વાંચી હતી. દયારામ વિશેનું સાહિત્ય મેળવવા કવિની સાથે અને તે પછી પણ નરભેરામ ડભોઈ ગયા હતા. ડાહીગૌરી વિશેની નર્મદની નોંધમાં ડાહીગૌરીએ જે મહેતાજીનો ઉલ્લેખ કર્યો છે તે નરભેરામ વિશેનો છે. કવિએ પોતાના મૃત્યુના બે મહિના પહેલાં સં. ૧૯૪૨ (સન ૧૮૮૬) ના માગશર સુદ બીજને દિવસે તેમને છૂટા કર્યા હતા.
‘નર્મવૃત્તાંત’માં નરભેરામે નર્મદની સ્ત્રીઓના આચાર વિશે હલકો અભિપ્રાય નોંધ્યો છે.
ઈચ્છારામ સૂર્યરામના કહેવાથી ૧૯૬૭ (સન ૧૯૧0) માં નરભેરામે ‘ગુજરાતી’ માટે ‘નર્મવૃત્તાંત’ શીર્ષકનો લેખ લખ્યો હતો.
(૨) રામશંકર (અને તેમના પુત્ર રાજારામ શાસ્ત્રી) :
રામશંકર મૂળ દિહેણ ગામના હતા અને તેઓ નરભેરામના બનેવી થતા હતા. તેઓ ટકારમાના તલાટી કવિ નભુલાલ જ્ઞાનતરામના પણ મિત્ર હતા. નર્મદ નભુલાલને મળવા ટકારમાં ગયો ત્યારે રામશંકરને તેની સાથે પરિચય થયો અને નર્મદે તેમને પોતાની પાસે રાખી લીધા. તેઓ નરભેરામના પૂરક થઈ કવિને મદદ કરતા હતા. પાછલાં વર્ષોમાં કવિના ઘરનું વાતાવરણ ગ્લુષિત બનેલું લાગતાં તેઓ છૂટા થયા હતા. પરંતુ તેમણે કવિનો સદ્ભાવ ખોયો ન હતો.
તેમના પુત્ર રાજારામને કવિએ પોતાની પાસે પુત્રવત્ રાખ્યો હતો અને ભણાવવા માટે આર્થિક સહિત બધા પ્રકારની સહાય કરી હતી. રાજારામની લેખનપ્રવૃત્તિને અને સંસ્કૃત રચનાઓની અનુવાદપ્રવૃત્તિને કવિનું પ્રોત્સાહન હતું. કવિના અંતિમ દિવસોમાં રાજારામ તેમની સુશ્રુષામાં હતા. સૂરત ખાતે સન ૧૯૧૫માં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમણે કવિનાં જીવન અને કાર્ય વિશે ‘સમયમૂર્તિ નર્મદનાં સંસ્મરણો’ શીર્ષકનો નિબંધ વાંચ્યો હતો, જે તેમાંની આર્યસમાજ અને વૈષ્ણવ મહારાજો વિશેની ટીકાને કારણે પરિષદના કાર્યવાહકોએ છાપ્યો ન હતો. આ નિબંધ ‘ઉત્તર નર્મદ ચરિત’માં છપાયો હતો. આ નિબંધને નવલરામના ‘કવિજીવન’ની પૂર્તિરૂપ કહી શકાય.