આજે હું તારા અન્ધકાર સાથે બોલીશ

આજે હું તારા અન્ધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અન્ધકાર,
તારા કેશકલાપનો કુટિલ સન્દિગ્ધ અન્ધકાર,
તારા ચિબુક પરના તલમાં અન્ધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અન્ધકારને
હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અન્ધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અન્ધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વૃક્ષની શાખામાં ઓતપ્રોત અન્ધકારનો અન્વય
તારાં ચરણને શીખવીશ.
આજે હું અન્ધકાર થઈને તને ભેદીશ.

એપ્રિલ: 1963

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.