65 નગ્ન નિર્જન હાથ

 

ફરી વાર અન્ધકાર ગાઢ થઈ ઊઠ્યો છે:

પ્રકાશની રહસ્યમયી સહોદરાના જેવો આ અન્ધકાર.

 

જેણે મને ચિરદિન ચાહ્યો છે

ને છતાં જેનું મુખ મેં કોઈ દિવસ જોયું નથી,

તે નારીના જેવો

ફાગણના આકાશે અન્ધકાર નિબિડ થઈ ઊઠ્યો છે.

 

યાદ આવે છે કોઈક વિલુપ્ત નગરીની વાત

એ નગરીના એક ધૂસર પ્રાસાદની છબિ જાગી ઊઠે છે ઉરે.

ભારતસમુદ્રને તીરે

કે ભૂમધ્યસમુદ્રને કિનારે

અથવા ટાયર સિન્ધુને કાંઠે

આજે નહિ, કોઈ એક નગરી હતી એક દિવસ,

કોઈ એક પ્રાસાદ હતો;

મૂલ્યવાન અસબાબથી ભરેલો એક પ્રાસાદ

ઇરાની ગાલીચા, કાશ્મીરી શાલ, બેરિન તરંગના સુડોળ મુક્તા પ્રવાલ,

મારું વિલુપ્ત હૃદય, મારી મૃત આંખો, મારાં વિલીન સ્વપ્ન-આકાંક્ષા,

 

અને તું નારી –

આ બધું જ હતું એ જગતમાં એક દિવસ.

ખૂબ ખૂબ નારંગી રંગનો તડકો હતો,

ઘણા બધા કાકાકૌઆ ને પારેવાં હતાં,

મેહોગનીનાં છાયાઘન પલ્લવો હતાં ખૂબ ખૂબ;

 

પુષ્કળ નારંગી રંગનો તડકો હતો,

પુષ્કળ નારંગી રંગનો તડકો;

ને તું હતી;

તારા મુખનું રૂપ શત શત શતાબ્દી મેં જોયું નથી,

શોધ્યું નથી.

 

ફાગણનો અન્ધકાર લઈ આવે છે એ સમુદ્ર પારની કથા,

અદ્ભુત ખિલાન અને ગુંબજોની વેદનામય રેખા,

લુપ્ત નાસપતિની વાસ,

અજસ્ર હરણ અને સિંહના ચામડાંની ધૂસર પાણ્ડુલિપિ,

ઇન્દ્રધનુ રંગની કાચની બારીઓ,

મોરના કલાપના જેવા રંગીન પડદા પછી પડદા પાછળ

એક પછી એક અનેક દૂર દૂરના ઓરડાઓનો

ક્ષણિક આભાસ –

આયુહીન સ્તબ્ધતા અને વિસ્મય.

 

પડદા પર, ગાલીચા રતુમડા તડકાનો વિખરાયેલો સ્વેદ,

રાતા જામમાં તરબૂજનો મદ!

તારો નગ્ન નિર્જન હાથ;

 

તારો નગ્ન નિર્જન હાથ.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.