વિરામ ૧

જન્મ, ગોત્રાદિક, નાગર જ્ઞાતિ

૧. સુરત શહેરના આમલીરાન નામના મહોલ્લામાં બાપદાદાના ઘરમાં હું મારી માને પેટે ગર્ભરૂપ થઈ રહી, કોટવાલી શેહેરી નામના મોહોલ્લામાં મારી માને મોસાળ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસેમ ને શનીવારે અથવા સને ૧૮૩૩ના આગસ્ટ મહિનાની ૨૪મી તારીખે વાહાણાંનાં પ્હોરમાં સુરજ ઉગતે જન્મ્યો હતો. મારા જન્માક્ષર ખોવાઈ ગયા છે, જનમ વેળા મારા બાપ સુરતમાં નોહોતા. મારો જનમ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હતો ને તેથી જ્યેષ્ઠાશાંતિ કરવી પડી હતી. એ શાંતિ જારે મારા બાપે સંવત ૧૮૯0માં મુંબઈથી આવી ૧00 રૂપીઆ ખરચીને કરી તારે તેનાથી મારૂં મ્હોં જોવાયું.

આમલીરાન નામ પાડવાનું કારણ આ કે, મોહોટી આગની પહેલાં હમારાં ઘરોની સામે પાંચ પાંચ છ છ ગજને અંતરે પાંચ મોટી આમલીયો હતી. અકકેકી આમલીનાં થડનું કદ બે માણસની એકઠી બાથના ઘેરાવાની બરોબર હતું. બલકે અકકેકી આમલી ૨00-૨૫0 વરસની હશે, એમાંની ત્રણ આમલીની મોટી ડાળીયો હમારાં ઘરનાં છાપરાં પર ઝુમી રહી હતી. અર્થાંત્ આમલી નીચે જ હમારાં ઘરડાનાં ઘરો હતાં. એ આમલીઓનાં થડ અને હમારાં ઘર એ બેની વચમાંના રસ્તા પર આમલીની ઘટાને લીધે સૂરજના પ્રકાશ ઝાંખો પડતો ને સંધ્યાકાળ પછી તો રાન જેવું જ ભયંકર લાગતું. રે ચોરોના ભોથી અને આમલીમાંના ભૂતોના ભોથી સાંજ પછી મોહોલ્લાના સિવાય બીજા થોડા જ લોકો આવજાવ કરતા. એ આમલીયો હમારાં ઘરોની સાથે સં. ૧૮૯૩ની મોટી આગમાં ચૈતર વદ પાંચેમ ને મંગળવારે સને ૧૮૩૭ની ૨૫ મી અપરેલે વાહણે વાયે બળી ગઈયો. સંવત ૧૮૯૪ માં નવાં ઘર ચાર ગાળાનાં મારા બાપ તથા કાકાએ બાંધવા શરૂ કરયાં તે ૧૮૯૫ની આખરે બંધાઈ રહ્યાં. એમાં ચકલેથી આવતાં પહેલા બે ગાળા કાકાના છોકરાઓના છે ને બીજા બે ગાળા મારા છે. મારા ઘરની સામે ખુલ્લી બળેલી જમીન હતી તે મેં આ વરસના જાનેવારી મહિનામાં રૂ. ૬00 એ વેચાતી લઈને બંધાવા માંડી છે – એકકડો અસલની બે આમલીની જગાની વચમાં છે – ને એ નિશાની સારૂ જ મેં એ જગો લીધી છે.

૨. હમે ઔક્ષ્ણસ ગોત્રના કેહેવાઈએ છૈયે. ગૌતમ, અત્રિ, ભરદ્વાજ, કશ્યપ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, અને જમદગ્નિ એ સાત અને અગસ્ત્ય એ આઠ ઋષિયોથકી વંશ વિસ્તાર થયો છે. માટે એ અકકેકું મૂળ તે ગોત્ર કેહેવાય છે ને જે લોકો ઉત્પન્ન થયા તે ગોત્રજ કેહેવાય છે. મુખ્ય ગોત્ર તો આઠ જ પણ બીજા ગ્રંથકારોના મત પ્રમાણે એ આઠથકી જે પહેલા ૪૯ વંશજો થયા તેમને પણ ગોત્ર એવી સંજ્ઞા છે. કેટલાક કેહે છે કે મુખ્ય આઠ અને તેઓના પૌત્ર (છોકરાઓના છોકરાઓ) પર્યંત જે વંશજ તે સર્વ ગોત્ર કેહેવાય. એ વંશજોમાં (પછી પુત્રવંશજ કે પૌત્રવંશજ) કોઈ ઔક્ષ્ણસ નામનો ઋષિ થયલો તે હમારો મૂળ પુરૂષ. એ મૂળ પુરૂષ કહારે થઈ ગયો તે જાણવાની ઇચ્છા થયેથી મેં એક શાસ્ત્રીને પુછ્યું કે, એ ગોત્ર જે છે તે ચાલતા કલિયુગના પ્રારંભથી કે આ ચોકડીના સત્યુગના પ્રારંભથીઋ વળી એવા કલિયુગ ને એવા સતયુગ તો કેટલાક થઈ ગયા હશે. તે શાસ્ત્રી બોલ્યો કે એ વાતનો ખુલાસો મળે નહીં, પણ શ્વેતવારાહ કલ્પના પ્રારંભમાં એ આઠ ઋષિયો થયા હશે. વળી મેં પૂછ્યું કે વસિષ્ઠ નામના શેંકડો ને ઔક્ષ્ણસ નામના શેંકડો થયા હશે ત્યારે હમારો મૂળ પુરૂષ તે કયો ને ક્યારનોઋ (ઉત્તર કંઈ મળ્યો નહીં.)

હમારે પ્રવર ત્રણ છે. એટલે હમારા મૂળ-પુરૂષે અગ્નિહોત્રનાં કામમાં ત્રણ ક્ત્વિજો – કર્મ કરાવનારા બ્રાહ્મણો-ગોર રાખેલા. એ ત્રણનાં નામ વસિષ્ઠ, શકિત ને પરાશર હતાં. બ્રાહ્મણો પરસ્પર ક્ત્વિજો થતા; તે વેળા હાલની પેઠે ગૃહસ્થ ભિક્ષુકનો ભેદ નહોતો. એક શાસ્ત્રી કહેછે કે યજ્ઞકર્મમાં જે ઋષિના સંબંધ થકી અગ્નિની સ્તુતિ કરાય છે તે ઋષિને પ્રવર એવી સંજ્ઞા છે. દરેક માણસનાં ગોત્ર તેણે ઉચ્ચારવાનાં ઋષિઓનાં નામ જુદાં જુદાં છે; તેમની સંખ્યા પ્રત્યેક શાખાનું જે કલ્પસૂત્ર હોય છે તેમાં કહેલી છે અને તે સંખ્યા પ્રમાણે તે માણસ, એકપ્રવરી, દ્વિપ્રવરી, ત્રિપ્રવરી ને પંચપ્રવરી કેહેવાય છે. ચતુ:પ્રવરી ગોત્ર જાણવામાં આવ્યું નથી. કેટલાક કહે છે કે ગોત્રમાં મોટા પૂજ્ય સ્મરણ રાખવા જોગ જે પૂર્વજો તે પ્રવર.

હમે ઋગ્વેદી છૈયે એટલે હમારા મૂળ પુરૂષે અને પછીનાએ એ વેદનું અધ્યયન કરેલું. હમારી શાખા શાંખાયની છે. ઋગ્વેદની આઠ શાખા કહેવાય છે એટલે કર્મકાંડ કરવામાં અને વેદના મંત્રો પાઠાફેર ભણવા સંબંધી આઠ ઋષિયે પોતપોતાના એમ જુદાજુદા આઠ ભેદ રાખ્યા છે, તેમાં હમારા મૂળ પુરૂષે શાંખાયન ઋષિવાળી શાખાની રીત રાખેલી. કોઈ કહે છે કે વેદ ભણવો ને ભણાવવો એ સંબંધી જે જુદી જુદી રીત તે શાખા. (અધ્યયનાધ્યયનવશાત્ ભેદા:)

હમારા પૂર્વજો વૃદ્ધ પરંપરાગત ચાલતાં આવેલાં કુળને ઓળખવાના નામ શર્મ છે. બ્રાહ્મણ છે એમ ઓળખવાને નામની પછવાડે શર્મ એ શબ્દ મુકવામાં આવતો. ક્ષત્રીનાં નામની પાછળ વર્મ, વૈશ્યનાં નામની પાછળ ગુપ્ત અને શૂદ્રનાં નામની પાછળ દાસ. બ્રાહ્મણકુળમાં જન્મ છે એટલું જાણવાને શર્મ શબ્દ હતો. પણ હવે કિયું કુળ તે જાણવાને શર્મના ભેદ રાખ્યા છે. ગોત્ર તો મૂળ પુરૂષ. પણ એવા તો ઘણાક થયેલા તેથી પાસેની પેહેડીનો અને વળી પ્રસિદ્ધિ પામેલો એવો જે પુરૂષ તેનાં નામથી શર્મ ઓળખવા લાગ્યું. દત્તશર્મ, શર્મશર્મ આદિ લઈ. હમારા પૂર્વજો બ્રાહ્મણ તે તો શર્મ શબ્દથી ઓળખાતા, હમારા પૂર્વજોની પ્રસિદ્ધ કુલની અટક શર્મ હતી. માટે હમે શર્મ શર્મ – શર્મ એ નામના અટકના બ્રાહ્મણ. (શર્મ એ સામાન્ય નામ છે તેમ વિશેષ નામ પણ છે.) નર્મદાશંકર શર્મ શર્મ એમ બોલવું જોઈયે પણ એ રીત હાલ નિકળી ગઈ છે. (માત્ર શુભાશુભ કર્મકાંડમાં એ વપરાય છે.)

વળી હમારાં નામની આદિયે હમણાં દ્વિવેદી અથવા અપભ્રંશ રૂપે દવે મુકવાનો ચાલ ચાલુ છે. હમારા પૂર્વજો ઋગ્ ને યજુસ્ બે વેદનું અધ્યયન કરતા.

ઉત્તમ જાતિમાં બ્રાહ્મણ ને તેમાં પણ વેદ ભણનારા, શાસ્ત્ર ભણનારાથી શ્રેષ્ઠ મનાતા (વેદાધ્યાયી સદાશિવ:) અસલના વેદિયા વેદાર્થ પણ કરી જાણતા.

એ પ્રમાણે હમારા આઘેના પૂર્વજોનું વૃત્તાંત છે.

૩. સેંકડો વરસ પછી હમારા પૂર્વજો અને બીજા ઘણાએક ગુજરાતમાં આનંદપુર અથવા વડનગરમાં આવી રહેલા તાંહાં તેઓ નાગર બ્રાહ્મણ કહેવાવા લાગ્યા. નાગરોના ‘પ્રવરાધ્યાય’ ઉપરથી જણાય છે કે આનંદપુરમાં બ્રાહ્મણોનાં પંદરસેં ગોત્રો હતાં, તેમાંથી સંવત ૨૮૩ પેહેલાં જે ગોત્રો રહેલાં તેઓ નાગર કહેવાવા લાગ્યા. નાગર બ્રાહ્મણરૂપે હમારું વૃત્તાંત આ પ્રમાણે છે : –

કેટલાએકોએ જાણે અજાણે શૂદ્રાદિકોનાં દાન લીધાં અને વળી તેઓ બીજે ગામ જઈ રહ્યા તે ઉપરથી નાગરના પણ છ સમવાય પડયા છે. વડનગરા અથવા તળબ્દા શુદ્ધ નાગર, વિસલનગરા, સાઠોદરા, ચિત્રોડા, પ્રશ્નોરા ને કુશ્ણોરા. વિસલદેવ રાજાએ વિસલનગર (સંવત ૯૩૬માં) વસાવ્યું ત્યાં કપોતવધનો જગન કર્યો ત્યારે વડનગરથી કેટલાક ત્યાંહાં જોવા ગયા હતા ત્યારે રાજાએ તેઓને દક્ષણા આપવા માંડી, પણ જારે નાગરોએ કહ્યું કે હમે કોઈની દક્ષણા લેતા નથી ત્યારે રાજાએ પાનનાં બીડાંમાં ગામોનાં નામ લખીને પેલા નાગરોને આપ્યાં અને એ રીતે ઠગીને દાન આપ્યું. વડનગરના નાગરોએ પેલા જોવા જનારાઓને દાન લીધાના દોષથી ન્યાત બાહાર રાખ્યા ને એ રીતે છ સમવાય થયા છે.

‘સાઠોદ ગામ છે રેવાકાંઠે, તેનું દાનપાત્ર લઈ અનુસર્યા’,

‘સાઠોદરા પદવી થઈને, વડનગરથી નીસર્યા’ – ૧

‘વિસલદેવ રાજા થયો, અતિ ધર્મસૂં ધીર’,

‘કપોતવધનો જગન કરતે, ત્હાં ગયા બે વીર.’ – ૨

‘તેને છેતરીને છળ કરી, તાંબોલમાં ચિઠ્ઠી ગ્રહી,’

‘વિસલ નગ્રનું દાન કીધું. તે અજાણે લીધું સહી,’ – ૩

વગેરે વગેરે વગેરે.

નાગરોનાં ૭૨ ગોત્ર સંભળાય છે પણ દિનમણિશંકર શાસ્ત્રીયે ૬૪ ગોત્ર લખાવ્યાં છે તે આ : –

કૌશિક, કાશ્યપ, દર્ભ, લક્ષ્મણ, હરિકર, વત્સપાલ, એતિકાયન, ઉદ્વહલ, ભારદ્વાજ, વારાહ, મૌનેય, કૌંડિન્ય, આલૌભાયન, પારાશર, ગૌપાલ, ઔક્ષ્ણ, ગૌતમ, બૈજવાપ, શાંડિલ્ય, છાંદોગ્ય, આત્રેય, વૃદ્ધાત્રેય, કૃષ્ણાધેય, દત્તાત્રેય, કૌરંગપ, ગાલવ, કાપિષ્ટલ, જાતુકર્થે, ગૌરીયત, શાર્ગવ, ગાગ્યાયન, સાંકૃત્ય, શાર્કરાક્ષ, પિપ્પલાદ, શાકાયન, ગાર્ગ્ય, માતકાયન, પાણિનેય, લૌકાક્ષ, કૌશલ, આગ્નિવેશ્ય, હારીત, ચંદ્રભાર્ગવ, આંગિરસ, કૌત્સ, માંડવ્ય, મૌદ્વલ, જૈમિનેય, પૈઠિનસિ, ગૌભિલ, કાત્યાયન, વસિષ્ઠ, નૈધ્રુવ, નારાયણ, જાબાલિ, જમદગ્નિ, શાલિહોત્ર, નધુષ, અગત્સ્ય, ઔષનસ્, ભાગુરાયણ, ત્રૈવણેય, વૈતાયન અને ચ્યવન. એ ૬૪માં આઠ ગોત્ર ઊંચાં કુળ કહેવાય છે તે આ :

કાશ્યપશ્ચૈવ કૌંડિન્ય ઓક્ષ્ણશ: શાર્કવોદ્વિષ:

બૈજવાપ: ષષ્ટમ: પ્રોક્તો કપિષ્ઠોતુરુકસ્તથા.

સંસ્કારકૌસ્તુભમાં કુલાષ્ટક આ છે – કશ્યપ, કૌંડિન્ય, ઔક્ષ્ણ, શાર્કવ, કૌશિક, બૈજવાપ:, કપિષ્ઠ અને ગૌતમ. એ રીતે જોતાં હું એ આઠમાંનો છઉં (વા: વારે મારું અભિમાન!)

૪.. વડનગર જ્યારે ભાંગ્યું ત્યારે નાગરો ન્હાસીને બીજે મુકામે જઈ વસ્યા, તેમાં મારા વડીલો સુરતમાં આવીને રહ્યા. વડનગર ત્રણ વાર ભાંગ્યું કેહેવાય છે. પ્રથમ સંવત ૬૪૫ના માઘ મહિનામાં મ્લેચ્છને ત્રાસે ભાંગ્યું ને કેટલાક નાગરો પાટણ જઈ રહ્યા. બીજી વાર સંવત ૧૨૭૨ના કારતેગ મહિનામાં ગોરીશાને (શાહાબુદ્દીન ગોરી હશે) ત્રાસે ભાંગ્યું તેમાં કેટલાક નાગરો જૂનાગઢ જઈ રહ્યા ને એમાંથી થોડાક ઈડર ને અમદાવાદ જઈ વસ્યા. (અમદાવાદ તો વસ્યું સંવત ૧૪૬૭-૬૮ પછી; હું ધારુંછ કે જેને હમણાં અમદાવાદ કહિએછ ત્યાંહાં નહીં પણ તે જગાની આસપાસની જગોમાં) ત્રીજી વાર ભાંગ્યું તે સંવત ૧૭૮૨માં દક્ષણને ત્રાસે ને એથી વડનગરમાં રહેલા તમામ નાગરો નિકળ્યા તે ઈડર, વાસવાળું, ડુંગર પોર, કાશી ને મથુરા જઈ વસ્યા. એ બાબત, કોઈ વલ્લભદાસનો કરેલો નરસંહી મેહતાના છોકરાનો વિવાહ એ નામનો એક જુનો ગ્રન્થ મને મળ્યો છે તેના ૬ઠ્ઠા કડવામાંથી મેં ઉતારી લીધી છે. પણ કેટલાકની ભલામણ ઉપરથી તે ૬ ઠ્ઠું કડવું જ અહીં દાખલ કરૂં છઊં.

કીધો મંત્ર એવો ન્યાતે મળી, ધન ધન થયા મનચિંતા ટળી. ૧

હવાં નરસંહી મેહેતો કેમ થયા, વડનગ્રથી બીજે કેમ રહા. ૨

સર્વે વાત કહું વિસ્તારી, સુણો શ્રોતાજન ધીર ધારી. ૩

એમ વર્ષ કંઈ વહી ગયાં, રાજા રાજ્ય ક્ષત્રીનાં થયાં. ૪

વળી જવન હસ્તિનાપુર ધસ્યા, ત્યાં નાગર પાસે જઈ વસ્યા’ ૫

‘ચાકર થઈ નાગર તે, ભોગ પૃથ્વી ભોગવે;

એમ કરતે જે થયું તે, સુણો સહુ કહું છું હવે. ૧

સંવત છશે પીસતાળીશ, જવન ભે માની ઘણો;

નગ્ર ભાગું માસ માઘે, વિસ્તાર કહું તેનો સુણો. ૨

નગ્ર પાટણ તણો રાજા, માહા ધર્મસું ધીર;

અર્ધ નાગર ગયા અહિંથી, બડા બાવન વીર. ૩

અરાઢ સહસ્રની સંખ્યા છે, તેમાં ગૃહસ્થ બાર હજાર;

કુંવારા ખટ સહસ્ર છે, મહાદેવનો પરિવાર. ૪

તે અર્ધ ભીતર નગ્રમાં રહ્યાં, અર્ધ ગયો જે વાસ;

રહ્યા તે આભીતર કહાવ્યા, ને ગયા જે અધવાસ. ૫

નાતજાતના કાર્ય કારણ, એક મત મનમાંહ્ય;

પગરણ આવે જેહને, ત્યાં સર્વ ભેગા થાય. ૬

સીધપૂર પાટણ વીશે, અધવાસ સમવા જે રહ્યો;

રીતભાત આચારથી, વડનગરથી પૃથક થયો. ૭

એમ કરતે વરસ કેટલાં, થઈ ગયાં તે મધ્ય;

સર્વ સુખ આનંદ ભોક તે, રાજકાજ સમર્થ. ૮

પછે ક્ષત્રીવટ જે ધારી નાગરે, તે રાજઅંશી થઈ રહ્યા;

કેટલા બીજા રહ્યા તે, વ્યાપારને વશ થઈ ગયા. ૯

વ્યાપારના ઉદ્યમ કરે, તેનું ગૃહસ્થ નામ ન્યાતે ધર્યૂં;

બીજા બ્રાહ્મણ વેદમૂર્તિ, એ ત્રિવિધ નામ કળિમાં કર્યૂં.   ૧0

પ્રથમ નગર ભાગ્યું એણી રીતે, મહા મ્લેચ્છને ત્રાસ;

પછે બીજી વાર ભાગ્યું તે, કહે વલ્લભદાસ.   ૧૧

સંવત બાર બોતરે, પૂરણ કાર્તિક માસ;

ગોરીશાયે દ્રવ્ય લીધો, તેણે છોડયો વાસ. ૧૨

તારે નોંઘણ રાજા જુનાઘડનો, જેને ત્રણ લાખ અસવાર;

બે સહસ્ર ઘરને સનમુખ આવી, લાવ્યો દેશ મુઝાર. ૧૩

ઘણા આદર થકી રાખી, ભાવે નાગરી ન્યાત;

રાજકાજનો ભાર સુંપ્યો, સુણે તે કહે વાત. ૧૪

તેણે સમે તે માંહ્યથી, એક સહસ્ર ઘર ઈડર ગયાં;

પાંચ સહસ્ર ઘર પગ પરઠીને, વડનગર માંહ્યે રહ્યાં.  ૧૫

એણી રીતે અમદાવાદી, અધવાસ પદ પામ્યા સહી;

સોરઠી બે સહસ્ર તેને, આભ્યંતર પદવી રહી. ૧૬

બારગામ અધવાસ કેરા, સોરઠીનાં પુર બાર;

પછે જે રહ્યા વડનગરમાં, તેનો કહું વિસ્તાર. ૧૭

સંવત સત્તર બ્યાસીએ તો, દક્ષણ કેરો ત્રાસ;

સરવે નાગર નીસર્યા, નગ્રની મુકી આસ. ૧૮

ઈડર, વાલંભ, વાંસવાળુ, ડુંગરપુર, પાટણ રહ્યાં;

નગ્રથી જે નીસર્યા તે, કાશી ને મથુરા ગયા. ૧૯

એણી રીતે નગ્ર ભાગ્યું, કલીને મહીમાય;

છ ગામ વડનગરનાં થાયે, ત્રણે સમવાય; ૨0

શ્રી સદાશિવની કૃપાથી, છે સર્વ સંપતવાન;

સુખ સંપતથી હીન થયા, જેણે મેહેલ્યું વેદ વિધાન. ૨૧

વેદ વિધિ નવ આદરી, તેનું તેજ શિવજીએ હર્યાં;

હવાં નરસઈ મેહેતો થયા તે, વિધિ વિસ્તારી કહું. ૨૨

એ ઉપરથી જોતાં નાગર બ્રાહ્મણ, નાગર ગૃહસ્થ (વેપારી અને સરકારમાં કામ કરનારા) અને નાગરક્ષત્રી (રાજા અને સિપાઈયો અથવા સિપાઈનાગર)એ ત્રણ તડાં છે.

૫. સુરતમાં નાગરો ક્યારે આવ્યા તે સંબંધી કંઈ ઉપર લખ્યું નથી – પણ સુરતના ઘણા ઘરડા નાગર બ્રાહ્મણો કહે છે કે ‘આપણે પ્રથમ ચાંપાનેરથી. તે ભાગ્યા પછી સુરતની આજુબાજુનાં ગામમાં આવી રહ્યાં.’ હજી સુરતના નાગર બ્રાહ્મણો અડાજણીયા, નવસારીગરા, વલસાડિયા, બરાનપોરિયા વગેરે કહેવાય છે. ચાંપાનેર ભાગ્યું આસરે સંવત ૧૫૪૧ ના પોસ સુદ ૩જે ને સુરત શહેર વસવા માંડયું આસરે ૧૫૭0થી – એ ઉપરથી જણાય છે કે મુસલમાનના ત્રાસથી બ્રાહ્મણો નાહાસીને સુરતની આસપાસનાં ગામ જાહાં હિંદુની સત્તા હશે તાંહાં આવી રહ્યા. ચાંપાનેરનો છેલ્લો રાજા રાવળ જેસિંગ ઉરફે પતાઈ રાજા હતો. ચાંપાનેરમાં હિંદુ રાજા હતા તાહાંસુધી બ્રાહ્મણો તાંહાં રહ્યા ને મુસલમાન આવ્યા કે તાંહાંથી નાઠા એવો સંભવ છે. રાસમાળામાં લખ્યું છે કે ચાંપાનેરના રાવળને અને ઈડરના રાવને અદાવત હતી તેથી ઈડરના રાવે પોતાની મદદમાં મુસલમાનને તેડી ચાંપાનેર પર હલ્લો કરાવ્યો. રાવળને માળવાનાં સુલતાનની મદદ હતી પણ આખરે તે હાર્યો ને અમદાવાદના મહંમદ બેગડાએ ચાંપાનેર લીધું. ઈ.સ. ૧૪૮૪ની ૨૭ મી નવેમ્બરે.

વળી સુરતના બ્રાહ્મણો કેહે છે કે પ્રથમ અશ્વનીકુમાર – ફુલપાડા ગામમાં પોણોસેક વરસ રહ્યા ને ત્યાંથી પછી શહેરમાં આવ્યા. શહેરમાં આવ્યાને ૧૫0 વરસ થયાં અને તીજી વાર વડનગર છોડયાને પણ ૧૪0સેક વરસ થયાં, પણ વલ્લભદાસે સુરતનું નામ નથી દીધું માટે જણાય છે કે તેઓ ઈડરથી ચાંપાનેર આવેલા. હવે ઈડર જે ગયલા તે વલ્લભદાસના કહ્યા પ્રમાણે બીજી વારના નાઠેલા તેમાંથી – માટે હમે બીજી વારના નાહાસવામાંથી વડનગરથી ઈડર અથવા જુનાગઢ તે પછી ઈડર ગયલા ને તાંથી ચાંપાનેર આવેલા તે તાંથી પછી ગામોમાં રેહેતા શેવટે સુરત આવી રહેલા એમ કલ્પના થાય છે. ઈડરમાં સામળિયા સોર્ડ નામના હિંદુ રાજાના વખતમાં પ્રથમ નાગરો (હું ધારૂંછ કે વડનગરથી) ઈડર ગયા ને ચાંપાનેરથી નિકળ્યાં એ બધી મુદત ૨૫0 વરસની થાય છે. ઈડરના નાગરોની વાત રાસમાળામાં આ પ્રમાણે છે : સામળિયાના કોઈ વંશજે પોતાના એક નાગર કારભારીની કન્યા સાથે પરણવાનું ધાર્યું હતું ને પછી એ નાગરે જુગતીથી સાનંગજી રાઠોડને બોલાવી સોર્ડ વંશનું નિકંદન કરાવ્યું. હું ધારૂંછ કે પછી તાંહાં આજુબાજુના મુસલમાનોએ ત્રાસ દીધેલો તેથી તાંહાંના નાગરો ચાંપાનેર આવી રહેલા.

૬. ગુજરાતમાં સીપાઈ નાગર કોઈ નથી. (કાશી ને ગ્વાલિયર તરફ છે.) ગૃહસ્થ ને ભિક્ષુક એવા બે ભેદ થયા તે વિષે વલ્લભદાસે બે પ્રસંગે કહેલું છે. તેમાં બીજો પ્રસંગ ઉપલી કવિતામાં છે જ. પહેલા પ્રસંગમાં એમ કે વેદધર્મના રક્ષણને સારૂ કેટલાકને ક્ષત્રીનું કામ કરવું પડયું તેથી તેઓ ગૃહસ્થ કેહેવાયા ને જે લોક પોતાના અગ્નિહોત્રાદિક કર્મ રાખી રહ્યા અને પેલા ગૃહસ્થોના અને પરસ્પર ગોર થઈ રહ્યા તે ભિક્ષુક કેહેવાયા. એઓ એક બીજાની દક્ષણા લે તેમ ગૃહસ્થની પણ લે; ગૃહસ્થ ભિક્ષુકની ન લે. અસલ બ્રાહ્મણો કોઈ વાણિયા વગેરેની દક્ષણા લેતા નહીં, પણ હાલ સહુની લે છે ને કેટલાક બ્રાહ્મણો તો વાણિયાને શુભાશુભ કર્મ કરાવે છે. પણ એ કારણ માટે સુરતમાં એ વર્ગ ઢાંકડાને નામે ઓળખાય છે. શુદ્ધ વર્ગ જે કુંકણાને નામે ઓળખાય છે તેમાંનો કોઈ ઢાંકડા વર્ગમાંનાને કન્યા દે છે (ક્વચિત જ બને છે) તો તેને કેટલોક દંડ આપવો પડે છે. જેમ ભિક્ષુક વર્ગમાં દવે, પંડયા હોય છે તેમ ગૃહસ્થ વર્ગમાં હાલ નથી કેમકે તેઓએ વેદશાસ્ત્રનાં અધ્યયન મુકી દીધાં છે.

૭. આજકાલ જુવાનિયા ગૃહસ્થો ભિક્ષુકને નીચા સમજે છે, પણ કુળધર્મ જોતાં તો તેઓ કર્મભ્રષ્ટ છે માટે તેઓ નીચા. દુનિયાંદારીની માહિતી જોતાં અને શ્રીમંતાઈ જોતાં ગૃહસ્થો, બ્રાહ્મણો કર્તા વહેવારમાં ઉંચા ખરા. પણ એ વિચાર મારે કરવાનો નથી. વૃદ્ધ નાગરો હજી ભિક્ષુકને પોતાના પૂજ્ય સમજે છે. હાલમાં બ્રાહ્મણો આગળની પઠે ગૃહસ્થના ઉપર ઝાઝો આધાર રાખતા નથી; તેઓએ પણ પોતાના પૂર્વના ધંધા છોડીને સંસાર ઉદ્યમે વળગવા માંડયું છે. હવે ગૃહસ્થ ને ભિક્ષુક એ ભેદ રાખી માંહોમાંહે કુસંપ વધારવો, એક બીજાને કન્યા ન આપવી આદિ લઈ વાતોના પ્રતિબંધ પાળવા અને તેથી થતાં નુકશાન ખમવાં એ શ્હાણા ને ચતુર નાગરોને ઘટતું નથી. હું કહેવાઉં તો છઉં ભિક્ષુક નાગર પણ મેં ભિક્ષુકી થોડીક જ કીંધીછ. હું ઉત્તમ પ્રકારની ગૃહસ્થાઈમાં ઉછર્યોછ. મારા વિચારમાં આમ છે કે ગૃહસ્થે પોતાની માની લીધેલી મોટાઈ મુકી દેવી અને ભિક્ષુકે પોતાની ભિક્ષુકીનો હક અને હલકી રીતભાત છોડી દેવી – એ બંનેએ પરસ્પર કન્યાઓ આપવી લેવી — એક જ શહેરમાં નહીં પણ બધે ઠેકાણે. ઘણોક સુધારો પણ દાખલ કરવો કે જેથી નાગરની સ્થિતિ ઘણી જ ઊંચી પંક્તિતની થાય. કુલ ગુજરાતી લોકની નાતોમાં નાગરની નાત, કુળ, રૂપ, આચાર, વિદ્યા, પદવિ, ચતુરાઈમાં સહુથી શ્રેષ્ઠ મનાઈ છે ને મનાય છે. (એ વિષે વધારે કોઈ બીજે પ્રસંગે બોલીશ.)

ઉપરની લાંબી હકીકતને મારી સાથે થોડો સંબંધ છે, માટે લખવી તો જોઈયે નહીં પણ ગુજરાતી બ્રાહ્મણોમાં ઘણા ઘણા જણ ગોત્ર પ્રવર વગેરે શું છે તે જાણતા નથી, તેઓને જણાવવા માટે અને મારી નાગર સંબંધી કેટલી જાણ જે મને મેહનતથી થઈ છે તે મારા નાતીલાઓને કેહેવા માટે ઉપલો વિસ્તાર કર્યો છે – બાકી, નાગર દાખલ મારી મોટાઈ બતાવવાને કર્યો નથી.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.