113 જિયુસિપ્પે ઉન્ગારેત્તિ

 

મૌન

1

 

સાંભળ, હું – તારો પ્રિયતમ – મારા હાથ

તારી તરફ ઊંચા કરું છું: આછો ફરફરાટ…

આ એકાન્તમાં પ્રગટ થતી મારી ભાવમુદ્રા

કોઈ સાંભળી જશે તો એમાંથી શું શું શોધી કાઢશે?

 

સાંભળ, પ્રિયતમા, હું મારી આંખો બંધ કરું છું;

ને એને બંધ કરવાનો આછો અવાજ પણ તું સાંભળશે,

સાંભળ, પ્રિયતમા, હવે એ આંખો ખૂલી જાય છે…

– કેમ, જાણે તું અહીં મારી પાસે છે જ નહીં?

 

મારી નાનામાં નાની ગતિની મુદ્રા

એ રેશમી મૌન પર અંકાઈ જાય છે;

આછી શી ઊમિર્ વિસ્તરેલી દૂરતાના પડદા પર

ભુંસાય નહીં એવી રીતે અંકાઈ જાય છે.

મારા શ્વાસ પર તારાઓ ઊગે છે ને અસ્ત પામે છે – અવિરત.

સૌરભ મારા હોઠને ચૂમીને તૃપ્ત થાય છે ને

દેવદૂતના હાથની હું દૂરથી ઝાંખી કરું છું.

જેનું મનમાં સતત રટણ કર્યા કરું છું તે તું જ અહીં દેખાતી નથી.

 

એતદ્: જાન્યુઆરી, 1977

2

 

જીવનનો મર્મરભર્યો લુબ્ધ વિષાદ

એકસૂરીલો ગર્જતો ઊછળતો સાગર

પણ એકાન્તહીણો.

 

ઢળી પડેલા ધાન્યના રૂંધાયેલા રણકાર

ઉનાળો,

તું તણખાઓનું માંસ ઊતરડીને પડછાયાના ચક્રપથમાં હોમે છે

જાગ, ખણ્ડેરના સ્તમ્ભોમાં, રાખમાં…

 

કયા ઇરેબસે તને ઘોંઘાટ કરીને ઢંઢોળ્યો?

 

3

 

ફરીથી હું તારું એ અલસ મુખ જોઉં છું

(રાત્રિનો સમુદ્ર એને મળવા ઊછળે છે ખરો)

ને તારા ઉરૂનો અશ્વ

પીડાથી હ્રેષા કરે છે

એનો ધ્વનિ મારા ગીતઝંકૃત બાહુમાં સમાઈ જાય છે.

ફરી તને નિદ્રાના ઘેનમાં ઢળી પડતી જોઉં છું

એ નિદ્રા નવા રંગો ને નવીન મરણોમાં તને પાછી વાળે છે.

પછીનું ક્રૂર એકાન્ત

જે સૌ કોઈ પોતાનામાં ખોળ્યા લીધા વિના રહી

શકતું નથી (જો એ સાચેસાચ પ્રેમ કરતો હોય

તો) તે એકાન્ત હવે તારી ને મારી વચ્ચે

સદાયને માટે આપણને વિભક્ત કરતું છવાઈ જાય છે.

પ્રેમ દેખાય છે દૂર દૂર – જાણે કોઈક દર્પણમાં.

 

4

 

સમય મૂક છે.

સમય મૂક છે કાંઠા પરના નેતરના ઝુંડમાં

 

ધક્કાથી દૂર નાનકડી હોડી રખડ્યા કરે છે,

થાકીને લોથ થઈ ગયા છે હલેસાં મારનારાઓ…

આકાશ… બાષ્પમય ઊંડાણોના ભંગાર જેવું,

સ્મૃતિની કિનાર પર નાહકનું વિસ્તરેલું

ઢળી પડવું એ જ કદાચ દયાભર્યું ગણાય.

એને નો’તી ખબર

આ આપણું મન અને આ જગત – એક જ ભ્રાન્તિ

એનાં મોજાંનાં રહસ્યોમાં

સૌ પાથિર્વ અવાજ વહાણની જેમ ખરાબે ચઢી જાય છે.

 

5

 

હવે સાગર હીબકાં ભરતો નથી કે મર્મરવ પણ કરતો નથી.

સ્વપ્નહીન, રંગહીન ક્ષેત્ર જેવો સમુદ્ર

દયાજનક સમુદ્ર

સમુદ્ર

અપારદર્શી વાદળો સાગરમાં સંચાર કરે છે

વિષાદની ઝાંયને સમુદ્ર પોતાની કાયા સોંપે છે.

મૃત, જુઓ તો, પડ્યો છે સમુદ્ર.

 

એતદ્: એપ્રિલ, 1978

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.