(આ નોંધ ઈ. ૧૮૬૮ની છે. – સંપાદક)
૧. ક્વૉન્ટીટી સંબંધી-ગદ્ય, વ્યાકરણ, કોશ વગેરે ન લખત, પ્રુફ તપાસવાનાં ન હત, કંપાઈલેશન હત, ઘર ચલાવવાની ખટપટ ન હત, નાણાંની હંમેશ તંગી ન હત વગેરે વગરે-તો નિરાંતથી ઘણી કવિતા લખત. મેં કવિતા ઘણી જ તાકીદથી લખી છે. ઘણીએક તો પ્રસંગોપાત ઉભરામાં લખી છે. એ જોતાં થોડી મુદતમાં મેં જેટલી કવિતા લખી છે, તે કવિતા ઘણામાં ઘણું સામળ, પ્રેમાનંદ ને દયારામ તેની કવિતાના સંગ્રહના અર્ધ બરાબર તો હશે જ. તેઓએ પોતાની જીંદગી કવિતામાં જ કાઢી, માટે ઓછામાં ઓછો ૬0 વરસનો તેઓનો સંગ્રહ કહેવાય. મને તા. ૩૧ ડીસેમ્બર ઈ.સ. ૧૮૬૭ એ કવિતા લખતાં ૧૧ વરસ ને ત્રણ મહિના થયા છે.
૨. કુદરતી છઉં- કવિતા કરવી એવો વિચાર સ્વપ્નમાં નહિ. પ્રથમ પ્રીતિના વૈરાગ્યના જોસ્સાથી મારૂં મન કવિતા તરફ ગયું; તે પીંગળ જાણ્યા વિના પણ સ્વાભાવિક રીતે મારાથી નમુનાના રાગડા પ્રમાણે કેટલીક કવિતા લખાઈ ગઈ છે-જુવાન-જુસ્સાવાળો માટે.
૩. ભાષા– હું જુવાન છઉં, જોસ્સાવાળો છઉં, બોલવાની છટા છે, વિચાર તરત સુઝે છે, નાગરી ન્યાતમાં છઉ, હવે મારો ગરમ થયલો વિચાર સ્હેલથી જોસ્સાવાળી ભાષામાં કેમ ન નિકળે? મારી ગદ્યની ભાષા તે સરળ ને જોસ્સાવાળી સહુ કહે છે, ત્યારે મારી કવિતાની ભાષા સરળ ને જોસ્સાવાળી કેમ ન હોય? કવિતા લખતાં તો જોસ્સો બહુ ઉભરાઈ આવે છે. હું ગામડિયો નથી, પણ શહેરી છઉં, ઉંચ કુળનો છઉં, ઉંચી સંગતમાં છઉં, જન્મ ધરી શુદ્ધ બોલતો લખતો આવ્યો છઉં, માટે મારી ભાષા શુદ્ધ કેમ ન હોય? શુદ્ધ છે, વ્યાકરણનિયમ જેટલો મારી કવિતામાં છે તેટલો થઈ ગયેલાઓમાં નથી. મારી કવિતાની ભાષા બિલકુલ દોષવાળી નથી–૧૮૫૫થી ૧૮૫૮ લગીની મારી કવિતા, પિંગળના નિયમ પુરતા જાણ્યામાં નહીં તેથી, હ્રસ્વ દીર્ઘ રાખવા જ જોઈએ એ વિચારથી, કોઈને માત્રામેળ છંદો વાંચતાં સાંભળેલા નહીં તેથી, મારી મરજી પ્રમાણે મેં મારા તાલમાં વાંચેલા તેથી, મુંબઈ સુરતમાં કોઈ પિંગળ જાણનારો નહોતો અને શુદ્ધ લખવાની ખંત તેથી, થડકતી છે, એ વાત ખરી; પણ એ જ ઘડી જ થોડી છે, ને એ કવિતા ઉપરથી કેટલાકોનું મત બંધાયું હશે કે ભાષામાં સરલતા નથી. જેમ સાધારણ માણસની બોલાવાની ભાષા, વિદ્વાનની જુદી પડવી જ જોઈએ ને પડે છે, તેમ મારી કવિતા શાસ્ત્રીય ભાષામાં સ્વાભાવિક લખાયાથી, ને નવા જ વિષયોને નવી જ લાગે તેવી ઢબથી લખેલી તેથી, તે સાધારણ લોકને મારી ભાષા સારી ન જ લાગે. સાધારણ સંસ્કૃત ભાષાથી કાવ્યની ભાષા તેની ઢબમાં ઘણી જ જુદી પડે છે, પણ શું ત્યારે એ દોષવાળી છે? ના. સંસ્કૃત મહાકાવ્યોની ભાષાના કદરદાન પંડિતો જ છે. તે એટલી તો મુશ્કેલ છે કે તે કાવ્યને અભ્યાસ કરેલા એવા શાસ્ત્રીને પણ થોડે વરસે તે પર ટીકા વાંચવાની તે ગરજ પાડે છે. વિદ્વાનની ભાષા તે જ ખરી ને સુંદર ભાષા. એલીઝાબેથના વખતની પહેલાની ભાષા ને હાલની ભાષા ઘણી જુદી પડે છે, માટે શું તે ભાષા સારી? ના. એલીઝાબેથના વખતની ભાષા કરતાં આન ને જીયોર્જ ત્રીજાના વખતની ભાષા સહુથી સારી ગણાય છે. ૧૮૨૭ થી ગુજરાતી ભાષા સુધરવા માંડી છે, ને એ સુધરેલી ભાષામાં હું પહેલો જ છું. ને એ ભાષા જૂની સમજના ઘરડાઓને અને હાલના સમજના લોકોને ઘણી જ સારી લાગે છે. હવે મારી ભાષા દોષવાળી કેમ કહેવાય? અલબત્ત પ્રથમ ખેડાતી ભાષામાં હું પહેલો છઉં માટે તે દોષવાળી હોય, તો પણ શું એ ઉપરથી મારી ગુજરાતી ભાષા પ્રેમાનંદની ભાષાથી ઉતરતી પંક્તિતની કહેવાય? ના, ના. મારો સુધારાનો નવો વિષય, તેમાં વળી કવિતાની ભાષામાં તે લખાયલો તો ભાષા જુદી પડવી જ જોઈએ, પણ જુદી છે અને નઠારી છે એમ કેમ કહેવાય? કવિતાની ભાષા ગદ્યભાષાથી જુદી પડવી જ જોઈએ, અંગ્રેજી સારી કવિતાની, ને સંસ્કૃત સારી કવિતાની ભાષા લખવાની ઢબ ઉપરથી અંગ્રેજી સંસ્કૃતની ગદ્યભાષાથી જુદી જ પડે છે. ‘પ્રેમે શું છોડી દીધી,’ એ કોઈ સાધારણ માણસથી સમજાશે નહીં ને એમ કોઈ બોલતું પણ નથી, માટે શું એ અશુદ્ધ ને નઠારી ભાષા છે? સમજતો વિદ્વાન તો ઉલટું વખાણ કરશે. એમાં પ્રેમને રૂપક આપી કહ્યું છે કે પ્યારી તું ને પ્રેમ એ બે દોસ્ત હતાં, પણ હવે શું પ્રેમે તારી દોસ્તી મૂકી દીધી છે? પ્રેમના જોસ્સા સાથે તને ઘણું બનતું, તે શું હવે તે જોસ્સાએ તને મૂકી દીધી છે? શું તારામાંથી તે જોસ્સો ગયો છે?
૧૮૫૫થી તે ૧૮૫૯ સુધીની ભાષા થડકાતી છે તેનાં કારણો:-
૧. હ્રસ્વ દીર્ઘ જોડાક્ષર વગેરે રાખવાની કાળજી-જે મટી ૧૮૫૯માં દલપતરામને પૂછવાથી કે-રાખવી કે, નહીં?
૨. મોટા વિચાર ટુંકામાં મૂકવા એમાં વિદ્વત્તા છે. ભાષા જોસ્સાવાળી છે, રડતી નથી.
૩. અપભ્રંશ થોડા વાપરવા એવી બેત. લાગિયો ને વાગિયો હું જન્મમાં બોલેલો નહીં, ને એમ લખતાં મને બહુ દુ:ખ થતું ને તેમ ન્હોતો જ લખતો. ન ચાલતાં જુજ એવું લખેલું. એ દૂર કરવાના વિચારથી સરળતા ઘટેલી. વળી સાધારણ લોક સાધારણ વાતને પ્રાસવાળી ભાષામાં મૂકી એટલે એ રચનાને કવિતા કહે છે, એવા વિચારવાળાને મારી ભાષા કેમ સારી લાગે? કવિતા અક્ષરમેળ છંદમાં છે-જે ગુજરાતીમાં નવી જ છે-હવે એ વાંચી ન શકાય તો પછી ભાષાની લ્હેજત કેમ લાગે?
૪. Picture ચિત્ર-Real and ideal, Poetical-many and more than other poet in our language. (સાચાં અને આદર્શ-કાવ્યાત્મક-અને આપણી ભાષામં કોઈ પણ કવિએ વાપર્યા હોય તે કરતાં પણ ઘણા વધારે) પ્રેમાનંદ દયારામનાં ચિત્ર દેશી રંગોથી ઘણાં સારા રંગેલાં છે. મારાં ‘સ્ટીગ એન્ગ્રેવીંગ’ છે.
૫. Universality-સર્વતોભદ્ર શકિત-I can write on any subject, because I see Poetry in everything. (હું કોઈ પણ વિષય ઉપર લખી શકું તેમ છું. કારણ કે હું બધી જ વસ્તુમાં કાવ્ય નિરખું છું.)
૬. રસ-Love-એ વિષયમાં જેટલા મેં અનુભવિ ખરા વિચાર કરતા કવિતા રૂપે લખ્યા છે તેટલા કોઈએ નથી લખ્યા. મારા વિચાર પ્રમાણે એ રસ મેં સૌથી સારો લખ્યો છે. મારામાં સંયોગશૃંગાર નથી, ને નથી એટલે તે શ્રૃંગારરસ લાયક ફક્કડ ભાષા પણ નહિ જ.
કરુણ રસ-એ જ્ઞાનના ઘરનો મનમાનતો છે-પછી ઈશ્વર સંબંધી કે પ્રિયા સંબંધી. જ્ઞાનનું ઘર બાદ કરીએ તો તે થોડો છે.
શાંત-નવી રીતનો સારો છે.
હાસ્ય-નહીં. મારી કવિતા દર્દની ભરેલી છે એટલે હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું. તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.
ભયાનક, બીભત્સ, અદ્ભુત, રૌદ્ર-એ લખ્યા નથી.
વીર-મેં જ લખ્યો છે ને ઘણો સારો લખ્યો છે. યુદ્ધવર્ણન નથી કીધું એટલું જ બાકી છે.
૭. અલંકાર-મારામાં ઘણા નવા છે.
૮. અર્થ પ્રૌઢી-ઘણી જ છે.
૯. નેચર(કુદરત)નું ડીસ્ક્રીપશન (વર્ણન) તો મેં જ દાખલ કીધું છે.
૧0. અક્ષરવૃત્ત તો મેં જ દાખલ કીધા.
૧૧. Originality-અપૂર્વ રચનાશકિત-ઘણી જ, પણ એક મોટા વિષયમાં હજી આણી નથી.
૧૨. વર્ણનશૈલી-સુધારાના શુષ્ક વિષયને નવી ખેડાતી ભાષા છતે જેવો જોઈએ તેવો કરી મુકેલો છે, તેથી તે જાડાજાડા રંગ જોવાની ટેવ પડી ગયેલી તેવાઓને દીપતો દેખાતો નથી.
૧૩. અતિશયોક્તિ-ઘણી નહીં-છાંટ નહિ-સાચુ અથવા બની શકે તેવું.
૧. જોવાનુ એટલું છે કે અગર કદાપિ નઠારી ભાષામાં લખાયલું છે તો તે ભાષાની અપૂર્ણતાથી કે કવિની ભાષા માલમ નથી તેથી.
૨. અપૂર્ણ ભાષામાં નવા ટુંકામાં લખ્યા છે. એવી રીતે જ્યારે ઘણા ગ્રંથો થશે ત્યારે ભાષા જેવી જોઈએ તેવી થશે.
૩. હાલ કિયો માણસ પ્રેમાનંદની અથવા દયારામની ભાષા બોલે છે?
પ્રેમાનંદની ભાષા મારા કરતાં વધારે સારી એમ તો કહેવાય જ નહીં. એ કહેવું તદ્દન ખોટું છે. જમાનો બદલાયો છે. અસલી ગુજરાતી ને હાલની ગુજરાતીમાં ફેર છે. તેમાં ગ્રંથની ભાષા, જુના ગ્રંથની ભાષાથી, વિચાર, ઢબને લીધે જુદી જ પડવી જોઈએ. હવેના લોકો કોઈ પ્રેમાનંદની ભાષામાં ગ્રંથ લખે તેવો સંભવ નથી. ત્યારે એ બે ભાષાનો મુકાલબો કેમ થાય? પ્રેમાનંદના વખતમાં હું હોઉં ને પછી મુકાબલો થાય ખરો. રે, તે વખત પણ જારે તેના વખતમાં સામલ કે વલ્લભ હતા, ત્યારે પણ એ ત્રણેની ભાષામાં ઘણો ફેર હતો તે માલમ પડે છે. શું સામળની ભાષા પ્રેમાનંદથી જુદી નથી?
વારૂ, વિષયપરત્વે છંદની બાંધણી પ્રમાણે કવિની લખવાની ઢબ પ્રમાણે ભાષા જુદી પડે છે. હમણાની ભાષાનો મુકાબલો હમણાની જ ભાષા સાથે થાય. હું નથી કહેતો કે મારી ભાષા સારી છે. હજી તો ગ્રંથ લખવાનું શરૂ થાય છે. જારે ઘણા ગ્રંથો થશે ત્યારે ભાષા પૂર્ણ સારી થશે. મારી ભાષા કેટલાક જુના ગ્રંથ વાંચનારાઓને નઠારી લાગતી હશે, પણ તેમાં મારી ભાષાનો વાંક નથી. તેઓને મારી ભાષા વાંચવાનો અભ્યાસ નથી–અભ્યાસથી સારી જ લાગશે. તેમ અસલી વાંચેલી, તેના પર ઘણા દહાડાની પ્રીતિ લગેલી, તેથી બીજી નઠારી જ લાગે. અકબર ને તાનસેનની વાત. ગવૈયા આલાપ કરે છે તે જેઓના કાન નથી સુધર્યા તેઓને તે ગાણું પસંદ નથી–રાંડોનું ને ચીજનું ગાવું પસંદ છે. શા માટે? ગવૈયાની ભાષા તેઓને કઠોર લાગે છે-પણ કારણ, ગવૈયાનો રાગ સાંભળવાનો અભ્યાસ નથી ને તેમાં તેઓ કંઈ સમજતા નથી, તેમ જ કવિતા વિષે.
૪. ગમે તેવી મારી ભાષા છે. પણ મારા અનુભવથી કહું છું કે સેંકડો જનોએ જેઓએ મારી કવિતા મારે મોઢેથી સાંભળી છે, તેઓ કવિતાની જ ખુબીમાં લીન થઈ ગયા છે. તેઓને ભાષા સંબંધી વિચાર આવ્યો જ નથી-હવે ભાષાને ને કવિતાને શો સંબંધ?
૫. મારી ગદ્યની ભાષાના જુદા જુદા વિષયમાં જુદી જુદી ભાષા છે-પણ તેનો તે સઘળા ઉપરથી જે સાધારણ રીતે મારી ભાષાને એક ચહેરો થાય છે, તેમ મારી કવિતાનો જુદા જુદા વિષય ઉપરથી પણ છેલ્લી વારે સાધારણ એક ચહેરો થાય છે. એ શું જુદાઈ? બિલકુલ નથી. મારૂં લખાણ-મારી ભાષા-પછી ગદ્યની કે પદ્યની-એક જ હોવી જોઈએ છે.
પ્રેમાનંદની ભાષા વધારે સરળ લાગે છે તેનું કારણ કે તેણે સંસારી બાબતે સાધારણ લોકની ભાષામાં લખી છે, અને તેમાં વિચારો સાધારણ વિચારોથી ઘણા ઉંચા નથી. વળી દેશીમાં છે. મારી દેશીવાળી કવિતા કોઈ કોઈ જ સરળતા વનાની હશે, મારી છે તે Sentimental Poetry — ideas rising far above the common place-his airs are affecting while matra-vrittas and akshar-vrittas are not affecting-his language is uniform throughout, mine is not. Persian and Urdu words which to my taste are on certain occassions experessing my ideas fully vividly and of which are no equivalents from Sanskrit or Gujarati could be used in our language. Langauge is now-a-days newly formed on account of new ideas being introduced into our language.
Premanand does not abound in so many and so vivid pictures as mine. His beauty is in the true description of manners and human natures (indicative of reflections)-in expressions and coloured pictures liked and understood by the mass.
Mine is in the description of human natures and external nature with sentiments and ideal pictures understood by the learned and men of experience by whom they are conceived. These pictures can not be put into the popular language, they can be put into poetical langauge.
Premanand has nothing to suggest– pleasure from suggestion being hard-won, is more exhilarating; mine has much to suggest. His is a jolly beauty, mine is melancholy.
[લાગણીના ઉભરાનું કાવ્ય-સામાન્ય વિચારો કરતાં મારાં કાવ્યના વિચારો ઘણા ઉંચા ઉડે છે; જ્યારે તેનું (પ્રેમાનંદનું) સંગીત અસરકારક છે, ત્યારે માત્રા વૃત્તો અને અક્ષર વૃત્તો તેટલા અસરકારક નથી; એની ભાષા સર્વ સ્થળે એક સરખી છે જ્યારે મારી નથી; ફારસી અને ઉર્દુ શબ્દો જે મારા મત પ્રમાણે કેટલીકવાર મારા વિચારો સંપૂર્ણ અને તાદૃશ્ય રીતે દર્શાવે છે અને જેના સમાન ગુજરાતી કે સંસ્કૃતમાં ભાવ દર્શાવનાર શબ્દો નથી તે આપણી ભાષામાં વાપરી શકાય. આપણી ભાષામા નવા વિચારોનો ઉમેરો થતો હોવાથી ભાષાનું સ્વરૂપ હવે નવેસરથી બંધાય છે.
પ્રેમાનંદમાં મારા જેટલાં ભભકભર્યાં એટલાં બધાં ચિત્રો નથી. સાંસારિક રીતરીવાજો અને મનુષ્ય સ્વભાવ(વિચારદર્શક)નું આબાદ વર્ણન કરવામાં જ એની ખરી ખુબી છે-સામાન્ય લોકસમાજને પસંદ પડે તેવી અને સમજાય તેવી શબ્દરચનામાં અને અતિશયોક્તિવાળા આકારમાં.
મારી કવિતાની ખુબી મનુષ્યસ્વભાવનું અને કુદરતનું લાગણીવાળું બાહ્ય વર્ણન છે, અને આદર્શ ચિત્રો એવાં છે કે તે ભણેલા અને અનુભવીઓ જેઓ આજે તેની કલ્પના કરે છે તેઓથી જ સમજી શકાય. આ ચિત્રો લોકપ્રિય ભાષામાં મૂકી શકાય તેવાં નથી, તેઓ તો કાવ્યાત્મક ભાષામાં મૂકી શકાય તેવા છે. પ્રેમાનંદમાં સૂચનારૂપ લખાણ નથી જ-સૂચના (વ્યંગ) માંથી ઉત્પન્ન થતો આનંદ દુર્લબ્ધ હોવાથી વધારે આનંદમાં ડુબાડનારો છે; મારી કવિતામાં વ્યંગ ઘણા છે. એની કવિતા ખુશમિજાજી સુંદરી છે. મારી તો વિચારગ્રસ્ત વૈરાગશાલિનિ છે.]
હું – પ્રેમાનંદ
સુધારાનો નવો ને શુષ્ક વિષય – પુરાણ કાવ્યમાંનો સર્વમાન્ય રસિક વિષય
ફીલસુફી – શૂન્ય.
Real and ideal pictures many – Real pictures in Social subjects only.
(સાચાં અને આદર્શ ચિત્રો ઘણાં) – (સાચાં ચિત્રો માત્ર સાંસારિક વિષયોનાં જ)
શ્રૃંગાર રસ-નિર્મળો, નીતિ આપતો, માણસને માન્ય – પ્રૌઢ, પ્રૌઢ પણ ફીલસુફી વનાનો-સાધારણ
દરદનો-ફીલસુફથી ભરેલો પણ ખંડન થવા આવે એટલામાં પાછી દરદની ભભક-વિદ્વમાન્ય, અંદરથી ઉભરાતો રસ. – રસ સાદી રીતે ભભકમ લખેલો.
વૈધવ્યચિત્ર, લલિતા, સાહસ અને ઘણા-એક પદમાં શું કરૂણ રસ નથી? મરદની આંખમાં ઝળઝળીઆં આવે તે કરૂણ રસ કરૂણ રસ સારો મોટો, કાચી છાતીના બાયલા રડે તે કરૂણ રસ નથી.
શુદ્ધ વીર રસ ઉંચા દરજ્જાનો – વીર થોડો ને સાદો.
શુદ્ધ શાંત રસ-નવો જ-સૃષ્ટિસૌંદર્ય તો મેં જ દાખલ કીધું – શૂન્ય
હાસ્ય-નહિ – ખરો.
અદ્ભૂત-નહિ – થોડોક.
અલંકાર-નવા ને ઘણા જ. – અસલના જ.
અર્થગૌરવ છે. – શૂન્ય
નીતિબોધ કવિતા છે. – શૂન્ય.
બનેલું અથવા બને તેવું. – ન બને તેવું.
Originality. અપૂર્વ રચનાશકિત વધારે – થોડી.
જેમ Supernatural (કુદરતથી વિશેષ) તેમ વધારે સારૂં. મારો વિચાર કે તેમ નહિ. Be and ideal of any thing Impossible ચાલે પણ improbable ન ચાલે. (જોઈએ તો કોઈના આદર્શ થાવ. અશક્ય ચાલે, પણ અસંભવિત ન ચાલે.)
Nature and imagination(કુદરત અને તર્ક) કવિતા: Only imagination is good for nothing. (એકલો તર્ક નકામો છે.) Tales and romances don’t give taste (વાર્તાઓ અને ઐતિહાસિક કથાઓ રસ આપતી નથી). Drawing with the colours is poetry and not only the colours. (રંગો કંઈ કવિતા નથી. પણ રંગથી ચિતરવું તે કવિતા છે.) સ્થાયી પણ passion (પ્રેમ)ની poetry (કવિતા) ઘણી અસરકારક છે. હાસ્ય રસ જ થોડી વારનો, પણ જે સ્થાયી રહે તે સારો ને તેટલા જ માટે passion સારી. જ્યાં ખરાપણું તેમાં આનંદ વિશેષ, આહા! અદ્ભુતપણાથી કહે છે. આબેહૂબ ચિત્ર છે, એમ લોકો કહે છે તે શા માટે?