સુરેશ જોષી: નૂતન આબોહવાના સર્જક – ભોળાભાઈ પટેલ

ગુજરાત સાહિત્ય અકાદમી ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ’ ગ્રન્થશ્રેણી પ્રગટ કરતાં આનન્દ અનુભવે છે.

સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં એક નવી આબોહવા લઈને આવ્યા. વીસમી સદીના છઠ્ઠા દાયકામાં નિરંજન ભગત આદિની કવિતામાં જે આધુનિકતાનો પ્રથમ નવોન્મેષ જોવા મળ્યો તેની એક વ્યાપક આન્દોલન રૂપે પરિપૂર્તિ સુરેશ જોષીના સાહિત્યિક પ્રયોગો અને પ્રયાસોથી થાય છે, ત્યાર પછીના ત્રણેક દાયકા પર્યન્ત સમકાલીન ગુજરાતી સર્જન-વિવેચનની પ્રવૃત્તિને આ પ્રયોગો પ્રભાવિત કરે છે.

1957માં પ્રકાશિત સુરેશ જોષીના ‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહથી પૂર્વવર્તી અને પરવર્તી ગુજરાતી સાહિત્યની વિભાજક રેખા સિદ્ધ થાય છે. એ સંગ્રહના પ્રકાશન સાથે ગુજરાતીમાં ટૂંકી વાર્તા લખવાનાં અને તેની મૂલવણી કરવાનાં નવાં પરિમાણો રચાય છે. વાર્તાકાર તરીકે સુરેશ જોષી સતત પ્રયોગશીલ રહ્યા. ચેતનાપ્રવાહ કે ફૅન્ટસી જેવી રચનારીતિઓના વિનિયોગ દ્વારા અનુગામીઓ માટે પણ નવી ટેકનિકનાં સાહસોનું ઇજન દેતા રહ્યા. આજે તેમની કેટલીક વાર્તાઓનું મૂલ્ય ઐતિહાસિક ભલે રહ્યું હોય, પણ ગમે તે ક્ષેત્રના અનુગામીએ એવું મૂલ્ય ચૂકવવું પડે છે. ‘છિન્નપત્ર’ દ્વારા તેમણે વિશિષ્ટ ઊમિર્કથા આપી. ‘મરણોત્તર’ જેવી કૃતિ કોઈ નિશ્ચિત સાહિત્યસ્વરૂપના ખાનામાં બંધાવાનો પ્રતિરોધ કરતી રહી.

સુરેશ જોષીએ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે ઊહાપોહ તેમની આકારવાદી વિવેચનદૃષ્ટિથી જગાવ્યો છે. તેઓએ કહ્યું હતું કે ‘આકાર-રૂપ-રચનારીતિનું સ્થાન ગૌણ છે એમ કહીએ છીએ ત્યારે સાહિત્ય કે કળાની આપણી સમજમાં ક્યાંક ઊણપ રહી ગઈ હોય એવો વહેમ જાય છે.’ પાશ્ચાત્ય નવ્યવિવેચનની જેમ તેમની વિવેચનામાં કૃતિને કેન્દ્રમાં રાખી જે વિશ્લેષણ થયું છે તેમાં કૃતિના રૂપવિધાન-સંઘટનનો મહિમા થયો, એટલે ‘સરસ્વતીચંદ્ર’ રૂપવિધાનની દૃષ્ટિએ તેમને મતે નિષ્ફળ નવલકથા ઠરે છે. ‘સરસ્વતીચંદ્ર’ના એમણે કરેલા વિવેચને આપણા વિવેચકોને એ કૃતિની ફેરતપાસ માટે સંકોર્યા.

કાવ્યકૃતિને જ અનુલક્ષી જે રીતે તેમણે ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાવ્યો, તે જાણે સમકાલીનો માટે નિદર્શનરૂપ બની ગયો. એ નામનું (ગુજરાતી કવિતાનો આસ્વાદ) પુસ્તક આકારવાદી સમીક્ષાના નિકષરૂપ છે. એ રીતે તેઓ નવ્યવિવેચનના પુરસ્કર્તા છે, પરંતુ પછી પોતે ત્યાં ને ત્યાં સ્થિર ઊભા નથી રહી ગયા. વિશ્વસાહિત્યમાં જે જે નવા વિવેચનાત્મક અભિગમો આવતા ગયા, તેની પણ એ સતત વાત કરતા રહ્યા. ખરેખર તો માત્ર વિવેચન જ નહિ, તેમની સમગ્ર સાહિત્યચર્ચા વૈશ્વિક ધરાતલ પર નિર્ભર છે. સાર્ત્ર, કામ્યૂ, કાફકા, દોસ્તોએવસ્કી આદિ સર્જકોની અને અસ્તિત્વવાદ, પ્રતિભાસવિજ્ઞાન, એબ્સર્ડ આદિ સાહિત્યક્ષેત્રે પ્રવતિર્ત દાર્શનિક વિચારધારાની માંડીને વાત કરનાર એમના જેવા પ્રબુદ્ધ સાહિત્યિકો ઓછા જ છે.

‘કિંચિત્’ નામના સાહિત્યિક લેખોના સંગ્રહ સાથે 1960માં ‘જનાન્તિકે’ ખણ્ડમાં તેમણે લલિત નિબન્ધો, રમ્યરચનાખણ્ડો આપ્યા, જે 1965માં એક સ્વતન્ત્ર નિબન્ધસંગ્રહ રૂપે મળ્યા. એ પછી તેમણે અનેક નિબન્ધો લખ્યા છે. ગુજરાતી લલિત નિબન્ધ કાકા કાલેલકરના નિબન્ધોથી એક નવું સોપાન રચે છે. રાવીન્દ્રિક સંસ્પર્શ સાથે આધુનિક બોદલેરીય દૃષ્ટિસૌન્દર્ય અને સામ્પ્રતના કદર્યનું, રોમાંટિક અને આધુનિકનું અદ્ભુત સામંજસ્ય આ નિબન્ધસાહિત્યમાં જોવા મળે છે. કવિતા ક્ષેત્રે પણ તેમણે પ્રયોગો કરી અભિવ્યક્તિની નવી દિશાઓ ખોલવા સમકાલીનોને પ્રેર્યા છે.

ગુજરાતીમાં 1960ની આસપાસ જે સર્જકો-વિવેચકોએ પોતાની સાહિત્યિક કારકિર્દીનો આરમ્ભ કર્યો છે, તે બધાએ સુરેશ જોષીએ આણેલી આધુનિકતાની આબોહવામાં ઊંડા શ્વાસ ભર્યા છે. તેમના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ સાથે તેમનો સંવાદ-વિવાદ ચાલ્યા કર્યો છે. આ વાતાવરણને પોષવામાં ‘ક્ષિતિજ’ સામયિકનો યોગ ઘણો મહત્ત્વનો છે. ‘ક્ષિતિજ’ની આસપાસ એક લેખકવૃન્દ પણ તેમણે તૈયાર કર્યું. સાહિત્ય સાથે અન્ય લલિત કળાઓના સમ્બન્ધોની વાત તેઓ કરતા રહ્યા. જે જે ઉત્તમ લાગ્યું, તેના અનુવાદ સતત તેમની પાસેથી આપણને મળ્યા.

આવા એક સાહિત્યસાધકની સમગ્ર રચનાઓ એક ગ્રન્થાવલિ દ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ધરવાનો ગુજરાતી સાહિત્ય અકાદમીએ સંકલ્પ કર્યો, તે સંકલ્પ આદરણીય ઉષાબહેન જોષી અને તેમના પરિવારની ઉદાર અનુમતિ મળતાં શક્ય બને છે, આ ગ્રન્થાવલિનું સમ્પાદન-સંકલન કરવા માટે પ્રસિદ્ધ સર્જક, વિવેચક અને સુરેશ જોષીના વાઙ્મયના અભ્યાસી શ્રી શિરીષ પંચાલને વિનંતી કરતાં તેમણે તે સ્વીકારી અને સુરેશ જોષીના સમગ્ર સાહિત્યને ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ’ એ નામથી સાત ખણ્ડોમાં સમ્પાદિત કરી આપી છે. ગુજરાત સાહિત્ય અકાદમી આદરણીય ઉષાબહેનનો, તેમના પરિવારનો અને શ્રી શિરીષ પંચાલનો અત્યન્ત આભાર માને છે. આ ભારે જહેમતના કામમાં શ્રી ગુલામમોહમ્મદ શેખ અને શ્રી જયદેવ શુક્લનો તેમ જ મિત્રવૃન્દનો સક્રિય સહયોગ મળ્યો છે તેમના પ્રત્યે પણ અકાદમી આભાર વ્યક્ત કરે છે. ઉત્તમ મુદ્રણ માટે શ્રી યુયુત્સુ પંચાલ અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રાકેશ દેસાઈ પણ અભિનન્દનને પાત્ર છે.

આશા છે કે ગુજરાતી ભાષાના દેશ-વિદેશ-સ્થિત સૌ સહૃદય ભાવકો સુરેશ જોષીના આ સાહિત્યવિશ્વનું ઉમળકાભેર સ્વાગત કરશે.

ભોળાભાઈ પટેલ

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.