ન0૧૯૩૮ ના પોષસુદ ૪. તા. ૨૪ મી સપ્ટેંબર ૧૮૮૧ એ હું મુંબઈ આવ્યો અને વૈશાખ વદમાં એ ઘર બંધ કીધું. પાંચ મહિનામાં તારી તરફથી જે જે બનેલું તે તારા કાગળથી અને અમને મળેલી ખબરથી મારા જાણવામાં છે.
મેં મુંબઈથી આવતી વેળા તને સખત મના કરેલી કે તારે તેની સાથે ભાષણ ન કરવું છતાં તે શા માટે કીધું?
ડા0 મના કીધી હતી એ ખરી વાત. તેની દીવાનીના જેવી હાલત દેખીને મને દયા આવી તેથી એને સમજાવવા માટે.
ન0 આપણા ઘરમાં આવતો કે નહિ?
જવાબ કે ‘નહિ.’
ન0 રાતે તું તેડતી હતી કે નહિ?
જવાબ કે ‘નહિ.’
એમ વાત કરતી વેળા તેણે તેનું નાલાયકપણું બતાવ્યું હતું: ‘તે ફુવડ, હીણા મીજાજનો, તેના ઉપર પ્રીતિ કેમ થાય?’
મેં પૂછ્યું કે તું સુરતમાં એકલી રહીશ, ત્યારે કહે, ‘ના.’ મેં કહ્યું, ‘એક ગાળો તારા નામનો કરી આપું છું, તું ત્યાં એકલી રહીશ.’ ત્યારે કહે, ‘ના.’
ન0 એક પ્રસંગ તેં દીવાના સમ ખાધા હતા, ને માત્ર તેને જ માન્યા હતા, બાકી મારા મનમાં સંશય તો ખરો જ. આ બીજે પ્રસંગે તું ઈષ્ટના સોગન ખાવાની ના કહે છે. ગમે તેમ પણ બે પ્રસંગથી જ્ઞાતિના લોકમાં તેં તારૂં જીવતર કલંકિત કીધું છે, હવેને માટે તારી સ્થિતિ સારૂં નિરાશ્રિતપણું જોઈ તારી સાથે મારે કેમ વર્તવું તે વિશે હું બહુ જ અંદેશામાં છું. તું નથી કહેતી કંઈ તો હું કહીશ.
તારી દુર્વાસના ગઈ નથી ને જતી નથી. તું મારી સાથે સત્યથી વર્તતી નથી. તારા ઉપરથી મારો વિશ્વાસ છેક ?ઠી ગયો છે. ગયે વર્ષે માગસર વદમાં કહ્યું હતું કે તું ત્યાગને પાત્ર છે ને આજે માગસર વદમાં પણ મારે તેમ જ કહેવું પડે છે. એક મહિનાની મહેલત આપું છું. તારે હવેને માટે તારો સુધારો કેવી રીતે કરવો છે, તારે તારી નિંદિત વાસનાના ઉપર ધિક્કાર કરવો છે કે નહિ, મારી આજ્ઞા ને કરડી આજ્ઞા પ્રમાણે વર્તવું છે કે નહિ તે વિષે વિચાર કરજે. અને એક અઠવાડિયામાં જો મને તારામાં યોગ્ય સુધારો નહિ જણાય તો તને સુરત અથવા મુંબઈમાં સ્વતંત્રે રાખીશ. લોકમાં છો કહેવાય કે મેં તારો ત્યાગ કીધો. અન્નવસ્ત્ર પૂરાં પાડીશ અને તારાં પલ્લાનાં બદલામાં એક ગાળો તારા નામનો કરી આપીશ.