154 ઋતુસંહાર

 

બેઠાં હતાં આપણ બે વસન્તે,

અનેક રંગી કુસુમોની સંગે;

તેં ખોલીને કંચુકીબંધ ત્યારે

બતાવ્યું’તું કૌસ્તુભ શું વિરાજતું

વક્ષસ્થળે કોઢનું શ્વેત લાંચ્છન,

કેવી હતી એ ક્ષણ ધન્ય શોભન!

 

ગ્રીષ્મે ત્યહીં આમ્રતરુનિકુંજે

ગાવા ગયાં ગોપન ગીત આપણે,

ત્યાં કણ્ઠમાં કોક લપાઈ સૂતો

જાગી ગયો નાગ, શું દંશ દીધો!

ગીતો થયાં અગ્નિની ઝાળ આકરી,

સૂર્યે ય દાઝી ચીસ પાડી કારમી!

 

ઇન્દ્રે વહાવ્યાં જળપૂર જ્યારે

વર્ષામહીં, આપણી પાસ ત્યારે

માગ્યાં હતાં બે બસ માત્ર આંસુ;

ને તે છતાં યે બની રે ગયું શું!

આખો ય ગોવર્ધન ધારનારની

વળી ગઈ અંગુલિ અશ્રુભારથી!

 

ને યાદ છે તેં શરદે લીધી હઠ

કે નીલિમાનું બસ આંજ અંજન!

ને આંજતાં માત્ર જ એવી ખૂંચી

તારાકણી કે તુજ નેત્ર ધોવા

બે માત્ર અશ્રુ બસ માંગી આણવાં

હું કેટલુંયે રઝળ્યો ભમ્યો અહા!

હેમન્ત આવી હતી કેવી ત્યારે

ડૂમો અજાણ્યો ઉરમાં ભરીને!

ખોળે લઈ થાબડી વ્હાલથી તેં

એનો ઉલેચ્યો સહુ દુ:ખભાર,

આણી મુખે દીપ્તિ કશી સુવર્ણ;

સદૈવ એનો મુજને ય ગર્વ.

 

ખરી ગયું પર્ણ પીળું શિશિરમાં

આવી ઝીલાયું મુજ મસ્તકે ને

એ જોઈને તેં કહ્યું’તું મને કે:

‘મહેશ્વરે યે નહિ હોત ઝીલ્યો

આ ભાર રે દુસ્સહ જીર્ણતાનો!’

આજે સહું છું સ્મૃતિભાર એકલો!

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.