૨ : સવિતાગૌરી સંબંધી

તા. ૧0 મી સપટેંબર ૧૮૮૨ રવિવાર ૧૯૩૮ શ્રાવણ વદ ૧૩.

ત્રંબકરાવ આવેલા. તેને મેં કહ્યું કે કેટલાક મારા કામમાં મારે તમને લેવાના છે પણ પ્રથમ તો તમે કાનફીડેન્સ કેવી રીતે પાળો તે વિષે મારી ખાતરી થશે ત્યારે. પછી વળી કેટલીક વાત ચાલી. સ. નો પ્રસંગ મેં કાઢયો કે તેના સંબંધીઓને મારે વિષે શું વિચાર છે તે મારે જાણવું છે. ત્યારે બોલ્યા કે તે હું જાણતો નથી પણ સ. નો વિચાર તમારાથી છુટા પડવાનો છે એવું જ્યાં ત્યાં સંભળાય છે ખરૂં. તે તેમ હોમ પણ એ જ વિષયમાં મારે કેટલીક વ્યવસ્થા કરવાની માટે હાલ તમારે બારોબાર બની શકે તો ખબર કાઢી જણાવવું કે તેની તબીએત કેવી છે, તે ક્યાં છે, તે દીવાળી ઉપર સૂરત આવનાર છે કે નહિ, કે પછી હું જાતે જાણી લેઉં કે તમારી મારફતે કે હરકોઈ બીજી રીતે તે નક્કી થાય. પાંચેક દહાડા ઉપર સવિતાનારાયણને મેં પૂછ્યું હતું. તે ક્યાં છે ત્યારે તેણે જવાબ દીધો હતો કે અમણાં કાગળ નથી આવ્યો, ગોઘે હશે.

તા. ૧૬ : ત્રંબકરાવ કહી ગયા કે ગોઘે છે. છોટાલાલ પાલીટાણેથી ગોઘે આવે છે બૈરીને ને બેનને મળવાને. ધનવંતરામની બૈરીને અઘરણી છે તેથી દીવાળી ઉપર સુરત જાય પણ ખરા.

તા. ૨૨ : ત્ર્યંબકરાવે સુરતથીઆવી કહ્યું કે શ્રાદ્ધ પક્ષ ઉપર આવશે ને ગવરીશંકરની બેન માંદી છે તેથી તેણે સુરત બોલાવી છે.

તા. ૧૭ મી અકટોબર ૧૮૮૨ : રવિભદ્રના કાગળમાંથી, ‘આજ કેટલાક દિવસ થયા સવિતાગૌરી સુરત આવેલાં છે. તેમણે મને પરમ દિવસે બોલાવ્યો હતો અને આપને પત્ર લખી પુછાવ્યું છે (મારી પાસે) કે આપના ઘરમાં એના ઓરડામાં એની ચીજવસ્તુ છે તે એને શી રીતે મળી શકશે? તથા એની તમારા રેવાના મકાન તરફની બારી એ જતી વેળા બંધ કરીને ગએલાં તે પણ સઘળી અડધી (કાચ તથા લાકડાની) ઉઘાડી છે તે પણ તમને લખી જણાવવાનું મને કહેવાથી લખી જણાવ્યું છે.’

તા. ૫ જાનેવારી ૧૮૮૩ ) ગણપતરામે કહ્યું કે મનસુખરામની સ્ત્રી સ. ને મળવા ગઈ હતી. અહીં છે ને સવિતાના કાકા કાકી સાથે રહે છે.

તા. ૪ ફેબરવારી : ત્ર્યંબકરાવ આવેલા. તેનાથી જાણ કે મારો મિત્ર હકીમ તે પાલીટાણાના ઠાકોરને સારી પેઠે ઓળખે છે. બહુ જ ડાઘીલો છે. નોકરોને પગાર આપે તે પગાર નોકરને દેશ ન જાય પણ રાજ્યમાં જ રહે ને નોકર નોકરી છોડી જીવતો પોતાને ગામ જવા પામે નહિ એવી ત્યાંની પરિસ્થિતિ છે. છોટાલાલ જાણે કે મારી સલાહ વિના ઠાકોર કંઈ કરતો નથી, ઠાકોર જાણે કે હું એને રમાડું છું.

તા. ૨૩ મી માર્ચ : હોળી પછી ગયા બપોરે ઘેર આવેલી. ડા. તથા સુ. આગળ કહેલું કે ભોજાઈ એકલી સુરતમાં છે ને પોતે મુંબઈમાં રહે છે તેથી તેનાં પીહરીઆં બહુ બબડે છે.

તા. ૭ મી અપરેલે ગણપતરામે આવી કહ્યું કે શવલાના છોકરાએ સ. ની આગળ જઈ વાત કરી કે ડા. તથા સુ. તમને મળવાને ઈછે છે ત્યારે તેની સાથે કહેવડાવ્યું કે હા, હું ગણપતરામને ઘેર તેઓને મળીશ. સ. એ તે તથા બીજાઓને કહેલું છે કે મેં કવિને રૂપીઆ આપ્યા છે તેના બદલામાં તેના ઘરના એક ગાળામાં રહું છું.

૧૮૮૩, તા. ૨૨ મી મે,૧ ૧૯૩૯ ના વૈશાખ સુદ ૧૫-વદ ૧, મંગળે રાતે સ્વપ્નમાં-ડા. સાથે તકરાર થતાં તે બોલી કે હું દેખડાવું છું પછી ચાલી ગઈ કુવામાં પડી પણ વળી ગભરાઈને– ને બાઝી પડી પાછી નીકળી આવી. એ વેળા સ. ઘરમાં ફરતી હતી ને ઘરની એક હતી એમ જણાતી હતી. બે જણ સ્વપ્નમાં દીઠાં, સ્વપ્ન પુરૂં થયે ઘડિયાળ જોયું તો બરાબર ૧૨ વાગેલા.)

તા. ૨૪મી એ સુ. ઘરને ત્રીજે માળે દેખાવ દીધો.

તા. ૨૩ જુન ૧૮૮૩, જેઠ વદ ૪ શનિ યે રાત્રે:

ગણપતરામે આવી કહ્યું કે મનસુખરામની બૈરી કહેતી હતી, સ. પરમ દહાડે સુરત જવાની છે.

તા. ૧૮ જુલાઈ આ. શુ. ૧૩ : એક છોકરાએ આફીસમાં આવી કહ્યું કે સુરતના ઘરની કુંચી જેની પાસે છે તેને લખો કે તે ઘર ઉઘાડે કે સવિતાગૌરી પોતાનો સામાન કાઢી લે. તેને કહ્યું કે એમ નહિ બને. તેણે મને કાગળ લખવો જોઈએ.

તા. ૬ અગસ્ટે, શ્રા. શુ. ૩ સોમ : રાતે ચિઠ્ઠી કે અમણા સ. ને શયનાદિનિયમ નિમિત્ત ગણનામાં લેવી જોઈએ..

તા. ૭મીએ ચિઠ્ઠી કે.સ. પછી આ ઘરના સંબંધમાં આવશે. (બે ચિઠ્ઠી બક્કાએ ડાબે હાથે ઉપાડેલી તેથી વહેમ આવેથી તથા બીજી વાર ચિઠ્ઠી મૂકી તેમાં વિશેષ આ કે આવીને સંબંધ કરાવશે તો તેની ના આવી. વળી ત્રીજી વખત મુકી તો તેમાં ન આવી.

તા. ૧૯મીએ રાતે સ્વપ્નમાં એક ઓરડામાં ત્રિ. બાંક ઉપર સૂતેલી ઉઘાડે માથે. મોડું મારી તરફ રહે નહિ તેમ, સ. ઉભી ઉભી વાત કરે તેની સામાં પણ નહિ. હું ત્રિ. ની પાસે હતો ને સ. આવી હતી. એવું કાંઈ કે ત્રિ. સ. ને સમજાવતી હતી તે તારે ઉગ્ર થવું.

તા. ૨૨મીની રાતે ને ૨૧ મીની વહાણે : એના સંબંધી વિચાર આવ્યા જ કરે. ખસેડયા ખસે નહિ. ક્ષમાના વિચાર, ત્યાગના વિચાર, ક્રોધના વિચાર, દેવાના તેના સંબંધી વ્યવસ્થાને માટે મંડળ કરવાના તેના સંબંધી, વળી કંઈજ કરવું નહિ અવણા ઇત્યાદિ.

તા. ૫ સપટેંબર, ગણેશ ચતુર્થીની રાતે સ્વપ્નમાં સ. સાથે મૈથુન. (જો કે તેના સંબંધી વિચાર ઘણું ખરૂં કાઢી નાખેલ તે છતાં.)

તા. ૩૧ અકટાબર ૧૮૮૪, તાબુતને દહાડે : ગણપતરામે ઘરમાં કહ્યું કે. સ. ને સ. નારાયણ સાથે ટંટો થયો છે ને તે જુદો થયો છે.

સ. ને ત્યાં પાનાચંદની વહુ શું શી બાબત આવે છે?

તા. ૨૯ અપરેલ – ચૈત્ર વદ ૭-૮ રવિ. સુભદ્રાને ડાહીના દેખતાં કહી દીધું કે હું પરદેશ હોઉં કે હૈયાત ન હોઉં ત્યારે તારે તો છોકરા સાથે ડા. થી જુદાં જ રહેવું – એકમેકને મળવું વગરે વહેવાર રાખવો પણ સાથે તો રહેવું જ નહિ. અને ઘણું કરીને મુંબઈમાં જ રહેવું. તારે સુરતની કે સુરતના ઘરની જરા દરકાર કરવી નહિ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.